વર્ષ ૧૯૪૭ના નવેમ્બરની નવમી તારીખે ભારતીય લશ્કર જૂનાગઢમાં પ્રવેશે છે અને નવાબના સૈનિકો શસ્ત્રો હેઠાં મૂકી શરણાગતિ સ્વીકારે છે. તેની સાથે જ વિલીનીકરણની પ્રક્રિયાના મહત્ત્વના પ્રકરણનો અંત આવે છે. આ વિજયની ઉજવણીના ભાગરૂપે ૧૩ નવેમ્બરે (દિવાળીના દિવસે) જૂનાગઢમાં સરદાર વલ્લભભાઈ પટેલનું જાહેર સન્માન થાય છે. બીજા દિવસે એટલે કે બેસતા વર્ષે વલ્લભભાઈ તેમના કેબિનેટ સાથી એન.વી. ગાડગીલ સાથે સોમનાથ મંદિરની મુલાકાતે પધારે છે. મંદિરની ખરાબ હાલત જોઈ બંને મહાનુભાવો ચિંતિત થાય છે. આ સંદર્ભે વલ્લભભાઈના જીવનચરિત્ર લેખક રાજમોહન ગાંધી જણાવે છે, “ગાડગીલ માનતા હતા કે મંદિરનો જીર્ણોદ્ધાર થવો જોઈએ. તેમણે આ વિચાર પટેલને જણાવ્યો અને તેઓ પણ સંમત થયા. એ સમયે નવાનગરના જામસાહેબ તેઓની સાથે હતા. તેમણે તત્કાળ એક લાખ રૂપિયા દાન કર્યા. સામળદાસ ગાંધીએ જાહેર કર્યું કે આરઝી હકૂમત રૂ. એકાવન હજાર આપશે. ગાડગીલના પબ્લિક વર્ક્સ ખાતાએ આ કામનું બીડું ઝડપ્યું અને કેબિનેટે મંજૂરી પણ આપી દીધી. પરંતુ મહાત્મા ગાંધી સાથેની ચર્ચા બાદ નક્કી થયું કે મંદિરના જીર્ણોદ્ધાર અર્થે એક ટ્રસ્ટ બનાવવું અને લોકફાળાનો ઉપયોગ કરવો.”
સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર અંગે સરદાર પટેલના ઉત્સાહ અને વલણને ગાંધીજીની દરમિયાનગીરીથી કંઈક જુદી જ દિશા મળી. એટલું જ નહીં ભારત સરકારના નિર્ણયો પણ બદલાયા. ૨૮ નવેમ્બર, ૧૯૪૭ના રોજ દિલ્હીની પ્રાર્થનાસભામાં ગાંધીજી સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારની વાત માંડે છે અને ‘બિનસાંપ્રદાયિક’ સરકાર સંદર્ભનો તેમનો દૃષ્ટિકોણ સ્પષ્ટ કરતાં દર્શાવે છે, “જ્યારે સરદાર અહીં આવ્યા ત્યારે મેં એમને જણાવ્યું કે તેઓ સરકારમાં હોવાને કારણે હિંદુવાદને ઇચ્છે એટલા નાણાની મદદ અર્થે સંમતિ આપી શકે છે. પરંતુ ખરેખર તો આપણે તો સૌ માટે સરકાર બનાવી છે. તે બિનસાંપ્રદાયિક સરકાર છે, એ કોઈ ઈશ્વરાધીન સરકાર નથી. તેથી એ કોઈપણ પ્રકારનો ખર્ચ જાતિ-કોમને ધ્યાનમાં રાખીને તો ના જ કરી શકે. તેના માટે તો મહત્ત્વનું તો એ છે કે સૌ ભારતીય છે. વ્યક્તિગત રીતે સૌ પોતાના ધર્મને અનુસરી શકે છે. મારો ધર્મ હું અનુસરું. તમે તમારો અનુસરો.” (સંદર્ભ ઃ કલેક્ટેડ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી, ગ્રંથ-૯૦, પૃ. ૧૨૭).
