જ્યોતિષ શાસ્ત્ર, ખગોળવિદ્યા અને અંક શાસ્ત્રનું જ્ઞાન – વિજ્ઞાન ભારતીય પ્રણેતાઅોને − અાર્ય ભટ્ટ અને વરાહમિહિરે પાંચમી સદીમાં ખૂબ વિકસાવ્યું અને તે ભારતીય જન-જીવનનું અંગ બની ગયું. ભારતીય લોકો – અને એશિયા ખંડના મોટા ભાગના લોકો – જ્યોતિષ શાસ્ત્ર અને રાશિ નક્ષત્ર વગેરે વિધાનોમાં અંગત રસ ધરાવે છે અને પોતાના જીવનના વિધિ વિધાનમાં ઉપયોગ કરતા હોય છે. પશ્ચિમિ સંસ્કૃિત અને પ્રજા બુદ્ધિપ્રધાન [reason / logic] રહી છે. અાવી મંત્ર-તંત્ર-જંત્ર વિદ્યામાં અાસ્થા ધરાવતી નથી અને અાવા જ્ઞાન-વિજ્ઞાનને humbug / occult જેવા શબ્દોથી નવાજી નકારી કાઢે છે. એ લોકો માટે અાપણા ભૂચક્રની બાર રાશિઅો – કુંભ, કર્ક, મકર, તુલા, વગેરે વગેરેથી ભખાતાં ભવિષ્ય હાસ્યજનક લાગે છે.
અૉક્ટોબર મહિનાના બીજા અઠવાડિયામાં પશ્ચિમી સાહિત્યજગતમાં એવી એક ઘટના ઘટી જેનાથી જ્યોતિષ-રાશિ-નક્ષત્ર વિદ્યા પર ધ્યાન ખેંચાયું છે. અને હવે અા વિદ્યા ચર્ચાનો વિષય બની રહી છે. એ જ્ઞાન – વિજ્ઞાનને એક મોટી મહોર મળી, એ પણ એક મજબૂત સાંસ્કૃિતક સંસ્થા પાસેથી − મૅન બુકર પ્રાઇઝ. એક કટાર લેખિકાએ મંતવ્ય અાપ્યું છે :
An interest in the mysterious ways of the zodiac has been given the stamp of approval from no less a hefty pillar of cultural establishment than the Man Booker Prize.
બ્રિટનના સાહિત્ય જગતમાં મૅન બુકર સાહિત્યિક પારિતોષિકની નામના − અને ઈનામની 50 હજાર પૌંડની રકમ − અહમ રહ્યા કરી છે. બ્રિટન અને સાથી દેશો – કૉમનવેલ્થ દેશોમાં – અંગ્રેજીમાં લખાતી નવલકથાઅો માટે મૅન બુકર પારિતોષિક એનાયત કરવામાં અાવે છે. અા બધા કૉમનવેલ્થ દેશોમાંથી પ્રકાશકો લેખકોની કૃતિઅોને બુકર સમિતિને મોકલી અાપે છે. સમિતિના ચૂંટાયેલા ચારપાંચ નિર્ણાયકો [judges] એમાંથી અહમ નવલકથાઅોની એક લાંબી યાદી બનાવે છે અને એ કૃતિઅોને વાંચી, મનન કરી, એક બીજી ટૂંકી યાદી બનાવી એ પાંચછ નવલનું ફરી વાચન-મનન થાય છે. અૉક્ટોબર મહિનામાં એમાંથી એકને પસંદ કરી, લેખકને વિજેતા જાહેર કરી, સન્માન અકરામ અાપી મૅન બુકરની વિધિ સમાપ્ત થાય છે. ચાલુ વરસની છ માતબર નવલકથાઅોમાં ન્યુઝીલૅન્ડની 28 વર્ષીય લેખિકા ઇલેનોર ડેટોનની નવલ, ‘ધ લૂમિનરીઝ’ને બુકર ઈનામ એનાયત થયું.
ઈલેનોર ડેટોનની નવલની અનેક વિશેષતાઅો રહી છે. પહેલું તો એ કે મૅન બુકર પારિતોષિકના 45 વર્ષના ઇતિહાસમાં ‘ધ લૂમિનરીઝ‘ લાંબામાં લાંબી – 832 પાનાંની નવલ રહી છે. બીજી વિશેષતા એટલે અત્યાર સુધીના વિજેતાઅોમાં ઈલેનોર ડેટોનની ઉંમર – નાનામાં નાની – ઉંમર 28 વર્ષની. અને એક અહમ – મોટામાં મોટી વિશેષતા એટલે નવલના બાર પાત્રો અને એમનું વર્તન, નવલનું બાર પ્રકરણોનું માળખું જ્યોતિષ શાસ્ત્રના સ્તંભ પર ઊભું કરવામાં અાવ્યું છે. એક કટાર લેખિકા એ માળખાનું વર્ણ કરતાં લખે છે : Fiendishly intricate structure inspired by the movement of the planets through the 12 signs of the zodiac.’
ઈલેનોર ડેટોન પોતે જ કહે છે કે મને જ્યોતિષ – નક્ષત્ર – જ્ઞાનવિજ્ઞાન પર એક મોટો લગાવ છે, રસ છે અને રાશિઅોનું જ્ઞાન છે એટલે ‘I read my horoscope and take astrology very seriously’ અને પછી અા ઉમેરો કરે છે ‘although I am less a believer more of an admirer or a happy wonderer.’
ઈલનોર ડેટોનનાં માતાપિતા અમેરિકી છે, પણ પ્રૉફેસરી સારુ અમેરિકા છોડી કીવીના દેશમાં, ક્રાઇસ્ટચર્ચ નામે શહેરમાં, અાવી એમણે વસવાટ કર્યો. અને પછી તો બન્ને નવા મુલકનાં નાગરિક પણ બની ગયાં. લેખિકાની ઉંમર ત્યારે પાંચ વર્ષની હતી. અા દેશમાં ભાઈબહેન સંગાથે વસવાટ એમણે કર્યો અને કીવી દેશની પ્રકૃતિ તેમ જ માઅોરી પ્રજાની સભ્યતા માટે અનહદ માન મમતા લાગ્યાં. અા દેશ માઅોરી સભ્યતા માટે પ્રેમ-તાલમેલ ધરાવે છે. ઘરમાં ટી.વી. જેવું અાધુનિક સભ્યતાનું સાધન પણ નથી વસાવ્યું !
ઈલેનોર ડેટોનનો બીજો પ્રેમ-રસ અંક શાસ્ત્ર છે. તેમાં પુષ્કળ રચ્યાંપચ્યાં ય રહે છે. 28ના અાંકડાએ એમના પર જાદુઈ અસર કરી છે. ઈલેનોર ડેટોન 28ના અાંકડાના મંત્ર-તંત્ર-જંત્ર પર લખે છે : 28માં વર્ષે મને, કીવી લેખકને ઈનામ મળે છે. 28 વર્ષ પછી બુકર ઈનામની હું બીજી કીવી લેખક વિજેતા છું. મારી પોતાની રાશિ શનિ છે અને શનિ ગ્રહ પૃથ્વીની પ્રદક્ષિણા 28 દિવસમાં પૂરી કરે છે ! એમને 28ના અાંકડા પર કંઈક નવું જ ભાસે છે. કહે છે : The way that I see astrology as a repository of thought and psychology. And a system we’ve created as a culture, as a way to make things mean things.’
વારુ, અા દિવસોમાં એક તારણ અાવ્યું છે કે પશ્ચિમી સંસ્કૃિતમાં – સમાજમાં ધર્મની ગહનતા, માન્યતા ઢીલી થતી જાય છે અને જ્યોતિષ વિદ્યા − occult રાશિ જ્ઞાન તરફ સમાજ ખેંચાયો છે. 2013નું મૅન બુકર પારિતોષિક ‘ધ લૂમિનરીઝ’ને એનાયત થયું એ એની એંધાણી તો નહીં હોય ?!! ‘A search for meaning and a desire to feel part of a story !!’
[‘Kamal Kunj’, 3 Buckingham Mews, SUTTON COLDFIELD West Midlands B73 5PR U.K.]