તાજેતરની વતનની મુલાકાત દરમ્યાન દાંડી યાત્રાનો યોગ સાંપડ્યો. તારીખ 6 એપ્રિલ 2020ને દિવસે આ ઘટનાને 90 વર્ષ થશે. દરેક સ્મારકોમાં હોય છે તેવી જ સુંદર સુવિધા આ સ્મારકમાં પણ હતી, જેમ કે માહિતીસભર લખાણો અને ફોટાઓનું પ્રદર્શન અને દ્રશ્ય-શ્રાવ્ય ઉપકરણોથી અપાતી સમજૂતી. પરંતુ મારા પરિવારના વડીલજનોની ભલામણથી એક એવી વિશિષ્ટ વ્યક્તિ અમને આ સ્મારક બતાવવા આવેલ, જેથી કરીને આ મુલાકાત અત્યંત રસપ્રદ અને યાદગાર બની રહી.
અમારા માર્ગદર્શક હતા કાળુભાઇ ડાંગર. ભાવનગર જિલ્લાના પાણિયાળા જેવા એક નાના ગામમાં જન્મ. પ્રાથમિક શિક્ષણ ગામમાં જ. માધ્યમિક શિક્ષણ બસમાં અપ ડાઉન કરીને વાળુકડમાં મેળવ્યું અને ધોરણ 11-12ના અભ્યાસ અર્થે ગ્રામદક્ષિણા મૂર્તિ આંબલા ગયા. ત્યાર બાદ લોકભારતી સણોસરાથી બેચલર ઓફ રૂરલ સ્ટડીઝમાં સ્નાતકની પદવી લઈને અનુસ્નાતકની ઉપાધિ (માસ્ટર ઓફ સોશ્યલ વર્ક) ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાંથી મેળવી. હજુ જ્ઞાન પિપાસા સંતોષાઈ નહોતી તેથી કાળુભાઈએ, ’વિકાસની પ્રક્રિયામાં જમીન ભાગીદારી’ વિષય પર સંશોધન કરી પીએચ.ડી.ની ડિગ્રી ભાવનગર યુનિવર્સિટીમાંથી મેળવી. ગ્રામદક્ષિણા મૂર્તિ આંબલા, લોકભારતી સણોસરા અને ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ એ ત્રિવિધ શિક્ષણ સંસ્થાઓ પાસેથી કાળુભાઈએ ગાંધી વિચાર અને પાયાની કેળવણીના અમીનું આકંઠ પાન કર્યું. તેનો અમલ કરવા 15 વર્ષ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ અને પછાત વર્ગના લોકોમાં જનજાગૃતિ દ્વારા લોક સંગઠનની રચના અને તેના મજબૂતીકરણની પ્રક્રિયાથી ગરીબો સ્વમાનભેર માનવીય જીવન જીવી શકે, તે માટે ક્ષમતાવર્ધનની કામગીરી કરી. ચાર વર્ષ ગુજરાતની સામાજિક સંસ્થાઓ, સરકાર, કોર્પોરેટ સેક્ટર, નાબાર્ડ તથા વિશ્વ બેન્ક દ્વારા અલગ અલગ પ્રકારના સંગઠનોના કર્મચારીઓને તાલીમ આપનાર માસ્ટર ટ્રેનર તરીકે તથા ગુજરાત સરકારની 11 યોજનાઓના થર્ડ પાર્ટી મૂલ્યાંકનની કામગીરી પણ બજાવી. આવી યશસ્વી કારકિર્દીને જુદો વળાંક મળ્યો અને 2011થી દાંડી અને તેની આસપાસના વિસ્તારોમાં ગાંધી વિચારપ્રચારમાં રત રહેવાનો કાળુભાઈએ નિર્ણય કર્યો. કેન્દ્ર સરકાર દ્વારા 80 કરોડના ખર્ચે રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારકનું નિર્માણ થયું, જેની ગરિમા જળવાય તે રીતે કાળુભાઇ તેનું નિષ્ઠાપૂર્વક સંચાલન કરે છે. આટલી ઉચ્ચ શૈક્ષણિક ઉપાધિઓ ગાંઠે બાંધી અને એક કરતાં વધુ મહત્ત્વના ક્ષેત્રોમાં સફળ કારકિર્દીની મૂડી લઈને કાળુભાઇ એક વધુ ક્ષેત્રને ખેડવા નીકળી પડયા. 2011થી દાંડીની સ્વચ્છતા અને પર્યાવરણીય મુદ્દાઓ પર ખૂબ કામ કર્યું. ગાંધીજીનું નામ લીધા વગર દાંડીને ગાંધીમય બનાવતો આદમી તરીકે પોતે ઓળખાય તે તેમને ગમે એવું તેમણે કહ્યું.
સૌ પ્રથમ સૈફી વિલા જોયું.
ગાંધીજી અને તેમના 79 કૂચ યાત્રીઓ 12મી માર્ચ 1930ને દિવસે સાબરમતી આશ્રમથી નીકળી 240 માઈલની યાત્રા 21 પડાવના અંતે પૂરી કરીને 5 એપ્રિલના દિવસે દાંડી પહોંચ્યા ત્યારે ગામમાંના એક માત્ર પાકા મકાન સૈફી વિલામાં રાત વાસો કરેલો. 6 એપ્રિલ 1930ને દિવસે અહીંથી નીકળીને તેમણે નમકના કાયદાનો ભંગ કરેલો. આ મકાન દાઉદી વ્હોરાના 51મા વડા સૈયદ તાહેર સૈફુદ્દીન સાહેબનું હતું. 1961માં વ્હોરા સમાજે જવાહરલાલ નહેરુ દ્વારા આ મકાન દેશને અર્પણ કર્યું અને તેને રાષ્ટ્રીય ધરોહર તરીકે જાળવવા વિનંતી કરી.
સૈફી વિલામાં પ્રદર્શિત ફોટાઓ અને લખાણો અને વિશાળ ખુલ્લા પરિસરમાં ગોઠવેલા મૂર્તિરૂપ દ્રશ્યો જોતાં – વાંચતાં કાળુભાઈની વાક્ધારા અસ્ખલિત વહેતી રહી હતી, તેને આધારે આ લેખ લખાયો છે. હકીકતે નમક સત્યાગ્રહનું બીજ ગાંધીજીના દિમાગમાં 1929માં લાહોરમાં મળેલ કૉન્ગ્રેસ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્યની પ્રતિજ્ઞા લેવાઈ ત્યારે રોપાયેલ. તેમને થયું, બ્રિટિશ શાસનના કયા કાયદા એવા છે જે ભારતની તમામ જનતાને સ્પર્શે. તેઓએ વિચાર્યું કે નમક પકવવા પર અને વેચવા પર પ્રતિબંધ છે એટલું જ નહીં, તેના પર 1,400% કર ઈ.સ.1882થી લાગુ કરવામાં આવ્યો છે. મીઠું એ તો રાય-રંક તમામની પ્રાથમિક જરૂરિયાત છે. આવો ભારે કર અમાનવીય છે. આ હડહડતો અન્યાય છે. સરદાર અને નહેરુએ નમક સત્યાગ્રહની ચળવળ એક કઠિન અને અસંભવ અભિયાન સાબિત થશે તેવું જણાવેલું. પરંતુ દેશભરમાંથી તેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો.
2જી માર્ચ 1930ના ગાંધીજીએ વાઇસરોય લોર્ડ અર્વિનને દસ દિવસમાં કર નાબૂદ કરવા વિનંતી કરી. પણ એ વિનંતીને વાઇસરૉયે નકારી કાઢી. ગાંધીજીએ કહ્યું, મને એમ કે થાળીમાં ભોજન આપશે, તેને બદલે મને પથરા આપ્યા. છેવટ નમકનો કાયદો તોડી, સત્યાગ્રહ કરીને જાતે મીઠું પકવશે અને વેંચશે એની વાઇસરોય લોર્ડ અર્વિનને જાણ કરી. અને એ યોજના પ્રમાણે 12 માર્ચ 1930ને દિવસે 79 સત્યાગ્રહીઓ સાથે કૂચ કરી 5 એપ્રિલ દાંડી પહોંચ્યા, રસ્તામાં લાખો લોકોને સંબોધન કર્યું.
નમક સત્યાગ્રહ માટે દાંડી ગામની વરણી શા માટે કરી તેવા પ્રશ્નના જવાબમાં “દાંડીની પસંદગી ઈશ્વરની છે” એમ ગાંધીજીએ કહ્યું તેવું નોંધાયું છે. ભવિષ્યમાં આ મુદ્દે વિવાદ ન ઊઠે એવો ગાંધીજીનો હેતુ હોઈ શકે, પરંતુ તેમને ઈશ્વર પર કેવી અટલ શ્રદ્ધા હતી અને રાજકીય જીવનમાં પણ તેનો આધાર લેવાનું ચુકતા નહીં એ તેમની આધ્યાત્મિકતાનું સ્તર બતાવે છે. દાંડી ગામના લોકોએ આજથી નેવું વર્ષ પહેલાં અભૂતપૂર્વ સહકાર આપેલો, ત્યાર બાદ લોકોએ જાતે જ ગામના અલગ અલગ સ્થળોને આઝાદ ચોક, ગાંધી માર્ગ વગેરે નામ આપીને એ ઘટનાને ચિરંજીવ કરી. ભારતના બંધારણમાં ગ્રામીણ સ્તર પર પક્ષીય રાજકારણ દ્વારા વહીવટ ન કરવો તેવું ઠરાવેલ, જેનો અમલ આજે સાત સાત દાયકાઓ બાદ અહીં દાંડીમાં થતો જોવા મળે છે. ગંદા રાજકારણને દૂર રાખવા આજે પણ સરપંચ અને પંચાયતના સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવે છે.
6ઠ્ઠી એપ્રિલની વહેલી સવારે ગાંધીજી નમકના કાયદાનો ભંગ કરવા તૈયાર થતા હતા ત્યારે પૂછવામાં આવ્યું, સમુદ્રમાં સ્નાન કરવું જરૂરી છે? તેમણે જવાબ આપ્યો, “આ દાંડી યાત્રા નહીં, ધર્મ યાત્રા છે. સ્નાન-પૂજા વિના કોઈ ધર્મકાર્ય કેમ શરૂ કરાય?” આટલું બોલી, લંગોટીભેર દોડી, ગાંધીજીએ સમુદ્ર સ્નાન કર્યું. માનવ અધિકારની રક્ષા કાજે સત્યાગ્રહ કરવો એ રાજકીય પગલું હતું, પણ તેમણે એને પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ સમજવા પ્રેર્યા.
ગાંધીજીના નમકનો કાયદો તોડવાના હર પ્રયાસોને નિષ્ફ્ળ બનાવવા પોલીસે અગરમાં ભરતીનાં પાણીથી બનેલ કુદરતી મીઠાને માટી સાથે ભેળવી દીધું, છતાં ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને બ્રિટિશ સામ્રાજ્યના પાયામાં લૂણો લગાડ્યો.
સૈફી વિલામાં પ્રદર્શિત તમામ ફોટાઓ અને માહિતીઓ અમે નિરાંતે જોયાં/વાંચ્યાં, પરંતુ તેનું સવિસ્તર વર્ણન સંભવ ન હોતાં થોડી ઝલક આખા પરિસરમાં ઊભી કરેલી સુંદર પ્રતિમાઓ દ્વારા કહેવાતી કથાઓની વાત કહું.
બ્રિટિશ સામ્રાજ્યને હચમચાવનાર કૂચના પ્રારંભ પહેલાં આશ્રમની એક હરિજન બાળકી માંદી હતી તેના ખબર લેવા ગાંધીજી ગયા. કૂચની પૂર્વ સંધ્યાએ સાબરમતીના તટે મોટી સભા થયેલી, અહીં જ તેમણે ‘કાગડા કૂતરાને મૉતે મરીશ, પણ સ્વરાજ્ય લીધા વિના પાછો નહીં ફરું.” એવી ભીષ્મ પ્રતિજ્ઞાની ઘોષણા કરેલી. 17 જુલાઈ 1917 થી 12 માર્ચ 1930 એટલે કે કુલ 1,520 દિવસ ગાંધીજીએ સાબરમતી આશ્રમમાં નિવાસ કર્યો.
