– 'મિનિમમ ગવર્ન્મેટન્ટ’ અને 'મેક્સિમમ ગવર્ન્મેટન્ટ’ના મોદીમંત્રની ખૂબ તારીફ કરી ગયું
ધુળેટી સરખા લોકતહેવાર નિમિત્તે પોરો ખાઈ શુક્રવારની સવારે છાપાં પ્રગટ્યાં તે દરમિયાન ગ્રામીણ ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી એક અજબ જેવી હોળી ખેલાઈ ચૂકી હતી : ગુજરાત સિંચાઈ અને પાણી નિકાલ વ્યવસ્થા વિધેયક ૨૦૧૩ ઉપર રાજ્યપાલની સહી થઈ જતાં તે વિધિવત્ કાનૂન બને છે. સાંસ્થાનિક વારાના, છેક ૧૮૭૯ના કાયદાને બદલવાના ઇરાદા સાથે આવેલું આ પ્રજાસત્તાક સ્વરાજ અને લોકશાહી કાળનું ૨૦૧૩નું પગલું વસ્તુત : 'નહેર અધિકારી’ નામની નવી સંરચના સાથે પોલીસથી અદકા અધિકારોપૂર્વક ગુના અને સજાની તેમ જ વોરન્ટ બજાવી શકવાની અમર્યાદ સત્તા ઊભી કરે છે. આ એક એવી મનમુરાદશાહી હોવાની છે જેની સામે અપીલના અવકાશની ન્યાયિક જોગવાઈ પણ કાયદેસર હોવાની નથી. પાણી સરખા કુદરતી સંસાધનનો સુવાંગ માલિકવટો આ સાથે ખેડૂત કનેથી 'નહેર અધિકારી’ નામના સરકારી ઈજારદાર હસ્તક જાય છે. રાજ્ય સરકાર, પોતાની મુનસફી મુજબ અગર તો, કહો કે, મરજીમાં આવે તેમ કોઈ પણ જળાશય, નહેર, કાંસ વગેરેના પાણીના ચાલુ ઉપયોગને બદલીને પોતાને ઠીક લાગે તે રીતે નવેસર વાપરી શકશે.
બીજા શબ્દોમાં, જળજીવી જનસાધારણને ભોગે પાણી નફાકારક ઉદ્યોગો તરફ વાળવાની એ રીતે સરકાર અને કોર્પોરેટ સાંઠગાંઠથી માંડીને ખુદ સરકારના કોર્પોરેટીકરણની પ્રક્રિયાને (ખરું જોતાં વિક્રિયાને) વેગ મળશે … અને આ બધું 'સાંસ્થાનિક કાયદા’ને બદલે પ્રજાસત્તાક સ્વરાજના કાયદાને નામે સામાન્યપણે સ્વતંત્ર ભૂમિકા લઈ ચોક્કસ બાબતોમાં રાજ્ય સરકારને ધીમા પાડવાની (ખરું જોતાં સ્વસ્થ પુનર્વિચારની) તક આપવા માટે જાણીતાં રાજ્યપાલે આ કિસ્સામાં જાહેર આશંકા છતાં કેમ તત્કાળ સહી કરી હશે? કદાચ, જે તે મુદ્દે કારણ-અકારણ અગર તો સકારણ હોય ત્યારે પણ કેન્દ્ર સામે કાગારોળ કરવાના રાજ્ય સરકાર એટલે કે સત્તાપક્ષના વ્યૂહને વળી એક ઓર નિમિત્ત નહીં આપવાની ગણતરી કામ કરી ગઈ હોય એમ બને. જો કે, 'કેન્દ્ર વિ. રાજ્ય’નો સિનાર્યો ગુજરાતના વર્તમાન નેતૃત્વના સંદર્ભમાં વિશેષ ઊહાપોહ અને સવિશેષ સતર્કતા માગી લે છે, પણ એની ચર્ચા વિપળ વાર રહીને.
ગમે તેમ પણ, સિંચાઈ કાયદા સાથે સરકાર હસ્તક મનમુરાદશાહીનું જે માનસ પ્રગટ થાય છે તે કોઈ એકાકી અને નિ:સંગ ઘટના નથી, એ નોંધ્યું તમે? બેસતે એપ્રિલે ગૃહમાં ૧૯૮૬ના લોકાયુક્ત અધિનિયમને સ્થાને જે નવો કાયદો (અલબત્ત, વિધેયક રૂપે) લવાઈ રહ્યો છે એમાંથી પસાર થઈએ (તેમ જ આ હિલચાલની પૃષ્ઠભૂનોયે ઝડપી ખયાલ કરી લઈએ) તો પણ રાજ્ય સરકારની મનમુરાદશાહી માનસિકતા છતી થયા વગર રહેતી નથી. લોકાયુક્ત માટેની પસંદગી સમિતિના અધ્યક્ષ સૂચિત જોગવાઈ મુજબ મુખ્યમંત્રી હોવાના છે. મુખ્યમંત્રીએ જેમને નીમવામાં અગ્રભૂમિકા ભજવી હશે તે લોકાયુક્ત મુખ્યમંત્રી સામે કેવી રીતે પગલાં ભરી શકશે, કોઈ તો કહો ૧૯૮૬ના અધિનિયમમાં (જે ત્યારના વિપક્ષ એટલે કે ભાજપની સહમતીપૂર્વક બન્યો હતો એમાં) રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ અને રાજ્યપાલની ભૂમિકા આગળ પડતી હતી. એકની નિર્ણાયક, બીજાની મહત્ત્વપૂર્ણ. પણ સૂચિત લોકાયુક્ત બાબતે સમિતિના અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી મુખ્ય ન્યાયમૂર્તિ અને રાજ્યપાલ બેઉની ભૂમિકામાં આવી જશે.
લોકાયુક્ત વિધેયક, ૨૦૧૩ની વિશેષ ચર્ચામાં નહીં જતાં એટલું જ કહેવું બસ થશે કે 'રાજ્યપાલ એટલે મંત્રીમંડળની સહાય અને સલાહ પર કામ કરતાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ’ એવી અધોરેખિત અને ડંકેકી ચોટ સફાઈ એમાં કરાઈ છે. ૧૯૮૬માં જે સમજથી ત્યારના સત્તાપક્ષે (કોંગ્રેસે) મુખ્યમંત્રીને માપમાં રાખ્યા હતા, એની સામે મુખ્યમંત્રીના અમાપ અધિકારની આ અતિરેકી ચેષ્ટામાં બીજું શું વાંચીશું, સિવાય કે સરકારી મનમુરાદશાહી. શુક્રવારનાં ઊઘડતાં છાપાં ગુજરાત યુનિવર્સિટીઓ કાયદા (સુધારા) વિધેયક, ૨૦૧૩નાં યે વધામણાં લઈને આવ્યા છે. શિક્ષણમંત્રી ચુડાસમાએ વિધેયકના ઉદ્દેશો અને કારણોમાં કરેલા ખાસ મુદ્દો તમામ કાયદામાં સમાન (એકસરખી) જોગવાઈઓનો છે. કામન યુનિવર્સિટી એકટ પાછળ રહેલ લાજિક (બલકે સાઇકોલોજી) શું છે તે સમજવા વાસ્તે એટલો એક જ સંકેત બસ થશે કે અગાઉના કાયદાઓમાં જ્યાં જ્યાં કુલાધિપતિ એટલે કે રાજ્યપાલની જિકર છે ત્યાં ત્યાં બધે 'રાજ્ય સરકાર’ એવો ફેરફાર કરવાનો છે.
ટૂંકમાં, જેને 'ગુજરાત મોડેલ’ કહીને પીઆર પાંચજન્યવાળી ચાલે છે એની વાસ્તવિકતા સરકારની ઓર અને ઓર મનમુરાદશાહી માત્ર છે. એક તો 'વિકાસ’ તળે ઉપર તપાસ માગી લે છે અને એમાં સરકારમાત્રનાં આપખુદ વલણોમાં વળી વળીને વળ ચઢાવતી આ પેરવી 'ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી’ થકી પ્રાયોજિત અમેરિકી પ્રતિનિધિમંડળ (જેના નેતા અમેરિકામાં એથિક્સ વિશેની હાઉસ કમિટીની ક્ષ-તપાસ હેઠળ છે) અહીં આવી ગયું અને 'મિનિમમ ગવર્ન્મેટન્ટ’ તેમ જ 'મેક્સિમમ ગવર્નન્સ’ – સરકાર માપમાં અને સુશાસન અમાપ -ના મોદી મંત્રની તારીફ કરી ગયું એવો હેવાલો છે. ભલા, આ ત્રણે કાનૂન પગલાં મેક્સિમમ, રિપીટ, મેક્સિમમ ગવર્ન્મેટન્ટના બોલતાં નિદર્શન છે, એટલું તો સમજો. હશે ભાઈ, એ તો ધંધો કરવા આવેલ જમાત છે. એક બાજુ માનવ અધિકારનાં ઊંચાં નવયુગી ખેંચાણો અને બીજી બાજુ જુગજૂના ધંધાદારી તકાજા બેઉની વચ્ચે બચાડા માર્યા ફરે છે. એમની એ એક અભિશપ્ત નિયતિ હોઈ શકે છે, પણ વિવેકબૃહસ્પતિ ગુજરાતે આ બધું જોયું ન જોયું કરવું, એવું કોણે કહ્યું?
(સૌજન્ય : "દિવ્ય ભાસ્કર", 30.03.2013)