Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9376819
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘દર્શક’નું બહુઆયામી કેળવણી દર્શન

મનસુખ સલ્લા|Opinion - Literature|17 August 2013

મનુષ્ય મરણશીલ છે, પરંતુ એના વિચારોમાં અને કર્મમાં છેવાડાના માટેની કરુણા હોય તો એ જીવે છે. રવીન્દ્રનાથ ટાગોરે ‘સોનાર તરી’ કાવ્યમાં કહ્યું છે કે જીવનદેવતા પોતાની નાવમાં વ્યક્તિને નહિ, તેનાં કર્મને જ લઈ જાય છે. એટલે મનુભાઈ નામધારી વ્યક્તિ એક મુકામે અટકી ગઈ, પરંતુ દર્શક દીર્ઘકાળ સુધી ટકશે.

અનેક લોકો એવા હોય છે જે પોતાના ક્ષેત્રમાં મોટા અને તજજ્ઞ હોય છે, પરંતુ બાકીનાં ક્ષેત્રોને તેઓ સ્પર્શતા નથી. ‘દર્શક’ની ખૂબી એ હતી કે જીવનનાં સઘળા પ્રમુખ પ્રદેશો એમના રસના વિષયો હતા, નિસબતનાં ક્ષેત્રો હતાં. એ અર્થમાં તેઓ ગુજરાતના પ્રચંડ મનોઘટનાશાળી વ્યક્તિ વિશેષ હતા. તેમનાં ચિંતન અને અભિવ્યક્તિમાં જીવનની વ્યાપકતા અને ઊંડાણ એ કારણે અનુભવાય છે.

‘દર્શક’નું શિક્ષણચિંતન શિક્ષણને અને જીવનને નવી નજરે જોવાની પ્રેરણા આપે છે, કારણ કે ‘દર્શક’ પાસે જીવનનો સર્વાંગી નકશો છે. એમની રજૂઆત હૃદયસ્પર્શી લાગે છે, કારણ કે એમાં સર્જક દર્શકનો સ્પર્શ છે.

‘દર્શક’ની જીવનભરની એ ખોજ હતી કે સાચું જીવન એટલે કેવું જીવન? જન્મ પામવો એ તો જૈવિક પ્રક્રિયા છે, પરંતુ સાચું જીવન એ સાંસ્કૃિતક ખ્યાલ છે. આ ખોજ ‘દર્શકે’ પોતાની સાહિત્યિક રચનાઓમાં, ચિંતનમાં અને કેળવણીમાં સતત કરી છે. એ માટે તેમણે સાહિત્ય, કેળવણી, ધર્મ-તત્ત્વજ્ઞાન, અર્થશાસ્ત્ર, સમાજગતિશાસ્ત્ર, માર્ક્સવાદ અને ગાંધીવિચાર, રાજનીતિના તત્ત્વજ્ઞાનનો વિકાસ, સહકાર-પંચાયત અને ખેતી-ગોપાલનનું ગંભીર અને ઉત્કટ અધ્યયન-મનન-પરિશીલન કર્યું છે. એ તમામમાં તેમની શોધ એ અંત:સ્રોત વહી રહી છે કે સાચું જીવન એટલે કેવું જીવન?