ગાંધીજી સાથે કૂચ કરનારાઓની યાદી જોઈ. નમકનો કાયદો તોડવા માટે પસંદ કરાયેલા સત્યાગ્રહીઓ ગુજરાત, મહારાષ્ટ્ર, એકીકૃત પ્રાંતો, કચ્છ, કેરાલા, પંજાબ, રાજપુતાના, મુંબઈ, તામિલનાડુ, આંધ્ર, ઉત્કલ, કર્ણાટક, બિહાર, બંગાળ અને નેપાળના પ્રાંતોમાંથી આવેલા હતા. તેમાં બ્રાહ્મણો અને અછૂત, મુસ્લિમ અને ઈસાઈ, છાત્રો અને પીએચ.ડી.ની ઉપાધિ ધરાવાનારાઓ હતા, તો એક ફિજીનો અને અમેરિકાનો નિવાસી પણ સામેલ હતા. આશ્રમ નિવાસી 16 વર્ષીય છાત્ર સહુથી નાની ઉંમરનો અને ગાંધીજી 61 વર્ષના સહુથી મોટા, બાકી 20 વર્ષની આપસાસની વયના સત્યાગ્રહીઓની ટુકડી બની. તેમાં એક પણ મહિલાને પસંદ કરવામાં ન આવી તેથી આશ્રમમાં રહેતી બહેનો ગાંધીજી પાસે ફરિયાદ લઈને ગઈ. ગાંધીજીએ તેમને પ્રેમથી સમજાવી કહ્યું કે આ કૂચ દરમ્યાન અને કાયદાનો ભંગ કરતી વખતે સરકાર બળનો ઉપયોગ કરે, લાઠીચાર્જ કે બંદૂકના વાર કરે તેવી સંભાવના છે. અંગ્રેજ પ્રજા મહિલાઓ પ્રત્યે શાલીન વ્યવહાર કરવામાં માને, તેથી મહિલાઓને એ ટુકડીમાં જોઈને તેઓ એવો અત્યાચાર કરતા અટકી જાય તો ગાંધીજીએ ઢાલ તરીકે મહિલાઓનો ઉપયોગ કર્યો છે તેવું માનવામાં આવે, જેનાથી આ લડતનો હેતુ માર્યો જાય. “હું તમારી પાસે આનાથી વધુ કપરું અને ભોગ તથા સહનશક્તિ માંગી લે તેવું કામ કરાવવા માંગુ છું.” એમ કહ્યું ત્યારે એ બહેનોને શાતા વળી. થોડા સમય બાદ ગાંધીજીએ દારૂ નિષેધની ચળવળનો આરંભ કર્યો ત્યારે બહેનોને દારૂના પીઠા પર પિકેટિંગ કરવા મોકલીને પોતાના વચનનું પાલન કરેલું.
ગામેગામ મોટી સંખ્યામાં એકઠી થતી મેદનીને સંબોધન કરતાં દ્રશ્યો જોયાં. ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓની એક ‘અરુણ ટુકડી’ બનેલ, જેઓ ગાંધીજી પહોંચવાના હોય તે ગામ અગાઉથી જઈને લોકોને મળીને ત્યાં કેટલા લોકો દારૂ બનાવે છે, કેટલા લોકો દારૂ પીએ છે, કેટલી છુઆછૂત છે, કેટલા લોકો રેંટિયો કાંતે છે અને કેટલા લોકો સરકારી નોકરી કરીને સરકારની ગુલામી કરે છે તે જાણી લેતા. બધી વિગતોની જાણ ગાંધીજીને કરવામાં આવતી અને તે મુજબ તેઓ સભાઓમાં મીઠાના કર ઉપરાંત અસ્પૃશ્યતા અને દારૂબંધી જેવા મુદ્દાઓને આવરીને સંબોધન કરતા. આવી સભાઓમાં કેટલાક તલાટી અને મુખીઓએ સરકારી ગુલામી છોડી દેવાના પ્રણ લઈને રાજીનામાં આપ્યાનું નોંધાયું છે.
ગાંધીજીના મૌનવાર-સોમવારને દિવસે અન્ય કૂચયાત્રીઓ સ્થાનિક લોકોને અહિંસક સંઘર્ષનો મર્મ સમજાવતા હોય કે માથા પર ફાનસ લઈને જતા મજૂરો અને કૂચયાત્રીઓ માટે ફળો અને શાકભાજી લાવતા ટ્રક આવતા હોય તેવી ઝાકઝમાળ જોઈ અત્યંત દુઃખી થઈને ભાટ ગામની સભામાં આત્મદર્શનની ઈચ્છા કરતા અને સાથીઓને પણ તેમ જ કરવા જણાવતા ગાંધીજી હોય, એ બધાં દ્રશ્યો તાદ્રશ્ય લાગે.
