રાષ્ટ્રકુળ (કૉમનવેલ્થ) રમતોનો પૂર્ણાહૂતિ સમારંભ આજે બપોરે બાર વાગ્યે યોજાશે. આ સ્પર્ધાઓમાં આપણા દેશના મહિલા અને પુરુષ ખેલાડીઓ 22 સુવર્ણ ચન્દ્રક, 16 રૌપ્ય 23 કાંસ્ય એમ કુલ 61 ચંદ્રકો જીત્યાં.
આ રમતોત્સવ થકી આપણે એવા ભારતને, અને આ દેશના એવા ખેલાડીઓને જાણતા થયા કે જેમને કદાચ આપણે ક્યારે ય ન જાણી શક્યા હોત. વળી આ ખેલાડીઓના કેટલાક કિસ્સાઓ પરથી જિંદગીના પાઠ ભણવા મળ્યા.
• આફતો અટકાવી ન શકે : વેઈટલિફ્ટિન્ગ કેડ ભાંગી નાખનારી રમત છે, અને તેના મોટા ભાગના ખેલાડીઓ ગરીબ પરિવારોના હોય છે.
હરજિન્દર જમીનવિહોણા ખેડૂતની દીકરી છે. તેના બાવડા ચૅફ-કટિન્ગ મશીન પર કામ કરીને મજબૂત બન્યાં છે.
અત્યારે 20 વર્ષના અચિન્તા શેઉલીના પેડલરિક્ષા ચલાવનાર પિતા અવસાન પામ્યા ત્યારે તે દસ વર્ષનો હતો. પછી તે ખેતમજૂરી અને ભરત-ગૂથણનું કામ કરીને પેટિયું રળતાં વેઇટ લિફ્ટન્ગની સાધના ચાલુ રાખીને સુવર્ણ ચન્દ્રક જીત્યો. તેની સાથેના ગુરુરાજા પૂજારીના પિતા લારી ખેંચતા.
રૌપ્ય ચન્દ્રક લાવનાર સંકેત સાગરના પિતાનો ચાનો ગલ્લો છે જેની પર નાનપણમાં સંકેત પણ બેસતો.
• ઇજા પર જીત : ખૂન-પસીના-દર્દ વેઈટલિફ્ટરની જિંદગીનો હિસ્સો હોય છે. બે વેઈટલિફ્ટર્સ તેમની ઇજાને કોરાણે મૂકીને ચન્દ્રકો જીત્યા. મિઝોરામનો જેરેમિ લાલરિનુંગા હજુ તો 19 વર્ષનો છે. તે સખત પીડા અને ક્રૅમ્પ્સ સહન કરીને સુવર્ણ ચન્દ્રક લાવ્યો.
મહારાષ્ટ્રના સાંગલીનો સંકેત ખભો ઊતરી ગયેલી હાલતમાં રૌપ્ય ચન્દ્રક જીત્યો. ઇજા પામનારા માત્ર વેઇટલિફ્ટર્સ જ નથી. જેમ કે મણિપુરની જુડો ખેલાડી સુશીલા દેવી જમણા પગે અને ઢીંચણે આવેલા ટાંકાની પરવા કર્યા વિના રૌપ્ય ચન્દ્રક જીતી.
• પરિવારનો ટેકો મોટો : અચિન્તાના મોટાભાઈ આલોકે વેઈટલિફ્ટિન્ગમાંની પોતાની મહાત્ત્વાકાંક્ષાને જતી કરીને ભાઈને પ્રોત્સાહન આપ્યું, અને એટલે અચિન્તાએ તેનો ચન્દ્રક ભાઈને અર્પણ કર્યો.
સુવર્ણ ચન્દ્રક જીતનાર બૉક્સર નીતુ ઘંઘાસના પિતાએ દીકરીની રમતની તાલીમ સારી રીતે ચાલી શકે તે માટે ત્રણ વર્ષની પગાર વિનાની રજા લીધી. લાંબી કૂદમાં રૌપ્ય ચન્દ્રક જીતનાર મુરલી શ્રીશંકરે તેનો ચન્દ્રક પિતાને અર્પણ કર્યો છે.
• ધીરજનાં ફળ મીઠાં : ઊંચી કૂદના ખેલાડી તેજસ્વીન શંકરને પહેલાં તો કૉમનવેલ્થ ગેમ્સની ટુકડીમાંથી બાકાત રાખવામાં આવ્યો હતો. દિલ્હીના આ 23 વર્ષના ખેલાડીને અદાલતમાં જવું પડ્યું. રમતોત્સવનો ઉદ્દઘાટન સમારંભ તેણે ભારતમાં બેસીને જોયો. તેને ઘણી માનસિક યાતના વેઠવી પડી. આખરે અદાલતના આદેશથી રમતમાં ભાગ લઈ શકેલો તેજસ્વીન રાષ્ટ્રકુલ રમતોમાં ઊંચી કૂદમાં ચન્દ્રક જીતી લાવનાર દેશનો પહેલો ખેલાડી બન્યો.
• નવો ઘોડો નવો દાવ : લૉન બૉલ રમતની કપ્તાન રૂપા રાણી તિર્કી એક જમાનામાં કબડ્ડીની ખેલાડી હતી અને નયનમોની સાઇકિયા વેઇટલિફ્ટર અને લવલી ચૌબે સ્પ્રિન્ટર હતી. પિન્કી સિંગ ક્રિકેટ રમતી હતી.
આ ખેલાડીઓ તેમની પહેલાં પસંદ કરેલી રમતમાં એક યા બીજા કારણસર કારકિર્દી બનાવી શકી નહીં. પણ તેઓ એક નવી રમત લૉન બૉલમાં પરોવાઈ અને સુવર્ણ ચન્દ્રક જેવી મોટી સિદ્ધિ હાંસલ કરી. હરજિન્દર કૌર કબડ્ડીમાંથી વેઈટલિફ્ટન્ગ તરફ વળી.
• ઉંમર તો માત્ર એક આંકડો છે : લૉન બૉલ વિજેતા ટીમની પિન્કી અને લવલી 42 વર્ષની છે. ટેબલ ટેનિસમાં સુવર્ણ જીતનાર અચન્તા શરથ કમલ 40 વર્ષની ઉંમરે પણ બેમિસાલ છે. કૉમવેલ્થ ગેમ્સમાં સ્ક્વૅશની રમતમાં મિક્સ્ડ ડબલ્સમાં કાંસ્ય ચન્દ્રક જીતનાર પહેલો ભારતીય ખેલાડી સૌરવ ઘોશાલનો આજે છત્રીસમો જન્મદિવસ છે.
*****
ઘણાં વિજેતાઓ ખૂબ અંતરિયાળ ગામો અને નાના કસબામાંથી આવે છે. તેમાંથી કેટલાક પૂનાની આર્મી સ્પોર્ટસ ઇન્સ્ટિટ્યૂટ અને પતિયાળાની નેતાજી સુભાષ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પોર્ટસમાં તાલીમ પામેલા છે. કેટલાકને સરકારની Target Olympic Podium Scheme (TOPS) જેવી યોજનાનો લાભ મળ્યો છે. આ બાબત છે રમતક્ષેત્રે અને ખાસ કરીને પૈસો-પ્રસિદ્ધિ,ચમકદમક ન હોય તેવી રમતોમાં સરકારના ટેકાની મહત્તા બતાવે છે.
લાંબી વિઘ્નદોડ જેવી સ્ટીપલચેઇઝ સ્પર્ધામાં કેન્યાને અત્યાર સુધી ભાગ્યે જ કોઈ હરાવી શક્યું હતું. આ દોડની શ્વાસ ઊંચો કરી દેનારી હરીફાઈમાં મહારાષ્ટ્રના બીડ જિલ્લાના માંડવા ગામના, ખેડૂતપુત્ર અવિનાશ સાબળેએ રૌપ્ય ચન્દ્રક જીત્યો. અવિનાશની જેમ ભારત દેશે પણ પોતાનો વેગ અને પોતાનું ધ્યેય ઊન્નત રાખવાં જોઈએ.
ટ્રિલિયન ડૉલર અર્થતંત્ર ઊભું કરવાની અને વિશ્વગુરુ બનવાની મહત્ત્વાકાંક્ષા સેવતા આપણા દેશની રાષ્ટ્રકુળ રમતોની સિદ્ધિના આનંદમાં જરૂર રાચી શકાય. પણ ન ભૂલીએ કે અવિનાશ સાબળેની અજેય જણાતા કેન્યાના ખેલાડી સામેની સફળતામાં તેણે અમેરિકામાં મેળવેલી તાલીમનો હિસ્સો છે. મહિલાઓની ક્રિકેટની અને પુરુષોની હૉકીની અંતિમ સ્પર્ધામાં કટોકટીની ક્ષણે આત્મવિશ્વાસનો અભાવ ઊભો થયો હતો. પહેલાં જણાવ્યું તેમ તેજસ્વીનને અદાલતનો આશરો લેવો પડ્યો હતો.
એ પણ નોંધવું જોઈએ કે આ પહેલાંની ત્રણ રાષ્ટ્રકુળ રમતોમાં ભારતે અત્યાર કરતાં વધારે ચન્દ્રકો જીત્યાં હતાં અને અત્યારે મેળવેલું ચોથું સ્થાન 2002માં પણ મેળવ્યું હતું. દેશની લોકસંખ્યા તેમ જ તેના કદ અને અર્થતંત્રના પ્રમાણમાં નિષ્ણાતો આપણી પાસે વધુ સારી કામગીરીની અપેક્ષા રાખે છે. બહુ ઓછા મા-બાપ સંતાનની કારકિર્દી તરીકે રમતગમતને પસંદ કરે છે. રમતગમતમાં વધુ સહભાગિતા તેમ જ વિશ્વકક્ષાની કામગીરી માટે વધુ ધનરાશિ, વ્યવસાયકુશળ (પ્રોફેશનલ) સંચાલન અને રમતો દ્વારા રોજગારીની તકો ઊભી થાય તેવા આયોજનની જરૂર છે. હવે પછીનો પડકાર બરાબર એક વર્ષ પછી ચીનમાં યોજાનારી એશિયન રમતો છે.
લાંબી વિઘ્નદોડ જેવી સ્ટીપલચેઇઝ સ્પર્ધામાં કેન્યાને અત્યાર સુધી ભાગ્યે જ કોઈ હરાવી શક્યું છે. આ રમતની શ્વાસ ઊંચો કરી દેનારી હરીફાઈમાં મહારાષ્ટ્રના બીડ જિલ્લાના માંડવા ગામના, ખેડૂતપુત્ર અવિનાશ સાબળેએ રૌપ્ય ચન્દ્રક જીત્યો. અવિનાશની જેમ ભારત દેશે પણ પોતાનો વેગ અને પોતાનું ધ્યેય ઊન્નત રાખીને ચીનની એશિયન રમતોમાં ભાગ લેવાનો રહે.
*****
આધાર : “The Times of India”, ‘India Celebrated the India We Barely Knew’ by Avjit Ghosh, 8 August 2022 ; ‘On Track for More’ 9 August 2022
9 ઑગસ્ટ 2022
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર