
હેમન્તકુમાર શાહ
સોનમનો રાજા અને સોનમનો રાજ બંને ગયા! સોનમે પોતાના રાજને મેળવવા અને પોતાનું પ્રેમરાજ સ્થાપવા લગ્નથી પતિ બનેલા રાજાને રહેંસી નાખ્યો. ઇન્દોરની પ્રેમકહાનીનો મેઘાલયમાં તાજેતરમાં અંત આવ્યો. આજકાલ એની ક્રાઈમ સ્ટોરીની ચર્ચાનું બજાર ધમધમે છે.
સવાલ એ છે કે સોનમને પોતાના પતિ રાજાની હત્યા કરવાની નોબત કેમ આવી? કારણ કે એને એના પ્રેમી સાથે જીવવા દેવાનો ઇન્કાર કરવામાં આવ્યો એટલે જ ને?
૨૦૨૨નો NCRBનો અહેવાલ એમ કહે છે કે દેશમાં જે હત્યાઓ થાય છે તેમાં ત્રીજે ક્રમે કારણ હોય છે રોમેન્ટિક પ્રેમ.
પ્રેમ હત્યાનું કારણ હોય એવા કિસ્સા કુલ ખૂન કેસમાં ૨૦૧૦-૧૪માં ૭થી ૮ ટકા હતા. એ પ્રમાણ ૨૦૧૬-૨૦માં વધીને ૧૦થી ૧૧ ટકા થયું છે. આજે કદાચ એનાથી પણ વધારે હોઈ શકે.
લો બોલો, હિંદુ રાષ્ટ્ર બનવા થનગની રહેલા ભારતમાં પ્રેમસંબંધને લીધે થતી હત્યાઓ વધી રહી છે.
ભગવાન કૃષ્ણની તેમની પ્રેમિકા રાધા સાથેની મૂર્તિઓ સાથેનાં મંદિરોમાં બંનેની પૂજા કરતાં હિંદુઓ થાકતા નથી. રાધે રાધે બોલીને તો મથુરાના રિક્ષાવાળાઓની જીભ ઘસાઈ જાય છે અને ત્યાં જતા લોકો એનું ગૌરવ લે છે. પણ હિંદુઓમાં પ્રેમ કરવાની આઝાદી નથી. કમાલ છે! ખાડામાં નાખો આ હિન્દુ સંસ્કૃતિને.
રોમેન્ટિક પ્રેમ કરવો એ મનુષ્યની મૂળભૂત વૃત્તિ છે. એ ગમે ત્યારે, ગમે તેને, ગમે તે ઉંમરે થઈ શકે. એની આઝાદી હોય જ. કોણે કોની સાથે કેટલું જીવવું એ નક્કી કરનારા કુટુંબ કે સમાજ કે રાજ્ય હોઈ શકે જ નહીં. આ મૂળભૂત આઝાદી આપવાનો ઇન્કાર એટલે મનુષ્યના અસ્તિત્વનો ઇન્કાર અને એને ગુલામ બનાવવાની માનસિકતા.
જેઓ હત્યા કરી શકતા નથી તેઓ પોતાના આંતરિક મનની હત્યા કરીને આખી જિંદગી જીવે છે. વિખ્યાત અંગ્રેજ કવિ પર્સી શેલી કહે છે કે “જ્યારે પ્રેમ મરી જાય છે ત્યારે આપણી અંદરનો એક માણસ મરી જાય છે.”
આવા મરેલા માણસોથી હિંદુ સમાજ ભરેલો છે. ना उम्र की सीमा हो, ना जन्म का हो बंधन એવું ગાવાનું ખરું અને પછી આખી જિંદગી રોવાનું. ધર્મને અને સમાજ વ્યવસ્થાને નામે આવું કરતાં લાજ આવતી નથી કોઈને.
સમાજને કે પરિવારને એમ લાગે છે કે સંતાનો પ્રેમલગ્ન કરીને ભૂલ કરી રહ્યાં છે. ભૂલ કરવાની આઝાદી પણ માણસોને હોવી જોઈએ. સુરત અને રાજકોટમાં થોડાં જ વર્ષો પહેલાં સેંકડો યુવાનો અને યુવતીઓને પટેલોએ ભેગાં કરીને તેમને એવી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી કે તેઓ માતાપિતા કહેશે ત્યાં જ લગ્ન કરશે. કેટલી nonsense વાત છે આ!
એક જોરદાર ઉદાહરણ આપું. ભારતના બે અર્થશાસ્ત્રીઓને નોબેલ ઈનામ મળ્યાં છે: અમર્ત્ય સેન અને અભિજીત બેનરજી. બંને બંગાળી અને બંનેએ છૂટાછેડા લીધેલા છે! અને અભિજીતની બીજી પત્નીને પણ એમની સાથે જ નોબેલ ઈનામ મળ્યું પાછું! વિખ્યાત અંગ્રેજ દાર્શનિક અને વીસમી સદીનું એક મહાન ભેજું એવા નોબેલ ઈનામ વિજેતા બર્ટ્રાન્ડ રસેલ. એમણે ચાર લગ્ન કરેલાં. અને હા, ફ્રાન્સના એવા જ મહાન દાર્શનિક જ્યાં પોલ સાર્ત્ર. એમણે લગ્ન જ ન કર્યાં અને છતાં સિમોન બીવર નામની એક મહાન લેખિકા સાથે જીવ્યા.
જ્યાં છૂટાછેડાનું પ્રમાણ વધારે છે તે યુરોપ અને અમેરિકા ધનવાન છે અને તેમની માથાદીઠ આવક પછાત માનસિકતા ધરાવતા અને વિશ્વગુરુ થવા ધમપછાડા કરતા હિંદુ ભારત કરતાં ઘણી વધારે છે! માણસ એના મનના પ્રેમના આંતરિક સંઘર્ષમાંથી બહાર આવી જાય તો તે ઘણી ઊંચાઈઓ સિદ્ધ કરી શકે એ હકીકત છે અને એ છેલ્લાં ૪૦૦ વર્ષની યુરોપની સંસ્કૃતિએ સાબિત કરી નાખ્યું છે. વ્યક્તિની આઝાદી એ કોઈ પણ પ્રગતિનું પાયાનું સૂત્ર છે.
“એમ કંઈ પૂછીને થાય નહીં પ્રેમ” એવું કવિ લખે તો એને પદ્મશ્રી પણ મળે, એને માટે હિંદુઓ જોરજોરથી તાળીઓ પણ પાડે, પણ કોઈને પ્રેમ કરવા નહીં દેવાનો! “અમને પૂછ્યા વગર કર્યો કેમ પ્રેમ” એવી માનસિકતા! હદ બહારનો દંભ છે આ તો.
જેઓ જાતજાતનાં પ્રેમગીતો સાંભળીને પોતાના પ્રેમને મનોમન યાદ કરતા હોય છે, અને જેમની આંખના ખૂણા ભીના થઈ જતા હોય છે એમની દશાને પૂછો જરા.
લોકોને કરવા દો પ્રેમ, જેટલી વાર કરવો હોય એટલી વાર કરવા દો. જેટલી વાર લગ્ન કરવાં હોય અને જેટલી વાર છૂટાછેડા લેવા હોય એટલી વાર લેવા દો. એની એમને આઝાદી આપો. કારણ કે એમાં પરમ સુખ છે, આનંદ છે, અને એમાં જ મોક્ષ છે. જે પ્રેમ ન કરવા દે એ સંસ્કૃતિને જ મારી નાખો.
તા.૧૧-૦૬-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર