શિલ્પા યુ.કે. આવી ત્યારથી ક્યાં તો આખો દિવસ એવી ઝરમર થયા કરે કે જાણે વાદળ નથી વરસી શકતાં કે નથી વરસ્યા વગર રહી શકતાં. કાં તો પછી અટકી અટકીને ધીમી ધીમી ધારે વરસ્યા કરે! પરંતુ બહાર ન વરસે મનમાં જ વરસે! જાણે સમ ખાધા હોય તેમ આંસુ પાંપણ સુધી આવતાં જ નથી!
શિલ્પાનાં બા-બાપુજી મણિભાઈ – રમાબહેન અને નાના ભાઈ ધીરુભાઈ – સુમનબહેનને એકબીજાં પર અપાર સ્નેહ. લગ્ન કરીને આવ્યાં પછી બે વર્ષ રહીને સુમનબહેન અને ધીરુભાઈને ત્યાં દીકરો જન્મ્યો! નામ રાખ્યું શિવ. શિલ્પા અને શિવ-બંને જણ સાથે જ ઉછર્યાં સગ્ગાં ભાઈ-બહેનની જેમ જ. એ જ એનો વહાલો ભાઈલો શિવ અને તેની પત્ની શ્રેયા પણ તેની સાથે વાત કરવાના પ્રયત્નો કરતાં રહે છે, પણ જેવી ડિવોર્સની વાત આવે એટલે એ ચૂપકીદી સાધી લે.
કુમારને આપેલા વચન મુજબ એણે કોઈને કાંઈ કહ્યું નહોતું, પરંતુ એને થયેલા ભયંકર અન્યાયના વિચારોના દ્વન્દ્વ યુદ્ધમાં એનાં ૧૫ વર્ષ સ્વાહા થઈ ગયાં!
ઘરનાં વડીલોને અવગણવાનું પરિણામ આટલું વસમું હશે તેનો વિચાર આવતાં જ એ સઘળું નસીબ ઉપર છોડીને ગૂમસૂમ બેસી રહે છે.
આફ્રિકામાં ધીરુભાઈ અને સુમનબહેન, ચંદુભાઈ જે નાનકડા ગામમાં રહેતાં તે જ ગામમાં થોડો વખત રહ્યાં હતાં. ત્યારે ચંદુભાઈની ચારિત્રહીનતાની ઊડતી ઊડતી વાતો સુમનબહેનને કાને આવી હતી. ચંદુભાઈની અણસારવાળાં આફ્રિકન બાળકોની વાતો પણ ગામમાં થતી! કુમારના જન્મ પછી ડાયાબિટીસ વધી જતાં વિદ્યાબહેનની આંખોએ દગો દીધો અને ભરયુવાનીમાં અંધાપો આવ્યો! પારકા દેશમાં એ સ્ત્રી નિઃસહાય હતી અને તેમાં અકાળે આવેલો અંધાપો! નાનકડા કુમારને સાચવવા માટે રાખેલી આફ્રિકન આયા હતી એટલે ચંદુભાઈને વિદ્યાબહેનની જરૂર નહોતી!!
મોટા થતાં કુમારના કૂણા મગજમાં ઘણાં બધાં દૃશ્યો સમજ્યા વગર એક ખૂણે સચવાઈ રહ્યાં હતાં, પરંતુ કરે તો પણ ૧૪-૧૫ વર્ષનો દીકરો શું કરે? યુગાન્ડાથી ઇદી અમીને એશિયનોને ભગાડયા ત્યારે ધીરુભાઈ અને સુમનબહેન યુ.કે. આવ્યાં અને મણિભાઈ અને રમાબહેને ભારત આવી, બાપ-દાદાના વખતની ખેતી સંભાળી લીધી.
એક વખત ધીરુભાઈ ન્યાતના પ્રીતિભોજનમાં એક ખૂણે શાંતિથી બેઠેલો એક ઠરેલ યુવાન તેમની નજરમાં વસી ગયો.
એ જ શહેરમાં રહેતાં મિત્ર પાસેથી જ્યારે જાણ્યું કે તે ચંદુભાઈનો એકનો એક પુત્ર કુમાર છે – તે સાંભળી ધીરુભાઈનું મન બે ડગલાં પાછું હટી ગયું!
નસીબ કોને કહેવાય તેનું પ્રત્યક્ષ ઉદાહરણ કોઈને જોવું હોય તો શિલ્પા અને કુમારનાં લગ્ન!
કુમારને પુરુષસહજ કુદરતી માગણીની સાથે બાને સમજે અને મદદરૂપ પણ થાય એવી જીવનસંગિનીની ઇચ્છા હતી અને … અને એ માટે ભારત આવેલા કુમારને પહેલી નજરે શિલ્પા ગમી અને શિલ્પાને કુમાર! શિલ્પાના વડીલોની ખાસ મરજી નહોતી, પરંતુ શિલ્પાના અફર નિર્ણય આગળ એ લોકોએ મન મનાવ્યું – જમાઈ સારા છે એ મહત્ત્વનું છે ને! હવે કદાચ વનમાં પ્રવેશેલા ચંદુભાઈ …! દીકરીને આડકતરી રીતે ચેતવી પણ હતી, ધીરુભાઈએ ન્યાતમાં અને ચંદુભાઈ જે શહેમાં રહેતા હતા ત્યાં તપાસ કરી. આમ તો બધું 'ઓકે' હતું, લગ્ન થઈ ગયાં અને શિલ્પા યુ.કે. પહોંચી ગઈ.
ઘરમાં ચોવીસે કલાક એક જુવાન સ્ત્રીના વસવાટે, સમય જતાં ધીમે ધીમે ચંદુભાઈની આંખોમાં સંતાયેલાં સાપોલિયાં સળવળવાં માંડયાં અને એ સળવળાટ શિલ્પાની છઠ્ઠી ઇન્દ્રિયને ધ્રુજાવી ગયો!
બા-બાપુજી, કાકા-કાકીએ ચેતવી હતી!
નીનીના જન્મ પછી એક દિવસ પોતાના બેડરૂમમાં નીનીને બ્રેસ્ટફીડ કરાવતી શિલ્પાના રૂમમાં બારણુ ય 'નોક' કર્યા વગર કાંઈ લેવાને બહાને ઘૂસી આવેલા સસરાની નજર …!
એમ ને એમ ત્રણ વર્ષ નીકળી ગયાં. ચંદુભાઈની નજરથી શિલ્પા હંમેશાં દૂર રહેવાનો પ્રયત્ન કરતી રહી.
પરંતુ એક દિવસ સ્ટોરરૂમમાં કાંઈ લેવા ગયેલી શિલ્પાની પાછળ આવીને સાવ જ નજીક ઊભેલા ચંદુભાઈને અચાનક જોઈને છળી ઊઠેલી શિલ્પાની ચીસ ભૂલી ગયેલી બ્રીફકેસ લેવા પાછા આવેલા કુમારે સાંભળી!
તે દિવસે "આવા બાપના દીકરાને લગ્ન કરવાનો હક્ક નથી" કહી હંમેશ માટે ઇન્ડિયા જતા રહેવાનું વિનવતાં કુમારે રડતી શિલ્પાનાં પગ પકડીને માફી માંગી. એટલું જ નહીં, "હું તને હેરાન કરું છું" એવો જૂઠો આરોપ પોતાની ઉપર મૂકીને ડિવોર્સ લઈ લેવાનું, બીજા લગ્ન કરી લેવાનું કહી ખૂબ ખૂબ રડયો. બીજે દિવસે ડૂસકાંને સમાવી કુમારે વિદ્યાબહેનને કહ્યું, "બા, શિલ્પા અને નીનીને લઈને હું થોડા સમય માટે ઇન્ડિયા જાઉં છું."
લગ્ન કરવાની ભૂલ કરી બેઠેલા આ આધુનિક ભીષ્મના પશ્ચાત્તાપનો પાર નહોતો. પોતાની યુવાનીને પ્રતિજ્ઞાની અગ્નિમાં આહુતિ આપનાર મહાભારતના ભીષ્મની મા કદાચ આંધળી નહોતી કે એને કોઈ રક્ષકની પણ કદાચ જરૂર નહોતી.
એકે પિતૃપ્રેમથી વશ 'ભીષ્મપ્રતિજ્ઞા' લીધી, લગ્ન ન કર્યાં અને છતાં ય મહાભારત સર્જાયું અને દુરાચારીને હાથે થતા રહેલા અન્યાયોના સાક્ષી બની રહેવું પડયું!
આજનો આ ભીષ્મ 'માતૃપ્રેમ'ને વશ થઈ લગ્ન કર્યાં પછી ભૂલનાં પ્રાયશ્ચિતરૂપે આખી જિંદગી માટે પત્ની વગર રહેવા તૈયાર થયો અને વાંક વગરની પત્નીને અને દીકરીને ત્યાગવાનો નિર્ણય કરી બેઠો. જવાના આગલા દિવસે સાંજે વિદ્યાબહેને અંતરની વાત કુમારને કરી, "મને મારા નસીબ પર છોડી અને તું તારું ઘર વસાવી લે બેટા, જા! મારે માટે થઈને …"
ચુપચાપ સીલિંગને તાકી રહેલા કુમારને વિદ્યાબહેને નીનીને ઇન્ડિયા ન મોકલવા વિનવ્યો! "કોના વિશ્વાસે એને રાખુ બા? એ પણ આખરે તો …" બાકીનું વાક્ય પૂરું કરવાની જરૂર નહોતી એને! એક દિવસ અચાનક ટૂંકી માંદગીમાં થયેલા ચંદુભાઈના મૃત્યુએ કુમારની ઈશ્વર પ્રત્યેની રહી સહી શ્રદ્ધા હચમચાવી મૂકી. મનને સાતમે પડદે કદાચ એણે ઇચ્છયું હતું કે એને એના પાપની સજા મળવી જ જોઈએ. રિબાઈ રિબાઈને મરવો જોઈતો હતો એ માણસ! પણ, એવું ન થયું. જો કે, રોજ ને રોજના તિરસ્કારમાંથી જીવતે જીવત 'છૂટયા'નો 'હાશકારો' થયો!
ત્યારથી હજીયે ફરી લગ્ન ન કરનારી કે છૂટાછેડા ન લેનારી શિલ્પાને બોલાવી લેવા માટે એનું અંતર ઉપર તળે થતું હતું, પરંતુ બોલાવે તો પણ કયા મોઢે બોલાવે?
એક અક્ષર બોલ્યા વગર ઘરની ઈજ્જત સાચવીને અને કોઈને પણ વાત ન કરીને એની ખાનદાની સાબિત કરી આપી હતી. અને આજે જ્યારે ભાર હળવો કરવાનો સમય આવ્યો ત્યારે ગુનાઓનો બોજ વધવા માંડયો હતો. એને ખબર પડી કે શિલ્પાને એનાં કાકાએ ડિવોર્સ લેવા યુ.કે. બોલાવી છે ત્યારથી એના કાકાનો ફોન નંબર શોધીને રોજ ફોન હાથમાં પકડીને બેસી રહે છે. આ બાજુ "હવે તો બોલાવી લેશેની આશા" પર ટિંગાતી રહેલી શિલ્પા ન તો ફોન કરી શકી, ન તો કાકાને ડિવોર્સ પેપર મોકલવાની ના પાડી શકી.
કુમાર દરરોજ "આજે તો સાંજે ફોન કરીશ જ" નક્કી કરે અને સાંજ આખી ફોનની આજુબાજુ જીવવામાં જ વહી જવા માંડી! એક દિવસ કુમાર સવારની પોસ્ટ લઈને રૂમમાં આવ્યો અને એક જાડું પરબીડિયું ખોલ્યું. શિલ્પાની સહીવાળાં ડિવોર્સ પેપર્સ હતાં! ચુપચાપ વાંચીને રોજની જેમ ઓફિસે જવા નીકળી ગયો.
અર્ધ સાપ્તાહિક, “સંદેશ”, 12 માર્ચ 2013
e.mail : ninapatel47@hotmail.com