જેમાંથી માત્ર ચાર સ્વતંત્ર છે, બે અંકુશ હેઠળ છે, એક નજર હેઠળ છે અને એકને દિલ્હીના મુખ્ય પ્રધાનપદે મોકલવા દરવાજે ઊભા રાખી દેવાયા છે. જો સ્થિતિ આવી જ બની રહેશે તો કાર્યક્ષમતા બાબતનાં સૂચનોનો કોઈ અર્થ સરવાનો નથી. આનો અર્થ એવો પણ નથી કે રાજ્યસ્તરના પ્રધાનોમાં કોઈમાં કૌવત નથી. પીયૂષ ગોયલ અને નવા ઉમેરાયેલા જયંત સિંહા જેવા પ્રધાનો આગળ જતાં ઝળકી શકે છે. અરુણ જેટલી અને અરુણ શૌરી અટલ બિહારી વાજપેયીના પ્રધાનમંડળમાં જુનિયર પ્રધાન હતા
પૂર્વ એશિયાના દેશોની દસ દિવસની મુલાકાતે જતાં પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિસ્તારિત કરવામાં આવેલા પ્રધાનમંડળનો રીતસર ક્લાસ લીધો હતો. ક્લાસમાં જૂના-નવા બધા જ પ્રધાનો હતા જેમને વડા પ્રધાને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એટલું જ નહીં, શેનાથી સાવ દૂર રહેવું જોઈએ એનાં વિષે સૂચનો કર્યાં હતાં. તેમણે આપેલાં સૂચનો આવાં છે : ઘડિયાળ સામે જોયા વિના ચોવીસ કલાક કામ કરો, રવિવારે કે રજાના દિવસે પણ કામ કરો, તમે જો ૧૩ કલાક કામ કરશો તો હું (વડા પ્રધાન) ૧૪ કલાક કામ કરીશ અને તમે જો ૧૪ કલાક કામ કરશો તો હું ૧૫ કલાક કામ કરીશ. મીડિયા સાથે ઓછી વાત કરો અને જો બોલતાં ન આવડતું હોય તો મૂંગા રહો. એકબીજાના કામમાં ઉપયોગી બનો, પણ અવરોધ પેદા ન કરો. સરકારની આંતરિક ચર્ચા, અભિપ્રાયો, નુકતેચીનીઓ કે નોટ્સ લીક ન થવાં જોઈએ. વિદેશ પ્રવાસને ટાળો અને ખાસ કરીને સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે તો કોઈ પ્રધાન દેશની બહાર ન હોવો જોઈએ. તેમણે કૅબિનેટ પ્રધાનોને પોતાના ખાતામાં કામ કરતા રાજ્ય કક્ષાનાં જુનિયર પ્રધાનોની ઉપેક્ષા નહીં કરવાની અને તેમને નિર્ણય પ્રક્રિયામાં સાથે રાખવાની ભલામણ કરી હતી. વડા પ્રધાને સૂચવ્યું હતું કે કૅબિનેટ પ્રધાને તેમના જુનિયર પ્રધાનો સાથે સાપ્તાહિક બેઠક લેવી જોઈએ.
વડા પ્રધાન એકંદરે પ્રધાનમંડળની પ્રોડક્ટિવિટી વિશે સભાન હોય એ આવકાર્ય છે. જવાહરલાલ નેહરુમાં આવો ગુણ હતો. તેઓ પ્રધાનોને સૂચનો કરતા, તેમના કામ પર નજર રાખતા એટલું જ નહીં; રાજ્યોના મુખ્ય પ્રધાનોને પણ દર ૧૫ દિવસે એક પત્ર લખતા. તેમના પાક્ષિક પત્રમાં રાજકીય આકલન અને ચિંતન પ્રગટ થતું અને એ પત્રો એટલા પ્રગલ્ભ હતા કે આજે પણ એનું મૂલ્ય છે અને વખતોવખત ટાંકવામાં આવે છે. નેહરુ પછીના વડા પ્રધાનોમાં આવો ગુણ જોવા મળ્યો નથી. ઇન્દિરા ગાંધીના વખતમાં દરેક પ્રધાનની જીવદોરી અનિશ્ચિત રહેતી. ક્યારે કોની નોકરી જશે એ કોઈ કહી શકતું નહોતું અને ખુલાસા કરવાની ઇન્દિરા ગાંધીને ટેવ નહોતી. રાજીવ ગાંધીએ પ્રધાનોમાં ટીમ સ્પિરિટ અને પ્રોડક્ટિવિટી વધારવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના નવા નિશાળિયા પ્રધાનો વધારે પડતા સ્માર્ટ સાબિત થયા હતા જેમાં સરવાળે રાજીવ ગાંધી હાસ્યાસ્પદ બની ગયા હતા. એ પછીની મિશ્ર સરકારોમાં તો સરકાર ટકાવી રાખવી એ જ જ્યાં મુખ્ય પડકાર હોય ત્યાં કોઈને શું સલાહ આપવી અને કોઈ સલાહ માને પણ શા માટે?
નરેન્દ્ર મોદીએ જો પોતાના પ્રધાનમંડળમાં ટીમ સ્પિરિટ અને પ્રોડક્ટીવિટી વધારવાં હોય તો તેમણે જવાહરલાલ નેહરુને અનુસરવા જોઈએ જેમની આજે સવાસોમી જન્મજયંતી છે. નેહરુ દરેક પ્રધાનને પોતાનું કૌવત બતાવવાનો અવસર આપતા હતા અને એમાં તેઓ મદદ કરતા હતા. નેહરુની મર્યાદા સ્વપ્નરંજકતા અને અધીરાઈ હતી. એક દાયકામાં તેઓ ભારતની કાયાપલટ કરી નાખવા માગતા હતા. નરેન્દ્ર મોદીમાં અધિરાઈ તો નથી નજરે પડતી, પરંતુ તેમણે તેમના પ્રધાનમંડળના દરેક સભ્યને કૌવત બતાવવાનો અવસર આપવો જોઈએ જેનો અભાવ નજરે પડી રહ્યો છે. નેહરુ શાસનની ગુણવત્તાને કેન્દ્રમાં રાખતા હતા, જ્યારે મોદી શાસનની ગુણવત્તા કરતાં પોતાને વધુ કેન્દ્રમાં રાખે છે.
એક તો જવાહરલાલ નેહરુની કૅબિનેટ અને નરેન્દ્ર મોદીની કૅબિનેટ વચ્ચે તુલના ન થઈ શકે. આમાં મોદીનો કોઈ વાંક નથી. એ યુગ જુદો હતો અને લોકો જુદા હતા. એ લોકો સત્તા માટે રાજકારણમાં નહોતા આવ્યા, સ્વરાજ માટે આવ્યા હતા અને સફળ કારકિર્દીનો ત્યાગ કરીને આવ્યા હતા. નેહરુના અડધા વેણનો અર્થ સમજવા જેવી તેમની ક્ષમતા હતી અને નેહરુએ પણ તેમને સાંભળવા પડે એવા એ મહાન માણસો હતા.
આની સામે નરેન્દ્ર મોદીનું પ્રધાનમંડળ ફીકું છે. વડા પ્રધાનની ટીમમાં વડા પ્રધાનને છોડીને ૬૫ સભ્યો છે જેમાંથી સ્વતંત્ર રીતે ચાલી શકવાની ક્ષમતા ધરાવનારા માત્ર આઠ સભ્યો છે; અરુણ જેટલી, સુષમા સ્વરાજ, મનોહર પર્રિકર, સુરેશ પ્રભુ, રવિશંકર પ્રસાદ, નીતિન ગડકરી, નિર્મલા સીથારામન અને ડૉ. હર્ષવર્ધન. આમાંથી હર્ષવર્ધનને કદાચ દિલ્હીના મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે અને સુષમા સ્વરાજ તેમ જ નિર્મલા સીથારામનને સ્વતંત્ર રીતે કામ કરવાની તક આપવામાં આવતી નથી. નીતિન ગડકરીની મથરાવટ મેલી છે એટલે તેમના પર નજર રાખવી પડે એમ છે. રાજનાથ સિંહ પક્ષના સિનિયર નેતા છે, પણ સક્ષમ શાસક તરીકે તેમણે ક્યારે ય નામના મેળવી નથી. વળી તેઓ પણ ગૃહપ્રધાન તરીકે કામ કરવાની કોઈ આઝાદી નથી ધરાવતા. તેમણે વડા પ્રધાન, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ અને આગળ વધીને અમિત શાહના સૂચન મુજબ કામ કરવું પડે છે.
આનો અર્થ એ થયો કે નરેન્દ્ર મોદીની કૅબિનેટ વ્યવહારમાં આઠ સભ્યોની કૅબિનેટ છે જેમાંથી માત્ર ચાર સ્વતંત્ર છે, બે અંકુશ હેઠળ છે, એક નજર હેઠળ છે અને એકને દિલ્હીના મુખ્ય પ્રધાનપદે મોકલવા દરવાજે ઊભા રાખી દેવાયા છે. જો સ્થિતિ આવી જ બની રહેશે તો કાર્યક્ષમતા બાબતનાં સૂચનોનો કોઈ અર્થ સરવાનો નથી. આનો અર્થ એવો પણ નથી કે રાજ્યસ્તરના પ્રધાનોમાં કોઈમાં કૌવત નથી. પીયૂષ ગોયલ અને નવા ઉમેરાયેલા જયંત સિંહા જેવા પ્રધાનો આગળ જતાં ઝળકી શકે છે. અરુણ જેટલી અને અરુણ શૌરી અટલ બિહારી વાજપેયીના પ્રધાનમંડળમાં જુનિયર પ્રધાન હતા. નરેન્દ્ર મોદીએ અત્યારે પ્રોડક્ટિવિટી કરતાં ટકોરાબંધ ટીમ મોદી બને એના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. એ હશે તો જ એ પ્રોડક્ટિવ નીવડશે. કૂવામાં હોય તો હવાડામાં આવે એ કહેવત તો સાંભળી જ હશે.
સૌજન્ય : ‘મંતવ્ય-સ્થાન’ નામક કટાર, “ગુજરાતી મિડ-ડે”, 14 નવેમ્બર 2014