એમણે કેવળ પરંપરાગત શાસ્ત્રજ્ઞાનમાં નહીં ગંઠાતાં માનસશાસ્ત્રથી માંડી નૃવંશવિદ્યા સહિતનાં નવખેડાણ પણ સેવ્યા અને ધર્મચિંતનને ‘નિવૃત્તિ‘નું ક્ષેત્ર નહીં માનતા નાગરિક પ્રવૃત્તિઓમાંયે રસ લીધો

પ્રકાશ ન. શાહ
સુપ્રતિષ્ઠ પર્યુષણ વ્યાખ્યાનમાળાના સુવર્ણજયંતી ઉત્સવના શુભ આરંભ રૂપે હમણાં પંડિત સુખલાલજીનું વિશેષ પોસ્ટલ કવર બહાર પડ્યું તે નિશ્ચે જ આ મોસમના સારા સમાચારો પૈકી છે.
પંડિતજી વિશે ને મિશે વિશેષ લખું તે પહેલાં બે પાંચ શબ્દો આ ‘મોસમ’ના બારામાં કહું. ‘ધર્મ’ એ સંજ્ઞા એના અસલ અર્થથી વિખૂટી પડી ગઈ છે, અને લોકો સામસામી રાજનીતિ સહિતનો મિથ્યાવ્યાપાર ‘ધર્મ’ને નામે કરે છે, એવા આ વસમા દિવસો છે.
આ વસમા દિવસોમાં પં. સુખલાલજીનું જીવનકાર્ય ચોક્કસ જ માર્ગદર્શક ને પ્રેરક અનુભવાય એવું છે. નાની ઉંમરે આંખ ખોયા પછી વિદ્યાજ્ઞાનમાં ઊંડા ઊતરવું ને નાનાવિધ શાસ્ત્રો તેમ જ એથીયે અધિક તો વિવિધ દર્શનોના અરણ્યમાં અકુંતોભય વિહરવું તે અલબત્ત એક અસાધારણ વાત હતી અને છે. કાશી-મિથિલાની એમની વિદ્યાસાધના તેમ જ તે પછી ગૂજરાત વિદ્યાપીઠ, બનારસ હિન્દુ યુનિવર્સિટી, ભારતીય વિદ્યાભવન, ભો.જે. વિદ્યાભવન(ગુજરાત વિદ્યાસભા)માં અધ્યાપનની અનેરી પરંપરા ખિલવવી એ પોતે ખસૂસ એક મોટી વાત છે. બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી એ મુક્ત થવાના હતા ત્યારે ઉપકુલપતિ સર્વપલ્લી રાધાક્રિષ્ણને એમને પોતાની પસંદગીના ક્ષેત્રમાં વિશેષ અભ્યાસ કરવા માટે ખાસ જોગવાઈની ઓફર કરી અને એમણે નકારી હતી. એ પૂર્વ કલકત્તા યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્યામાપ્રસાદ મુખરજીએ પણ એમને આશુતોષ મુખરજી ચેર પર પસંદગીનું કામ કરવા સબહુમાન નિમંત્ર્યા હતા, પણ એમણે સાભાર અસ્વીકાર કર્યો હતો.

