સોનમ વાંગચુકનાં અનશન
વાંગચુકને પગલે અનશન શૃંખલા અવિરત જારી છેઃ સરેરાશ લદ્દાખી વિમાસે છે, દિલ્હી લગણ ક્યારે પુગશે ‘મન કી બાત…’ને ચેનલ ચોવીસા ચૂપ કેમ?

પ્રકાશ ન. શાહ
સુદૂર લદ્દાખમાં સોનમ વાંગચુકે એકવીસ દિવસના ઉપવાસ છોડ્યા છે, પણ હવે દસ દિવસના ઉપવાસનો દોર મહિલાઓએ સંભાર્યો છે અને તે પછી યુવજનો તો ખરા જ, પણ બૌદ્ધ ભિખ્ખુઓ સુધ્ધાં તે દોર જારી રાખશે. કોણ છે આ સોનમ વાંગચુક મહાશય, તમે પૂછશો. ભાઈ, આપણે એને ”થ્રી ઇડિયટ્સ”માં આમીરખાન વાટે તો મળ્યા જ હતા. આયુષ્યના અડસઠમે લદ્દાખના જનજીવનમાં લગારે ગાજોવાજો નહીં એવું નરવુંનક્કર પ્રદાન એમનું છે. કામમાં ગંભીર હશે, પણ કશાયે બોજ વગરની હસ્તી છે, આ અસલી ‘રેન્ચો”.
એમણે શેને સારુ આકરી લાંઘણ ખેંચવાનો દોર શરૂ કર્યો છે એની વાત લગીર રહીને કરું. આરંભે મારે, આ મિકેનિકલ એન્જિનિયરના એ જીવનકાર્યનો ખયાલ આપવો જોઈએ જે ચીલેચાલુ ઇજનેરી માળખાની સાહેબશાહી રીતરસમથી ઉફરાટે સામાન્ય સમજ સાથે વૈજ્ઞાનિક અભિગમથી જીવનને કંઈક સુખકર બનાવવા પ્રયોગો કરે છે. એમનું લોકવિજ્ઞાન મજેનું છે. એમણે કથિત નબળા વિદ્યાર્થીઓ માટે જે કેમ્પસ ઊભું કર્યું છે, એ ગારમાટીનાં ઘરનું ને સૌર શક્તિ સંચાલિત છે. બાકી લદ્દાખ જ્યારે -15 સેન્ટીગ્રેડ અનુભવતું હોય ત્યારે એમનાં આ ગાર – માટીનાં ઘરનું તાપમાન +15 સેન્ટિગ્રેડ હોય છે અને ઠુંઠવાતા મલક વચ્ચે ફૂંફાતાં બાળ રમેભણે ઉછરે છે. વસ્તુતઃ 1988થી એમણે છાત્રો વચ્ચે શૈક્ષણિક ને સાંસ્કૃતિક એવી જે બિનરાજકીય ચળવળ શરૂ કરી, ‘સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ’ – એ હવે ખાસી આગળ વધી ગઈ છે. સરકારી શાળાઓમાં સુધારણા કરી પરિણામો સુધાર્યાં પછી પણ જે છોકરાં પાછળ છૂટી જાય છે, દસમું વટાવી શકતાં નથી એમને ભણાવવા એમણે નવ્ય આશા અભિયાન (ઓપરેશન ન્યૂ હોપ) શરૂ કર્યું – સરકાર, સ્થાનિક સમુદાયો અને નાગરિક સમાજ ત્રણેને સાંકળીને. આજે દસમું માંડ પાસ કરતો પાંચ ટકાનો આંકડો પૂરા પંચોતેર ટકે પહોંચી ગયો છે.
જેમ એમના ગારમાટીનાં ઘરની હમણાં જિકર કરી તેમ બીજો યે એક લોકોપયોગી પ્રયોગ અહીં સંભારી લઈએ. આ પ્રયોગ આઈસ સ્તૂપ(હિમસ્તૂપ)નો છે. શિયાળામાં એવા આર્ટિફિશિયલ ગ્લેશિયર સરજવાનાં જે ઉનાળામાં પાણીખેંચ વખતે વૈકલ્પિક જળસ્રોતની ગરજ સારી શકે.
હવે એમણે શરૂ કરેલી ઉપવાસ શૃંખલા વિશે. 370મી નાબૂદ થઈ અને લદ્દાખને યુનિયન ટેરિટરીનો દરજ્જો તો મળ્યો. પણ પ્રજાકીય હિસ્સેદારી વગરના શાસનનો શો મતલબ ? એ કહે છે, અમને બંધારણના છઠ્ઠા શિડ્યુલમાં મૂકો. એને અન્વયે અમે ઓટોનોમસ કાઉન્સિલ મેળવી શકીએ – અને એક સ્વાયત્ત માહોલમાં પ્રજાકીય પહેલ અને ભાગીદારી સાથે વિકાસનાં કામો હાથ ધરી શકીએ. હા, વાંગચુક કહે છે, વિકાસની વ્યાખ્યા અમારી હશે. હાલ જે રીતે કોર્પોરેટ રાહે હિમાલયી શોષણ ને દોહન શક્ય છે તે નહીં ચાલે. પ્રજાની હિસ્સેદારી સાથે પર્યાવરણમિત્ર વિકાસનો એ રાહ હશે. અમે જેટલે લાંબે ઢોરાં ચારવા જતા હતા એટલે લાંબે હવે જઇ શકતા નથી, કેમ કે ચીનની હરકત ઇંચ-બઇંચ આગળ વધતી રહી છે. ચીન-પાકિસ્તાન સાથેના સીમામુલક તરીકે અહીં લોકભાગીદારી સાથેનો પર્યાવરણમિત્ર વિકાસ એક સંરક્ષણ હરોળ નીચે ગરજ સારી શકે. અહીં આપણા દેશના જવાનો તૈનાત હોય ત્યારે સ્થાનિક લોકો એમનાં સુખદુઃખની જે સંભાળ લે છે એ તો જુઓ! આ સરેરાશ લદ્દાખી જ્યારે પર્યાવરણમિત્ર વિકાસે સહભાગી, સજ્જ ને સમૃદ્ધ હશે ત્યારે પેલી સંરક્ષણ હરોળ કેટલી દૃઢ થઈ હશે એ તો વિચારો જરી!
તમે આ દિવસોમાં સોનમ વાંગચુકને સાંભળ્યા છે ? સહજ સરળ સ્વસ્થ સ્વચ્છ અંગ્રેજી /હિંદીમાં લગારે આક્રોશ વિના એ પોતાની વાત મૂકે છે. એકવીસ ઉપવાસ કેમ, તો કહે છે ગાંધીજીએ બાંધેલી મર્યાદામાં ચાલુ અનશન અભિયાને પહેલો પડાવ પત્યો ને એમણે લોકજોગ જે સંબોધન કર્યું એને અંતે ‘જયહિંદ” પણ સહજ ક્રમે દડી આવ્યું હતું. ન દિલ્હીના દેવતાઓને, ન તો મેઇન સ્ટ્રીમ મીડિયાને આ અવાજ પહોંચે છે. આપણે કારુણિકા, બીજું શું.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 28 માર્ચ 2024