પૂજ્ય બાપુ,
કુશળ હશો. જો કે ત્યાં સ્વર્ગમાં અકુશળતાનું કોઈ કારણ હોઈ શકે નહિ, એવું અમ પૃથ્વીવાસીઓનું માનવું છે. અહીંની અમારી કુશળતાનું તો પૂછશો જ મા. અમારે અહીં શાંતિ ખરી, પણ આંખ-કાન બંધ રાખીએ તો જ! અન્યથા ચારેકોર અશાંતિના ચાહકો કંઈક ને કંઈક પલીતા ચાંપ્યા જ કરતા હોય છે.
બાપુ, આ પૃથ્વી પરથી તમારી વિદાયને વર્ષોનાં વહાણાં વહી ગયાં તેમ છતાં હજી આજે પણ અમે તમને એટલા જ યાદ કરીએ છીએ. જો કે એમાં પણ અમારો નર્યો સ્વાર્થ હોય છે એ કહેવાની જરૂર ખરી? સ્વ-અર્થ વગર તો અમે પૃથ્વીવાસીઓ ડગલુંયે ક્યાં માંડીએ છીએ! ભણતા ત્યારે ગણિત ને ગણતરીથી ભલે ભલે બહુ ડર લાગતો પણ સંસાર વસાવ્યા પછી ડગલે ને પગલે ગણતરી કરવાની અમને આદત પડી ગઈ છે. અમે વ્યવહારમાં કાચા હોઈ શકીએ, સંબંધો નિભાવવામાં કાચા પડી શકીએ પણ ગણતરીમાં કદિ ગોથું ન ખવાય એનું ધ્યાન તો અમે સપનાંમાં પણ રાખીએ છીએ!
બાપુ, તમે અહીં પૃથ્વી પર હયાત હતા ત્યારે તમારો જેટલો લાભ નથી લેવાયો, એટલો લાભ તમારા અહીંથી ગયા પછી અત્યારે અમારા ‘મહાન’ નેતાઓ આજે લઈ રહ્યા છે. પ્રસંગોપાત તમારા જન્મ અને નિર્વાણ દિને તેમ જ સ્વાર્થના અન્ય પ્રસંગોએ અમારા નેતાઓ તમને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનું હજી ચૂકતા નથી! એમાં ય કેટલાક ખાટસવાદિયાઓ તો વળી તમારા હત્યારાના ગુણગાન ગાઈને એને તમારા કરતાં પણ વધુ મહાન ચિતરવામાં સતત રચ્યાપચ્યા રહે છે. એમને મન તમારો હત્યારો તમારા કરતાં વધારે મહાન છે. એમને એ સાદું ગણિત કોણ સમજાવે કે હત્યારો કોઈનો પણ હોય એ કેવી રીતે મહાન હોઈ શકે!! કદાચિત એ તમારા જેવા મહાત્માનો હત્યારો હોય એ દૃષ્ટિએ મહાન ગણતા હોય તો ખબર નહીં! નજીકના ભવિષ્યમાં તમારા હત્યારાની જયંતી ઉજવાય તો પણ નવાઈ નહીં!
બાપુ, તમારા આપેલા એ અગિયાર મહાવ્રતો (સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નવ સંઘરવું, બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે નવ અભડાવું, અભય, સ્વદેશી, સ્વાદ ત્યાગ ને સર્વ ધર્મ સરખા ગણવા) અમે પોથીમાં સાચવીને મૂકી દીધા છે (કોઈ ચોરી ન જાય એટલા માટે જ તો)! આઝાદી મળી ગયા પછી આ મહાવ્રતોનો અમને હવે કોઈ ખપ રહ્યો નથી. આ મહાવ્રતોમાંથી એકાદનો પણ ઉપયોગ કરવાની ન તો અમારી ત્રેવડ છે કે ના ગજું.