‘દર્શક’ કેવળ અભ્યાસી ન હતા, પ્રયોગવીર ખોજ કરનારા હતા. નાનાભાઈ ભટ્ટનો પ્રત્યક્ષ અને ગાંધીજીનો પરોક્ષ પ્રભાવ ઝીલીને તેમણે કેળવણીના નૂતન રૂપની ખોજ બહુ વહેલેરી આદરી દીધી હતી. દક્ષિણામૂર્તિ(ભાવનગર)ના નાનાભાઈ સાથેના ટૂંકા સહવાસે ‘કેળવણી જ મનુષ્યના મૂળભૂત બદલાવનું પ્રમુખ ક્ષેત્ર હોઈ શકે’ એ શ્રદ્ધા તેમનામાં દૃઢ થઈ ગઈ છે. સાથે જ ‘દર્શક’ મૌલિક ચિંતક પણ છે તેથી જીવનને આગવી નજરે જોઈ શકે છે. એટલે દક્ષિણામૂર્તિ છોડતી વખતે તેઓ નાનાભાઈ ભટ્ટને કહી શક્યા હતા કે, ‘તમને રાંધતાં આવડ્યું, પણ પીરસતા ન આવડ્યું.’ એટલે કે શહેરમાં તો શિક્ષણનું કામ કરનારા નીકળવાના, પણ ગ્રામસમાજનાં અંધારાં ઉલેચવાં એ વધુ અગત્યનું છે. એટલે જે ‘તમે ગામડામાં જાઓ ત્યારે હું આવીને જોડાઈ જઈશ.’ એવું વચન પણ તેઓ આપી શક્યા હતા અને નાનાભાઈ આંબલા ગયા (1937) ત્યારે ‘દર્શક’ તેમના સાથીદાર તરીકે જોડાઈ ગયા હતા અને મરણપર્યંત (64 વર્ષ) કેળવણી ક્ષેત્રમાં રહ્યા.

‘દર્શક’માં વિવિધ ક્ષેત્રનું અધ્યયન માત્ર સ્મૃિતવ્યાપાર નથી બન્યું. પરંતુ એનું રાસાયણિક રૂપાંતર થઈને દર્શનરૂપે પ્રગટ થયું છે. પ્રચંડ મેઘા, તીવ્ર-તીક્ષ્ણ સ્મૃિત, જીવનનાં પરમોચ્ચ મૂલ્યો વિશેની પ્રતીતિપૂર્ણ શ્રદ્ધા અને વૈશ્વિક સંદર્ભમાં પ્રસ્તુત પ્રશ્નોને અવલોકવાની ગુંજાઈશને કારણે ‘દર્શક’નું કોઈ પણ લખાણ કે વક્તવ્ય આપણને નવેસર વિચારવાનો ધક્કો આપે છે, વફાદારીના સાંકડા કુંડાળામાંથી બહાર નીકળવાની પ્રેરાણા આપે છે.

ક્રાન્તદૃષ્ટા એટલે જે હજુ જન્મયું નથી, ભાવિના ગર્ભમાં પડ્યું છે તેને પારખી શકે, જોઈ શકે તેવા. એ અર્થમાં મનુભાઈનું ‘દર્શક’ ઉપનામ સાર્થક થયું છે. તેઓ પણ સ્વીકારતા કે પોતાની મુખ્ય શક્તિ અણદીઠને જોઈ શકવાની છે. આ સંદર્ભ સ્પષ્ટ થાય તો ‘દર્શક’ની પ્રતિભાનો વિશેષ શો હતો તે સમજાય. તેમના પ્રદાનને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં ગ્રહણ કરી શકાય.

‘દર્શક’ ગાંધીજીના પ્રભાવમાં આવ્યા, કારણ કે ગાંધીજી પાસે જીવનનું વૈશ્વિક દર્શન હતું. ‘દર્શક’માં મુખ્ય ખૂબી જ એ છે કે તેઓ કોઈ પણ પ્રશ્નનું વિશ્લેષણ વૈશ્વિક સંદર્ભમાં કરે છે. તેમાં તેમને ઇતિહાસનું અધ્યયન સતત સહાયરૂપ બન્યું છે. ‘દર્શક’ની કેળવણીમાં નિષ્ઠા સ્થિર નાનાભાઈ ભટ્ટને કારણે, પણ કેળવણીનો માનવીય ચહેરો નીપજ્યો ગાંધીજી, ઇતિહાસનું અધ્યયન અને સાચા જીવનની ખોજના વૈશ્વિક પરિપ્રેક્ષ્યને કારણે ….

ગાંધીજીએ નઈ તાલીમમાં ઉદ્યોગને અનિવાર્ય એકમ ગણાવ્યો હતો. ‘દર્શકે’ તેને વ્યાપક સંદર્ભ પૂરો પાડ્યો. ગ્રીક સંસ્કૃિત ગુલામી પ્રથા અને શ્રમની ઉપેક્ષાને કારણે નાશ પામી હતી તે ‘દર્શક’નું સ્વઅધ્યયન હતું. ગ્રીક સંસ્કૃિતથી લઈને ભારતીય સમાજમાં શ્રમિક પ્રત્યેનો હીનભાવ ‘દર્શક’ પારખી શક્યા હતા. આ દેશમાં ખાંધ પર બેસીને ખાવાની મનોવૃત્તિ લોહીમાં વણાઈ ગઈ હતી. તેમાંથી બુદ્ધિજીવી અને શ્રમજીવીની વચ્ચેની ભયાનક અસમાનતા પારખીને ‘દર્શકે’ ઉચ્ચ શિક્ષણમાં પણ શ્રમની પ્રતિષ્ઠા દૃઢમૂલ કરી. સેવાગ્રામમાં એના પ્રયોગો મુખ્યત્વે પ્રાથમિક શિક્ષણમાં અને લઘુઅંશે માધ્યમિક શિક્ષણમાં અનિવાર્ય ભાગરૂપ પ્રતિષ્ઠિ થયો તેના મૂળમાં આવું વ્યાપક દર્શન છે. ‘દર્શક’ના પ્રદાનને આ દૃષ્ટિએ સમજવાની જરૂર છે. ગાંધીજીએ તત્કાલીન આવશ્યકતા અને સગવડ મુજબ ઉદ્યોગનાં માધ્યમ તરીકે કાંતણ અને વણાટ સૂચવ્યાં હતાં. ‘દર્શકે’ પારખ્યું કે દેશનો મોટો ભાગ ગ્રામસમાજમાં છે. ગ્રામસમાજમાં પોષક અને આધારરૂપ ઉદ્યોગો કૃષિ અને પશુપાલન છે. વળી એ સર્વ સુલભ છે. એટલે કે કાંતણને સંસ્કારરૂપે સ્વીકારીને કૃષિ-પશુપાલનને તેમણે પાયાના ઉદ્યોગ તરીકે સ્થાન આપ્યું. તે ભારતીય સમાજસંદર્ભમાં ક્રાન્તદર્શન કહી શકાય તેમ છે.

દક્ષિણામૂર્તિ ભાવનગરમાં મનુભાઈએ પારખ્યું હતું કે સંસ્થા ચલાવવા દાન મેળવવા નાનાભાઈ જેવા મોવડીને વર્ષમાં છ મહિના સંસ્થા બહાર રહેવું પડતું હતું. વિદ્યાર્થીઓ તેમના સંપર્ક અને ઘડતરથી વંચિત રહેતા. એટલે ‘દર્શકે’ લગભગ શરતની કક્ષાએ આંબલામાં પાકું કર્યું કે સંસ્થા સ્વાવલંબી હોવી જોઈએ, દાન આધારિત નહિ. ‘દર્શક’ના નવા ક્ષેત્રનાં પહેલ અને પુરુષાર્થનું નોંધપાત્ર દૃષ્ટાંત ખેતી-ગોપાલનનું જ્ઞાન મેળવવા ઇસ્માઈલભાઈ નાગોરીને ઘેર ચાર મહિના રહ્યા એ છે. તેમણે નોંધ્યું છે કે, ‘નાનાભાઈ કે મને ખેતીનું કશું જ્ઞાન ન હતું. પરાણ મૂકવીની અમને ‘પ્રાણ’ રૂપે જ ખબર હતી.’ દરરોજ ચાર કલાક પરિશ્રમ કરે, બાકીના સમયમાં ખેતીનું વાંચે અને ઇસ્માઈલભાઈને પ્રશ્નો પૂછે. પરિણામે ખેતી-ગોપાલનના તજ્જ્ઞ કક્ષાના જાણકાર બન્યા. આંબલા-લોકભારતીના ખેતી વ્યવસ્થાપકોને તેમણે માર્ગદર્શન આપ્યું છે. માઇધારમાં એક વાર દૂરના ખેતરમાં જતાં એક ઘટાદાર આંબાને જોઈ કહે, ‘એમાં ઘણ (મોટો કીડો, જે ધોરી નસમાંથી રસ ખાઈ જાય) લાગ્યો હશે.’ મને નવાઈ લાગી, દૂરથી કેવી રીતે પારખ્યું? તો તેમણે કહ્યું, ‘એ આંબાની સૌથી ઉપલી ટોચની ડાળ કરમાઈ રહી છે.’ ‘દર્શકે’ ગોપાળબાપાની વાડીનું આલેખન ઉત્તમ અને સજીવ રીતે કર્યું છે, કારણ કે વાડી ઉછેરવાનો તેમને જાતઅનુભવ હતો. રઘુવીર ચૌધરીએ ‘દર્શક’ને આમ્રપાલ તરીકે ઓળખાવ્યા છે તે ઉચિત છે. સંસ્થાના આર્થિક સ્વાવલંબનનો ‘દર્શક’નો સંદર્ભ હતો. સ્વાયત્તતા અને પ્રયોગશીલતા, એ માટેની સજ્જતા કેળવવા ‘દર્શક’ આવો પુરુષાર્થ કરી શકે.

