‘ગુજરાતી લિટરરી ગ્રુપ, લેસ્ટર’ના ‘બેદાર’ લાજપુરી, યુસૂફભાઈ સિદાત, અબ્દુલકરીમભાઈ ઘીવાલા સમેતના મીઠડા મિત્રો. આજની આ સભાના અતિથિ વિશેષ કાઉન્સિલર ભૂપેનભાઈ દવે, આ અવસરની પછીતે દીવાદાંડી રૂપે સતત કાર્યશીલ અદમભાઈ ટંકારવી, સભાસંચાલક સંધ્યાબહેન, ઉપરાંત મારા સાથીદાર પંચમભાઈ શુક્લ, અહમદભાઈ ગૂલ, ઇલ્યાસભાઈ સિદાત, ભારતીબહેન વોરા અને સાહિદભાઈ પ્રેમી.
સમય સમય પર આવા આવા મેળાવડા થયા કરે તેનું મહત્ત્વ છે. તેની દૂરગામી અસર વર્તાતી રહે છે. મને તો, આથી, 1976ના દિવસો સાંભરી આવે છે. આ જ સભાખંડ હતો. બ્રિટન ભરમાંથી આશરે ત્રણસો સાડાત્રણસો રસિકજનો અહીં ઊમટેલાં હતાં. રમેશ જાની, હરીશ આચાર્ય, હેમેન મોદી, રજની દાવડા શા મિત્રોએ, ‘આર્ટ ઑવ્ ઇન્ડિયા’ નામક સંસ્થાના નેજા હેઠળ, અહીં કવિ સમ્મેલનનું આયોજન કરેલું. ગુજરાતી ભાષા-સાહિત્ય-સંસ્કૃતિના મહારથીઓ તેમ જ લેસ્ટરના શહેરીઓ – ભાનુશંકર ઓધવજી વ્યાસ, વિનયભાઈ કવિ, વનુભાઈ જીવરાજ સોમૈયા, ચંદુભાઈ મટ્ટાણી, પ્રવીણભાઈ લુક્કા, વગેરે વગેરે અનેક – પણ હાજર હતા. લંડનથી મારા ઉપરાંત કવિ ડાહ્યાભાઈ પટેલ, બળવંતભાઈ નાયક, નિરંજનાબહેન દેસાઈ, કુસુમબહેન શાહ, યોગેશભાઈ પટેલ, પંકજભાઈ વોરા, વગેરે વગેરે ય હાજર.
અને તેને ઓટલે, ભોજન વેળા, બૉબી રેસ્ટોરાઁમાં બેઠક થઈ, અને પછીને ગાળે, ઇતિહાસ જાણે કે ખડો થયો. વળતા ફેબ્રુઆરી માસે, સન 1977માં, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નો ઉદ્ભવ થયો. તેને ય હવે નજીકમાં પચાસ સાલનું છેટું.
ધીરા ખમીએ : મારે તમને સાતેક દાયકા પાછળ લઈ જવાનું મન છે. ટૅન્ઝાનિયા મારી જન્મભૂમિ. મુલકના ઉત્તર પ્રાંતમાં અરુશા નામે નગર. તે અમારું વતન. તેની નિશાળમાં અભ્યાસ ટાણે નિશાળના આચાર્ય રણજિત આર. દેસાઈ અને વર્ગશિક્ષક બી.સી. પટેલને, મારે આ તકે, નત મસ્તકે, યાદ કરવા જ રહ્યા. અમારી નિશાળનું નામ એ દિવસોમાં ‘ઇન્ડિયન પબ્લિક સ્કૂલ’. આરંભમાં ગુજરાતી માધ્યમ અને પાછળથી અંગ્રેજી. આવા શિક્ષકોને કારણે ગામમાં જ નહીં, નિશાળમાં પણ ‘ગુજરાતી સાહિત્ય મંડળ’ની પ્રવૃત્તિમાં હું પૂરેવચ રહેલો, તે સાંભરે છે. એ બન્ને શિક્ષકોએ મારામાં ય ગુજરાતી માટેનું વહેણ વહેતું કરેલું. એ આજ લગી સભરસભર રહ્યું છે. એ બન્નેને ય નમન કરી લેવાનું, આથી, મન કરું છું. બસ, એ સમજથી આ વહેણ સતત વહેતું જ રહે તેમ મનસા-વાચા-કર્મણા જોવાનું રાખ્યું છે.
વારુ, કોણ માનશે ? … જોતજોતામાં યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની પથજાતરાને હવે પાંચ દાયકાનો પટ થશે. 12 ફેબ્રુઆરી 1977ના દિવસે તેની રચના થઈ હતી. આ પટ આનંદની હેલી સર્જે છે. આ ગાળો, વળી, હૂંફાળો અને પોરસાવનારો વર્તાયો છે. પશ્ચિમ ગોળાર્ધમાંની અનેકવિધ વિપરીત પરિસ્થિતિ વચ્ચાળે, એક રીતે ઘડીનું કર્તવ્ય અંગેની સમજ જોડાજોડ નિજી પુરુષાર્થના બળે આ સમયગાળો દ્યોતક શી છાપ ઊભી કરે છે.
આવી આ અકાદમીનું ય હું સંતાન છું. અને વળી, કવિ ડાહ્યાભાઈ પટેલ, બળવંતભાઈ નાયક, યોગેશભાઈ પટેલ, પોપટલાલભાઈ જરીવાળા, વલ્લભભાઈ નાંઢા, ભદ્રાબહેન વડગામા, અનિલભાઈ કાગળવાળા, તેમ જ સુષમાબહેન શેઠના સરીખાં મારાં પૂર્વસૂરિઓનાં પેંગડામાં પગ ઘાલવાનો યત્ન કરતો કરતો, અહીં લગણ પહોચ્યો છું.
આમ, 1977થી આ પંથનો પંથી રહ્યો છું. અને, વળી, ‘દૂર કા રાહી’ નામક સન 1971માં બની હિન્દી ફિલ્મનો નાયક ગાય છે તેમ મારે ય કહેવાનું થાય છે :
संगी साथी मेरे
अंधियारे उजियारे
मुझको राह दिखाये
पलछिन के फुलझारे
पथिक मेरे पथ के सब तारे …
કોને કોને સંભારું ? … સીધું સાંભરે છે : રમણભાઈ ડી. પટેલ, પોપટલાલ જરીવાલા, હીરાલાલ શાહ, વ્યોમેશ જોશી, જયાબહેન દેસાઈ, વિજ્યાબહેન ભંડેરી, લાલજીભાઈ ભંડેરી, જગદીશભાઈ દવે, નાગેશભાઈ ઓડેદરા, પંચમ શુક્લ, નીરજ શાહ, અનિલ વ્યાસ અને પછી ય કેટકેટલાં બાકી રહી જાય છે ! પણ કુંજ, કુન્તલ, મારાં માતાપિતા, મારા નાના ભાઈ વસંતને, તેમ જ એની પત્ની જયશ્રીને આમાં ન ભેળાં લઉં તો હું નાલાયક ઠરું. આ દરેકને કારણે હું રૂડો દીસું છું, ખરું ને ?
વળી, અકાદમીનાં અનેકવિધ કામો કરતી વેળાએ, દીપક બારડોલીકર, અદમ ટંકારવી, રોહિત બારોટ, ડાહ્યાભાઈ મિસ્ત્રી, પ્રવીણ લુક્કા, રેણુબહેન માલદે, સુષમાબહેન શેઠના, શૂચિબહેન ભટ્ટ સરીખાં સરીખાં પારખુ ભેરુઓને પ્રતાપે સતત હૂંફ અનુભવાતી રહી.
વારુ, કવિ દલપતરામનાં કાવ્યોમાંથી પસાર થતાં, દલપત ગ્રંથાવલિ-1; દલપત-કાવ્ય : ભાગ 1ના પૃ. 21 પરે ‘એક રાજાએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર’ નામે એક કવિતા છે. સવાસોદોઢસો વરસ પહેલાંની આ રજૂઆતમાં, મનહર છંદમાં, કવિ જણાવે છે :
સ્વદેશ સુધારવાની સભાનો છું સભાસદ,
સુબોધક સજ્જનોના સાથમાં સામીલ છું;
ચૌટામાં લુંટાણી મહારાણી ગુજરાતી વાણી,
જાણી તેનું દુ:ખ ઘણો દીલગીર દીલ છું;
હિંદી ને મરાઠી હાલ, પામી છે પ્રતાપ પ્રૌઢ,
સ્વદેશી શિથિલ રહી, તે દેખી શિથિલ છું;
કહે દલપતરામ રાજા અધિરાજ સુણો,
રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.
કહેવાય છે કે, જે વ્યક્તિ પાસે પોતાની માતૃભાષાની સારી જાણકારી હોય તે અન્ય ભાષા સારી રીતે અને ઝડપથી શીખી શકે. માતૃભાષા આપણો પાયો છે અને તે જ કાચો રહેશે તો શું ઇમારત બુલંદ થવાની? માતૃભાષા વ્યક્તિને આત્મવિશ્વાસ આપે છે. આ વાત વિવિધ અભ્યાસોના તારણ પરથી સાબિત પણ થઈ છે. ઇંગ્લેન્ડમાં વસતાં ગુજરાતીઓમાં 1970ના દાયકામાં પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવાનું પસંદ કરતાં હતા. પણ એક અભ્યાસ પરથી સાબિત થયું છે કે જે બાળકને પોતાની માતૃભાષામાં શિક્ષણ મળે છે તે આગળ જતાં વધુ સારો અભ્યાસ કરી શકે છે. યુરોપિયન યુનિયનના દેશોના લોકો પણ પોતાના બાળકોને જર્મન, ફ્રેન્ચ જેવી પોતાની મૂળ ભાષામાં શિક્ષણ આપી રહ્યાં છે. મનોચિકિત્સકોનું માનવું છે કે, જે વ્યક્તિ પોતાની માતૃભાષા સારી રીતે સમજી શકે તે સરેરાશ ચારથી પાંચ ભાષા ઝડપથી શીખી શકે. માતૃભાષા આપણો વારસો છે અને તે, સ્વભાવગત, આત્મવિશ્વાસ પ્રદાન કરે છે.
જાણે કે આ મૂળગત બાબતને ધ્યાનમાં રાખી, વિલાયતની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ ગઈ સદીના આઠમા દાયકાના આરંભથી જ વારસાની ભાષા અંગેનો પોતાનો અવાજ બુલંદ રાખ્યો છે. ભાષાશિક્ષણના પ્રકલ્પમાં, આથીસ્તો, અકાદમીનું સૂત્ર : ‘ગુજરાતી સાંભળીએ – ગુજરાતી બોલીએ – ગુજરાતી વાંચીએ – ગુજરાતી લખીએ – ગુજરાતી જીવીએ’ ધમધમતું રહ્યું.
જાણું છું, બૃહદ્દ ગુજરાતે ગુજરાતી આપણી માતૃભાષા ન પણ હોય; બલકે વારસાની જ ભાષા હોય. અને તેથી જ, કદાચ, અદમ ટંકારવી શા વિદ્વાન કહે છે, તે સમજાય છે : ‘બ્રિટનમાં ગુજરાતી સમાજની ત્રીજી પેઢીએ ગુજરાતી ભાષા મંદપ્રાણ થઈ, અને હવે વિલીન થવાને આરે છે, એ વાત સાચી. આ તો પ્રાકૃતિક ઘટનાક્રમ છે. અમેરિકાના વિવિધ ડાયસ્પોરા સમાજોના અભ્યાસને આધારે સમાજશાસ્ત્રીઓ એવા તારણ પર આવ્યા છે કે ત્રણચાર પેઢી પછી વસાહતીઓનો વારસો ક્ષીણ થાય છે, અને તેમની અસલ ઓળખ ભૂંસાવા માંડે છે.’
અદમસાહેબનું આ તારણ હચમચાવી જાય છે. છતાં, તેથીસ્તો, વાસ્તવિક્તાનો સ્વીકાર છે. તળ ગુજરાતમાં ય પાણી ડૂકી રહ્યાં હોય તેમ વર્તાય છે !
સમાપન તરફ વળતાં, ગયા ડિસેમ્બરે જેમણે રજા લીધી એ આ નગરનાં શહેરી અને જાણીતાં કવયિત્રી કીર્તિબહેન મજેઠિયા આ તકે સાંભરે છે. લેસ્ટર માંહેની આવી અનેક બેઠકોમાં એમની હાજરી રહેતી. અને હવે એમની ખોટ સાલશે.
વારુ, આ સમૂળી રજૂઆતની પછીતે આ બહુમાનનો આદરભેર સ્વીકાર કરું છું. અને જોડાજોડ સંપૂર્ણપણે સમજું ય છું કે આ સન્માન ફક્ત મારા પૂરતું નથી. એ અકાદમીને નામ, અકાદમીનાં કામેને નામ, અકાદમીનાં કાર્યવાહકોને નામ, તેમ જ મારાં અનેકવિધ સાથીદારોને નામે પણ ખતવાયું છે. એ વગર હું સરિયામ ઓશિયાળો જ સાબિત થયો હોત.
યોજકોને, અહીં હાજર છો તે તમારો સૌનો ય સહૃદય આભારવશ છું.
પાનબીડું :
पंथी हूँ मैं उस पथ का
अंत नहीं जिसका
आस मेरी है जिसकी दिशा
आधार मेरे मन का
पंथी हूँ मैं उस पथ का
जिस पथ पर देखे कितने
सुख दुःख के मेले
फूल चुने कभी खुशियों के
फूल चुने कभी खुशियों के
कभी काँटों से खेले
जाने कब तक चलना है
मुझे इस जीवन के साथ
पंथी हूँ मैं उस पथ का
संगी साथी मेरे
अंधियारे उजियारे
मुझको राह दिखाये
पलछिन के फुलझारे
पथिक मेरे पथ के सब तारे
और नीला आकाश
पंथी हूँ मैं उस पथ का
अंत नहीं जिसका
आस मेरी है जिसकी दिशा
आधार मेरे मन का
पंथी हूँ मैं उस पथ का
[दूर का राही [1971]
24 મે 2025
e.mail : vipoolkalyani.opinion@btinternet.com