જનતાનો સાથ કેવો હતો એ જાણીએ. દેશભરમાંથી આશરે 60,000 લોકોની ધરપકડ થયેલી. જે લોકો કાયદાના ભંગમાં સીધો હિસ્સો ન લઇ શક્યા તેવા મારગમાં આવતાં ગામના લોકોએ યથાશક્તિ મદદ કરી. કપ્લેથા ગામના હિન્દુ-મુસ્લિમોએ બળદ ગાડાથી બનવેલ સેતુ પરથી યાત્રીઓએ મીંઢોળા નદી પાર કરી. એક બાળકીએ પોતાની હાથીદાંતની બંગડી દાનમાં આપી. એક બપોરે વાળંદ ગાંધીજીની હજામત કરી રહ્યા છે, મોચી ચંપલ સાંધી રહ્યા છે અને મુસ્લિમ સમાજના સભ્યો ગાંધીજીને મળીને આ સંઘર્ષમાં પૂર્ણ હૃદયથી ટેકો આપવાની ખાત્રી આપી રહ્યા છે એ દ્રશ્યો ગાંધીજી અને પ્રજા વચ્ચે બંધાયેલ અતૂટ વિશ્વાસનો અહેસાસ કરાવે છે.
એક ગામમાં બેઠક દરમ્યાન અસ્પૃશ્યો માટે બેસવાની નોખી વ્યવસ્થા જોઈને વ્યથિત થયેલ ગાંધીના સંકેતાનુસાર કૂચાયાત્રીઓ ઊભા થઈને અસ્પૃશ્યો બેઠા હતા ત્યાં બેસી ગયા. એ જ રીતે 105 વર્ષની મહિલા ગાંધીજીને જલદી સ્વરાજ મેળવી વિજયી બનીને પાછા આવવાના આશીર્વાદ આપે છે. આ અને આવા નાના કહી શકાય તેવા છતાં પ્રજાની ભાગીદારીને વ્યક્ત કરતા પ્રસંગોને પણ કંડારવામાં આવ્યા છે.
નમકના કાયદાનો ભંગ કર્યા બાદ, ગાંધીજીની 5 મેના ધરપકડ થઇ અને તેમને યરવડા જેલ લઇ જવામાં આવ્યા. 21મી મેના દિને સરોજિની નાયડુની આગેવાની નીચે 2,500 સત્યાગ્રહીઓએ મુંબઈથી 150 માઈલ ઉત્તરે આવેલ ધારાસણા મીઠાના કારખાના પર કૂચ કરી. આ લડતનો ઇતિહાસ જાણનારાઓને સ્મરણ હશે કે બ્રિટિશ સરકારે સત્યાગ્રહીઓ પર અત્યાચાર કરવામાં ક્યાં ય કચાસ નહોતી રાખી. અમેરિકન ખબરપત્રી વૅબ મિલરે આપેલ આ ઘટનાના ચિતારથી આખી દુનિયા બ્રિટિશ કાયદા વિરુદ્ધ જાગૃત થઇ. જોવાનું એ છે કે 1931માં ગાંધી-લોર્ડ અર્વીન કરાર થયા બાદ મીઠું પકવવા અને વેંચવા પર પ્રતિબંધ હઠાવી લેવામાં આવ્યો, પરંતુ તેના પરનો કર છેક 1947માં દૂર કર્યો!
હવે થોડું આ સ્મારક કેમ બન્યું તે વિષે. નમક સત્યાગ્રહ સ્મૃતિ સ્મારક બનાવવાનું આયોજન કરવાનો પ્રસ્તાવ સોનિયા ગાંધી અને મનમોહન સિંહે તેમની મુલાકાત દરમ્યાન મુકેલો. 2014માં એ પ્રકલ્પ પૂરો થયો. IIT મુંબઈના વિદ્યાર્થીઓએ સિલિકોન બ્રૉન્ઝમાંથી નાની મોટી તમામ પ્રતિમાઓનું નિર્માણ ભારે કુશળતાથી કર્યું છે. એ માટે એ વિદ્યાર્થીઓએ કશું મહેનતાણું નથી લીધું એટલું જ નહીં, એ ખાસ મોટા મેદાનમાં પથરાયેલ સમગ્ર પ્રદર્શનમાંની એકેએક મૂરતના ચહેરા પરના સળ, હાવભાવ અને સપ્રમાણ ભંગીઓ જોતાં ખ્યાલ આવે કે મૂર્તિ કંડારનારાઓએ એ તમામ બાબતોનો ઝીણવટથી અભ્યાસ કર્યો હશે. ગાંધીજીના 79 સાથીદારોમાંથી શક્ય બન્યા તેટલાના કુટુંબીઓ પાસે જઈ, સત્યાગ્રહમાં ભાગ લેનાર વ્યક્તિના ફોટાઓ જોઈ, તેમની વાતો સાંભળીને પૂરા કદની પ્રતિમાઓ બનાવી છે એ જાણીને એ શિલ્પકારોને ધન્યવાદ આપવા મન થયું.
આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અહીં સૂર્ય ઉર્જાથી પેદા થતી વીજળીનો જ ઉપયોગ કરવામાં આવે છે તે જોયું. પ્રેસ્ટિજના નાના કુંભમાં દરિયાનું ખારું પાણી નાખીને મુલાકાતીઓ વીજળીની સહાયથી મીઠું પકવીને સાથે લઇ જઈ શકે તેવી વ્યવસ્થા છે.
સ્મારકના છેવાડે બે ઊંચા સ્તંભ પર મીઠાનો કણ (ક્રિસ્ટલ) રાખવામાં આવ્યો છે જે રાત્રે લેઝર કિરણોથી ચમકીને નમક સત્યાગ્રહ મારફત ગુલામીની જંજીરો તોડવાના પ્રયાસની ઘટનાની યાદ અપાવે છે તે પણ દિવસની સૂર્યની ચકાચૌંધ કરી દેતી રોશનીમાં જોયું.
ગાંધી 150ના વર્ષમાં રાજકોટની મહાત્મા ગાંધી વિદ્યાલયમાં બનાવેલ નવું મ્યુઝિયમ જોયું અને પોરબંદરમાં કસ્તૂરબાનું જન્મ સ્થળ તથા કીર્તિ મંદિરની મુલાકાત લીધી. નમક સત્યાગ્રહ સ્મારકની યાત્રા ખૂબ આલ્હાદ્ક અને માહિતીપ્રદ રહી. અહીં એક વાતનો ઉલ્લેખ કરું. અમારો ટેક્સી ડ્રાઈવર કહે, “બહેન, આ જગ્યા ક્યોં આવી છે તે તો હું જાણું, બહુ બધી વાર બધાને જોવા લઈ જયેલો છું.” મેં પૂછ્યું, તમે જોયું છે આ સ્મારક? જવાબ નકારમાં હતો, જે અપેક્ષિત હતું. મેં તેમની ટિકિટ ખરીદી અને કહેતાં આનંદ થાય છે કે એ ડ્રાઈવરે રસપૂર્વક બધું ધ્યાનથી જોયું અને સાંભળ્યું અને સંવાદમાં ભાગ પણ લીધો! રાજકોટ સ્થિત મ્યુઝિયમ જોવા ગયા ત્યારે રિક્સાચાલક પાસે પણ સપરિવાર આ મ્યુઝિયમ જોવા આવવાનું વચન લઈને જ તેનું ભાડું ચુકવ્યું. હવેની ખેપમાં જે રિક્સાચાલકને ક.બા. ગાંધીનો ડેલો ક્યાં આવ્યો તેની જાણ નથી અને ત્યાં શું છે તેની ખબર નથી તેને લઈને અંદરથી બતાવવા ધારું છે.
ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના ઇતિહાસમાં અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવનાર મીઠા જેવી મામૂલી વસ્તુ માટે છેડેલ આ સત્યાગ્રહની વિગતો અને તેને પ્રદર્શિત કરતી કલાત્મક કૃતિઓ જોતાં નીચેની પ્રતિમાને વંદન કરીને વિદાય લીધી.
e.mail : 71abuch@gmail.com