‘દર્શકે’ શ્રમને શિક્ષણમં પ્રતિષ્ઠિત તો કર્યો જ. સાથે, એને તાર્કિક અંત સુધી લઈ ગયા. કૃષિ-પશુપાલનનો અભ્યાસક્રમ ઘડ્યો, ચલાવ્યો, પ્રયોગો કર્યા અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં એને સ્થાન પણ અપાવ્યું. આખા ભારતમાં આ માત્ર ગુજરાતમાં જ બન્યું છે. તેવું જ મહાવિદ્યાલય કક્ષાએ (લોકભારતીમાં) કૃષિગોપાલનના વિષયોને કૃષિ યુનિવર્સિટીથી જુદા સ્તરે, ગ્રામસમાજને વધુ ઉપયોગ થાય તે સ્વરૂપે રજૂ કરીને બેચલર ઑફ રુરલ સ્ટડીઝ(બી.આર.એસ.)ની આગવી ઓળખ ઊભી કરાવી.

યુરોપના મોટા વિચારક સી.પી.સ્નોએ 1958 આસપાસ ટુ કલ્ચર્સનાં વ્યાખ્યાનોમાં જગતનું ધ્યાન ખેંચ્યું હતું કે ભૌતિક વિદ્યાઓ અને માનવીય વિદ્યાઓનો સંતુલિત અભ્યાસ જગતના સ્વાસ્થ્ય અને સંવાદિતા માટે અનિવાર્ય છે. નહિ તો જીવનની એકાંગિતા સર્જાશે. સી. પી. સ્નો પહેલાં પાંચ વર્ષે (1953માં) લોકભારતીના સ્થાપનાકાળથી અભ્યાસક્રમમાં ભૌતિક વિદ્યાઓ અને માનવીય વિદ્યાઓનું સમન્વિત અને સંતુલિત સ્વરૂપ અમલી બનાવાયું હતું. એટલે લોકભારતીના ધ્યાનમંત્રમાં ઉપનિષદના મંત્રનો આવો ભાગ સ્વીકારવામાં આવ્યો છે કે ‘અવિદ્યયા મૃત્યું તીર્ત્ત્વા, વિદ્યયામૃતમાશ્નુતે!’ ઉપનિષદના શ્લોકમાં આ બંને શબ્દો જ થયા હતા. ગ્રામ દક્ષિણામૂર્તિ અને લોકભારતીમાં પરિશ્રમ શિક્ષણના બહુ લાક્ષણિક અર્થમાં યોજાયા છે. અવિદ્યા એટલે જીવનની સુખાકારી માટે જરૂરી એવાં ભૌતિક વિજ્ઞાનો. એનાથી પૃથ્વીલોક સુખી અને સંપન્ન બનશે.તો વિદ્યા (સમજણ – understanding) દ્વારા અમૃતની (ચિત્તની પ્રસન્નતા અને મુદિતાની) પ્રાપ્તિ કરવાની છે. એટલે મનુષ્યે સુખ અને સમજણની સમાનપણે ઉપાસના કરવાની છે. ભારતીય શિક્ષણરચનામાં આ મૂલ્ય ભૂલાયું તેથી આજના પ્રશ્નો છે. સમજણમાંથી જન્મતી માણસાઈની ઉપેક્ષા થઈ છે. ‘દર્શક’નું વિદ્યા અને અવિદ્યા વિશેનું દર્શન ઇતિહાસમીમાંસા, વૈશ્વિક દૃષ્ટિકોણ અને જીવનની નરવી સમજમાંથી જન્મેલું છે. યુરોપ-અમેરિકામાં વિજ્ઞાનનો વિદ્યાર્થી સાથે જ સંગીત, સાહિત્ય કે ધર્મનું અધ્યયન કરે તે સ્વાભાવિક રચના છે. આપણે એકાંગી નિપુણતા તરફ વળ્યા છીએ તે જોખમ છે. ‘દર્શકે’ બહુ વહેલેરા અધ્યયનની દિશા અને સ્વરૂપ પ્રત્યક્ષ અમલ દ્વારા આપણને દર્શાવ્યાં છે. કહી શકાય કે નઇતાલીમના નિર્ણાયકો આ તત્ત્વ જાળવશે ત્યાં સુધી તેના વિદ્યાર્થીઓ સમાજને ઉપયોગી એવા નીવડવાનાં જ.

