હાડોહાડ રૅશનાલિસ્ટ કર્મશીલ લંકેશ ચક્રવર્તી તેત્રીસ વર્ષથી, રૂપાલ નામના ગામે, દાયકાઓથી, ધર્મને નામે નવરાત્રિની નવમી રાત્રે ચાલતા ઘીના વેડફાટની કુપ્રથાને બદલવા માટે મથામણ કરી રહ્યા છે.
તેમની ઝુંબેશનું નામ ‘પલ્લી પરિવર્તન અભિયાન’ છે. તેના અનેક તબક્કામાં નિસબત ધરાવતા નાગરિકોનો ટેકો મળતો રહ્યો છે, પણ દરેક વખતે પહેલ અને મહેનતનો ઘણો હિસ્સો લંકેશનાં હોય છે. એ અર્થમાં અઠ્ઠાવન વર્ષના લંકેશ એકલવીર છે. અંધશ્રદ્ધાના બીજાં રૂપો સામેની તેમની લડતમાં તેમને કેટલીક સફળતા મળી છે.
ગાંધીનગરથી પંદર જ કિલોમીટર પર આવેલા રૂપાલ ગામની પલ્લી એટલે વરદાયિની માતાની એક પ્રકારની પાલખી કે લાકડાનો એક માંચડો, કે જેની ગામના રસ્તે શોભાયાત્રા કાઢવામાં આવે છે. તેની પર ગામના સત્યાવીસ ચોકમાંથી દરેકમાં ચખ્ખું ઘી રેડવામાં આવે છે. દર વર્ષે મળતા અખબારી આંકડા મુજબ અહીં ચાર-પાંચ લાખ લીટર જેટલું ઘી માટીમાં મળી જાય છે, જેની કિંમત કંઇક કરોડ રૂપિયા થાય છે. પલ્લી પૂરી થયા બાદ રસ્તા પર વહેતું ઘી ગામના ગરીબ દલિત વાલ્મિકી પરિવારો એકઠું કરે છે, અને તેને ખાવા લાયક બનાવે છે.
તસવીરોમાં ડાબી બાજુથી : લંકેશ, પલ્લીમાં ઘીની નદી, પલ્લી પર ઘી, ઘી ભરેલી ટ્રૅક્ટરની ટ્રૉલિ, રસ્તા પરનું ઘી એકઠું કરતા વાલ્મિકી ભાઈઓ
ઘીનું અર્પણ માત્ર પ્રતિકાત્મક રહે અને ઘી અથવા તેની કિંમત જેટલી માટેની રકમ વિકાસના કામોમાં આવે તે માટે લોકજાગૃતિ લાવવી એ લંકેશના પલ્લી પરિવર્તન અભિયાનનું ધ્યેય છે. લંકેશે રચેલા ‘વહેમ અને અંધશ્રદ્ધા વિરોધી મંચ’ના નેજા હેઠળ ચાલતા અભિયાનના કેટલાંક ઉપક્રમોમાં અત્યારે પણ ફોટોગ્રાફસનું ફરતું પ્રદર્શન છે. જેમાં વ્યાવસાયિક ફોટોગ્રાફર-વીડિયોગ્રાફર લંકેશે ઝડપેલી પલ્લીની પચાસેક બોલકી તસવીરો છે. તેની સાથે આ બધાં વર્ષો દરમિયાન અભિયાને બહાર પાડેલા પોસ્ટરો પણ જોવા મળે છે. આ પ્રદર્શન લંકેશ શિક્ષણ સંસ્થાઓમાં, સ્વૈચ્છિક સંગઠનો(એન.જી.ઓ.)ના કાર્યક્રમોમાં અને જ્યાં તક મળે ત્યાં યોજતા રહ્યા છે. કમનસીબે હવે તકો ઓછી થતી જાય છે. જો કે ગયા અઠવાડિયે આ પ્રદર્શન અમદાવાદની એચ.કે. આર્ટસ કૉલેજમાં યોજાયું હતું.
પ્રદર્શનની સાથે શક્ય હોય ત્યાં ઑક્ટોબર 1997માં બનેલી પંદર મિનિટની ચોટદાર ફિલ્મ ‘પાગલ પરંપરાને પગલે ધૂળ ચાટતી માનવતા’ પણ બતાવવામાં આવે છે. આ ફિલ્મની પહેલી વર્ઝનનું નામ ‘રૂપાલની પલ્લી : પરિક્રમા કે પરાકાષ્ટા’ હતું. બંનેમાં કર્મશીલો અને માધ્યમકર્મીઓનો સહયોગ છે. આ ફિલ્મ માટેનું શૂટિંગ ખુદ લંકેશે કર્યું હતું.
