રોશેનબુશને વાંચ્યા પછી બીજા મહાન ફિલસૂફોના સામાજિક ને નૈતિક સિદ્ધાંતોના ગહન અભ્યાસ તરફ હું વળ્યો. સામાજિક સમસ્યાઓને હલ કરવાના પ્રેમના સામર્થ્ય અંગે, આ ગાળા દરમ્યાન મેં હાથ હેઠા મૂકી દીધા હતા. મને લાગતું કે, બીજો ગાલ ધરવાની ને શત્રુને ય ચાહવાની ફિલસૂફી વ્યક્તિ-વ્યક્તિના સંઘર્ષમાં જ ચાલી શકે; જાતિ કે રાષ્ટ્રો વચ્ચેના સંઘર્ષમાં વધુ વહેવારુ તરીકો જરૂરી બને છે.
પછી મારો પરિચય મહાત્મા ગાંધીના જીવન અને બોધ સાથે થયો. એમનાં પુસ્તકો વાંચતાં અહિંસક પ્રતિકારનાં આંદોલનોએ મને મુગ્ધ કર્યો. સત્યાગ્રહની ગાંધી વિભાવના મારે મન ગજબની અર્થપૂર્ણ હતી. ગાંધીની ફિલસૂફીમાં હું ઊંડો ઊતરતો ગયો અને ક્રમે ક્રમે પ્રેમના સામર્થ્ય અંગેની મારી સાશંકતા ઓસરતી ચાલી અને મને પહેલી જ વાર સમજાયું કે, ગાંધી-પ્રયોજી પદ્ધતિ દ્વારા અમલી બનતો પ્રેમનો ખ્રિસ્તી સિદ્ધાંત, શોષિત પ્રજાને પોતાની મુક્તિ માટેની હલચલમાં ખપ આવી શકે એવું અમોઘાસ્ત્ર છે. જો કે તે દિવસોમાં મારી આ સમજ અને કદર નકરી બૌદ્ધિક ભૂમિકાએ જ હતી. એને સામાજિક સ્તર પર કારગત સંગઠિત રૂપ આપતો દૃઢ સંકલ્પ ત્યારે ન હતો.
અલાબામામાં મોન્ટગમેરી ખાતે 1954માં હું પાદરીની હેસિયતથી ગયો ત્યારે મને લગીરે અણસાર નહોતો કે અહિંસક પ્રતિકાર પ્રયોજી શકાય એવી કોઈ કટોકટી સાથે મારે સંકળાવાનું આવશે. વરસેક ત્યાં રહ્યો હોઈશ, એવામાં બસ-બહિષ્કાર આરંભાયો. મોન્ટગમેરીના વતનીઓએ, બસોમાં અપમાનભર્યા અનુભવોને અને ધીરજ ખૂટી જતાં વ્યાપક અસહકારનો તરીકો અજમાવીને સાચા અર્થમાં મુક્ત થવાનો પોતાનો નિર્ધાર જાહેર કર્યો. એને સમજાઈ ચૂકયું હતું કે તિરસ્કૃત અવસ્થામાં બસમાં બેસવા કરતાં શેરીમાં ઉન્નત શિરે ચાલવું વધુ સંમાનપૂર્ણ છે. પ્રતિકારના પ્રારંભિક તબક્કામાં એમના મોવડી તરીકે ફરજ બજાવવાનો એ લોકોએ મને અનુરોધ કર્યો. આ જવાબદારી સ્વીકારતાં, સભાનપણે કે અભાનપણે મારા મનમાં ઈસુનું ગિરિપ્રવચન અને અહિંસક પ્રકારની ગાંધી-પદ્ધતિ રમી રહ્યાં. અમારી ચળવળમાં આ સિદ્ધાંત દીવાદાંડી સમો બની રહ્યો. ઈસુએ પ્રેરણા ને ભાવના પૂરી પાડી, ગાંધીએ ૫દ્ધતિ.
અહિંસાના પ્રશ્નમાં મોન્ટગમેરીના આ અનુભવે, મેં વાંચેલાં બધાંયે પુસ્તકો કરતાં વિશેષ સ્પષ્ટતા આપી, કાળના વહેવા સાથે અહિંસાના સામર્થ્યમાંની મારી શ્રદ્ધા દઢાતી ગઈ. અહિંસા મારે મન એક બુદ્ધિસંમત તરીકા કરતાં કંઈક વિશેષ બની ગઈ – વિશિષ્ટ જીવનરીતિ પરત્વેની સમર્પિતતા જાણે. અહિંસાને લગતી જે કેટલીયે બાબતો બૌદ્ધિક રીતે હું સુલઝાવી શક્યો નહોતો તે હવે પ્રત્યક્ષ વ્યવહાર દ્વારા ઊકલતી ચાલી.
ભારતયાત્રાના સુયોગે મારા પર અંગત રીતે ઘેરી છાપ પાડી. આઝાદી માટેના અહિંસક સંગ્રામનાં આશ્ચર્યભર્યાં પરિણામોને નજરોનજર નિહાળ્યાથી મેં નવ-પ્રાણનો સંચાર અનુભવ્યો. હિંસક આંદોલન પછી દેખા દેતી ઘૃણા ને કટુતા ભારતમાં ક્યાંયે ન જણાઈ, જોવા મળ્યું તે તો રાષ્ટ્રકુટુંબની અંદર સંપૂર્ણ સમાનતાની ભૂમિકાએ ભારત અને બ્રિટનની મૈત્રીનું વિરલ દૃશ્ય.
અહિંસા રાતોરાત ચમત્કાર કરી નાખશે તેવી કોઈ છાપ ઉપસાવવાની મને મુદ્દલ ઇચ્છા નથી. માણસને એના બંધાઈ ચૂકેલા માનસિક ઢાંચાની બહાર સહેલાઈથી આણી શકાતો નથી; એના પૂર્વગ્રહો કે અબૌદ્ધિક લાગણીઓ પણ ક્ષણવારમાં દૂર કરી શકાતી નથી. ‘રહિતો’ સ્વાધીનતા માગે છે, ત્યારે ‘સહિતો’નો પ્રથમ પ્રતિભાવ કટુતા અને ધરાર પ્રતિકારનો હોય છે. અહિંસક ઢબે આ માગ રજૂ થઈ હોય તો પણ સામેથી શરૂશરૂમાં તો આવો જ ઉત્તર મળવાનો. છતાં પણ અહિંસક અભિગમ એને અંગિકૃત કરનારના હૃદય અને આત્મા પર જરૂર અસર નિપજાવે છે. એ એમને એક નવું જ આત્મગૌરવ આપે છે. તેઓ પોતે ય જેનાથી આજ દિન તક અજાણ્યા હતા એવા અભય સામર્થ્યના સ્રોતને તે એકાએક પ્રવહમાન કરી મૂકે છે. અને અંતે, પ્રતિપક્ષીના આત્માને તે એવી રીતે આંદોલિત કરે છે કે સમાધાન વાસ્તવિકતા બની રહે.
14 જૂન 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 343