આપણી આ 47મી સામાન્ય સભામાં તમારું દરેકનું સ્વાગત છે. …
વારુ, કોણ માનશે ? … જોતજોતામાં યુનાઇટેડ કિંગ્ડમસ્થિત આપણી આ ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની પથજાતરાને હવે પાંચ દાયકાનો પટ થશે. 12 ફેબ્રુઆરી 1977ના દિવસે તેની રચના થઈ હતી. આ પટ આનંદની હેલી સર્જે છે. આ ગાળો, વળી, હૂંફાળો અને પોરસાવનારો વર્તાયો છે. પશ્ચિમ ગોળાર્ધમાંની અનેકવિધ વિપરીત પરિસ્થિતિ વચ્ચાળે, એક રીતે ઘડીનું કર્તવ્ય અંગેની સમજ જોડાજોડ નિજી પુરુષાર્થના બળે આ સમયગાળો દ્યોતક શી છાપ ઊભી કરે છે.
જાણે કે આ મૂળગત બાબતને ધ્યાનમાં રાખી, વિલાયતની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ ગઈ સદીના આઠમા દાયકાના આરંભથી જ વારસાની ભાષા અંગેનો પોતાનો અવાજ બુલંદ રાખ્યો છે. ભાષાશિક્ષણના પ્રકલ્પમાં, આથીસ્તો, અકાદમીનું સૂત્ર : ‘ગુજરાતી સાંભળીએ – ગુજરાતી બોલીએ – ગુજરાતી વાંચીએ – ગુજરાતી લખીએ – ગુજરાતી જીવીએ’ ધમધમતું રહ્યું.
આ પરંપરામાં, ગત આખું વરસ પસાર થયું. અને હવે અધૂરાં પૂરાં કરવાના ઓરતા સાથે નવા વરસમાં પગરણ માંડીએ છીએ.
ગઈ સાલે આપણે કેટલુંક મેળવ્યું − અને મહદ્દ અંશે એ નક્કર. દર મહિને થતા અવસરો, જેવા કે, ‘ઓટલો’; ‘વાર્તા વર્તૃળ’, ‘કાવ્યચર્યા’ તેમ જ ‘હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ’ના નેજા હેઠળની બેઠકો. તેને સારુ, આપણે ભદ્રાબહેન વડગામા, ધવલભાઈ સુધન્વા વ્યાસ, અનિલભાઈ વ્યાસ, પંચમભાઈ શુક્લ, નીરજભાઈ શાહ, અશોકભાઈ કરણિયા, કેતનભાઈ રુપેરા તેમ જ રૂપાલીબહેન બર્કના ઊંડા આભારી છીએ. એ દરેકના સાથે, હૂંફે, અકાદમીનાં કામો સુપેરે પાર પડ્યાં છે.
પ્રકાશન ક્ષેત્રે ‘હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાપીઠ’ના નેજા હેઠળ આપણી પોઠ સ્વમાનભેર આગળ ધપતી રહી છે. એમાં ય ખાસ કરીને, કેતનભાઈનું કામ રણકે છે.
અકાદમીના પૂર્વ પ્રમુખ બળવંત નાયકના અપ્રકાશિત લેખોનું સંપાદન વલ્લભભાઈ નાંઢાએ કરેલું તે પુસ્તક પ્રકાશિત થયા બાદ, દીપક બારડોલીકરની શતાબ્દી ટાંકણે એમનાં પાંચ પુસ્તકો ય પ્રકાશિત થયાં. તેના લોકાર્પણનો અવસર અમદાવાદમાં ગત સાલ વેળા સમ્પન્ન થયો. સ્વાધ્યાયપીઠનાં માનદ્દ નિયામક રૂપાલીબહેન બર્કે અવસરનું સંચાલન કરેલું. લોકાર્પણ અદમ ટંકારવીએ કર્યું જ્યારે અતિથિ વિશેષ પદે પ્રકાશભાઈ ન. શાહ હતા.
સ્વાધ્યાપીઠના પાયાગત દસ્તાવેજ અનુસાર હવે અતુલ સવાણીની જન્મ શતાબ્દી અવસરે પાંચ પુસ્તકો અને પ્રદ્યુમ્ન તન્નાની યાદમાં એક પુસ્તક પ્રકાશિત કરવા તરફ અકાદમી આગળ ધપી રહી છે. તે પછી, અકાદમીના ભાષાશિક્ષણ પ્રકલ્પ બાબતનું પુસ્તક તેમ જ અકાદમીના હેવાલો, ભાષા-સાહિત્ય પરિષદોના વ્યક્તવ્યોને ગ્રંથસ્થ કરવાનું કામ હાથ લેવાશે.
આ સાલથી અકાદમીએ, વળી, નવું પ્રસ્થાન કર્યું છે. અકાદમીની રચના વારતારીખ ચોપાસ ચોપાસ વાર્ષિક વ્યાખ્યાનમાળા યોજવાનું નક્કી કરાયું છે. પહેલું વ્યાખ્યાન 15 ફેબ્રુઆરી 2025ના યોજાયું હતું અને વ્યાખ્યાતા હતા ડૉ. અદમ ટંકારવી. હવે પછીનું બીજું વ્યાખ્યાન આવતા ફેબ્રુઆરીમાં હશે.
આ અને અકાદમીના સઘળા અવસરો માટે કાર્યવાહકોનો સાથસહકાર રહ્યો છે. તેમના વગર આ બધું ગોઠવવું અઘરું થાય. એમ છતાં, ઓનલાઈન અવસરો ગોઠવવા સારુ નીરજભાઈ શાહ અને પંચમભાઈ શુક્લની પાયાગત જવાબદારીઓ રહી હોવાને કારણે ભારે સુગમતાએ કામ હીંડ્યાં કર્યું છે.
એકદા કાર્યવાહી સમિતિ પર સેવારત આપણા લેખક ઉપેન્દ્રભાઈ ગોર હતા. ગઈ સાલે એમનું અવસાન, થયું. એમની વિદાય ટાંકણે કેટકેટલાં સ્મરણો સાંભરી આવ્યાં. અકાદમીનાં અનેક વ્યવસ્થાનાં કામોમાં એમની સામેલગીરી રહેતી. એવું જ બીજું નામ તે ડૉ. રોહિત બારોટનું. લગભગ આરંભ કાળથી અકાદમીનાં અનેકવિધ અવસરોમાં સક્રિયપણે હાજર. આ વિદ્વાનના હેવાલોએ અકાદમીને પુષ્ટિ આપી છે. આ અને આવી બીજીત્રીજી વિદાયખોટ વસમી રહી છે.
ખેર ! … ચાલો, જેની આપણે ખેવના રાખીએ છીએ અને સતત ખિદમત કરીએ કરીએ છીએ તે આપણી જબાન ગુજરાતીની વાત કરીએ : જાણું છું, બૃહદ્દ ગુજરાતે ગુજરાતી આપણી માતૃભાષા ન પણ હોય; બલકે વારસાની જ ભાષા હોય. અને તેથી જ, કદાચ, અદમ ટંકારવી શા વિદ્વાન કહે છે, તે સમજાય છે. અદમભાઈ લખે છે : ‘બ્રિટનમાં ગુજરાતી સમાજની ત્રીજી પેઢીએ ગુજરાતી ભાષા મંદપ્રાણ થઈ, અને હવે વિલીન થવાને આરે છે, એ વાત સાચી. આ તો પ્રાકૃતિક ઘટનાક્રમ છે. અમેરિકાના વિવિધ ડાયસ્પોરા સમાજોના અભ્યાસને આધારે સમાજશાસ્ત્રીઓ એવા તારણ પર આવ્યા છે કે ત્રણચાર પેઢી પછી વસાહતીઓનો વારસો ક્ષીણ થાય છે, અને તેમની અસલ ઓળખ ભૂંસાવા માંડે છે.’
અદમસાહેબનું આ તારણ હચમચાવી જાય છે. છતાં, તેથીસ્તો, વાસ્તવિક્તાનો સ્વીકાર છે. તળ ગુજરાતમાં ય પાણી ડૂકી રહ્યાં હોય તેમ વર્તાય છે !
‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’ના પુસ્તક 90, અંક 1માં, ‘સંપાદકની કલમે’ નામે સ્થંભમાં, સિતાંશુ યશશ્ચંદ્રે ‘જે રણમાં દૃઢ રહે તે શૂર’ નામે વિષદ લખાણ આપ્યું છે. ‘સાહિત્ય, સમાજ અને સમૂહ-માધ્યમો વિશે’ના આ સંપાદકીયમાંથી આ અવતરણો ઉધાર લેવાની ચેષ્ટા કરું છું :
‘કાવ્યમ્ યશસે, અર્થકૃતે’ એ ભલે હોય, પણ એટલે જ અટકી પડવાનું ? આ એક સવાલ આજનો દરેક ગુજરાતી લેખક પોતાના એકાન્તમાં પોતાને પૂછે તો કેવું સારું ! કેમ કે વિવિધ શરણાગતિઓ પણ નશીલી હોય છે અને એ નશો ચડ્યે બોલવાચાલવાનાં ઠેકાણાં રહેતાં નથી. એ રીતે આજે બે ઘડી રાજાપાઠમાં આવી ગયેલા વ્યાંગ્યકારો થોડું એકાન્ત ગોતીને જાતને સવાલ પૂછી લે એ સહુના હિતમાં છે.
‘નહીં તો ક્યારેક ગુજરાતી ભાવક, જે હાલ એકંદરે રસપરક હાઇબરનેશનમાં, શૈત્યસુષુપ્તિમાં, ગયેલો જણાય છે, એ ક્યારેક તો જાગી જવાનો. એ જાગ્રત વાચક કેટલાક આકરા સવાલ આજના આપણા શરણશીલ અને સમૂહમાધ્યમિક (‘બાલદૃષ્ટા’?) સાહિત્યકારોને પૂછશે : “રાજ્ય કે સમાજના પૈસે યોજાતા તમારા મોંઘાદાટ સમારંભોમાં ચાલેલું તમારું આખું વાક્-ઉદ્યોગ-પર્વ માત્ર તમને નાણાં અને સન્માન મળે એ વાસ્તે જ હતું ?”
‘સેલ્ફ ઑડિટ સમયસર નહીં કરાય તો પબ્લિક ઑડિટ વહેલું-મોડું આવી તો પડવાનું જ છે.
‘ગળ્યું ખાવું ઘણાંને બહુ ગમે. એવા મધુપર્કો એમને પૂરા પાડનારી વિવિધ સત્તાઓ પણ હોય. પણ એવા મધુપર્કો આરોગવાની લત જો ગુજરાતી લેખકો અને વાચકને લાગી, તો બંનેની તબિયત બગડવાનું નક્કી સમજવું. એવાં મિષ્ટાનો મેળવવાની ટેવ પડી તો એ લેખોનું શું થાય ? ખવડાવનારાઓનાં આત્મશિસ્ત ધરાવતા લેખક મટીને કહ્યાગરા કલમબાજ થવારૂપી મધુમેહ રોગનો ભોગ બન્યા વિના એઓ ન રહે. એવા લેખકોની આંખોની રોશની અને યકૃતની શક્તિ કમ થતી જાય. અંતે ન જાતે જોઈ શકે, ન સમાજ-શરીરમાં રક્તસંચાર સ્વચ્છ રાખવા અંગે કશું કહી શકે, એ તે કેવો લેખક ? બાપડો.’
આ મારે મન એક દીવાદાંડી છે.
અને આવું આવું છતાં, આપણાં સમૂળાં કામો હાથ ઘરતી વેળાએ ગુરદેવ રવિ ઠાકુર સતત સ્મરણમાં રાખ્યા છે. નારાયણભાઈ દેસાઈએ ‘રવિ છબિ’ પુસ્તક કર્યું છે, તે અનુસાર, ‘કર્તવ્યગ્રહણ’ કણિકામાં કવિ કહે છે :
‘કોણ લેશે મારું કામ’ સાંજે રવિ કહે
સુણી જગ મોઢું સીવી નિરુત્તર રહે.
માટીનું કોડિયું ત્યાં બોલે ‘મારા ઈશ,
બનશે જે મારાથી તે હું નક્કી કરીશ.’
તળ ગુજરાતના ભાષા-સાહિત્યના વિધવિધ પ્રવાહોને કોરાણે ઠેલીને, બસ, આપણે આ મુલકે, આ જ કહ્યું છે, આમ જ વર્ત્યું છે. − ‘મારા ઈશ, બનશે જે મારાથી તે હું નક્કી કરીશ.’ અને જોતજોતામાં, અકાદમીનાં આ વહેણને હવે સક્ષમ રૂપે પાંચ દાયકા થવાના !
આવો, ભેરુ, આપણે સૌ અકાદમીને સહિયારા પોંખીએ અને અવસરને જૂહારીએ.
31 મે 2025
e.mail : vipoolkalyani.opinion@btinternet.com