નવેમ્બર ૧૯૪૭નો આ પૂર્વરંગ આપણે એક એવા રાજ્યમાં સંભારી રહ્યા છીએ જ્યાં છેલ્લા પાંચ દાયકામાં સમયાંતરે હિંદુ-મુસ્લિમ સંઘર્ષો થતા રહ્યા છે. ભારતના આધુનિક ઇતિહાસમાં ગુજરાત આ સંદર્ભે નંબર વન છે. વર્ષ ૧૯૬૯, ૧૯૮૫, ૧૯૯૨ અને ૨૦૦૨ અને એ ઉપરાંતની અનેક ઘટનાઓ. આ વાસ્તવિકતા હોવા છતાં તાજેતરમાં એક વિચાર ફેલાવવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૦૨ના મુસ્લિમ વિરોધી હુલ્લડને ભૂલવા માંડો. તેનો પડઘો ના તો રાજકારણમાં કે ના તો સમાજકારણમાં દેખાવો જોઈએ. આમ તો ગુજરાતના બૌદ્ધિક જગતમાં તો વર્ષ ૨૦૦૨ બાદ ગણતરીના મહિનાઓમાં રાજ્યમાં કશું બન્યું નથી એવી ‘ખામોશી’ છવાઈ ગઈ હતી. રાજ્યની એક માત્ર યુનિવર્સિટી કે અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં એકાદ અપવાદ સિવાય ૨૦૦૨નાં કારણો અને પરિણામોની ચર્ચા અર્થે ના તો કોઈ પરિસંવાદ થયો કે ના યુજીસી કે આઈસીઆઈસીઆર સંશોધન પ્રોજેક્ટ હાથ ધરાયો. ‘વાંચે ગુજરાત’ અંતર્ગત પણ રાજ્યમાં હિંદુ-મુસ્લિમ એકતા અંગે કંઈ વંચાણું નહીં. અર્થાત્ ગુજરાત બહુમતી હિંદુ વસતીનું રાજ્ય છે અને તેમાં કોમી સંઘર્ષોને કોઈ સ્થાન નથી એવો ‘કોન્ટેમ્પરરી હિસ્ટ્રી’ રચવા તરફનો ઝોક દેખાઈ રહ્યો છે. આ ઇતિહાસના ભાગરૂપે છેલ્લા દાયકામાં રાજ્યમાં ક્યાંય કરફ્યું નથી નંખાયો તેની આંકડાકીય માહિતીને સંગ્રહિત કરવામાં આવી રહી છે.
આ વાતાવરણમાં ડિસેમ્બર, ૨૦૧૨ના અંતિમ અઠવાડિયામાં યોજાયેલ ઉમાશંકર જોશી વ્યાખ્યાનમાળાએ ગુજરાતમાં કોમી સંબંધો સંદર્ભે આંખ અને કાન બંનેને સક્રિય કર્યાં. ૨૯ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ અમદાવાદ સાહિત્ય પરિષદના સભાખંડમાં ભારતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ઇતિહાસકાર પ્રોફેસર રોમિલા થાપરે સ્મૃિત વ્યાખ્યાન આપ્યું. વિષય હતો ‘સોમનાથ ઃ ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં’.
રોમિલા થાપરના વ્યાખ્યાન પૂર્વે ગુજરાતમાં સોમનાથ મંદિરને લઈને બે ઘટનાઓ બની તેનો ઉલ્લેખ કરીએ તો સમજાશે કે ઇતિહાસલેખન ક્યાં અને શા માટે આવશ્યક છે. ગુજરાત વિધાનસભાની તાજેતરની ચૂંટણીઓના ભાજપના પ્રચારની શરૂઆત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરમાં ‘દાદા’ના દર્શન કરી તેમના ‘આશીર્વાદ’ લઈ કરી. બીજી ઘટના ડિસેમ્બર, ૨૦૧૨માં સોમનાથ મંદિરના ગર્ભગૃહને એક ભક્ત દંપતીએ સોનાથી મઢી ઝળાંઝળાં કરી. આ બંને ઘટનાઓ અને તેની અખબારી નોંધો તાજેતરનો ઇતિહાસ બની.