હરેક કેળવણી રચનાએ એના સામાજિક કોયડાના ઉકેલ શોધવાની તાકાત આપવી જોઈએ. તો જ એ કેળવણી પ્રસ્તુત અને આવકાર્ય ગણાય. આ દેશ ઊંચી-નીચી શ્રેણીઓમાં વિભાજિત થયેલો હતો. ભેદની ભીંતો ચણાયા જ કરતી હતી. તેના નિવારણ માટે સમૂહજીવનની તાલીમ અને એને અનુકૂળ વલણોનો વિકાસ અનિવાર્ય હતાં. નાનાભાઈ ભટ્ટે પ્રાથમિક અને માધ્યમિક કક્ષા સુધી છાત્રાલય અને સમૂહજીવનના સંસ્કારોની કેળવણીનું સફળ આયોજન કર્યું હતું. મૂળશંકરભાઈ ભટ્ટે એનું સુઆયોજિત શાસ્ત્રીય સ્વરૂપ અને સંબંધમાધુર્યનું અમૃત નીપજાવ્યું હતું. તેને ઉચ્ચશિક્ષણમાં પ્રતિષ્ઠિત કરવામાં 1960થી 2000 સુધી (40 વર્ષ સુધી) ‘દર્શકે’ ફાળો આપ્યો છે. લોકભારતીમાં તેનાં ઉત્તમ ફળો મેળવવામાં તેઓ માર્ગદર્શક રહ્યા છે. કેવળ અભ્યાસ કરવાની સગવડરૂપે છાત્રાલય નહીં, પણ નૂતન સમાજની સંવાદી મનોરચનાના નિર્માણના માધ્યમ રૂપે, ગુણવિકાસના ધરુવાડિયારૂપે છાત્રલયજીવન એ ‘દર્શક’નો વિશેષ છે. તેમાં ય સંસ્થાનાં તમામ છાત્રાલયો માટે નિર્ણાયક એવા ગૃહપતિમંડળની રચના અને અધ્યાપક જ ગૃહપતિ હોય એ મૂલ્યને તેમણે રચનાગત સિદ્ધ કરીને મોટું પ્રદાન કર્યું છે. પછીથી યુનેસ્કોના ડેલોર્સ રિપોર્ટમાં સમૂહજીવનનો કેળવણીના મૂળભૂત આધારતત્ત્વ તરીકે સ્વીકાર થયો તે ગુજરાતમાં સહજ સ્વરૂપે બુનિયાદી શિક્ષણમાં સ્થાપિત થયેલું છે.

અભ્યાસક્રમ પાછળની નૂતન અને વ્યાપક દૃષ્ટિએ ‘દર્શક’નું નોંધપાત્ર પ્રદાન છે. દક્ષિણામૂર્તિ અને લોકભારતીના અભ્યાસક્રમોના સમયાંતરે બદલાયેલાં સ્વરૂપો એના અભ્યાસયોગ્ય દસ્તાવેજો છે. (પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ માટે એ નિમંત્રણરૂપ છે.) તેના કેટલાક મુદ્દા તપાસવા પૂરતા થશે.

અભ્યાસક્રમમાં કાવ્ય-સાહિત્યનું અનિવાર્ય સ્થાન : સાહિત્ય હૃદયની વિશાળતા અને સંવેદનાના વિકાસ માટે અત્યંત પ્રબળ માધ્યમ છે એ ‘દર્શક’ પ્રમાણી શક્યા હતા. એટલે પસંદગીની કવિતાઓ અને સાહિત્યકૃતિઓ પસંદ કરવી (કાળાનુક્રમ મુજબ નહિ) એવો તેમણે આગ્રહ રાખ્યો. વિદ્યાર્થીઓના ભાવતંત્રને કેળવે, નઈ તાલીમ અને ગ્રામવિદ્યાના હેતુઓને ઉપકારક એવી માનવીની ભવાઈ, દીપનિર્વાણ, પલ્લીસમજ, દિવ્યચક્ષુ, વ્યથાનાં વીતક, સ્વદેશી સમાજ જેવી કૃતિઓની પસંદગીમાં તેમણે કાયમ રસ લીધો. ‘દર્શક’ પોતે કવિતાશિક્ષણના નીવડેલા ઉત્તમ શિક્ષક હતા. તેમનું કાવ્યાનંદનું સંપાદન આ દૃષ્ટિએ મૂલવવા જેવું છે.

રાજનીતિના તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ અને મહાનકૃતિઓનો અભ્યાસ : સ્નાતક કક્ષાએ લોકભારતીમાં તમામ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે અંતિમ વર્ષમાં ‘રાજનીતિના તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ’નો અભ્યાસ એ નાગરિકધર્મની દીક્ષારૂપ અભ્યાસક્રમ છે તે અનુભવે સમજાયું છે. તો, ગ્રામવિદ્યા અનુસ્નાતકના ઉચ્ચ અભ્યાસમાં કોઈ પણ મુખ્ય વિષયના વિદ્યાર્થી માટે ‘Study of the Greats’માં જગતની પ્રતિનિધિરૂપ મહાન કૃતિઓનો અભ્યાસ જરૂરી બનાવવામાં ‘દર્શક’ની દીર્ઘદૃષ્ટિ છે. માસ્ટર ડિગ્રીનો વિદ્યાર્થી કેવી વૈશ્વિક દૃષ્ટિ પામેલો હોવો જોઈએ અને જીવનનાં પાયાનાં તથા પોષક તત્ત્વો અંગે કેટલો સ્પષ્ટ અને શ્રદ્ધાવાન હોવો જોઈએ તે અપેક્ષામાંથી આ રચના થયેલી છે. ‘દર્શકે’ વર્ષો સુધી તેનું અધ્યાપન કર્યું છે એટલે મને એની પ્રતીતિ થઈ છે. એ પણ નોંધપાત્ર છે કે ગુજરાતની કોઈ યુનિવર્સિટીમાં આવા અભ્યાસક્રમની રચના થઈ નથી એટલે વિદ્યાર્થીઓ કેવા ઉપલક રહી જાય છે તે સૌને અનુભવ છે.
સમાજ અનુબંધિત કેળવણી : ‘દર્શક’નું એ નીતર્યું દર્શન હતું કે સમાજ-અનુબંધિત કેળવણી જ સાચી કેળવણી છે. જે કેળવણી પોતાના જીવાતા જીવનથી કપાઈ જાય છે તે બહારથી ગમે તેટલી રૂડીરૂપાળી લાગતી હોય તો પણ વાંઝણી વિદ્યા છે. એ લેનાર વિદ્યાર્થી સ્વહિત બુદ્ધિથી ગ્રસિત થઈ જાય છે, એ ‘દર્શકે’ જીવનસભર સમજાવ્યું હતું.

એ માટે વિદ્યાસ્તરનો કેવળ અભ્યાસક્રમ જ નહિ, પણ સંસ્થાની અનેકવિધ સામાજિક વિકાસની પ્રવૃત્તિઓ દ્વારા વર્ગખંડથી ખેતર સુધીનું જોડાણ સિદ્ધ કરીને વિદ્યાને વાસ્તવિક અને નક્કર બનાવવા માટે ‘દર્શકે’ જીવનભર જિકર કર્યા કરી હતી. નઈતાલીમની સંસ્થાઓ સામાજિક અનુબંધની કાળજી લેશે અને માવજત કરશે ત્યાં સુધી જ પ્રાણવાન રહી શકશે એ હવે સિદ્ધ થઈ ગયું છે. ‘દર્શક’ની આ ક્રાન્તદર્શિતા અંગે ભાગ્યે જ નોંધ લેવાઈ છે. પણ લેવામાં ઋણ સ્વીકાર છે તેમ જરૂર કહી શકાય.

વ્યાપક સમાજની અવૈધિક કેળવણી : વ્યાપક સમાજ મોટી ઉંમરે વિદ્યાલયમાં દાખલ નહીં થઈ શકે અને વિદ્યા વગર નાગરિકોની કેળવણી થશે નહિ, તો વિદ્યાલય લોકોની વચ્ચે જાય, એમને ઘેર જાય એ ‘દર્શક’ જેવા લોકહિતની ખેવનાવાળા, વિદ્યાલયને મૌલિક સ્વરૂપમાં જોઈ શકનારા જ પારખી શકે. તેથી વિદ્યા તાજી અને પ્રસ્તુત રહેશે તથા લોકજીવન જ્ઞાનસમૃદ્ધ બનશે. આ વિચારને મૂર્તિ કરવા ‘દર્શકે’ જીવનના ઉત્તરાર્ધમાં માતૃધારામાં અવૈધિક શિક્ષણનું કેન્દ્ર સ્થાપ્યું. અનેકવિધ પ્રયોગો કર્યા. સર્ટિફિકેટ વગરનો એ અભ્યાસક્રમ ત્રણ દિવસથી ત્રીસ સુધીનો હતો. લોકોનું કૌશલ વધે અને તેઓ નાગરિકધર્મની દીક્ષા પામે એ મૂળભૂત હેતુ હતો. એ પ્રયોગ પૂર્ણરૂપમાં સફળ ન થયો, તેમાં દર્શકની ઉંમર, ટાંચા સાથીઓ, તજ્જ્ઞોની ગામડાની ધૂળમાં આવવાની અનિચ્છા, વાહનવ્યવહારની સગવડથી દૂરનું સ્થળ વગેરે કારણોએ ભાગ ભજવ્યો. પરંતુ વ્યાપક સમાજની કેળવણી માટે ‘દર્શકે’ કરેલો અવૈધિક શિક્ષણનો એ પ્રયોગ આજે પણ એટલો જ પ્રેરક અને માર્ગદર્શક છે.

‘દર્શક’ – મોટું જોડાણતત્ત્વ :  ગુજરાતમાં લગભગ 50 વર્ષ સુધી નઈતાલીમના વિચારના અને પ્રયોગોના પથદર્શક, પુરસ્કર્તા અને એના દર્શનની કરોડરજ્જુ તરીકે ‘દર્શકે’ પ્રદાન કર્યું છે. આખા ભારતમાં નઈ તાલીમનો વિચાર કરમાઈ ગયો, અરે ભુલાઈ ગયો, પણ ગુજરાતમાં જીવંત રહ્યો, વિકસતો રહ્યો તેમાં સૌથી મોટું જોડાણતત્ત્વ (Binding Force) ‘દર્શક’ હતા. એથી ગુજરાતમાં નઈ તાલીમનાં ખેતી-પશુપાલન અને સમાજનવરચનાના વિષયો માધ્યમિક શિક્ષણના ચાલુ પ્રવાહમાં સ્વીકારાયા. બુનિયાદી શિક્ષણપ્રવાહને માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા આપવામાં, અભ્યાસક્રમમાં રેલી અને શિક્ષણમેળાઓને વ્યાપક કરવામાં, સામાજિક આફતોની ઘટનાઓમાં (મોરબી પૂર હોનારત, બાંગ્લાદેશા શરણાર્થી છાવણી વગેરેમાં) વિદ્યાર્થીઓને ભાગીદાર બનાવવામાં, ગુજરાત નઈ તાલીમ સંઘને સ્ફૂિર્તમાન અને સક્રિય રાખવામાં સેતુરૂપ ‘દર્શક’નો ફાળો અગ્રગણ્ય છે. નઈ તાલીમના સંવર્ધન માટે ભાંગતી તબિયતે ગાંધીનગર અને દિલ્હીના ધક્કા ખાવામાં તેમને થાક કે કંટાળો નહોતો. ઇઝરાયલના વિખ્યાત ઇતિહાસવિદ પ્રો. તાલમાને કહ્યું હતું કે ‘સંગઠિત સત્ય જીતે છે’. એ ‘દર્શક’ની પ્રતીતિ બન્યું હતું.

પ્રાથમિક શાળા કક્ષાએ ધોરણ 5-6-7માં ઇતિહાસ વંશાવલીઓ રૂપે નહિ, પણ વાર્તારૂપે ભણાવવો જોઈએ એ દર્શનમાંથી બોર્ડના ઇતિહાસનાં પાઠ્યપુસ્તકો તૈયાર કરાવવામાં તજ્જ્ઞોને દૃષ્ટિ આપીને લખાવવામાં ‘દર્શક’નો ફાળો બહુમૂલ્ય છે. વહીવટકર્તાઓની અદીર્ઘદૃષ્ટિને કારણે થોડાં વર્ષો પછી પાઠ્યપુસ્તકો મૂળ ઘરેડનાં બની ગયાં, પણ ‘દર્શકે’ ઇતિહાસમાં પાઠ્યપુસ્તકો માટે ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો છે.

‘દર્શકે’ લેખન અને વ્યાખ્યાનો દ્વારા ગુજરાતમાં નઈતાલીમની કેળવણીની દાર્શનિક પીઠિકા પૂરી પાડી છે તો પ્રત્યક્ષક્ષેત્રના પ્રયોગો દ્વારા એને નક્કર ભૂમિકા પૂરી પાડી છે. એ માટે ગુજરાતનું શિક્ષણજગત ‘દર્શક’ને ભૂલી ન શકે.

મનુભાઈનું આ દર્શકત્વ અને તેમની જીવનનિષ્ઠા તેમને કેવળ ગુજરાતમાં જ નહીં, દેશના અગ્રણી કેળવણીકાર તરીકે સ્થાપે છે. એમનું લેખન અંગ્રેજીમાં થયું હોત તો આખા દેશને એમનો વ્યાપક અને સઘન પરિચય થયો હોત.

એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે ‘દર્શક’નું કેળવણી દર્શન આવનારી પેઢીઓને ભરપૂર માર્ગદર્શન અને પ્રેરણાપાથેય આપી શકે તેમ છે.

(લોકદક્ષિણામૂર્તિ ભૂતપૂર્વ વિદ્યાર્થીમંડળ અને શ્રી અનુભૂતિ ટ્રસ્ટના ઉપક્રમે આપેલું વ્યાખ્યાન)

(સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2013) 

Loading

17 August 2013 મનસુખ સલ્લા
← ગાંધીનો ખેપિયો ભાવિ ભણી નજર કરે છે
Waving the wrong flag →

Search by

Opinion

  • ‘સાવન ભાદો’ની કાળી અને જાડી રેખાનું નમકીન આજે 70 વર્ષે પણ અકબંધ 
  • હંસને કી ચાહને કિતના મુઝે રુલાયા હૈ
  • પણે કેવળ પ્રાસંગિક થઈને રહી ગયા છીએ ….
  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • સરદારનો ગાંધી આદર્શ 
  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો

Poetry

  • વરસાદમાં દરવાજો પલળ્યો
  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved