ચારુબા ગઈ કાલ સુધી તો સમ્પૂર્ણ સ્વસ્થ હતાં. આમે ય સોસાયટીની વયોવૃદ્ધ માતાઓમાં એમનું આરોગ્ય નમૂનારૂપ ગણાતું. એ સ્પર્ધામાં માનતાં ન હોવાથી ભાગ ન લે; નહીં તો સીત્તેર વર્ષ વય–જૂથમાં એ સુવર્ણપદક પ્રાપ્ત કરે. ચારુબાનો મુદ્રાલેખ છે : ‘સ્પર્ધા નહીં; સ્નેહ.’ સ્પર્ધાથી મેળવેલી જીત ક્ષણજીવી ગણાય. સ્નેહની જીત સ્મરણ બની જાય. એમના સમ્પર્કમાં આવનારાઓમાંથી જેમને માણસને પારખવાની આવડત છે એમણે કહ્યું છે કે ચારુબાના વ્યક્તિત્વનું મુખ્ય લક્ષણ છે સ્નેહ. સીત્તેર વર્ષની વયે પણ એ સુન્દર લાગે છે. એનું કારણ છે એમની આંખોમાં સૌને માટે વરતાતો સ્નેહ. કુટુમ્બીજનોમાં અને દૂરનાં સગાંવહાલાંઓમાં બીજી બાબતે ભલે મતભેદ પડ્યો હોય; ચારુબાના પ્રેમાળ વ્યક્તિત્વ અંગે વ્યાપક સહમતી પ્રવર્તે છે. સદા આવકારવા તત્પર.
ચારુબાના પૌત્ર પરમને યુનિવર્સિટીનો ચન્દ્રક મળ્યો ત્યારે એક પત્રકારે એને પૂછેલું : ‘તમારો રોલ મૉડલ ?’
પરમે તરત જ કહ્યું હતું : ‘મારાં દાદીમા – ચારુબા. મારાં ચારુબા છે મારો આદર્શ.’ પરમે પોતાના અભિપ્રાયના સમર્થનમાં જણાવેલું : ‘મારાં દાદી સૌનાં બા છે. એ બહારગામ ગયાં હોય ત્યારે બિલાડી, વાંદરાં, કૂતરાં અને પાણી પીવા આવતાં પક્ષીઓ પણ તેમને શોધતાં જણાય છે. એમના આગમનની જાણ પણ એ બધાંથી તુરત થાય છે. અમારા મકાનની આજુબાજુનાં જૂનાં ઝાડનાં ડાળ–પાંદડાં જીવન્ત બની જાય છે. પક્ષીઓનો કલરવ એમને વીંટળાઈ વળે છે. એમની પાંખોમાં રંગાઈને પ્રકાશ વરંડાના હીંચકા સુધી આવી જાય છે.’
‘તમે તો અંગ્રેજી માધ્યમમાં ભણેલા છો, તો પછી આવું સારું ગુજરાતી કેવી રીતે બોલી શકો છો ? ક્યાં શીખેલા ?’
‘ચારુબાના ખોળામાં બેસીને.’
પત્રકારે પરમની મુલાકાત છાપવા સાથે ચારુબાનો ફોટો પણ છાપવો હતો, ‘ક્યારે આવું ફોટો પાડવા ?’ – એણે ચારુબાને ફોન પર પૂછેલું. ચારુબાએ હસતા અવાજમાં કહેલું : ‘પરમમાં મારો ફોટો આવી ગયો. ચાનાસ્તા માટે જરૂર આવજો. તમારે ફોટો છાપવો જ હોય તો એનાં માતાપિતાનો છાપો. એમને ભારે અભરખો હતો : પરમ પહેલે નંબરે આવે એનો ! મારે તો એટલું જ જોઇએ કે પરમ સદા પ્રસન્ન રહે. એને મળીને સૌ પ્રસન્ન થાય.’
પરમનાં માતાપિતા સારું કમાય છે. દાદાજી એનું પેન્શન ચારુબાને સોંપી દે છે. કયા સત્કર્મ પાછળ કેટલી રકમ વાપરવી એનો નિર્ણય પણ ચારુબા કરે. વધેલી રકમ પરમના જન્મદિને એને આપી દે. આ વર્ષે એને સ્કૂટર લાવી આપ્યું છે. અનુસ્નાતકનો અભ્યાસ કરવાની સાથે વારસાગત ખેતીની દેખરેખ રાખશે. જમીનની કિમ્મત વધી ગઈ છે. વેચવાની નથી. જમીનના દલાલો એમના પ્રકૃતિપ્રેમનો ઉપહાસ કરે છે. કરોડો રૂપિયા કરતાં એમને પક્ષીઓએ કોચીને નીચે પાડેલાં ફળ વધુ ગમે છે. કહેશે : ‘કાચું ફળ તોડાય નહીં; એને ઝાડની ડાળ પર પાકવા દેવું જોઈએ. પાવડર નાખીને નહીં.’
પરમ કોઈ દલાલ સાથે ચર્ચામાં ઊતરતો નથી. એ માને છે કે કૃત્રિમ ભાવવધારા માટે જમીનના દલાલો જવાબદાર છે.
‘અને એક મકાન હોવા છતાં બીજું ખરીદનારાઓ પણ.’ – ચારુબાએ કહેલું.
પરમના મિત્રોના ફોન આવે અને એ નમસ્તે કહે તો ચારુબા એનું નામ પૂછે. બાકી પરમને જાણ કરે : ‘તારો ફોન છે, બેટા, આપી જાઉં કે –’
પરમ પગથિયાં ઊતરતો દોડી આવે.
એનાં માતાપિતા જાણતાં હતાં કે પરમને પરદેશ મોકલવા અંગે મા સમ્મત નહીં થાય. દાદાજી પણ જવાબમાં મૌન પાળશે. પણ પરમ અમેરિકાની કોઈ ઉત્તમ યુનિવર્સિટીમાંથી એમ. એસ., પીએચ. ડી.ની ડિગ્રી લઈ આવે તો એની કારકિર્દી બની જાય. ચારપાંચ યુનિવર્સિટીઓમાં અરજી કરી હતી. પ્રવેશ મળી ગયો છે. વીઝા માટે જવાનું થયું ત્યારે પરમે દાદીમાને પગે લાગી આશીર્વાદ માંગ્યા. ‘તારે સાચે જ જવું છે, બેટા ?’
‘વીઝા મળશે એની ક્યાં ખાતરી છે ?’
‘તો તું આશીર્વાદ શેના માંગે છે ?’
પરમ પકડાઈ ગયો હતો. દાદીમાના આશીર્વાદ હોય તો પછી વીઝા મળવા અંગે શંકા કરાય ખરી ? એ નીચું જોઈને ઊભો હતો. દાદીમાએ એને માથે હાથ મુક્યો હતો. વીઝા માટે રૂબરૂ મુલાકાતની તારીખ મળતાં પરમનાં માતાપિતા પણ એની સાથે જોડાયાં હતાં.
મુલાકાત લેનાર અધિકારી મહિલા હતાં. પરમની યોગ્યતાની વિગતો વાંચતાં એમણે પૂછ્યું : ‘ભણવા જવું છે કે કમાવા ?’
‘મેં ભણવા માટે જ દાદીમા પાસે આશીર્વાદ માગ્યા છે.’ – સાંભળતાં જ મહિલાએ પરમની સામે જોયું. પછીના પ્રશ્નોમાં નર્યો સદ્દભાવ હતો. સહુ કહે છે : પરમની આંખો ચારુબાની આંખોની યાદ આપે છે. એની મમ્મીની આંખો તો ગોગલ્સના પડદા પાછળ રહે છે.
પરમ સસ્તી ટિકિટની તપાસ કરતો હતો. ‘સસ્તી શા માટે ? વાજબી અને સલામત એર લાઈન્સ શોધવી જોઈએ.’ – દાદાજીએ કહેલું. ચારુબા હજી જાતને ઠસાવી શક્યાં ન હતાં : ‘તારે સાચે જ જવું છે, બેટા ?’
મૌન. દાદાજી પણ છાપામાં આંખો સંતાડે છે. થોડી વાર પછી કહે છે : ‘પરમ બેંગલોર ભણવા જાય કે ન્યુ યૉર્ક, શો ફેર પડે છે ? અને હવે તો લેપટૉપમાં વાત કરતાં એકમેકને જોઈ પણ શકાય છે !’
‘એ ખરું પણ માથે, બરડે હાથ ફેરવવાનું મન થાય ત્યારે – ’
‘રડી લેવું. કાલે તો ઊંઘમાં રડતાં હતાં –’
પરમ ટ્રાવેલ કંપની સાથેની વાત અધૂરી મુકી બેસી રહ્યો. એને પ્રશ્ન પણ થયો હતો : પોતાને ફાવશે ત્યાં ?
ત્યાં એક ફોન આવ્યો હતો. પરમ એના રૂમમાં ગયો હતો. અભિનંદનના ફોન આવે છે. મોટે ભાગે છોકરાઓના હોય છે. કેટલાક સાથે ફેસબુક પર વાતો થતી હોય છે.
‘હવે પરમ મોટી દુનિયામાં પગ મૂકશે.’ – દાદાજી સ્વસ્થ હતા.
‘મારી દુનિયા નાની છે ?’
‘મારા માટે તો નાની નહોતી; પણ તમે ચિંતા ન કરો, એ ભણીને પાછો આવશે.’
‘પરણી ગયો હોત તોયે મન મનાવત. આ તો એકલો –’
‘તો તમે કેમ કન્યા શોધી ન આપી ? તમારી પસંદગીનો એ િવરોધ ન કરત.’
‘મને એમ કે સાથે ભણનારમાંથી કોઈક–’
હળવી પળોમાં દાદાદાદી પરમની ચિંતા ભૂલી ગયાં. દાદાજીના કહેવા મુજબ પરમ પ્રેમ વિશે બોલીને ઈનામ ભલે જીતી લાવે; પણ સામે ચાલીને એ કોઈના પ્રેમમાં પડે એવો નથી. સિવાય કે કોઈ એના પ્રેમમાં પડે … પણ પરમ તો જરૂર કરતાંયે ઓછું બોલે છે … તો ય બધા એને જ ટીમનો આગેવાન બનાવે છે … હા, કદાચ એટલે જ. ઓછું બોલનાર અન્યની વધુ નજીક રહે છે.
ચારુબા આ ક્ષણે સાંભળતાં હતાં ઓછું. એમને અમેરિકાના ઠંડા ઓરડામાં પૌત્ર એકલો અટૂલો દેખાતો હતો. એને ફક્ત ચા બનાવતાં આવડે છે … ખાશે શું ?
ટિકિટ લેવાઈ ગઈ હતી. છેલ્લા દિવસોમાં ઘર મહેમાનોથી છલકાતું રહ્યું. ઘરે–બહાર પાર્ટીઓ પણ ચાલતી હતી. બહારગામથીયે ભેટ આવતી હતી. વજન કરી કરીને બૅગ ભરાતી ગઈ હતી.
ઍરપોર્ટ પર દાદાદાદી ન આવે તો ચાલે, એવો અભિપ્રાય સૌનો હતો; પણ પરમે ના પાડી ન હતી. એણે પહેરેલું પહેરણ ચારુબા પહેલીવાર જોતાં હતાં.
‘ક્યારે ખરીદ્યું ?’