આવી જ સોમનાથ સંદર્ભની અનેક સદીઓની નોંધો, લેખો, શિલાલેખો વગેરે સ્રોતોને આધારે રોમિલા થાપરે અંગ્રેજીમાં તૈયાર કરેલું પુસ્તક ખાસી ચર્ચામાં છે. જોકે આ પુસ્તક કરતાં તેમના અમદાવાદના વ્યાખ્યાને ગુજરાતીઓમાં સોમનાથના ‘મુનશી ઇતિહાસ’ને પુનઃતપાસવાનો વિચાર અવશ્ય વહેતો કર્યો છે.
પ્રો. રોમિલા થાપર હાલ દિલ્હી સ્થિત જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર એમરિટસ તરીકે કાર્યરત છે. તેમણે સોમનાથ મંદિરના ઇતિહાસ સંબંધિત લખેલા અંગ્રેજી પુસ્તકની ખાસી ચર્ચા દેશ-વિદેશમાં થઈ છે. સ્મૃતિ વ્યાખ્યાનમાં તેમણે સોમનાથ મંદિરના ઇતિહાસ સંબંધિત અનેકવિધ સ્રોતો અને સામગ્રી દ્વારા એ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો કે ઇતિહાસકારોએ અમુક ચોક્કસ માહિતીનો ઉપયોગ કરી મંદિરના ઇતિહાસને એકાંગી બનાવી દીધો. વ્યાખ્યાનના પ્રકાશિત સંક્ષેપના પ્રારંભે તેઓ જણાવે છે તેમ “આ વક્તવ્યનું મુખ્ય પ્રયોજન એ બતાવવાનું છે કે પચાસ વર્ષ પહેલાંના ઇતિહાસકારો કરતાં આજના ઇતિહાસકારો ભૂતકાળના બનાવોના સ્વરૂપનું વધુ પૃથક્કરણ કરે છે અને વિવેચક દૃષ્ટિથી તપાસે છે.”
આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં મુસ્લિમ શાસનકાળ દરમિયાન વર્ષ ૧૦૨૬માં મહંમદ ગઝનીનું આક્રમણ થયું. એ સમયે સોમનાથ મંદિર પર પણ હુમલા અને આક્રમણ થયાં. તેને ખંડિત કરવાનો પ્રયત્ન કર્યો. તેને પગલે પગલે સોમનાથ મંદિર એક તરફ હિંદુઓની આસ્થાનું અને બીજી તરફ ઇસ્લામવિરોધી માનસનું પ્રતીક બની ગયું . આ વાસ્તવિકતા સંદર્ભે રોમિલા થાપર માને છે કે ત્યારબાદના ઇતિહાસની રજૂઆત કરનારાઓએ મર્યાદિત સામગ્રીનો ઉપયોગ કરીને સામાજિક સંબંધોની સાચી હકીકત પ્રકાશમાં લાવવામાં અવરોધો ઊભા કર્યા. તેમના જ શબ્દોમાં, “પચાસ વર્ષ પૂર્વે સોમનાથનો ઇતિહાસ કેવળ એક જ પ્રકારની વાચનાઓ-તૂર્કી અને પર્શિયન ભાષામાં લખાયેલી અનેક સુલતાનોના દરબારોની તવારીખોના આધારે વર્ણવવામાં આવતો હતો, કેમ કે આ દરબારોનો ઇતિહાસ મહંમદ ગઝનીના મંદિર પરના આક્રમણની સાથે શરૂ થતો હતો. સંસ્કૃત સ્રોતો, જેમ કે સોમનાથ પાસેના શિલાલેખો અને ચૌલુક્ય રાજાઓના ઇતિહાસ વિશેના જૈન પ્રબંધો જેમાં વધુ વિગતવાર ઇતિહાસ સમાયેલો હતો, તેની ઉપેક્ષા કરવામાં આવી હતી.”
ભૂતકાળમાં સુલતાનો કે રાજાઓના સમયમાં સત્તાધારીઓની તવારીખો લખનારાઓના આધારે ઇતિહાસ રચવાનો પ્રયત્ન કરીએ તો હકીકતો અને વાસ્તવિકતાઓને સમજી શકાતી નથી. તેને કારણે સમય જતાં લખાયેલા ઇતિહાસને આધારે પૂર્વગ્રહો અને સંકુચિત વિચારસરણી વિકસી શકે. ધર્મો અને સંપ્રદાયો વચ્ચે પણ આ કારણે મતભેદો અને સંઘર્ષો પેદા થઈ શકે. ઇતિહાસ લખનારાઓએ આ કારણે એકથી વધુ સ્રોતોનો ઉપયોગ કરવો જોઈએ. આ મુદ્દાને સપષ્ટ કરતાં પ્રો. થાપર દર્શાવે છે, “સુલતાનોના દરબારની તવારીખોએ મહંમદના આક્રમણની સ્વાભાવિક જ યશોગાથા ગાઈ છે અને ઇસ્લામના ઇતિહાસના એક મહત્ત્વના બનાવ તરીકે અતિશયોક્તિપૂર્વક વર્ણવ્યો છે. જે લોકો બાદશાહી દરબારોની અને વંશાવળીની તવારીખો લખે છે, તેમણે રાજાઓની પ્રશસ્તિ કરવી પડે છે કેમ કે તેઓને એ માટે તો પૈસા ચૂકવવામાં આવે છે. આ પ્રથા છેક પહેલાંના કાળથી ચાલતી આવી છે. એ ભારતના જુદા જુદા પ્રદેશોમાં દરબારી કવિઓની લખેલી પ્રશસ્તિમાં કરેલી હિન્દુ રાજાઓની સ્તુતિઓ પરથી સ્પષ્ટ થાય છે. આ એક પ્રકારની લેખન પદ્ધતિ છે જેમાં રાજાની પ્રશંસા કરવી જ પડે છે!”
પ્રો. રોમિલા થાપર એ મુદ્દા પર ભાર મૂકે છે કે પ્રશસ્તિમાં લખાણોને આધારે વિરોધાભાસી હકીકતો સોમનાથ મંદિર સંદર્ભે ઊપસી આવે છે. ઉદાહરણરૂપે તેઓ સમજાવે છે, “આ પર્શિયન તવારીખોની રસપ્રદ બાબત એ છે કે તેઓ નક્કી નથી કરી શકતા કે મહંમદે ખરેખર શેનો નાશ કર્યો હતો. કોઈક કહે છે, એ શિવલિંગ હતું; બીજા કહે છે કે એ પયગંબરે જેનો નાશ કરવાનો આદેશ આપ્યો હતો તે ઇસ્લામ પૂર્વેની અરબ દેવીઓમાંની એક મનાત દેવીના પ્રતીકરૂપ પથ્થર હતો; વળી બીજા કહે છે કે પથ્થરના બનેલા માનવ સ્વરૂપ દેવ હતા અને જ્યારે એમનું પેટ ચીરાયું ત્યારે એમાંથી રત્નોનો જથ્થો બહાર નીકળી આવ્યો હતો; અને વળી બીજું એક વૃત્તાંત કહે છે કે એ ધાતુની બનેલી એક મૂર્તિ હતી જે એક બહુ મોટા ચુંબકની મદદથી હવામાં વચ્ચે લટકતી હતી. આમ સ્પષ્ટ રીતે એ મૂર્તિ શું હતી એ વિશે કોઈ નિશ્ચિતતા ન હતી અને આ બયાનોમાં ખાસ્સી કાલ્પનિકતા હતી. ત્યારબાદ આ બયાનો કહે છે કે મંદિરને મસ્જિદમાં ફેરવવામાં આવ્યું હતું. પરંતુ થોડાક થોડાક દસકાઓ પછી કોઈ સુલતાને પોતે મંદિર પર હુમલો કર્યો અને એને મસ્જિદમાં ફેરવ્યું એમ દાવો કરે છે. આ તર્કહીન છે, કેમ કે પહેલા હુમલા પછી તેઓ મસ્જિદ પર હુમલો કરતા હશે. એની સાથે સાથે મંદિર તો એક મુખ્ય હિન્દુ મંદિર તરીકે ચાલુ જ રહ્યું જેમાં પંદરમી સદી સુધી તો પૂજા ચાલુ રહી જે પછી એ ઉપેક્ષિત થયું હોય એમ લાગે છે.”
