– જમીનની વ્યવસ્થિત નીતિનો અભાવ અને રોજગારની તકો ન વધવાને કારણે રાજ્યમાં ઘર્ષણ વધી રહ્યું છે
જમીનનો પૂરવઠો મર્યાદિત છે અને એના ઉપયોગો અનેક હોય છે, જેવા કે ખેતી, ઉદ્યોગો, માળખાકીય સવલતો, માનવ વસાહતો, પર્યાવરણની જાળવણી વગેરે. આથી કોઈ પણ રાજ્ય સરકાર માટે સૌથી પહેલી જરૂરિયાત એ છે કે તે લાંબાગાળાનાં હિતો અને વિકાસના ટકાઉપણાને ખ્યાલમાં રાખીને જમીનના ઉપયોગો અંગેની એક નીતિ ઘડે જે મુજબ રાજ્યની જમીનની જુદા જુદા ઉપયોગો વચ્ચે વહેંચણી થઈ શકે, પરંતુ ગુજરાત સરકારે જમીનના ઉપયોગ અંગેની કોઈપણ વ્યવસ્થિત નીતિ હજુ બનાવી નથી. આથી જુદા જુદા ઉપયોગ કરનારાઓ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે અને જે શક્તિશાળી છે તે ઘર્ષણમાં જીતી રહ્યાં છે. ગુજરાતમાં આજકાલ જમીન અંગેના સંર્ઘષો વધી ગયા છે એનું મહત્ત્વનું કારણ આ છે.
જમીન અંગેના ઘર્ષણ અંગેનું બીજું કારણ એ છે કે ગુજરાતમાં ઝડપી વિકાસ થયો છતાં રોજગારીની તકો જોઇએ તેટલી વધી નથી. ગુજરાતની કુલ આવકના ૧૫ ટકા ખેતી અને તેને લગતી પ્રવૃત્તિઓમાંથી આવે છે, પરંતુ આ ક્ષેત્ર ૫૩ ટકા લોકોને રોજગારી આપે છે. એનો અર્થ એ છે કે ઝડપી આર્થિક વિકાસ છતાં બિનખેતીક્ષેત્રોમાં રોજગારી વધી નથી અને ખેતીમાં રહેલા લોકોને ખેતીમાં રહ્યા સિવાય છૂટકો નથી. એન.એસ.એસ.ઓ.ના આંકડા પ્રમાણે, ૨૦૦૪થી ૨૦૧૦ વચ્ચે, ગુજરાતમાં રોજગારીનો વધારાનો દર ‘૦’ હતો. આ સમય દરમિયાન ઉદ્યોગોના વાર્ષિક ૧૦ ટકા વિકાસ છતાં ઉદ્યોગોની રોજગારીમાં દર વર્ષે ૨.૪ ટકા ઘટાડો થયો હતો. ખેતી અને તેને લગતી પ્રવૃત્તિઓમાં પણ રોજગારીના દરમાં આ સમય દરમિયાન વાર્ષિક ૧.૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો. વધારો ફકત સેવાઓ અને બાંધકામના ક્ષેત્રમાં થયો હતો, જે ૫-૬ ટકા હતો.
આમ આર્થિક વિકાસ છતાં રોજગારીના માળખામાં ફેરફાર ન થવાને લીધે જ્યારે ખેડૂતો અને ખેતકામદારો જમીન પર નભતા હોય, ત્યારે તેમની પાસેથી જમીન લઈ લેવી એ ફકત અયોગ્ય જ નહીં, પણ અન્યાયી છે. પોતાની રોજગારી છીનવાઈ જતી હોય ત્યારે લોકો ઘર્ષણ ના કરે તો જ નવાઈ છે ! ગુજરાત સરકારે પોતાની ઔદ્યોગિક નીતિમાં સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે ગુજરાતને કોર્પોરેટ ક્ષેત્રના મૂડીરોકાણ માટે દુનિયાનું સૌથી આકર્ષક રાજ્ય બનાવવું છે, જેથી તે ‘દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું રાજ્ય’ બની શકે. સરકારે આથી જમીન અંગેની નીતિ એવી રાખી છે કે, ઉદ્યોગોને અને રોકાણકારોને સસ્તી અને સહેલાઈથી જમીન મળી શકે. સરકાર ઉદ્યોગોને ‘જાહેરહિત’ ગણે છે અને તેથી જમીનના કાયદા પ્રમાણે સરકાર પડતર જમીન, ગૌચર જમીન તેમ જ ખાનગી જમીન ઉદ્યોગ માટે મેળવી શકે છે.
સરકારી પડતર જમીનની બાબતમાં તો સરકારને કોઈ અડચણ નડતી નથી કારણ કે એને તો સરકાર ‘બિનઉપયોગી’ ગણે છે, જે હકીકતમાં સાચું નથી. આ જમીનો પર અનેક નાના ખેડૂતો, શ્રમજીવીઓ, પશુ પાલકો વગેરે નભે છે. ગૌચર જમીન માટે સરકારે પંચાયતને વળતર આપવાનું હોય છે. જો કે આવું વળતર હજુ સુધી ભાગ્યે જ કોઈ પંચાયતને મળ્યું છે. ખાનગી જમીન પણ સરકાર ‘જાહેર હિત’માટે લઈ શકે છે. આંકડા બતાવે છે તેમ આ જમીનના ભાવો નીચા, ઘણીવાર એકરદીઠ રૂ. ૧થી રૂ. ૫ કે પછી બજારભાવ કરતા નીચા ભાવ લેવામાં આવ્યા છે. જેને ગુજરાત સરકાર મોડેલ કહે છે તેવી ઊંચાભાવની જમીનો તો ઘણી ઓછી વેચાઈ છે. ૨૦૦૯થી સરકારે જે નવી ઔદ્યોગિક નીતિ બહાર પાડી છે, તે પ્રમાણે ‘મેગા પ્રોજેક્ટ’ અથવા તો અતિ મોટા પ્રોજેક્ટ માટે જમીનના કાયદા ખાસ લાગુ પડતા નથી. દા. ત. ‘નેનો’ પ્રોજેક્ટ માટે સરકારે ૧૧૦૦ એકર જમીન સસ્તા ભાવે આપી છે અને ગુજરાતમાં ડેટ્રોઇટ બનાવવા માટે આવી જમીનો સુઝુકીને, ફોર્ડ મોટર્સ અને પીજો(પીજોટ)ને પણ આપવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા દાયકામાં કોર્પોરેટ સેક્ટરની જમીનની ભૂખ ધીમે ધીમે વધતી જ ગઈ છે. પહેલા જીઆઇડીસીએ ઔધ્યોગિક વસાહતો સ્થાપી, ત્યાર પછી તેથી મોટા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બન્યા, પછી ‘સેઝ’ અને હવે અતિ મોટા ‘સર’ બનાવવાનું ચાલી રહ્યું છે. આ ઉપરાંત ‘ગિફટ’નું ઔદ્યોગિક શહેર બનાવવાનું સ્વપ્ન પણ સાકાર થઈ રહ્યું છે. કુલ કેટલી જમીન ઉદ્યોગો અને માળખાકીય પ્રોજેક્ટમાં ગઈ છે તેમાં પૂરા આંકડા પ્રાપ્ય નથી. પરંતુ એક સરકારી અંદાજ પ્રમાણે, છેલ્લાં દસ વર્ષમાં, જી.આઇ.ડી.સી. દ્વારા ૨૬,૦૭૭ હેકટર, સેઝમાં ૩૧,૯૬૬ હેકટર અને ‘સર’માં ૧૫૭,૬૯૯ હેકટર એટલે કે ૨૧૫,૭૪૨ હેકટર (૨.૧૬ લાખ હેકટર) જમીન સંપાદિત થઈ છે કે થવામાં છે. જો કે આ આંકડામાં ઘણી ખાનગી રીતે મેળવાયેલી જમીનોનો સમાવેશ થતો નથી. આ ઉપરાંત સી.એ.જી.ના રિપોર્ટ પ્રમાણે ઉદ્યોગો ગેરકાયદે જમીનો પણ વાપરે છે. ગેરકાયદે માઇનિંગ કરે છે, લીધેલ જમીન વર્ષો સુધી વાપરતા નથી, સરકાર તરફથી સસ્તામાં મળેલી જમીન ઊંચા ભાવે વેચી દે છે અને સસ્તે ભાવે જમીનો પડાવે છે. જમીનોનો સટ્ટો એ ગુજરાતમાં ઝડપથી વિકસતો ધંધો છે.
એમ લાગે છે કે ખાનગી સ્થાપિત હિતો ગુજરાતની જમીનના ઉપયોગો નક્કી કરી રહ્યાં છે, એટલે કે ગુજરાતના કુદરતી સાધનોની વર્તમાન અને ભવિષ્યની વહેંચણી હવે ખાનગી સ્થાપિત હિતોના હાથમાં આવી ગઈ છે ! પણ નવાઈની વાત એ છે કે ગુજરાત સરકારની લાંબાગાળાની દૃષ્ટિ શું છે તે કદાચ કોઈને પણ ખબર નથી. જી.આઇ.ડી.સી.ના એક સિનિયર અધિકારીના મતે જ્યાં સુધી જમીનની માગ છે અને જમીન વેચનારા છે, ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલ્યા કરશે. રેવન્યુ ખાતાના એક સિનિયર અધિકારીએ કહ્યું કે ભવિષ્ય વિશે વિચાર કરવાનો સમય હજુ આવ્યો નથી. તો પ્રશ્ન એ થાય છે કે ખેતીક્ષેત્રમાં કામ કરનાર લોકોને કે જેમને નવા વિકાસમાં રોજગારી મળતી નથી તે ક્યાં જશે ? જમીન માટેની આ દિશાહીન દોડ ગુજરાતને ક્યાં લઈ જશે? દેશના બીજા રાજ્યોમાં પરિસ્થિતિ બહુ સારી છે તેમ નથી, પણ ‘સૌથી ઝડપથી વિકસતા રાજ્ય’ બનવાની અને મૂડીવાદીઓના ‘મૂડીરોકાણ માટેનું સૌથી આકર્ષક રાજ્ય’ બનવાની તમન્ના પૂરી કરવાની દોડ તો ગુજરાતમાં જ છે ! ગુજરાત સરકારે આ દોડમાં અટકીને તેના વિકાસના મોડેલની પુન: વિચારણા કરવાની જરૂર છે.
(સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 18 July 2013)