હરિને સંગે. ઓડિયો સીડી. સ્વરાંકન-સંકલન અમર ભટ્ટ. વાદ્ય સંગીત નિર્દેશન અમિત ઠક્કર. કલાકારો ગાર્ગી વ્હોરા, ઐશ્વર્યા મઝુમદાર, પુરુષોત્તમ ઉપાધ્યાય, ઓસમાણ મીર અને અમર ભટ્ટ. રજૂઆત અગત્સ્ય ફાઉન્ડેશન, ૪૭ બ્રાહ્મણ મિત્ર મંડળ સોસાયટી, એલિસ બ્રીજ, અમદાવાદ ૩૮૦ ૦૦૬
આપણા આદિ કવિ નરસિંહ મહેતાનું એક અત્યંત જાણીતું પદ છે : ‘હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે.’ તેમાં એક પંક્તિ આ પ્રમાણે છે : ‘જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે.’ પણ આમ તો કહી શકે કોઈ ગોપી કે નરસિંહ જેવો પરમ ભક્ત. પણ હરિ સંગે જાગવું એટલે શું એની ઝલક પામવી હોય તો એક સહેલો રસ્તો કાનવગો છે – ‘હરિને સંગે’ સીડીમાંનાં દસ ગીતો સાંભળવાં, ફરી ફરી સાંભળવાં. હરિના સંગની સાથે સાથે સંતર્પક સંગીતના રંગનો સંગ પણ માણવા મળશે.
કવિતા અને સંગીત બંનેની પાકી સમજ અને સૂઝ ધરાવતા આપણા અગ્રણી ગાયક-સંગીતકાર અમર ભટ્ટનાં સ્વરાંકનોમાં વૈવિધ્ય છે, પણ કાવ્યત્વને ભોગે નહિ. શાસ્ત્રીય સંગીત, ઉપશાસ્ત્રીય સંગીત, લોકસંગીતનો પાસ આ ગીતોનાં સ્વરાંકનોને લાગ્યો છે જરૂર, પણ કાવ્યના મૂળ રંગને ઢાંકી દે એવો અને એટલો નહિ. સંગીતકાર અને ગાયક કલાકારો અહીં કાવ્યકૃતિની આગળ ચાલતા નથી, સાથે ચાલે છે, કદાચ પૂરેપૂરા ઔચિત્યપૂર્વક એક ડગલું પાછળ રહે છે. આપણા ચાર ટોચનાં ગાયક-ગાયિકાનો સાથ આ સંગને સફળ બનાવે છે.
નરસિંહની ઉપર ઉલ્લેખેલી કૃતિ ગાર્ગી વ્હોરાએ આમ તો પારંપરિક ઢાળમાં રજૂ કરી છે, પણ સંગીતકારે અને ગાયિકાએ તેમાં ઘણું બારીક નકશીકામ પોતાની ગાંઠેથી ઉમેર્યું છે. મીરાંબાઈના ઘણાં કાવ્યો આપણે ગુજરાતી કે હિન્દીમાં સાંભળ્યાં હોય. પણ અહીં મારવાડી બોલીની મુલાયમતાને પૂરેપૂરી સાચવીને ગાર્ગી વ્હોરાએ ‘દરદ ન જાણ્યાં કોય’ કૃતિ અત્યંત નજાકતપૂર્વક રજૂ કરી છે. રાગ દેશી પર આધારિત બંદિશમાં બંધાયેલું આ પદ એક વાર સાંભળ્યા પછી ઝટ મનનો પીછો છોડે તેમ નથી. ઐશ્વર્યા મઝુમદારે બે કૃતિઓ રજૂ કરી છે : કવિ નાનાલાલનું કાવ્ય ‘હરિ આવો ને’, અને રમેશ પારેખની કૃતિ ‘હું મારી મરજીમાં નહિ.’ નાનાલાલની કૃતિને ગરબા રૂપે રજૂ કરવાનું પ્રલોભન ટાળવું સહેલું નથી. પણ અહી સંગીતકારે તાલનું વજન ગરબાના સ્વરૂપનું રાખ્યું હોવા છતાં તેની રજૂઆત ગરબાની બની ન જાય તેની કાળજી રાખી છે. કવિ સુંદરમનું ગીત ‘પ્રભુ મારી અંધારી રાત્યુંને’ તથા રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ની ગઝલ ‘ફર્યા કરે છે’ને પુરુષોત્તમ ઉપાધ્યાયનો સદાબહાર કંઠ મળ્યો છે. સુંદરમની કૃતિને પણ ભજન તરીકે કે મિસ્કીનની કૃતિને પરંપરાગત ગઝલ ગાયકીની ઢબે રજૂ કરવાનો સહેલો માર્ગ સંગીતકારે અપનાવ્યો નથી.
લોકસંગીતનાં ઉત્તમ તત્ત્વોને જાળવનાર છતાં લોકસંગીતને વટાવી ખાવાનો પ્રયત્ન ન કરનાર ઓસમાણ મીરના કંઠે અહીં બે કૃતિઓ સાંભળવા મળે છે : કવિ ઉશનસનું કાવ્ય ‘અષાઢે તણખલું ના તોડીએ જી,’ અને ચંદ્રકાંત શેઠનું ‘ગોદ માતાની ક્યાં?’ રાગ દુર્ગા પર આધારિત સ્વરાંકનમાં હરીશ મિનાશ્રુની કૃતિ ‘સાધો હરિ સંગે હરીફાઈ’ અમર ભટ્ટે પોતાના કંઠે નજાકતભરી રીતે રજૂ કરી છે. દયારામનું પદ નિશ્ચેના મહેલમાં વસે મારો વ્હાલમો’ આમ તો ખૂબ જાણીતું છે, પણ તેની શબ્દયોજના અને લયકારી સરળ નથી, કૈંક અટપટી અને ગાઈને રજૂ કરવામાં દુર્ગમ બને તેવી છે. પણ તેને પોતાની રીતે સ્વરબદ્ધ કરીને પોતાને જ કંઠે રજૂ કરવાનું સાહસ અમરભાઈએ કર્યું છે. વાદ્ય સંગીતનો સાથ બધા ગીતોમાં એવી નાજુક રીતે લેવાયો છે કે ગીતના શબ્દો, ભાવ કે તેમના આકલન આડે તે ન આવે. સંગીત એ અમરભાઈનો પ્રોફેશન નથી, પણ સંગીત એમની પેશન છે. સારી અને સાચી કવિતાને પામવી એ એમને માટે ફેશન નથી પણ પોતે સ્વીકારી લીધેલ વોકેશન છે. પરિણામે આપણને તેમની પાસેથી કાવ્ય-સંગીતની કેટલીક ઉત્તમ રચનાઓ મળી છે. આ સીડીમાંનાં ગીતો સાંભળતાં હરિનો સંગ તો મળશે, પણ સાથોસાથ કાવ્યનો અને સંગીતનો રંગ પણ મળશે.
સૌજન્ય : ‘સાઉન્ડટૃેક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 25 અૉગસ્ટ 2014