બાપુ, તમારી આત્મકથા ‘સત્યના પ્રયોગો’ અમે જરા ય ભૂલ્યા નથી હોં કે! “સત્યના પ્રયોગો”નું શબ્દશ: પાલન કરતા અમે શીખી લીધું છે. સત્ય હવે ફક્ત પ્રયોગો કરવા ખાતર જ અમે બોલીએ છીએ. ચારેકોર જૂઠડાઓ અને જૂઠાણાઓની બોલબાલા વધતી જઈ રહી છે ત્યારે રોજિંદા વ્યવહારમાં સત્ય હવે અમને બહુ માફક આવતું નથી. ગોખવું પડે તો ભલે ગોખવું પડે પણ જૂઠ હવે અમને સૌને કોઠે પડી ગયું છે. વારે ઘડીએ આપના નામને વટાવી ખાતા લોકો પણ જૂઠ અને જૂઠાણાનો સહારો લઈ કહેવાતી “પ્રગતિ”ના સોપાનો સર કરતા જઈ રહ્યા છે. આજની અમારી કહેવાતી સ્માર્ટ પેઢી સત્યને વળગી રહેનાર અને સત્યનું પાલન કરનારને વેદિયા ગણી ધુત્કારી કાઢતા લગીરે ય ખચકાતી નથી. અત્ર તત્ર સર્વત્ર જૂઠડાઓની બોલબાલા છે. આજના સમયના ‘સ્માર્ટ’ લોકો ૧૦૦ વખત જૂઠાણું રટીને સત્યને હંફાવવામાં વ્યસ્ત છે. જો કે એમ કરતા એ પોતે જ હાંફી જાય છે એ વળી અલગ વાત થઈ.
બાપુ, તમારા સમયમાં ભારતની અવદશા નિહાળી તમે પોતડી પહેરી ફકીરીવેશ ધારણ કરી ‘સંસારી-સાધુ’ની એક નવી પરિભાષા અમને આપી હતી. સાદગી અને અપરિગ્રહ કોને કહેવાય એ તમે અમને શીખવ્યું હતું. આજે તો કોઈપણ ભોગે ઉપભોગ અને અકરાંતિયા ભોગવટાએ જાણે કે દેશને ભરડો લીધો છે. તમે ઉપર બેઠા બેઠા એ જોઈ રહ્યા હશો કે આજના અમારા કહેવાતા ‘મહાત્માઓ’ સાદગીના નામે સંસારીઓને પણ શરમાવે એવી સાહ્યબી ભોગવી રહ્યા છે. એ જોઈને તમારું દિલ દ્દૃવી ઉઠતું હશે નહી!
બાપુ, આપના પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતા આલ્બર્ટ આઈન્સ્ટાઈને એક વખત કહ્યું હતું કે આવનારી પેઢીઓ એવું માની શકશે નહિ કે લોહી-માંસનો બનેલો આવો કોઈ માનવ આ પૃથ્વી પર પેદા થયો હતો! એ પેઢીઓનો ફાલ આવવાનું હવે શરૂ થઈ ગયું છે. આજના ઊગતા અને કહેવાતા બુદ્ધિજીવીઓને તમારો અવતાર હવે ખૂંચવા લાગ્યો છે. તમારો વિરોધ કરવાની કે તમને વામણા ચિતરવાની જાણે કે હોડ લાગી છે. બાપુ, તમારા વિશે કંઈ ન જાણતા પોથી-પંડિતો પોતાના આછકલા “જ્ઞાન”નું પ્રદર્શન કરી તમે હવે અપ્રસ્તુત થઈ ગયા છો એવું કહી પોતાને રેશનાલિસ્ટ ગણાવતા ફરે છે.
બાપુ, આપની પ્રિય એવી પાર્થના હવે શાળા પૂરતી, અને એ પણ સાંભળવા પૂરતી સીમિત થઈ ગઈ છે. બાકીની શૈક્ષણિક સંસ્થાઓને પ્રાર્થના સાથે ભાગ્યે જ કોઈ લેવાદેવા છે. પ્રાર્થનાનો એક અર્થ અરજ કે વિનંતી પણ થાય છે. પણ વિનંતીઓ કે અરજો આજકાલ કોઈ કાને ધરતું નથી. કહેવાય છે તો પ્રજાનું શાસન પણ શાસનમાં પ્રજા કે પ્રજાનો અવાજ ક્યાં ય દેખાતા નથી. મત લેવા ઘરને આંગણે હાથ જોડી મતની ભીખ માગતા સત્તા-લોલુપો સત્તાના સિંહાસને બિરાજ્યા પછી પ્રજાનું સાંભળતા નથી. માત્ર એટલું જ નહિ પ્રજા પોતાની આસપાસ પણ ફરકી શકે નહિ એ માટે પૂરતો ‘બંદોબસ્ત’ ગોઠવી દેવામાં આવે છે. એમને ડર એ વાતનો હોય છે કે મત મેળવી લીધા પછી પ્રજા પ્રશ્ન કરશે અને એ પ્રશ્નનો એમની પાસે જવાબ નહિ હોય તો! રામરાજ્ય હવે નરી કલ્પનાનો વિષય રહી ગયો છે. ભગવાનના બનાવેલા જીવતા માનવીઓ કરતાં માણસના પોતાના બનાવેલા ભગવાનનું મૂલ્ય અહીં વધારે અંકાય છે. એ ભગવાન આલિશાન મંદિરોમાં પોઢે છે અને જીવતા માનવીને સૂવા માટે ફૂટપાથ પણ ઉપલબ્ધ નથી. મંદિરો બાંધવા કરોડો દાનમાં ઠલવાય છે ને વંચિતો ફદિયા માટે ટળવળે છે!!
બાપુ, ગ્રામીણ રોજગારી માટે હાથવગું સાધન અને શરીર માટે સાનુકૂળ ગણાતી ખાદી હવે ગરીબો માટે દોહ્યલી બની છે. આપને અત્યંત પ્રિય એવી આ ખાદી હવે ‘ખાસ’ વર્ગની ‘ફેશનેબલ’ ખાદી બની ગઈ છે. જેની તરફ તમારો વિશેષ લગાવ રહ્યો હતો એવાં ગામડાંઓ આજે રોજગારી માટે ટટળી રહ્યાં છે. કહેવાતા વિકાસની વિનાશક દોટમાં દદળતા શહેરો આસપાસનાં ગામડાંઓ અને તેની કુદરતી સુંદરતાને ભરખી રહ્યા છે. એક સમયે ઉત્તમ ગણાતી ખેતી હવે ખેડૂતોને ખુવાર અને પાયમાલ કરી રહી છે. ખેતીનો કોઈ લેવાલ નથી. ખેડૂત ખેતી છોડવા મજબૂર બન્યો છે. વિકાસની ગુલબાંગો વચ્ચે આજના શિક્ષિત યુવાનો રોજગારી માટે જ્યાં ત્યાં વલખાં મારે છે.
બાપુ, કરુણા તો એ વાતની છે કે આ બધું જોઈને શાસકોનું દિલ દૃવી ઊઠતું નથી. પ્રજાના નામે ખુદના ‘વિકાસ’માં મસ્ત શાસકોના પેટનું પાણી યે હલતું નથી. નેતાઓની સંવેદનાઓ ટ્વિટના બે-ચાર શબ્દો સુધી સીમિત થઈ ગઈ છે.
બાપુ, ઉપર રહ્યે રહ્યે આ બધો તમાશો જોઈને તમારો જીવ જરૂર કકળતો હશે, કદાચ ફરીથી આ પૃથ્વી પર અવતાર લેવાનો પણ વિચાર તમને સૂઝે, પણ રખે એવું કરતા કેમ કે આજના ભારતમાં બાપુ હવે અપ્રસ્તુત થઈ ગયા છે! આ જ તો છે અમારા આજના પ્રજાતંત્રની તાસીર!
તમે વધુ દ્રવિત ન થાઓ એટલા માટે અહીં જ વિરમુ છું.
લિ. આજનો ભારતવાસી …
સરગાસણ
e.mail : h79.hitesh@gmail.com