ગઈકાલે બપોરે ચાર વાગ્યે, હ્યુસ્ટન સાહિત્ય સરિતાના એક સાહિત્યપ્રેમી મિત્રને ત્યાં ચર્ચા-વાર્તાલાપ દરમ્યાન એ મિત્રએ કહ્યું – ‘આપણી સંસ્થામાં ખરેખર સાહિત્યસર્જક, કવિ, ગઝલકાર કેટલા ? અને …સર્વાનુમતે, જે નામો આવ્યા એમાં સુમન અજમેરી પ્રથમ નંબરે હતા. એ વખતે અમને કોઈને સુમનભાઈ અમદાવાદ ગયા છે, બિમાર છે અને ત્યાં એમણે છેલ્લા શ્વાસ લીધા છે એની ખબર ન હતી.
સુમન અજમેરી મારાથી છ વર્ષે મોટા. ૧૯૩૫ની ચોથી સપ્ટેમ્બરે અમરેલી જિલ્લાના વાવેરા ગામે જન્મેલા સુમનભાઈ વ્યવસાયે શિક્ષક, લેક્ચરર, પ્રોફેસર. શૈક્ષણિક ક્ષેત્રે ૪૨ વર્ષ સેવા આપીને નિવૃત્ત થયેલા. સૌ પ્રથમ સુમનભાઈને અમદાવાદ ખાતે, "ગુજરાત સમાચાર" પ્રેસ પાસે આવેલા તેમના નિવાસસ્થાને ૩૫ વર્ષ પહેલાં મળેલો. અને .. એ પછી, અમારી હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની મિટીંગોમાં અવારનવાર એમની કૃતિઓ અને વિદ્વત્તાનો અમને લાભ મળતો. એમનાં કાવ્યોને સમજવાનું મારું ગજુ નહીં. પણ એમના વાર્તાસંગ્રહો ‘દાવ તારો, દાવ મારો’, ‘તાતા પાની’, ‘કેટરીના, ‘તલાશ’, વગેરે મેં વાંચેલા. ‘માણસનું ચિત્ર કંડારતા કાવ્યો’ તથા આદિલ મન્સૂરી વિશેનું એમનું એક પુસ્તક પણ મને તેમણે મોકલેલા.
એમની બાય પાસ સર્જરિ કરાવેલી ત્યારે, થોડાં વર્ષો પહેલાં, હ્યુસ્ટનની મેમોરિયલ હોસ્પિટલના બિછાનેથી ફોન કરીને મને બોલાવેલો અને તેમની કેટલીક હસ્તપ્રતો મને સારા અક્ષરે લખી, મઠારી અને ગુજરાતના વિવિધ સામયિકોમાં મેઇલ કરવા આપેલી. સાથે દરેક સામયિકના તંત્રીશ્રીનાં નામ-સરનામા અને અંગત પત્રો પણ ખરા જ. મને યાદ છે કે ૩૩ સરનામાં હતા. અને એ પોસ્ટ કરવા માટે પોસ્ટેજના પૈસા પણ આગ્રહ કરીને મારા ખમીસના ઉપલા ખિસ્સામાં એમણે મૂકી દીધેલા. મને એ કૃતિઓ સારા અક્ષરે લખી, ઝેરોક્ષ કરી, સરનામાવાળા પરબીડિયા કરી, પોસ્ટ ઓફીસમાં જઈ, લાઇનમાં ઊભા રહી, વજન કરાવીને મેઇલ કરવામાં અઠવાડિયુ લાગી ગયેલું.
પછી તો હોસ્પિટલમાં બપોરના સમયે મારે અવારનવાર જવાનું થતું, એમનાં પત્ની કવિતાબહેન સાથે પણ કાવ્યો અંગે, પુસ્તકો અંગે વાતો થતી. વીસ વર્ષના આ સંબંધ દરમ્યાન, અમે મિટીંગોમાં મળતા, ફોન પર કલાકો સુધી વાતો કરતા પણ એક જ શહેરમાં રહેવા છતાં અમે પરસ્પરના નિવાસસ્થાને જઈ શક્યા ન હતા. છેલ્લા થોડા સમયથી એમના દીકરાને ત્યાં ફોન કરતાં, મોટેભાગે તો એમના પત્ની સાથે જ, સુમનભાઈના ખબરઅંતર પૂછવાનું થતું.
સુમનભાઈ ગુજરાતી ભાષાને સમૃધ્ધ કરનાર, શબ્દના પૂર્ણ સમયના આરાધક હતા. તેમણે શબ્દ અને કેવળ શબ્દની જ માળા જપી છે. છાંદસ-અછાંદસ કાવ્યો, ગઝલો, ગીતો, બાળકાવ્યો, કિશોરકાવ્યો, ખંડકાવ્યો, સોનેટો વાર્તાઓ, વિવેચનો, પ્રસ્તાવનાઓ, ઘણું ઘણું લખ્યું છે. એમના બે-ત્રણ પુસ્તકોની પ્રસ્તાવના લખવાનો તેમણે મને પણ પ્રેમાગ્રહ કરેલો, પણ હું એ માટે મારી લાયકાત ન સમજતો હોવાથી મેં મારી અસમર્થતા પ્રગટ કરી હતી. મારા અને એમની વચ્ચે કોઈ સામ્ય હોય તો એ વૃત્તાંત – અહેવાલ લેખનનું ક્ષેત્ર હતું. તેઓ શબ્દની વિધાયક શક્તિના તરફદાર હતા. શબ્દમાં માનવના ધર્મ, કર્મ, ઇમાન, ઇબાદત હોવાની તેમને શ્રદ્ધા હતી, ૧૯૭૦ની આસપાસમાં, "ગુજરાત સમાચાર" પ્રકાશિત અને યશવંત મહેતાના સંપાદન હેઠળ પ્રગટ થતા "શ્રીરંગ" ડાયજેસ્ટ્ના કોઈ અંકમાં મારી ટૂંકી વાર્તા ‘મઝહબ‘ પ્રગટ થયેલી ત્યારે એમણે મને પત્ર પણ લખેલો એવું સ્મરણ છે.
કવિતા એ એમના લેખનનો મુખ્ય વિષય રહ્યો હતો. કાવ્યની બધી પ્રવર્તમાન શૈલીઓમાં તેમણે રચનાકાર્ય કરેલું છે. તેઓ કાવ્યશાસ્ત્રના દરેક ક્ષેત્રમાં દક્ષતા અને ગહન આંતરસૂઝ ધરાવતા સફળ સર્જક હતા. એમનાં કાવ્યોનો ઉપાડ, ભાવનિરુપણ પ્રાસ, લય, ઢાળ … બધું જ પ્રભાવક છે. ગીતોમાં પણ પ્રણય, રાષ્ટ્રપ્રેમ, અને ચિંતન જેવું વિષય-વૈવિધ્ય ઊડીને આંખે વળગે છે. હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાના કેટલાક નવા નવા કવિઓએ તેમની અને જનાબ અબ્દુલ રઝાક મેઘાણી (રસિક મેઘાણી) પાસેથી છંદનું જ્ઞાન મેળવીને પોતાની કાવ્યસમૃદ્ધિને વિકસાવી છે.
આજકાલ ઘણાં ગઝલો લખે છે, શાયરીઓ લખવાની તો જાણે એક ફેશન થઈ ગઈ છે. ઇન્ટરનેટના ઉપયોગ પછી અને બ્લોગ સાહિત્યનો વપરાશ થતાં, આ ક્ષેત્રે ઘણું લખાય છે અને ઇ-મેઇલ મારફતે મોકલાય છે પણ, ગઝલના આંતરસ્વરૂપ અંગેની સભાનતા જે સુમનભાઈના લખાણોમાં જોવા મળતી હતી એ, આજના મોટાભાગના સર્જકોમાં જોવા મળતી નથી. ગઝલના મિજાજની પરંપરાનો કાળજીપૂર્વકનો અભ્યાસ, શીખાઉ ગઝલકારોના સર્જનમાં જણાતો નથી.
શબ્દસાધનાની ધૂણી ધખાવીને સિદ્ધિના શિખરો સર કરનાર, અસાધારણ સર્જકપ્રતિભા ધરાવતો એક પીઢ, સાચો સાહિત્યકાર, કવિ, ગઝલકાર હવે આપણી વચ્ચે નથી રહ્યો એનું તીવ્ર દુઃખ હું અનુભવું છું.
છેલ્લે એક વાત લખ્યા વગર મારાથી રહેવાતું નથી. હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની દરેક મિટીંગમાં એમને પોતાની કૃતિ વાંચવા માટે જે સમયમર્યાદા પાળવી પડતી એ ઓછી જ લાગતી. મને કાયમ કહે – 'નવીનભાઈ, કો-ઓર્ડીનેટરને કહો ને કે એકાદ વખત એક મિટીંગ ખાસ મારી કૃતિઓ અને વિશેષ તો ‘ખંડકાવ્ય’ રજૂ કરવા માટે રાખે.’ અને .. હું એમને કહું કે સુમનભાઈ, તમારું ખંડકાવ્ય સમજી શકે કે પચાવી શકે એવા કાવ્યરસિકો આમાં ભાગ્યે જ એકાદ-બે હશે. એટલે એ વાત પડતી મૂકો.’
ખંડકાવ્ય વાંચવાની તેમની એ ઇચ્છા અધૂરી જ રહી ગઈ.
પરમકૃપાળુ પરમાત્મા આટલું અપાર સાહિત્યસર્જન કરનાર સાચા કવિના આત્માને પરમ શાંતિ અર્પે એ જ પ્રાર્થના.
(આ શ્રદ્ધાંજલિ રાત્રિના બે થી ચારના ગાળામાં લખાઈ છે. ૭૪ વર્ષના બુઢ્ઢાને ઊંઘ ન આવે કે છાતીમાં દુખાવો શરૂ થાય કે ઇન્ટરનેટ ખોલીને, ગુજરાતીમાં લખવા બેસી જાય અને પછી વહેલી સવારે, હળવોફૂલ થઈને, પાછો ઊંઘી જાય. શ્રીરામ .. શ્રીરામ .. )
http://navinbanker.gujaratisahityasarita.org/