પલ્લીના બગાડનો પરચો લંકેશને 1991માં મળ્યો. થોડુંક ઘી ચઢાવવા જનાર મિત્ર સાથે લંકેશ ત્યાં ગયા. લંકેશ યાદ કરે છે : ‘મેં ત્યાં જે જોયું તેણે મારા મગજનો કબજો લઈ લીધો, રાત-દિવસ એ જ યાદ આવે.’ પલ્લી જોતાં, કે તેના વિશે વાંચતાં કે તેના પરની ફિલ્મ જોતાં કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિને લાગતો આઘાત લંકેશને કંઈક વધારે જ લાગ્યો. એટલા માટે કે 1982થી એક અનુભવ બાદ તેઓ નાસ્તિક બની ગયા હતા અને 1986થી રૅશનાલિસ્ટ ચળવળ સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા. તેના કાર્યક્રમો અને અધિવેશનોમાં જોડાતા હતા, તેનું સાહિત્ય વાંચતા હતા. ચળવળના પાયાના એક પથ્થર સમા ચતુરભાઈ ચૌહાણ કે જેમના પ્રભાવ હેઠળ તેઓ ચળવળમાં જોડાયા તેમની સાથે તેઓ અંધશ્રદ્ધા વિરોધી નાટકોની સેંકડો ભજવણીઓમાં વિજ્ઞાનયાત્રીનું પાત્ર ભજવીને બાવા-ભૂવાઓના કરતૂતોને ખુલ્લાં પાડતા હતા.
બીજી બાજુ ફોટોગ્રાફી પર લંકેશનો હાથ બેસી રહ્યો હતો. ભૂવાલડી ગામના નાના ખેડૂતના આ દીકરાએ રસને અભાવે બારમા ધોરણમાં ભણવાનું છોડી દીધું. પણ કામ અને કમાણી માટે તે અમદાવાદમાં ખાડિયા વિસ્તારના એક સ્ટુડિયોમાં નાનાં-મોટાં કામ માટે મહિને ત્રણસો રૂપિયાના પગારે નોકરીએ લાગ્યો. એટલે ફોટોગ્રાફીમાં રસ પડ્યો અને લંકેશ એકસો ચોર્યાંશી રૂપિયાનો ભરોસા વિનાનો સ્નૅપર કૅમેરો ખરીદીને સગાં-સબંધીઓ, ગામના લોકો, તેમના પ્રસંગોના ફોટા પાડતા થયા, જેનાથી થોડીઘણી આવક થતી. એવામાં પલ્લીના ફોટા પાડ્યા અને સુધારાની ધખના સાથે ‘સમકાલીન’ દૈનિકમાં આપ્યા. તે સરકારી કર્મચારી તેમ જ જાણીતા વાચક-લેખક ડંકેશભાઈ ઓઝાના પલ્લી વિશેના લેખ સાથે 26 જાન્યુઆરી 1992ની ‘વેરાઇટી’ પૂર્તિમાં છપાયા. આ પહેલાં લંકેશ અને ડંકેશ 1991ની પલ્લીમાં જ મળ્યા હતા. પલ્લીની રૂબરૂ મુલાકાતને આધારે ડંકેશભાઈએ લખેલો લેખ સપ્ટેમ્બર 1991ના અંકમાં પ્રસિદ્ધ થયો હતો. પલ્લી વિશે એક કરતા વધુ વખત લખવા ઉપરાંત ડંકેશ અભિયાનમાં સક્રિય હતા. લંકેશ ફોટા અને ઢગલાબંધ વિગતો માધ્યમોને પહોંચાડવાનું કામ ઇન્ટરનેટ અને મોબાઈલ પહેલાંના સમયમાં ચાલતા કે સાયકલ પર ફરીને લગભગ એકલપંડે છાપાંને પહોંચાડતા રહ્યા. દેશભરના અખબારી આલમને અને તે થકી લાખો લોકોને પલ્લીની કુપ્રથા વિશે જાણ થઈ તેનો યશ મોટે ભાગે લંકેશને આપી શકાય. અલબત્ત, ભૂતકાળના જૂજ નોંધપાત્ર અપવાદો પલ્લીના કવરેજમાં ઘણાં માધ્યમો ચઢતા દરે પલ્લીનું ગૌરવ કરી રહ્યાં છે, જે ખૂબ ચિંતાજનક છે.
લંકેશ અને સાથીઓનું 1990ના દાયકામાં બીજું મહત્ત્વનું માધ્યમ હતું તે પત્રિકા અને પોસ્ટર. વારંવાર હજારોની સંખ્યામાં તે છપાવીને લોકોમાં વહેંચવાનું અને જાહેર જગ્યાઓ પર ચોંટાડવાનું કામ લંકેશે એકાદ સાથીની મદદથી કે એકલા અનેક વખત કર્યું છે.
લંકેશને ખુદ પત્રિકાઓ વહેંચીને પલ્લીમાંથી ઉચાળા ભરવા પડ્યા હોય, ધમકીઓ મળી હોય, ‘રાતોરાત ગાંધીનગરનું આખું એસ.ટી. સ્ટૅન્ડ અને પલ્લી તરફ જતી બસો ચીતરી મારી’ હોય એવી યાદો અનેક છે. ટેકેદારો સાથે મામલતદારથી મંત્રીઓ સુધી રજૂઆતો બેઠકો કરી. નાગરિક સમાજના પીઠબળે બેઠકો અને ધરણા-દેખાવ કર્યાં. ફિલ્મ બનાવી. પાંચમી ઑક્ટોબર 1997ના દિવસે પલ્લી પરિવર્તન માટે સંમેલન યોજ્યું જેમાં રાજ્યની સાઠ સંસ્થાઓનો ટેકો હતો. રૂઢિચુસ્તોએ વિરોધ પણ ઘણો કર્યો. એક નિવેદન એવું પણ આવ્યું જેમાં લંકેશ અને પૂર્વ શિક્ષણ મંત્રી નવલભાઈ શાહના નામ સાથે અભિયાનવાળાને ધમકી હતી : ‘રૂપાલમાં આવીને ત્રાગાં કરશો તો સમગ્ર ગુજરાતની પ્રજા તમને નાગા કરીને ફેરવશે એમાં બેમત નથી.’ લંકેશ અને જાણીતા રૅશનાલિસ્ટ એડવોકેટ પીયૂષ જાદુગરે 1998માં વડી અદાલતમાં જાહેર હિતની અરજી પણ કરી. 29 સપ્ટેમબરે કોર્ટે એ મતલબનું કહ્યું કે ધાર્મિક બાબતોમાં હસ્તક્ષેપ ન થઈ શકે.
પલ્લી પરિવર્તન અભિયાનની 1991 સપ્ટેમ્બરથી નાનામાં નાની વિગતો સહિતની દસ પાનાંની તવારીખ લંકેશે તૈયાર કરી છે. તદુપરાંત બધાં વર્ષોમાં માધ્યમોમાં આવેલા લખાણોના લગભગ તમામ કતરણો, સંખ્યાબંધ ફોટા, પત્રવ્યવહાર, આવેદનપત્રો જેવી વિવિધ સામગ્રીની મસમોટી ફાઇલો તેમણે બનાવી છે.
પ્રખર રૅશનાલિસ્ટ લંકેશે અંધશ્રદ્ધા હટાવવામાં કે તેને ખુલ્લી પાડવામાં જે સફળતા પણ મેળવી છે તે અલગ લેખનો વિષય છે. પૂર્વ પટ્ટીની આદિવાસી મહિલાઓ પર શામળાજી પાસેના નાગધરા કુંડમાં ભૂતપ્રેત કાઢવાના નામે થતા અમાનુષી શારિરીક અત્યાચારને તેઓ એક સમયે અદાલતી હુકમથી લાવી શક્યા હતા. વેજલપુરના મકાનમાં થતા ચમત્કાર, દહેગામમાં છોકરીની આંખમાંથી મોતી નીકળવાની બીના, મહુધા પાસે મીનાવાડામાં દશામાનું પ્રાગટ્ય, બાપુનગરમાં ઘરે ઘરે કંકુના થાપા જેવા બનાવો પાછળના વહેમને ખુલ્લાં પાડવાનાં અનેક કામ લંકેશે રૅશનાલિસ્ટ સહયોગીઓ તેમ જ જૂજ પત્રકારોના સહકારથી પાર પાડ્યા છે. કાળી ચૌદસે અમદાવાદના સ્મશાનોમાં જવાના રૅશનાલિસ્ટોના કાર્યક્રમને બહોળો પ્રતિસાદ સાંપડતો જાય છે. લંકેશ અમદાવાદથી પંદર કિલોમીટર પર આવેલાં તેમના વતન ભૂવાલડી ગામમાં જાહેર ગ્રંથાલય ઊભું કરી રહ્યા છે. તેનું નામ છે – રમાબાઈ ભીમરાવ આંબેડકર અને સાવિત્રીબાઈ જોતીરાવ ફુલે પુસ્તકાલય અને દેહદાતા ગંગાબહેન મૂળજીભાઈ સોલંકી વાચનાલય’. સંભવત: ગુજરાતનાં પહેલાં દેહદાતા ગંગાબહેન લંકેશના માતુશ્રી. ગ્રંથાલય માટે મદદ આવતી જાય તેમ ચણતરનું કામ ચાલતું રહે છે.
