Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9345111
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પીટો ઢોલ … અહીં બધુંયે છે લોલમલોલ!

મેહુલ મંગુબહેન|Samantar Gujarat - Samantar|3 December 2014

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હોય, યોજનાઓ હોય, બજાર હોય કે રાજકીય પક્ષો : આપણા દેશમાં સઘળું લોલમલોલ ચાલે છે અને અરાજકતા સતત વધી રહી છે. ૬૦ના દાયકામાં ભારતમાં અમેરિકી રાજદૂત રહેલા જ્હોન કેનેથ ગાલબ્રેથે 'ભારત કાર્યરત અરાજકતા છે' તેમ કહેલું તે વાત આજે ય સાચી પડે છે

આપણો દેશ અનેક પ્રકારની સામાજિક-ધાર્મિક-રાજકીય-સાંસ્કૃિતક વિવિધતાઓથી ભરેલો છે. જો કે, સૌથી મોટું અચરજ તો આપણો દેશ હજીયે લોકશાહી પ્રણાલી ધરાવે છે એ જ ગણી શકાય. આજકાલ ઘટી રહેલી ઘટનાઓ અને રોજેરોજ ઠલવાતા સમાચારો જાણે કે એ જ જૂની વાત તરફ લઈ જાય છે. કાં તો દેશ આખો રામ ભરોસે (અથવા તો અલ્લાહ ભરોસે) ચાલે છે અથવા તો એમ પણ કહી શકાય કે ઈશ્વર-અલ્લાહ કે રામ-રહીમ જે હોય તે આપણા આ દેશને ભરોસે ચાલે છે! દેશનું લિખિત બંધારણ છે, લિખિત કાયદાઓ છે, કાયદાના અમલ માટે તંત્ર છે, અક્કલ ગિરવે ન મૂકી હોય તેવા જૂજ માણસો પણ છે દેશમાં, છતાંયે સમગ્ર રીતે જોઈએ તો અરાજકતા સતત ચાલ્યા જ કરે છે અને દિનપ્રતિદિન વધતી જાય છે. ૧૯૬૧થી ૧૯૬૩ વચ્ચે ભારત ખાતેના અમેરિકી રાજદૂત જ્હોન કેનેથ ગાલબ્રેથે એક વાર કહેલું કે, ભારત એ કાર્યરત અરાજકતા છે. આ એક વાક્યમાં રજૂ થયેલું સત્ય જાણે આજે પણ આપણો પીછો છોડતું નથી. આજે પણ પ્રતિદિન ગાલબ્રેથની વાત સાચી જ પડતી જણાય છે. તમે માનવા તૈયાર નથી? આવો, જરા તાજેતરની ઘટનાઓ તરફ નજર નાખીએ.

ઉત્તર પ્રદેશમાં સ.પા.ના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવના મતક્ષેત્ર તથા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મત ક્ષેત્રમાં બોગસ મતદારો વિશે તાજેતરમાં ખુલાસો આવ્યો. ઉત્તર પ્રદેશમાં ૩ કરોડ ૮૭ હજાર ૧૩૫ બોગસ મતદારોની સંખ્યા બહાર આવી છે. આ આંકડો લોકસભાની ચૂંટણીને પછી બાહર આવ્યો છે તે જણાવવાની જરૂર નથી. આ ત્રણ કરોડ મતોએ પરિણામ પર કેવી અસર કરી હશે તેનો વિચાર જવા દઈએ પણ એ સવાલ તો રહે જ કે ચૂંટણીમાં બધું લોલમલોલ ચાલે છે. જે મત ક્ષેત્ર પરથી દેશના વડા પ્રધાન ચૂંટાયા હોય એ જ મત ક્ષેત્રમાં ૩ લાખ બોગસ વોટર જાહેર થતાં હોય તો લોકશાહીની પાયારૂપ એવી ચૂંટણી પ્રથાની વિશ્વસનીયતા વિશે કેવડો મોટો સવાલ ખડો કરી શકાય? હશે, આવો સવાલ કોણ કરે, વારાણસીના લોકોને કે આખા ઉત્તર પ્રદેશના લોકોને બીજા કાંઈ કામધંધા તો હોયને! વાત લોકતંત્રની પ્રારંભિક બાબત એવી મતની પ્રામાણિકતાની છે પણ આ ૩ કરોડ બોગસ મતદારો કાંઈ રાતોરાત નહીં બન્યા હોય. એમનું સર્જન કરવામાં બીજા ત્રણ કરોડ લોકો સામેલ હશે. આ સામેલ લોકો એટલે બાબુઓ યાને કે અફસરો. આ ઘટના બંધારણીય સંસ્થાઓ કે પછી સામાજિક સંસ્થાઓમાં વ્યાપ્ત ઘોર અરાજકતાની દ્યોતક છે.

આવી જ અન્ય એક વાત જોઈએ. આપણા જૂનાગઢમાં થેલેસિમિયા પીડિત બાળકોને એચ.આઈ.વી.નો ચેપ અને તેને પગલે ૬ બાળકોનાં મોતની ઘટના એ આવા જ લોલમલોલનું જ પરિણામ નથી શું? બાળકોને ચેપ લાગે, તપાસ સરખી ન થાય, અદાલત સી.બી.આઈ.ને તપાસ સોંપે અને સી.બી.આઈ.નો અહેવાલ શું કહે છે ? બ્લડબેંકનું વ્યવસ્થાપન અતિ અરાજકતાભર્યું હોવાથી આ કેસમાં તેમની ભૂમિકા સાબિત કરી શકાય તેમ નથી. દરેક કેસ અદાલતમાં સાબિત ન પણ થઈ શકે તે કબૂલ પણ આ ઘટનામાં નીતિનિયમો કે કાયદાઓની ઐસીતૈસી કરવાની હદ સુધી કોઈ પણ તંત્ર ગયું તો છે જ એ વાત સ્વીકારવી જ પડે. જીવનની રક્ષા માટે ઘડવામાં આવેલી માર્ગર્દિશકાઓ જીવનની રક્ષા કરનારા ડોક્ટર્સ કે અસ્પતાલના સ્ટાફ પણ માળિયે ચડાવી દે તે દર્શાવે છે કે ન તો દેશમાં કાયદાનું શાસન છે ન તો નાગરિકોમાં પોતીકી અંગત પ્રામાણિકતા કે નૈતિક જવાબદારીનો અહેસાસ. સરકારી દવાખાનાં, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં વ્યાપેલી અરાજકતા, અસંવેદનશીલતા જોઈએ તો માણસને માંદા પડવા કરતાં મરી જવું બહેતર લાગે તેવો માહોલ છે. ઉપર આપ્યાં છે તેવાં અને તેથી વધારે યોગ્ય ગણાય તેવાં અનેક ઉદાહરણો આપી શકાય આ બાબતે.

સામાજિક સંસ્થાઓ, રાજકીય પરિબળો, વહીવટીય તંત્ર અને આર્થિક બાબતોને સુશાસન સાથે સીધી લેવાદેવા હોય છે. આ ચારે ય અરાજકતાના માહોલમાંથી દેશને સ્થિર સુશાસન આપી શકે છે. આ બાબતોમાં જરીક તરીકે પ્રગતિ તો થઈ છે પણ તો ય ગાલબ્રેથના વચનને નાબૂદ કરી શકાય એવી સ્થિતિ નથી. પહેલાં વાત કરીએ રાજકીય પરિબળોની. દેશની દોરવણી કરનારા વિવિધ રાજકીય પક્ષના નેતાઓમાં વિચારધારાઓની ભેળસેળ એવી તો જટિલ થઈ પડી છે કે એકેયમાં તાત્ત્વિક ભેદ કાઢવો મુશ્કેલ છે. કદાચ જૂજ નેતાઓમાં જરીક સમજણ અને નાગરિક નિસબત હશે પણ તેમના પક્ષીય રાજકારણમાં તો કોઈ ભેદ નજરે પડતો નથી એટલે એક પ્રકારની અરાજકતા ઊભી થાય છે અને વકર્યા કરે છે. પક્ષ જયારે સત્તામાં હોય ત્યારે જે કરવા માગતો હોય એ જ વાતનો તે વિપક્ષમાં બેસીને વિરોધ કરે છે. આ બાબતે કાળાં નાણાંથી લઈને અનેક પ્રકારના મુદ્દાઓ બાબતે વિવિધ રાજકીય પક્ષોનાં વલણો સાક્ષી છે. સત્તા અને વિરોધ જાણે કે બેઉ ટાઈમ પાસ બનીને રહી જાય છે અને સરવાળે સુશાસન નામનું ગાડું કોઈ પણ દિશા-દર્શન વગર આમ તેમ ગબડયા કરે છે.

રાજકીય અરાજકતા સીધી વહીવટી ય અરાજકતાને અસર કરે છે અથવા તો બેઉ એકમેકને અસર કરે છે. એક સડક તરફ ટ્રાફિકના નિયમન માટે ઊભેલા કોન્સ્ટેબલને કોઈ ગણકારતું નથી અને ઠોકીને નીકળી જાય છે અને બીજી સડક પર બીજો કોન્સ્ટેબલ સાહેબે આપેલો ટાર્ગેટ પૂરો કરવામાં વ્યસ્ત છે. રાજકીય આશ્રય હેઠળ જીવતું વહીવટીતંત્ર પોતાની મૂળભૂત જવાબદારી વિસરીને એન્કાઉન્ટરથી લઈને પોતપોતાના સાહેબોનાં સેટિંગ પાર પાડવા સુધીનાં કાર્યોમાં વ્યસ્ત રહે છે. સિટીઝન ચાર્ટર જેવી વાતને લોકો ઘોળીને પી જાય છે.

હવે સમાજની અને સામાજિક સંસ્થાની વાત. પગથી ગળા સુધી નક્કર નાગરિક નિસબત અને માનવીય ધોરણોને અનુસરતી સામાજિક સંસ્થાઓની સંખ્યા અને તેમની પહોંચ બેઉ મર્યાદિત થઈ રહી છે. સમાજ યાને કે લોકો કે વ્યક્તિને દેશના બંધારણ કે કાયદા સાથે નહીં પણ પોતાના ખિસ્સામાંથી શું જશે અને શું આવશે તેની સાથે જ લેવાદેવા છે. પ્રામાણિક અને કાયદાના શાસનને માનનારને ડફોળ ગણવામાં આવે છે.

અરાજકતાના માહોલમાંથી આર્થિક બાબતોને બાદ કેવી રીતે કરી શકાય? તકનીકી પ્રસાર થતા આ બાબતે ઘણી રાહત થઈ છે પણ નીતિઓ તો એની એ જ રહી છે. એક તરફ માલેતુજાર ઉદ્યોગગૃહો પાસે બેંકોના કરોડો રૂપિયા બાકી નીકળે છે અને બીજી તરફ સામાન્ય માણસ પાસે કડક ઉઘરાણીઓ ચાલે છે. સબસિડીનું પોલિટિક્સ એવું તો જોરદાર છે કે ભલભલા ખેરખાં તેનો પાર ન પામી શકે. ખોટ ખાનારને મોટી સબસિડી આપવાની ભલામણ કરનાર લોકો પાછા કલ્યાણ યોજનાઓમાં નાણાંના વેડફાટની બૂમો પાડે છે. લક્ષ્મી લક્ષ્મીને ખેંચે એ ન્યાયે ધનિકોના ધનમાં તોતિંગ વધારો થાય છે પણ તેના થકી ધારણા મુજબ ગરીબોના જીવનમાં પરિવર્તન આવતું નથી. સરકાર તરફથી ધનિકોને મળતી રાહતો ગરીબોને મળતી રાહતો કરતાં અનેક ગણી વધારે છે તેવું વરિષ્ઠ ગ્રામીણ પત્રકાર પી. સાંઈનાથ અનેક દાખલા દલીલ સાથે નોંધે છે. આર્થિક સાહસો પ્રથમ તો સરકારી અંકુશમાં રુંધાય છે અને પછી તે અંકુશમાંથી નીકળવા પોલિટિક્સ-માર્કેટનું મિશ્રણ તૈયાર થાય છે જે આર્થિક અસમાનતાઓને વકરાવે છે.

કુલ મિલાકર, દેશમાં આજે એકે ય ક્ષેત્ર એવું નથી જેમાં અરાજકતા નથી. શિક્ષણથી લઈને નોકરી સુધી અને બજારથી લઈને કાયદા-કાનૂનો સુધી અફરાતફરી ચાલ્યા જ કરે છે. હવે સવાલ એ રહે છે કે આ લોલમલોલને રોકશે કોણ? જે સવાલ પૂછશે એ જ રોકી શકશે, એ સવાલનો જવાબ છે.

e.mail : mmehul.sandesh@gmail.com

સૌજન્ય : ‘વિગતવાર’ નામે લેખકની કટાર, “સંદેશ”, 03 ડિસેમ્બર 2014

http://www.sandesh.com/article.aspx?newsid=3016418

Loading

3 December 2014 મેહુલ મંગુબહેન
← અહમદ મહમદ કાછલિયા જેવું માણસ કોમને મળવું દુર્લભ છે
A Glimpse in Past →

Search by

Opinion

  • લાકડાના વેપારીની બોઇંગ કંપનીનું સો વર્ષનું એકચક્રી શાસન ડામડોળ થઇ રહ્યું છે
  • ….. તો શું થાત?
  • અમેરિકી પ્રમુખ ટ્રમ્પને નોબેલ ‘અશાંતિ’ પુરસ્કાર અપાવો જોઈએ …
  • ભારતીય ઉડ્‍ડયન ક્ષેત્રના રન-વેની વિટંબણાઓઃ સલામતી, આર્થિક મજબૂતાઈ, નીતિની ગૂંચ જેવા બર્ડ હિટ
  • પશ્ચિમનો યુગ પૂરો થઈ ગયો છે

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • ગાંધીમાર્ગ કઠિન છે?
  • બાપુનો દાંત
  • વિરાટદર્શન
  • નિર્મમ પ્રેમી
  • મારી અહિંસા-યાત્રા

Poetry

  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved