રોમીલા થાપરના પ્રવચનની ઓડિયો લિન્ક (રેકોર્ડિંગઃ બિનીત મોદી)
http://www.hark.com/clips/zcymmmlsrq-romila-thapars-lecture-on-somnath-temple
સોમનાથ પરની ચડાઈ વિશે વાત કરતાં પ્રો. રોમિલા થાપરે કહ્યું હતું કે દરબારી ઇતિહાસકારો રાજાનો મહિમા કરવામાં પ્રમાણભાન ભૂલી જાય એ બહુ સામાન્ય બાબત છે. આ સિલસિલો એકવીસમી સદીમાં લોકશાહી ઢબે ચૂંટાયેલા નેતાને ‘ધ ચોઝન વન’ ગણાવતા ‘બંધ બારણે છપ્પન મિનિટ’ છાપ કટારલેખકો સુધી લંબાય, એ સૂચવે છે કે ઇતિહાસબોધ કેવળ ભૂતકાળની નિર્જીવ ચીજ નથી. સોમનાથ અને હિંદુ-મુસ્લિમ સંબંધોની તવારીખ પણ ઇતિહાસના જીવંત અનુસંધાનનો નમૂનો છે.
પ્રચલિત કરાયેલી છાપ એવી છે કે ગઝનીના મહમૂદે ઇ.સ. ૧૦૨૬માં સોમનાથ પર ચડાઈ કરી, ત્યારથી હિંદુ-મુસ્લિમો વચ્ચે વેરનાં મૂળ નંખાયા. એટલે કે હિંદુ-મુસ્લિમો વચ્ચેનો વેરભાવ એક સહસ્ત્રાબ્દી જેટલો જૂનો છે. હિંદુ-મુસ્લિમો વચ્ચે ‘સ્વાભાવિક શત્રુવટ’ના પાયા પર ચાલતા કોમવાદના રાજકારણને આ થિયરી બહુ માફક આવે એવી છે. પરંતુ રોમિલા થાપર આધારપુરાવા ટાંકીને આ માન્યતા ખોટી ઠરાવે છે.
ઉમાશંકર જોશી સ્મૃિતવ્યાખ્યાનમાં આપેલા આશરે ૭૦ મિનિટના પ્રવચન અને તેના ટૂંકા ગુજરાતી સારમાં પ્રો. થાપરની રજૂઆતને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચી શકાય.
(૧) મહેમૂદની સોમનાથ પરની ચડાઈને મુસ્લિમોનું હિંદુઓ પરનું આક્રમણ કહી શકાય નહીં. ઇસ્લામના ઉદય પહેલાંથી સૌરાષ્ટ્ર સાથે આરબોને વ્યાપારી સંબંધ હતા. આરબોએ મુસ્લિમ ધર્મ અપનાવ્યા પછી અને મહેમૂદના આક્રમણ પછી પણ એ ચાલુ રહ્યા. સ્થાનિક લોકો હુમલાખોર-લૂંટારુ તુર્કો અને વ્યાપારી સંબંધો ધરાવતા આરબોને એકસરખા (મુસ્લિમ) ગણતા ન હતા. એવી જ રીતે, મહેમૂદના દરબારમાં અને તેના સૈન્યમાં હિંદુઓ ઊંચા હોદ્દા પર હતા. સુન્નીપંથી મહમૂદે રસ્તામાં આવતા હિંદુ મંદિર ઉપરાંત શિયા અને ઇસ્માઇલિયા ફાંટાનાં કેટલાક ધર્મસ્થાનો પણ નષ્ટ કર્યાં હતાં.
આ પ્રકારની ચડાઈનો મુખ્ય હેતુ લૂંટફાંટ અને તેની પાછળનું મુખ્ય પ્રેરકબળ દ્રવ્યલાલસા હતું જેને પરાક્રમ તરીકે ખપાવવા માટે તેની પર ધાર્મિકતાનો ઢોળ જરૂરી બન્યો. દરબારી ઇતિહાસકારો એ બાબત ધ્યાનમાં રાખીને આક્રમણખોરોની પ્રખર ધાર્મિક એટલે કે મૂર્તિભંજક-વિધર્મી સંહારક તરીકેની છબી બઢાવી-ચઢાવીને ઊભારવા પ્રયત્નશીલ રહેતા. ઇસ્લામની સંકુચિત સમજણ ધરાવતા કે સુલતાનના કૃપાવાંચ્છુક ધર્મગુરુઓએ સોમનાથની ચડાઈ પછી મહમૂદને ધાર્મિક ખિતાબોથી નવાજ્યો હતો.