પંડિત સુખલાલ સંઘવી
આ સાભાર અસ્વીકારનું કારણ કેવળ એટલું ને એટલું જ હતું કે, વતન, ગાંધીભૂમિ ગુજરાત એમને ખેંચતું હતું. અહીં ગુજરાત આગળ ગાંધીભૂમિ એ વિશેષણ મેં સાભિપ્રાય પ્રયોજ્યું છે, કેમ કે, પં. સુખલાલજીની ધર્મદૃષ્ટિએ આપણા સમયમાં એક વિભૂતિ લેખે ગાંધીજીમાં કશુંક ભાળ્યું હતું. સુખલાલજીનું પોતાનું વિભૂતિમત્વ કેવુંક હશે એનો અંદાજે અહેસાસ દર્શકની મનહર-મનભર નવલકથા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ના નાયક સત્યકામ પરથી આવશે. કહે છે કે, આ પાત્રનિર્માણનો ધક્કો દર્શકને પંડિતજી પરથી લાગ્યો હતો. સુખલાલ સંઘવી આમ તો નાના શા લીમલી ગામનું ઝાલાવાડનું સંતાન. ઝાલાવાડનું જ ગુજરાત પ્રતિષ્ઠ એવું અન્ય સંતાન તે દલપતરામ. મોટી ઉંમરે દલપતરામે આંખ ખોઈ હતી. પણ અંતર એથી કદાચ વધુ જ ઊઘડ્યું હશે. શું સરસ કહ્યું હતું એમણે કે મનુષ્યથી થઈ શકે તે કામ પ્રભુને ભળાવવા નહીં. દર્શકનો સત્યકામ, કેમ કે એને લેખકની કલ્પનાશક્તિ અને ઇતિહાસદૃષ્ટિનો લાભ મળેલો છે, વિશ્વસ્તરે હિટલરી પરિબળો સાથે ધોરણસર કામ પાડી અહીં ખુદ ગાંધીને ઝકઝોરી સહજ ક્રમે વાડીમાં વિરમે છે. પં. સુખલાલજી કેવળ શાસ્ત્રજ્ઞાનમાં ને દર્શનસેવનમાં નહીં ગંઠાતાં માનસશાસ્ત્ર, નૃવંશવિદ્યા જેવા મુકાબલે નવખેડાણોનું પણ સેવે છે અને ધર્મચિતનને ‘નિવૃત્તિ’નું ક્ષેત્ર નહીં માનતાં રચનાત્મક પ્રવૃત્તિઓમાંયે રસ લે છે.
ગાંધીજીને જે રીતે જોવામૂલવ્યા એમણે – પરિચય તો કે’દીનો હતો – કોચરબ આશ્રમના આરંભદિવસોમાં સામે બેસી સાથે સાથે ઘંટી તાણવાનો લહાવો લીધો હતો. હાથમાં મેડલ પેઠે ફરફોલા – ઊઠ્યા હતા. એમણે કહ્યું કે પૂજામાં બેસેલ ગૃહસ્થ એના મહેલમાં આગ લાગ્યાનું જાણતે છતે પૂજામાં અવિચલ રહે છે અને આપણે એને વિદેહી કહીએ છીએ. એક બાપુજી (ગાંધીજી) એવા નીકળ્યા કે એમણે બળતા ઘરમાં આગ ઓલવવામાં દરમિયાન થવાના પોતાનો ધર્મ જોયો, ‘સંસાર શું સરસો રહે ને મંત મારી પાસ, એક આપણાં સમયના વિદેહી છે.’
પંડિતજીના શાસ્ત્રતપ વિશે ન કહેતાં વિવિધ શાસ્ત્રો ને દર્શનો આરપાર એમણે જ વલણ કેળવ્યું ને જેનું પ્રતિપાદન કર્યું તે સારરૂપે કહું તો ‘મિત્તિ મે સવ્વ ભૂએસુ'(સમગ્ર વિશ્વ સાથે અદ્વૈત)નું હતું. તત્ત્વચિંતનને ધર્મ અને શાસ્ત્રોની શૃંખલામાંથી મુક્ત કરવું અને ક્રિયાકાંડમુક્ત સમન્વયદર્શી ધર્મની અનુમોહતા કરવી એ એમની સહજાવસ્થા હતી.
પ્રર્યુષણ વ્યાખ્યાન માળા એમણે ખીલવી તે વ્યાપક નાગરિકતાની કેળવણીની ધર્મભાવનાથી … કાશ, આ પોસ્ટલ કવરનો ઉપક્રમ એવો પ્રકાશ પાથરી શકે !
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 18 ઑક્ટોબર 2023