ફ્રન્ટિયર પ્રોવિન્સ(વાયવ્ય સરહદી પ્રાંત)માં પહેલાં બહુ હિંસા આચરવામાં આવતી. અહિંસા તો ત્યાં પાછળથી આવી. અમારે ત્યાં એવી ભયંકર હિંસા આચરવામાં આવતી, જેને કારણે બ્રિટિશરોને અસહ્ય દમનનો કોરડો વીંઝવાનું નિમિત્ત મળતું; અને તેને કારણે અમારા લોકોમાં કાયરતા આવી ગયેલી. પણ જેવો અમે અહિંસક માર્ગ અખત્યાર કર્યો કે કાયર બની ગયેલા પઠાણોમાં અભૂતપૂર્વ હિંમત અને જોસ્સો આવ્યાં. અગાઉ પઠાણોમાં સૈનિકો અને જેલના સળિયાનો એટલો બધો ડર પેસી ગયેલો કે તેઓ સિપાઈઓ સાથે વાત કરતાં ય ડરતા. પણ અહિંસાએ તેમને બહાદુરી, હિંમત અને ભાઈચાર શીખવ્યાં. હસતાં હસતાં બાળકો-કિશોરો જેલમાં જવા લાગ્યા.
પઠાણ જો સામો હુમલો કરે તો જ તે બહાદુર કહેવાય, મને કોઈ મારે અને હું વળતો ફટકો મારું તો જ બહાદુર કહેવાઉં, એમ કદાચ તમે વિચારતા હશો. પણ હકીકતમાં આ તો કાયરતા થઈ કહેવાય! મુક્કાનો જવાબ મુક્કાથી આપવાને જે ઈનકાર કરે એ જ સાચો બહાદુર ! બહાદુરી જ મનુષ્યનો મોટામાં મોટો સદ્ગુણ છે! અમારી હિંસા તો બ્રિટિશરો ઝડપથી અને અસરકારકતાથી દબાવી દેતા; પણ બાપુએ શીખવેલી અમારી અહિંસાને દબાવી દેવાની દેન ન તો બ્રિટિશરોમાં હતી કે નથી પાકિસ્તાનના શાસકોમાં !
હું તો અહિંસાનો વરેલો માણસ છું. હિંસાથી જ બધું થઈ શકે, એવું માનનારા અને આચારનારાઓની વચ્ચે હું જીવ્યો છું; અને તો પણ સેવાથી, અહિંસાથી માણસથી જીતી શકાય છે, એ મારો આપ અનુભવ છે.
અહિંસાનું બીજું નામ તે પ્રેમ; હિંસાનું બીજું નામ તે ધિક્કાર. હિંસાથી કદાપિ પ્રશ્નોનો ઉકેલ આવે જ નહિ, હિંસાથી કદીય વિશ્વશાંતિ સ્થપાય જ નહિ. હિંસાનો સ્વભાવ જ એવો છે જે વધુ ને વધુ તીવ્ર માત્રામાં વધુ હિંસાને જન્મ આપે. જો દુનિયા શાંતિ ઝંખતી હશે તો તે અહિંસાથી જ આવશે, એ બાબતમાં હું બિલકુલ સાફ છું.
ગાંધીજીનો સૌથી મોટામાં મોટો ફાળો શો ? કહેવું ઘણું મુશ્કેલ છે. પણ મને લાગે છે કે તેમનો સૌથી મહત્ત્વનો ફાળો એ કે સામાન્ય માણસમાં કાયરતાની જગાએ તેમણે બહાદુરીનું સિંચન કર્યું; સ્વાતંત્ર્યની માંગણી કરવાની હિંમત પેદા કરી. માત્ર ભારતને નહિ, આખી દુનિયાને તેમણે અહિંસાની જે શીખ આપી, તે તેમની મોટામાં મોટી દેન કહેવાય.
ઘણા લોકો ગાંધીજીની ટીકા કરે છે, તેમનું મહત્ત્વ ઓછું આંકે છે. ભલે એમ કરે, બધા જ મહાન માણસોનું આવું જ બને છે. ભારત અને દુનિયામાં તેમનું સ્થાન નિશ્ચિત થઈ ચૂકયું છે, તેમની સ્તુતિથી આપણે તેમાં વધારો કરી શકવાના નથી, કે તેમની ટીકાથી તેમાં ઘટાડો કરી શકવાના નથી.
આવા માણસને સાચી અંજલિ કેવી રીતે અપાય, વારુ, આપણા કરોડો-અબજો માનવબંધુઓને જીવનની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડીને, ગૌરવભેર જીવન જીવતાં કરીને !
એક અદનો, સામાન્ય મનુષ્ય (દુનિયાના ગમે તે દેશનો, ગમે તે ધર્મનો, ગમે તે રંગનો) કહે છે, “હું ભૂખ્યો છું, પ્રથમ મને ખાવાનું આપો! હું નગ્ન છું, મને દેહ ઢાંકવા વસ્ત્ર આપો! મારાં સંતાનો શિક્ષણ વિના રઝળે છે, તેમને શિક્ષણ આપો! હું બીમાર છું, મને દવા કે તબીબી સારવાર આપો! મને બસ આટલું આપો તો હું મનુષ્ય તરીકે પહેલાં જીવી તો શકું!
05 જૂન 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 334