(૨) મહમૂદની ચડાઈ પછીનાં સો-બસો વર્ષના જૈન-સંસ્કૃત ગ્રંથો ને શિલાલેખોમાં સોમનાથના મુદ્દે હિંદુ-મુસ્લિમ વચ્ચે તંગદિલી હોય એવા કોઈ ઉલ્લેખ નથી. તેથી ઊલટું, એમની વચ્ચે સામાન્ય-સૌહાર્દપૂર્ણ સંબંધોના પુરાવા મળે છે. તેના આધારે કહી શકાય કે મહમૂદની ચડાઈ પછી હિંદુ માનસ પર દીર્ઘજીવી ટ્રોમા (ચોટ) કે ગુજરાતના હિંદુ-મુસ્લિમો વચ્ચે ઊંડો વેરભાવ-બંનેમાંથી કશું પેદા થયું ન હતું.
(૩) સોમનાથના મુદ્દે હિંદુ-મુસ્લિમ વેરભાવનો ખયાલ સંપૂર્ણપણે અંગ્રેજોની ભાગલાવાદી નીતિની પેદાશ છે.
ગુજરાતી ઇતિહાસકાર શંભુપ્રસાદ દેસાઈના અભ્યાસપૂર્ણ ગ્રંથ ‘પ્રભાસ અને સોમનાથ’ (૧૯૬૫)માં પ્રો. થાપરના ત્રણમાંથી પહેલા બે મુદ્દાને પુષ્ટિ મળે છે, પરંતુ એ પુસ્તકમાં મૂકાયેલી મહમૂદની ચડાઈ પછીના હુમલાઓની વિગત પ્રો. થાપરના ત્રીજા મુદ્દા સામે કેટલાક પ્રશ્નો ઊભા કરે છે.
ભૂતકાળના બનાવોનો સમય-સંદર્ભ ઓગાળીને, તેમનો વર્તમાન કોમવાદી રાજકારણમાં ઉપયોગ કરવા સામે પ્રો. થાપર જેટલો જ શંભુપ્રસાદનો પણ વિરોધ છે. સાથોસાથ, ‘ઐતિહાસિક ઘટનાક્રમ લેખે તેમણે નોંધ્યું છે કે ઇ.સ. ૧૦૨૬માં મહમૂદ ગઝનવીએ સોમનાથના પવિત્ર દેવાલયનો ધ્વંસ કર્યો, તે પછી પોણા ત્રણસો વર્ષ શાંતિમાં પસાર કરી, પ્રજાએ ઇ.સ. ૧૩૦૦માં અલાઉદ્દીન ખિલજીના પ્રબળ સૈન્યો દ્વારા સોમનાથનો વિનાશ જોયો અને તે પછી ચાર સદી સુધી એ જ કાર્યક્રમ વારંવાર નિહાળ્યો.’
આ અવતરણ મહમૂદના આક્રમણ પછી હિંદુ-મુસ્લિમો વચ્ચે કાયમી વેરઝેર નહીં થયાની પ્રો. થાપરની દલીલને સમર્થન આપે છે. પરંતુ પ્રો. થાપરે પ્રવચનમાં ફક્ત શાંતિનાં પોણા ત્રણસો વર્ષની અને ત્યાર પછી ઇ.સ. ૧૮૪૩માં બ્રિટિશ સંસદમાં થયેલી ચર્ચાની જ વાત કરી. એ સમયગાળાની વચ્ચેનો, શંભુપ્રસાદના પુસ્તકમાં નોંધાયેલો ઘટનાક્રમ પ્રો.થાપરે કેમ ધ્યાનમાં નહીં લીધો હોય એવો સવાલ થાય. સોમનાથ પર એ દરમિયાન થતા રહેલા હુમલાની વિગતો પણ તેમણે મૂકી હોત તો? મહમૂદની ચડાઈનાં એક હજાર વર્ષ પછી પણ લોકસ્મૃતિમાં આ વાત કેવી રીતે ટકી? એની આટલી નવાઈ તેમને કદાચ ન લાગી હોત.
નમૂના લેખે, ઇ.સ. ૧૫૯૪માં અકબરનો સેનાપતિ મિર્ઝા કોકા પ્રભાસ આવ્યો ત્યારે ત્યાંના કાજી અને સ્થાનિક લશ્કરી અધિકારીએ શહેરના સર્વ નિવાસીઓ મૂર્તિપૂજક હોવાથી તેમની કતલ કરવી અને સોમનાથનું મંદિર તોડી પાડવું એ મતલબની અરજી કરી હતી. આ હકીકત સાથે શંભુપ્રસાદે એ પણ નોંધ્યું છે કે અકબરની સહિષ્ણુતાની નીતિને કારણે મિર્જાએ આ વિનંતીનો અસ્વીકાર કર્યો.
એવી જ રીતે, ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય અફઘાન યુદ્ધ હારી ગયું, ત્યાર પછી નવા આવેલા ગવર્નર જનરલ એલનબરોએ ઘડી કાઢેલી કથાનો ‘પ્રભાસ અને સોમનાથ’માં વિગતે ઉલ્લેખ આવે છે. મહમૂદના મકબરાને લગાડેલા દરવાજા સોમનાથના મંદિરના છે, એવી એલનબરોએ ઇ.સ. ૧૮૪૨માં ઉપજાવેલી કથાનો હેતુ કંપની માટે લડતા હિંદુ સૈનિકોને ઉશ્કેરીને કાબુલ-ગઝની જીતવાનો તથા અગાઉની હારનો બદલો લેવાનો હતો. એ યુદ્ધ જીત્યા પછી ભારત આવેલા દરવાજા સોમનાથના નથી, એવું શંભુપ્રસાદે દરવાજાના માપ ટાંકીને પુરવાર કર્યું છે. પરંતુ ઇ.સ. ૧૮૧૨થી સોમનાથમાં શરૂ થઈ ચૂકેલી કોમી તકરારની શંભુપ્રસાદે આપેલી વિગતોનો અછડતો ઉલ્લેખ પણ પ્રો. થાપરના પ્રવચનમાં મળતો નથી.
આમ, મહમૂદની ચડાઈ પછી હિંદુ-મુસ્લિમો વચ્ચે કાયમી વેરભાવ ઊભો થયો ન હતો, એવી પ્રો. થાપરની દલીલ અડીખમ રહે છે, પરંતુ સોમનાથના મુદ્દે હિંદુ-મુસ્લિમો વચ્ચે વેરભાવ અંગ્રેજોએ ઊભો કર્યો, એ દાવો ‘પ્રભાસ અને સોમનાથ’ની વિગતોના પ્રકાશમાં સંદેહાસ્પદ ઠરે છે. અલબત્ત, ભારત જ્યારે રાષ્ટ્ર સ્વરૂપે એક ઓળખ ધરાવતું ન હોય ત્યારે સોમનાથમાં થયેલા હિંદુ-મુસ્લિમો વચ્ચેના વિખવાદને ‘બે કોમ વચ્ચેના મૂળભૂત વેરભાવ’ તરીકે રજૂ કરી શકાય નહીં. એ હકીકત પર પ્રો. થાપર જેટલો જ ભાર શંભુપ્રસાદ દેસાઈએ મૂક્યો છે અને તેના આધારે કોમવાદનું રાજકારણ ખેલવા સામે ચેતવણીનો સૂર ઉચ્ચાર્યો છે.
સોમનાથના મુદ્દે આછીપાતળી વિગતોમાં કલ્પનાના ભરપૂર રંગ પૂરનાર ‘જય સોમનાથ’કાર કનૈયાલાલ મુનશી વિશે ઘણા એવું માને છે કે તેમણે આ નવલકથા લખતાં પહેલાં ઇતિહાસનો ઊંડો અભ્યાસ કર્યો હતો. એટલે તેમના આલેખનને ગંભીરતાથી લેવું રહ્યું. ‘જય સોમનાથ’ની પ્રસ્તાવનામાં મુનશીએ મુસ્લિમ ઇતિહાસકારો પાસેથી મળતી ચડાઈસંબંધી વિગતોને યોગ્ય રીતે જ ઓછા તથ્યવાળી ગણાવી છે. એ વિગતો સામે છ મુદ્દા ઊભા કરીને તેમણે લખ્યું છે, “આ શંકાઓ વિચારવા જેવી છે. છતાં એ આક્રમણમાં સત્ય છે એમ માની આ વાર્તા રચી છે… આ વાર્તામાં મારો ઇરાદો સુલતાન મહમૂદનું આક્રમણ ચીતરવાનો નથી, ગુજરાતે કરેલો પ્રતિરોધ વર્ણવવાનો છે. જો આ આક્રમણ પાયાદાર માનીએ તો એનો સામનો કરતાં સોલંકીઓના ગુજરાતને બળ મળ્યું છે એમ માનવું પડે છે.” (૧૯૪૦) મુનશીના તર્કથી સાવ વિરુદ્ધનું તારણ ‘એન એડવાન્સ્ડ હિસ્ટ્રી ઑફ મોર્ડન ઇન્ડિયા’ (૧૯૬૫)માં મળે છે. તેના લેખકો (આર.સી. મજુમદાર, એચ.સી. રાયચૌધરી, કાલિકિંકર દત્ત) નોંધે છે કે સોમનાથ પર મહમૂદની ચડાઈને કારણે (ત્યાર પછીના અરસામાં) હિંદુ સૈન્યોનો જુસ્સો ભાંગી પડ્યો.
મહમૂદની ચડાઈથી સોલંકીઓને બળ મળ્યાનો મુનશીનો તર્ક સમજવો અઘરો છે, કારણ કે વાસ્તવમાં ભીમદેવ સોલંકીએ પ્રતિરોધ કર્યો જ નથી. મહમૂદ આવ્યો ત્યારે અને સોમનાથ લૂંટીને પાછો ગયો ત્યારે, એમ બબ્બે વાર તેના મુકાબલાના પ્રસંગે રણમેદાનમાં ઊતરવાને બદલે ભીમદેવ ભાગી છૂટ્યો હોવાનું ઇતિહાસમાં નોંધાયું છે. પરંતુ મુનશી તેમની કલ્પનાને અનુસરીને ભીમદેવને પરાક્રમી નાયક તરીકે ચીતરે છે.
‘જય સોમનાથ’ને વાજબી રીતે ઇતિહાસ ન ગણતા પ્રો. થાપર ‘પ્રભાસ અને સોમનાથ’ની સામગ્રી વિશે શું માને છે અને તેને કેવી રીતે જુએ છે એ જાણવાની ઉત્સુકતા રહેશે. પરંતુ સોમનાથનું મંદિર સ્થાનિક લોકોની મરજી વિરુદ્ધ છેલ્લે ક્યારે અને કોણે તોડ્યું હશે? કલ્પના આવે છે?
જવાબ છે ઃ આઝાદી પછી, સોમનાથ ટ્રસ્ટે. શંભુપ્રસાદે લખ્યું છે, “અનેક વખત ખંડિત થયાં છતાં કાલ સામે અટ્ટહાસ્ય કરી ઊભેલા ભગવાન મહાકાલ સોમનાથના મંદિરને તોડીને તે સ્થળે નૂતન મંદિર બાંધવાનો નિર્ણય સોમનાથ ટ્રસ્ટનો હતો. (તેના અધ્યક્ષ જામસાહેબ હતા અને મંદિરના નવનિર્માણની ઘોષણા સરદાર પટેલે કરી હતી.)… પ્રભાસના પ્રજાજનો, પ્રભાસ ઇતિહાસ સંશોધન સભા, સૌરાષ્ટ્ર ઇતિહાસ પરિષદ વગેરે સંસ્થાઓ અને વ્યક્તિઓએ (જૂનું મંદિર પાડવા સામે) સખત વાંધા લીધા. સોમનાથ ટ્રસ્ટે આ વાંધા અમાન્ય કરી પુરાતત્ત્વના અપ્રતિમ નમૂના જેવા આ મંદિરને પાયેથી તોડી નાખવા નિર્ણય લીધો.”
લુહારવાડ, મહેમદાવાદ
(સદ્દભાવ : "નિરીક્ષક", 16.01.2013)