‘ભેટ આવેલું છે,’ પરમની મમ્મીએ કહેલું. ચારુબાએ પ્રશ્નની ઝલક સાથે નજર કરી હતી. જવાબ નહોતો મળ્યો. ‘ખબર હોય તો બોલેને !’ – ચારુબાએ પુત્રવધૂની સામે ઠપકાની નજરે જોયું હતું.
બધાં રાતના ત્રણ વાગ્યા સુધી ઍરપોર્ટ પર રોકાયાં હતાં. પરમ દાદાજીને ભેટી ખૂબ રડ્યો હતો. સ્વજનો અને મિત્રો વચ્ચે આમ હવે પહેલીવાર રડ્યો હતો. બે ડૂસકાં વચ્ચે બોલ્યો હતો : ‘દાદા, બાને સાચવજો …’
દાદા સમજતા હતા : આ ઉદ્દગારમાં આજ સુધી પામેલા વાત્સલ્યનો પડઘો છે. ચારુબા પરમની મમ્મી સાથે બૅગ સાચવતાં ઊભાં હતાં; તેથી તેમણે પરમને રડતો સાંભળ્યો કે જોયો નહોતો. એમણે પોતે ન રડવાની મક્કમતા ટકાવી રાખી હતી. અગાઉ ભગવાનના દીવા આગળ અને સપનામાં રડી લીધું હતું.
ઘરે આવ્યા પછી એમને એકાએક થાક લાગ્યો. પરમનું સ્કૂટર જોતાં ધ્રાસકો પડ્યો. કેવી કાળજીથી એ ચલાવતો હતો ! હવે ? પાંપણો ભીની થઈ ગઈ.
ફરી સ્કૂટર સામે જોવાની હિમ્મત ન ચાલી.
બીજે દિવસે તાવ આવ્યો. શરીર જકડાઈ ગયું.
માની લીધું કે થાકનો તાવ હશે. પણ ત્રીજા દિવસે પણ તાવ ન ઊતર્યો. ખાવાપીવામાં અરુચિ જાગી. ડૉક્ટરે લોહીની તપાસ કરાવી. કશી બીમારી નથી. તોયે આશરે પડતી દવાઓ આપી. કશી અસર ન થઈ.
પરમ પહોંચી ગયો. એની સાથે ફોન પર વાત કરતાં ચારુબાએ અવાજ પર કાબૂ રાખ્યો હતો. સલાહ આપી હતી : ‘ખાવાપીવામાં આળસ ન કરતો.’
પુત્રવધૂએ પૂછ્યું હતું : ‘રજા લઉં ?’
જવાબમાં ચારુબા મોં ફેરવી જાય છે. વહુ કહે છે : ‘તમે પોતે કશું ખાતાંપીતાં નથી ને પરમને સલાહ આપો છો.’
‘એ જવાબદારી તો તારી છે. પણ તારે તો દીકરો પરદેશ ગયો એટલે તારી મહત્ત્વાકાંક્ષા સિદ્ધ થઈ ગઈ. જા, તું તારે ઑફિસે. હમણાં તો વાતનો વિષય મળી ગયો છે ને !’
અહીં દાદાજી હસ્તક્ષેપ કરે છે. પુત્રવધૂને ઑફિસે વિદાય કરીને, દવાની ગોળી અને પાણી લઈ આવે છે. સ્થીર ઊભા રહે છે.
ચારુબા માથે ઓઢી લે છે. ‘મારે ઘેનમાં પડી રહેવું નથી. જાગીએ તો જ પ્રાર્થના ચાલુ રહે. પ્રભુ સાચવશે પરમને.’
‘અત્યારે તો તમને સાચવવાની જરૂર છે … આમ ને આમ પડી રહેશો તો ડૉક્ટરને ઘરે બોલાવવા પડશે. અમે બધાં દિવસમાં એક વાર પરમ સાથે લેપટૉપ પર એકમેકને જોઈને વાત કરીએ છીએ. એ વખતે તમે ઊઠતાં નથી. તમારી બીમારી છુપાવવા અમારે બહાનાં શોધવાં પડે છે. મને લાગે છે : ‘એ પામી ગયો છે. અમે ખોટું બોલવાનું શરુ કર્યું છે.’
એ પછીના ત્રીજે દિવસે એક કૉલેજકન્યા બારણે આવીને ઊભી રહે છે : ‘હું પ્રિયંકા, પરમની મિત્ર છું. એણે મને કામ સોંપ્યું છે. બાના થોડાક ફોટોગ્રાફ મારે એને મોકલવાના છે.’
‘ભલે, અંદર તો આવો.’ – દાદાજીએ આવકાર આપ્યો.
‘ક્યાં છે બા ?’
‘આ રહ્યાં, જરા ઠીક નથી.’
‘પરમને એ જ શંકા હતી. બા સાજાં હોય અને વાત કરવાનું ટાળે એ શક્ય નથી.’ પ્રિયંકા ચારુબાના પલંગ પર બેસી જાય છે. એમના પગને પાવલે હાથ મૂકે છે. ‘તાવ માપો છો કે પ્રણામ કરો છો ?’ – દાદાજીને હળવેથી પૂછી બેસે છે.
‘મારે તો ક્યારનુંયે પગે લાગવા આવવું હતું; પણ પરમ લાવ્યો જ નહીં ! વિજયપદ્મ અમને સહિયારું મળ્યું, તે દિવસે પણ કહે : ‘હું તારે ત્યાં આવવાની જીદ કરું છું ? કૉલેજનું કૉલેજમાં–’
‘તારી પાસે સરનામું ન હતું !’ ચારુબા બેઠાં થાય છે. – ‘એકલી આવી શકી હોત.’
‘જુઓને આજે પણ એકલી જ આવી છું. પરમની જેમ હુંયે એકલી રહેવા ટેવાયેલી છું. એની જેમ મારેયે કોઈ મિત્ર નથી. મને પરમની એકલતા ગમે છે. સ્પર્ધામાં અમે સામસામે પક્ષે હતાં; પણ બન્નેના ગુણ મળીને કૉલેજને વિજયપદ્મ પ્રાપ્ત થયું.’
‘અભિનન્દન પરમને પણ …’ ચારુબાના મોં પર ઘણા દિવસે સુરખી વરતાઈ.
‘શેના અભિનન્દન આપ્યાં ?’ દાદાજી જાણીજોઈને ચોખવટ કરવા માંગતા હતા.
‘પરમ સામે સ્પર્ધામાં ઉતરનાર પ્રિયંકા એની એકલતાની કદર કરે છે એ જોઈને.’
‘પણ તમે તો સ્પર્ધામાં માનતાં નથી, સ્નેહમાં માનો છો ?’ દાદાજી મનોમન પૂછતા હોય તેમ નજર મેળવે છે.
‘સ્પર્ધા પણ ક્યારેક સ્નેહમાં પરિણમે.’ – ચારુબા મનોમન જવાબ આપે છે. ઓઢેલી શાલ વાળીને ખભે નાખે છે. પ્રિયંકા ફોટા પાડે છે. દાદાજી પ્રિયંકાને ચારુબા પાસે બેસાડી ફોટો પાડે છે. કહે છે : ‘આ ફોટો પરમને મોકલશે તો ય ચાલશે .’
°
નવેમ્બર ૨૦૧૨ના “અખંડ આનન્દ”ના દીપોત્સવી અંકમાંથી લેખકની પરવાનગીથી સાભાર.
સર્જક સમ્પર્ક : A-6, પુર્ણેશ્વર ફ્લેટસ, ગુલબાઈ ટેકરો, અમદાવાદ–380 015
(સૌજન્ય : “સન્ડે ઈ–મહેફીલ” – વર્ષ : નવમું – અંક : 275 – July, 28)