અત્યારે લંકેશ ફોટો અને ફિલ્મ પ્રદર્શન ઉપરાંત પલ્લીની બદી સામે લોકજાગૃતિ કેળવવા માટે ગુગલ ફૉર્મનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે. રૅશનાલિસ્ટ અસોસિયેશન કે અન્ય નેજા હેઠળ યોજાતા’ ચમત્કારોનો પર્દાફાશ’ની મંચ-રજૂઆતોમાં પીયૂષ જાદુગર સાથે અચૂક હોય છે.
પહેલાંની સરખામણીમાં પરિવર્તન અભિયાન મંદ પડ્યું છે એ અંગેના સવાલના જવાબમાં લંકેશ એકંદરે ખુદની અર્થિક પરિસ્થિતિને જવાબદાર ગણાવે છે. આવક અને પૈસા ઓછા છે : ‘સામેથી મદદ માગવાનો મારો સ્વભાવ નથી – એ મારી ખામી છે’. આમ કહેનારા લંકેશ તેમને ઝુંબેશમાં અને જીવનમાં મદદ કરનારા સંખ્યાબંધ મિત્રોનો કૃતજ્ઞતાપૂર્વક ઉલ્લેખ કરતા જ રહે છે. અભિયાનમાં તેમના પ્રંચડ વ્યક્તિગત યોગદાનનો ઉલ્લેખ તેઓ અનિવાર્ય લાગે ત્યારે જ, ધીમા અવાજે અને અલ્પોક્તિ રૂપે કરે છે. પણ સાથીદારોના સંખ્યાબંધ નામ યાદ કરી કરીને જણાવે છે. લંકેશનું આખું ય વ્યક્તિત્વ નિષ્ઠાવાન શ્રમજીવી કાર્યકર્તાનું છે. તેમની બાજુમાં ઊભી હોય તે વ્યક્તિને સહેજેય ખ્યાલ ન આવે કે તે આપણા સમયનો એક ખૂબ હિમ્મતવાળો સમાજસુધારકની બાજુમાં છે.
પલ્લી પરિવર્તન વિશેના પચાસેક લખાણોના લંકેશે સંપાદિત કરેલા સંચયની, મોટા કદના ડબલ કૉલમના સવાસો પાનાંની, કાચી નકલ મહત્ત્વનો દસ્તાવેજ છે. તે પુસ્તક તરીકે છપાય અને હજારો સુધી પહોંચે, પુસ્તકની પી.ડી.એફ. બને અને નવી પેઢીમાં વંચાય એ ખૂબ જરૂરી છે. એ કામ પૈસાના અભાવે અટક્યું છે.
સામાજિક દૂષણો સામે લડનારા લંકેશ એકલા નથી, પણ ગુજરાતમાં જે થોડાક છે તેમાંના એ એક છે. આવા અવિરત, અડગ, અણનમ કર્મશીલોને લીધે માણસાઈમાં વિશ્વાસ ટકી રહે છે, સમાજ પૂરેપૂરી પડતીથી બચતો રહે છે.
તસવીરો : લંકેશ અને વિજય જાદવ
કોલાજ સૌજન્ય : પાર્થ ત્રિવેદી
આભાર : ચંદુ મહેરિયા
11 ઑક્ટોબર 2024
[1200 શબ્દો]
e.mail : sanjaysbhave@yahoo.com