રોમિલા થાપરની દૃષ્ટિએ એ સ્પષ્ટ છે કે ઇતિહાસકારોએ સોમનાથ મંદિર વિશે દર્શાવેલાં ત્રણ વિભિન્ન પરિપ્રેક્ષ્યમાં ક્યાંય એવી નોંધ નથી કે મહંમદના આક્રમણના કારણે હિન્દુ અને મુસલમાનો વચ્ચે ઊંડી અને કાયમી દુશ્મનાવટ થઈ હોય. ઊલટાનું બારમી સદીમાં નરૂદ્દીન ફીરોઝ નામના આરબ વેપારીના લખાણ પ્રમાણે તો બે કોમો વચ્ચે સામાન્ય વ્યવહાર હતો. આક્રમણના તુરંત બાદ હિંદુઓમાં થોડા આક્રોશની અપેક્ષા રાખી શકાય, પરંતુ આલેખો બતાવે છે કે તે લાંબા સમય સુધી ટક્યો નહીં અને મંદિર હિન્દુઓના પવિત્ર સ્થળ તરીકે પૂજાતું રહ્યું. પ્રો. થાપર આ સંદર્ભમાં સવાલ ઉઠાવે છે, “આથી પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે પરસ્પર દુશ્મનાવટ અંગેનું આ વિધાન કોણે અને ક્યારે ફેલાવ્યું?”
બ્રિટિશરોએ સોમનાથના પ્રશ્ને હિંદુ-મુસલમાનોમાં પરસ્પર દ્વેષ ઊભા કરવામાં ભૂમિકા ભજવી હતી એ સંદર્ભે રોમિલા થાપરનો અભ્યાસ કંઈક આમ સ્પષ્ટતા કરે છે ઃ “એ રસપ્રદ બીના છે કે એનો સૌપ્રથમ ઉલ્લેખ ઓગણીસમી સદીની શરૂઆતમાં લંડનમાં બ્રિટનની સંસદના ગૃહોમાં મહંમદ અને સોમનાથ પરની ચર્ચામાં થયો. સંસ્થાનવાદી વિદ્વાનો એ સાબિત કરવા તત્પર હતા કે હિન્દુ અને મુસલમાનો હંમેશા એકબીજા સામે વેરભાવ રાખતા અને મહંમદના હુમલાની આ વાત એમને ફાવતી આવી ગઈ. ભારતના સંસ્થાનવાદી ઇતિહાસે મહંમદના આક્રમણથી હિન્દુઓને થયેલા આઘાત પર ભાર મૂકવાનું શરૂ કર્યું. મૂંઝવનારો પ્રશ્ન એ છે કે વીસમી સદીમાં રાષ્ટ્રવાદી રાજકારણીઓએ અને ઇતિહાસકારોએ આ કથાનું તુર્કી-પર્શિયન તવારીખો પર આધારિત સંસ્થાનવાદી વૃત્તાંત શા માટે સ્વીકાર્યું? એ સમયના ઇતિહાસકારોએ બીજા સ્રોતો તપાસ્યા નહીં, જે બીજી જ વાત કહે છે. આક્રમણ થયું ન હતું એ મુદ્દો નથી, પરંતુ ખરેખર શું બન્યું અને એની હિન્દુ-મુસલમાનો વચ્ચે દુશ્મનાવટ થઈ કે નહીં એ પ્રશ્ન છે.”
સોમનાથ મંદિરની આસપાસના સંસ્કૃત શિલાલેખો જે બનાવ પછી તરત જ અને પછીની ત્રણ સદીઓ સુધી લખાયેલા હતા તે મહંમદનો ઉલ્લેખ કરતા નથી એવું પ્રો. થાપરનું સંશોધન છે. તેઓ દર્શાવે છે કે “જોકે મંદિર એ શિલાલેખોનું કેન્દ્ર છે. ઘણા નાના શિલાલેખો સ્થાનિક રાજાઓ કેવી રીતે મંદિરમાં પૂજા કરવા આવતા યાત્રાળુઓને લૂંટતા તેમ જ તેમની પાસેથી યાત્રાળુ કરની માંગણી કરતા તેની વાત કરે છે. ચૌલુક્ય વહીવટતંત્રે યાત્રાળુઓને રાજાઓથી રક્ષણ આપવું પડતું. સો વર્ષ પછી ચૌલુક્ય વંશના રાજા કુમારપાળના સમયમાં મંદિરમાં મુખ્ય પૂજારી ભાવ બૃહસ્પતિ દ્વારા એક લાંબો આલેખ પ્રસિદ્ધ થયો હતો. તે જણાવે છે કે મંદિર સ્થાનિક વહીવટકારોની ઉપેક્ષાને કારણે બિસ્માર હાલતમાં હતું.”
જૈન વિદ્વાન મેરુતુંગે ચૌદમી સદીમાં ગુજરાતનો ઇતિહાસ લખ્યો હતો જેમાં એ ચૌલુક્ય વંશનું વિસ્તારથી વર્ણન કરે છે અને તેનો મંદિર સાથેનો સંબંધ વર્ણવે છે. ફરીથી મહંમદનો કોઈ ઉલ્લેખ નથી. આ ઇતિહાસનું એક મુખ્ય કેન્દ્રબિંદુ કુમારપાળ દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર એ છે. પરંતુ આ હેવાલ જૈન દૃષ્ટિકોણથી લખાયેલો છે. તેથી મંદિરના મુખ્ય પૂજારી ભાવ બૃહસ્પતિના કથનથી વિપરીત છે. મેરુતુંગ લખે છે કે, દરિયાની છાલકોને લીધે મંદિરની જીર્ણ દશા થઈ હતી, કેમ કે એ દરિયાને લગોલગ અડીને આવેલું હતું. એ વિશ્વાસપૂર્વક કહે છે કે કુમારપાળના જૈન મંત્રી, મહાન વિદ્વાન હેમચંદ્રાચાર્યે રાજાને મંદિર ફરીથી બાંધવા માટે સમજાવ્યા. આ પ્રક્રિયા દરમિયાન રાજાએ જૈન ધર્મ અંગીકાર કર્યો.
રોમિલા થાપરના અભ્યાસ આધારિત દૃષ્ટિકોણને સમજ્યા પછી એ જાણવું રસપ્રદ રહેશે કે ‘જય સોમનાથ’ના રચયિતા શ્રી કનૈયાલાલ મુનશી તેમના ઇતિહાસલેખન વિશે શું કહે છે. ‘જય સોમનાથ’ના આમુખમાં (૨૦-૫-૪૦) તેઓ નોંધે છે ઃ “ઇસ્ટ એન્ડ વેસ્ટ” નામના અંગ્રેજી માસિકના ૧૯૧૧ નવેમ્બર-ડિસેમ્બરના અંકમાં મેં ‘સોમનાથની જીત’ નામનો ઐતિહાસિક લેખ લખેલો ત્યારથી મને આ વિષયમાં રસ છે … આ આક્રમણનાં મૂળ સાધનો મુસ્લિમ તવારીખોમાં મળે છે. પણ અનેક સામગ્રીઓ જોયા પછી એમાં તથ્ય ઓછું છે એમ મને લાગે છે. નવલકથાના હેતુ વિશે તેઓ સ્પષ્ટ છે. પણ આ વાર્તામાં મારો ઇરાદો સુલતાન મહંમદનું આક્રમણ ચીતરવાનો નથી. ગુજરાતે કરેલો પ્રતિરોધ વર્ણવવાનો છે. જો આ આક્રમણ પાયાદાર માનીએ તો એનો સામનો કરતાં સોલંકીઓના ગુજરાતને બળ મળ્યું છે એમ માનવું પડે છે. આ વાર્તામાં ચીતરેલા ગુજરાતના મહાપ્રયત્નના આમુખ વિના -ગંગ સર્વજ્ઞ, ભીમ અને સામંતની ભીષ્મ અડગતા વિના, ગંગાના આત્મસમર્પણ ને ચૌલાની પ્રાણવિહ્વળ ભક્તિ વિના – દેવપ્રસાદ, મુંજાલ ને કાક, મીનલ ને મંજરીનું ગુજરાત શક્ય નથી.”
મ્લેચ્છ આક્રમણકારો (મુસ્લિમ) સામે ગુજરાતના વીરોના સંઘર્ષ અને આત્મબલિદાનને ઉજાગર કરી ગૌરવ બક્ષવા મુનશી ‘ઘોઘાબાપા’નું ચિત્રણ ‘જય સોમનાથ’માં કરે છે. સાથે રજપૂતાણીઓના બલિદાનને (સતી) પણ સાંકળી ‘હિંદુત્વ’ને વીસમી સદીના ગુજરાતી વાચકો સમક્ષ પીરસે છે. ‘જય સોમનાથ’માં આ સંદર્ભનું વર્ણન જોઈએ ઃ “પછી ભાઈ, ધ્રૂજતે હાથે મેં મારું કર્તવ્ય કર્યું. મંદિરના ચોકમાં મેં ચંદનકાષ્ઠની ચિતાઓ ખડકી ને, ભાઈ જેને મેં પરણાવી, જેના સીમંત મેં કર્યાં, જેના છોકરાંઓને મેં ભણાવ્યાં, તે બધી સુકુમાર લાડલી સ્ત્રીઓ વસ્ત્રાભૂષણ સજી બહાર નીકળી … પતિઓને મળવા અભિસારિકા સમી તત્પર તે વીરાંગનાઓએ મારું અર્ચન કર્યું. મારી સતી ને પૂત્રવધૂ મારે પગે પડ્યાં.” ને નન્દિદત્તે એક ધ્રૂસકું ખાધું … “ભાઈ, અગ્નિ ભડભડ ચેત્યો.” સ્ત્રીઓને વીરાંગના કહી મુનશીએ પરંપરાગત વિચારસરણીને હકીકત સાથે સાંકળતા હોય એમ લખે છે, “એમણે (આક્રમણકારોએ) બળતી ચિતા જોઈ, છસેેં વીરાંગનાનાં શબ જોયાં.”
ગુજરાતના શિક્ષિતોએ સોમનાથના ઇતિહાસને માણ્યો, શાસકોએ તેને ગૌરવવંતો કર્યો અને પરિણામે ‘વીર હિંદુત્વ’નું વાતાવરણ સર્જાયું. રોમિલા થાપરે આ ઇતિહાસને હિંદુ-મુસ્લિમ સંબંધોના તાણાવાણા અને તેમાંથી નિષ્પન્ન થતા સામાજિક-સાંસ્કૃિતક માળખાને વર્ણવવા રજૂ કર્યો.
સમાજશાસ્ત્ર વિભાગ, ગુજરાત યુનિ., સમાજવિદ્યા ભવન, અમદાવાદ ૯
(સદ્દભાવ : "નિરીક્ષક", 16.01.2013)