યુનાઈટેડ સ્ટેટ્સનાં ભૂતપૂર્વ રાજ્યકવિ અને સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકનાં વિજેતા લૂઈસ ગ્લીકનું નિધન થયું. એમને અંજલિરૂપે એમના કાવ્ય ‘The Night Migrations’નો મારો અનુવાદ. કવિની ખાસિયત સમાન અતિ સાદગીપૂર્ણ શૈલીમાં સમાયેલી ગહનતાને માણો :
°
રાત્રિનાં સ્થળાંતરો.
આ એ ક્ષણ છે, જ્યારે ફરીથી તમે દેખો છો
પહાડી વૃક્ષનાં નાનાં રાતાં ફળ
અને અંધારભર્યા આભમાં
યાયાવર પક્ષીઓની સ્થળાંતરયાત્રા.
મૃતકો આ નહીં જોઇ શકે
એ વિચારીને હું શોકાતુર છું –
આધારસમી આ સૌ ચીજો
લુપ્ત થાય છે.
અને ત્યારે આત્મા કઈ રીતે આશ્વાસન મેળવશે?
હું પોતાને કહું છું કે કદાચ
એને આવા આનંદની જરૂર નહીં પડે.
કલ્પવું તો અઘરું છે,
પણ કદાચ, ન હોવું, એ જ પૂરતું હશે.
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર