શંકર પેન્ટરના વાર્તાસંગ્રહ ‘ઉજળિયાત’ની પ્રસ્તાવના : જાસુદ પ્રકાશન, ૧૧૦, શ્યામ બંગલોઝ, વિભાગ-૧, આઈ.ઓ.સી. રોડ, ચાંદખેડા, અમદાવાદ – ૩૮૨ ૪૨૪
‘હાચ્ચેહાલ્ચુ બોલન્ અ ફાડ્યા’ કાવ્યસંગ્રહમાં તળપદી કાવ્યબાનીમાં દલિતસંવેદનની વિશેષતઃ પ્રતિરોધની કવિતા આપનાર શંકર પેન્ટર ‘ઉજળિયાત’(૨૦૧૪)માં થોડીક વાર્તાઓ, એક નાટક તથા થોડા દસ્તાવેજો લઈને આવે છે. એમની કાવ્યબાનીની માફક કથાબાનીમાં ‘કહેણી’નું તત્ત્વ ભારોભાર માણી શકાય. ઉત્તર ગુજરાતની લોકબોલી વિવિધ રંગ અહીં પ્રગટી છે.
મંગા મહેતરને ત્યાં વેવાઈ આવ્યા છે. ઢોલિયા ઢળાયા છે. ઓશીકાં-રજાઈ પથરાઈ છે. ત્યાં જ વાસ પાસેથી વજેસંગ ઠાકોર નીકળે છે. એમનેથી લોકવરણનો ઠાઠ જીરવાતો નથી. ડારો આપે છે. મંગો કરગરીને માફી જ માગી લેતો હોય છે. ત્યાં વજેસંગ ઠાકોર મશ્કરીના ચાળે ચઢતાં કહે છે કે ‘હું ઢોલિયે બેહુ તો તમે વેવાઈને ચ્યાં બેહાડશો ?’ ‘નેચે’, ‘હું નેચે બેહુ તો ?’ આમ ચાલે છે અને મંગાનો પિત્તો વિફરે છે. વજેસંગ ઠાકોર ઊભી પૂંછડીએ ભાગે છે. કેવળ શોષણ નહીં, શોષણ ઉપરાંત ઠઠ્ઠો દલિતોની ધીરજની કસોટી કરે છે તેથી નાનકડી ઘટનાની પ્રતિક્રિયા પ્રતિરોધમાં પરિણમે છે. ‘પિત્તો વીફર્યો’ આ સંવેદનની વાર્તા છે. ભેદ છે. કચવાતા મને ભેદનો સ્વીકાર છે. ભેદ કરવો અને વળી ભેદભાવમાં ઠઠ્ઠો થતો હોય, ત્યારે શોષકોને એમની સીમારેખા બતાડી દેતાં દલિતોની બીજી વાર્તા છે. – ‘વાઘેશ્વરીનું વેરશમન’. વરસોથી બંધ રહેતી દુકાનની બહાર શાકભાજી વેચતી સ્ત્રીને હવે ત્યાં જ્વેલરીનો શો-રૂમ થતા એનો માલિક ધીરજમલ શેઠ એ વાઘેશ્વરીને બિસ્તરાં-પોટલાં લઈને ચાલી જવાનું કહે છે. ત્યાં તો અસ્તિત્વનો જ સવાલ આવતા એ સ્ત્રી ધાણીફૂટ સરસ્વતીથી, કોઈ વકીલની સહાય વગર એવી દલીલો કરે કે ધીરજમલે એનો અધિકાર સ્વીકારે જ છૂટકો થાય છે, આમ, કેવળ સહન કરતા નહીં પણ સહનશીલતાની હદ આવી જતાં એની સામે અવાજ ઉઠાવતાં પાત્રો અહીં મળે છે. શો-રૂમ અને શાકભાજીની લારીની સંન્નિધિ રસપ્રદ છે. ફૂટપાથ વિનાના રોડ, જેણે ‘ઝીરોરોડ’ કહેવાય છે. નાસિર શર્માની એક નવલકથાનું નામ ‘ઝીરોરોડ’ છે. જ્યાં પગપાળાવાળાનું અસ્તિત્વ જ નથી! આવી નવલકથાની જેમ આવી વાર્તા વર્ગવિભાજિત સમાજની પ્રતીતિ સૈદ્ધાંતિક ચર્ચા છેડ્યા વિના એક દૃશ્ય બતાવી તાદૃશ કરાવી આપે છે.
‘સોળમી સદીએ જાતિવાદને ઝાટકો’ કથાવાર્તા કરતાં લોકકથા વિશેષ લાગે છે. પાણી ભરવા ગયેલી રજપૂતાણી જુહુબાને ધૂળિયા ઢોલીનો ઢોલ સાંભળવામાં મોડું થતાં અપરમાને ટોણો ! જુહુબા એની સંગાથે જ એને ધરમનો ભાઈયાની નીકળી ગયા. ધૂળિયાના ગામે, ધૂળિયાના જ વાસ બહાર ધૂણી ઘખાવી, ભેખ ધર્યો. આવી વાતોનો સંગ્રહ પણ મેઘાણીની પરંપરામાં મૂકી શકાય. આજના સમાજને વિચારવા પ્રેરે તેવી આ ઘટનાઓ છે. લોકકથામાં ચમત્કારો હોય છે, તેમ અહીં પણ છે. જુહુબાનું કથાનક નિઃશેષ કહેવામાં લેખકે વાર્તાની કળાને બાજુએ મૂકી દીધી છે. મૂળ વાત એ છે કે પ્રતિરોધનો તંતુ આવી લોકકથામાં પણ ઝિલાયો છે. વિદ્રોહ, પ્રતિરોધ, ક્રાંતિ એ કેવળ આજના ઇજારો નથી કે આજકાલની જ ઘટના નથી.
ટૂંકી વાર્તાના કેન્દ્રમાં પ્રસંગ હોય છે. શંકર પેન્ટરની પ્રસંગ-પસંદગી કેળવ ‘આજની’ નથી, ‘ગઈ કાલની’ પણ છે. પસંદગી પાછળનો ઉદ્દેશ દલિત-અસ્મિતા ઉપસાવવાનો છે. કનોડાનો અત્યંજ ધરમો દાદો નામ પ્રમાણે કર્ણ સરીખો દાદા હતો. એક વખત સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત આવેલા તૂરી બારોટે ધરમાભાઈનો દીકરો દાનમાં માંગ્યો. વયોવૃદ્ધ અપરણિત બારોટને એમણે દીકરાનું દાન દીધું ! ચલૈયાકુંવર જેવી ઘટના દલિતસમાજ સંદર્ભે વીતેલી છે એની આ પ્રસંગકથા યાદ આપે છે. આજે મહેશ-નરેશ કનોડિયા એ જ ગામના કળાકાર છે. એમની ફિલ્મોમાં એમના જ ગામમાં ઘટેલી આ સત્યકથાને ક્યારે ય સ્થાન નથી મળ્યું. એ પણ કરુણતા છે ! આવા હાંસિયામાં ધકેલાઈ ગયેલા કેટલાક ઇતિહાસો શંકરભાઈની કવિતાની જેમ એમની વાર્તાઓમાં પ્રગટ થઈ જાય છે. લોકકથામાંથી ઇતિહાસ મેળવવાની, સાંસ્કૃિતક નૃવંશશાસ્ત્રીયની ઘણી વિગતો આવી પ્રસંગકથાઓ પૂરી પાડે છે.
‘યુગપરિવર્તન’માં વળી યુગ પલટાય, સવર્ણોની વૃત્તિ નથી પલટાતી, પણ હવે પ્રતિરોધ શરૂ થતાં વચગાળાનો રસ્તો કાઢવાની ફરજ પડે છે. ઉત્તર ગુજરાતના કોઈ કસબાનો પટેલ પશોકાકો ઊભું રસોડું કરાવવા કારીગર ખોળવા નીકળ્યો. પશાકાકાનો મોટો દીકરો વિદેશ છે. નાનાએ લવમૅરેજ કર્યાં છે, એ સાથે રહે છે. નાનાની વહુ ચાર્મીને ઊભું રસોડું જ જોઈએ છે. બજારમાંથી કેશવ કડિયો અને બીજો કારીગર મળી જાય છે. બેઉ કારીગરો કામ કરતાં જાય ને શાંતાકાકીની રામાયણ સાંભળતાં જાય. મોટો પરદેશ છે પણ હલકાં કામ કરી પેટિયું રળે છે વગેરે. સાંજે બેઉ કારીગરો દલિત છે ખબર પડતાં જ ‘રસોડું અભડાયું’નો ગોકીરો મચે છે. કેશવ ગભરાતો નથી. એટ્રોસિટીની વાત કરતાં જ પશાકાકાનું ધોતિયું ઢીલું પડી જાય છે. પોતાની ભૂલ સ્વીકારે છે. આમ, અગાઉ કહ્યું તેમ એમની વાર્તાઓમાં પ્રતિરોધનો તંતુ સતત ગૂંથાયેલો રહે છે.
‘છઠ્ઠીનો જાગતાલ’માં એક દલિતને ત્યાં, એની વાર્તા ઝમકુડી સાથે ગામનો એક જણ હેવાયો થઈ ગયાની વાત છે. એ સુરદાસ ત્રાગડા ગોઠવી બેઉની ચોરી પકડે છે. રમતુજીના કાને બટકું ભરી લે છે. ગામના ભર્યા ડાયરા વચાળે કપાયેલા કાનવાળા રમતુજીને ઉઘાડો પાડે છે. વાર્તા આમ તો સ્ત્રી-પુરુષના સંબંધની છે, પરંતુ એમાં ય પ્રતિરોધનો તંતુ છે.
‘વરિયાળી’ એક વિશિષ્ટ વાર્તા છે. મરણપ્રસંગે ગયેલો શિવલો પાછા વળતા રેલવે-સ્ટેશને કુતૂહલવશ પડેલાં કોથળાંને ખોતરે છે ને થોડી વરિયાળી મળે છે ! એ વરિયાળી સાથે, સરકારી ભાષામાં ‘મુદ્દામાલ’ સાથે સરકારી ચોર તરીકે પકડાઈ જાય છે. રેલવેની વસ્તુઓ ચોરની ગેંગનો માણસ પકડાઈ ગયો. પકડાઈ ગયોનું વાતાવરણ રચાયું ! હોશિયાર અને માનવતાવાદી ન્યાયાધીશના કારણે એનો છુટકારો થયો. ગરીબગુરબો હાથમાં આવતાં જ અધિકારીઓ ગુનેગારોની ખાલી જગ્યાઓ પૂરવા તત્પર થઈ જાય છે. વાતનું વતેસર કરાતું હોય છે. સામાન્ય રીતે જ ગરીબ હોવું એ ગુનેગાર હોવાની પ્રાથમિક સાબિતી ! આવી આપણી સામાજિક માન્યતાની છબિ અહીં મળે છે. શિવા કાળા સમોવડિયાની આવી જિંદગીના બે-ત્રણ દિવસમાં લેખક વાચકને ડોકિયું કરવાની આપણા તંત્રની ‘સક્રિયતા’ અને ‘કાબેલિયત’માં પડેલી ભેદભાવવૃત્તિને નિર્દેશે છે. શિવો નિર્દોષ છૂટ્યો. પરંતુ મિલમાં તો એની ખીજ પડી જ ગઈ ‘શિવો વરિયાળી’ !
‘ઉજળિયાત’ વાર્તામાં રાયસંગ અને ઉજમડી જેવાં સવર્ણોનો શરીરસંબંધ જોઈ જતા દિનેશને ગામમાં વાત ન ફેલાવી દે માટે પતાવી દેવામાં આવે છે. નધણિયાતી લાશ મળી આવે. આત્મહત્યામાં ખપાવી દેવામાં આવે છે. એના પિતાને કેટલાંક સવર્ણ સજ્જનો કેસ કરવામાં સાથ આપે છે, પરંતુ દલિત નેતાઓ કેસનું ફીંડલું વાળી દેવામાં સક્રિયતા દાખવે છે. દલિતોની કૂટકળ રાજનીતિને લેખકે ઝપાટામાં લીધી છે. રાયસંગ અને ઉજમડીની કામુકતા તળપદી બોલીમાં ઉત્કટ રીતે તેમ જ ક્યાંક ઉઘાડેછોગ નિરૂપાઈ છે.
‘જનની જણજે શૂર’ વાર્તામાં સવર્ણ – દલિતોનો સંઘર્ષ નિરૂપાયો છે. હાઈવેની ચાની લારી પર દલિતો વિશે એલફેલ બોલનાર સાથે નાચણપુરના નાથિયા ચેનવાને બોલાચાલી થઈ હતી. ચાની લારીવાળો કિસન દલિત-સવર્ણના કપ-રકાબી જુદાં નહોતો રાખતો નથી તેથી એક ‘સવર્ણ’ આડેઅડ બોલતો હતો. માથાકૂટ થતાં બેઉને છૂટા પાડવામાં આવે છે. છૂટા પાડનારાઓ પેલા સવર્ણને સમજાવે છે.
‘અલ્યા આ માત્મા ગાઁધીએ તો ધરમનું હાવ્ હળાબોજ જ કાઢ્યું સઅ્’
બીજો તરત જ ટપકી પડતાં કહે છે –
“ઓ’મના પેલા ઓંબેડકરે પાસા ચેવા ચેવા કાયદા ઘાલ્યા સઅ્ તે આ વૈણ્યાવૈણ્યનું તુત આપણે બધાય ભેળા થઈ ચાલુ કરવા માંગીએ તો ય ચાલે એવું રહ્યું નથી. પેલા હેમાળા બાજુ એક કુંવારી બસપા સુપ્રીમનો એ મોટ્ટા મોટ્ટા એવા તો ઓંબેડકરના બાવલા ઊંડા પાતાળથી ગજવેલ જેમ જોડીને જકડી દીધા સઅ્. કઅ કોઈ કઠોર પે’લવાન પણ હચમચાવતા હલી જાય.”
એથી લોકમાનસમાં ઝિલાયેલી માયાવતી-મુલાયમની છબિ વાચકો જોઈ શકશે. એથી હવે એટ્રોસિટીનો, દલિતપેંથરની જાગૃતિનો ભય ઊભો થયો છે. આ બધું સમજાવી મોકલી દેવાય છે. નાથિયાને થાય છે કે આ ઊંચું વરણ દારૂ ઢીંચી અમને ફટકારે, ગમે તેમ બોલે, તો આઝાદી આવી કહેવાય ?
જે સવર્ણ સાથે બોલાચાલી થઈ હતી. એ ફરી મેળે મળી જાય છે. નાથિયો મંગેતર મોંઘીને દીધેલ કૉલ મુજબ આવ્યો છે. પેલો સવર્ણ તાકીતાકીને જોઈ રહેતા ફરી રંજાડ થાય છે. નાથિયો રંજાડનાર દારૂડિયાને રગદોળી, ફિલ્મસ્ટાઇલમાં મંગેતર સાથે વાંસળી વગાડતો ચાલતો થાય છે. વચ્ચે-વચ્ચે ‘ભીમડાયરો’ વગેરે વિગતો દ્વારા દલિતોમાં આવેલી જાગૃતિ નોંધાઈ છે. હવે દલિતો સવર્ણોની તાબેદારી સ્વીકારતા નથી. પ્રતિરોધ કરે છે તે આ વાર્તા નોંધે છે. મેળે આવેલ દારૂડિયો બતાવી ગુજરાત સરકારની દારૂબંધીની પણ લેખક સ્થિતિ દર્શાવે છે.
‘નરમેઘ’ નાટક પણ આ સંગ્રહમાં વાર્તાઓ પછી મુકાયું છે, જેમાં બારમી સદીમાં મેઘમાયાએ આપેલ બલિદાનને વિષય બનાવાયું છે. જસમા ઓડણના શ્રાપના કારણે સહસ્રલિંગ તળાવમાં પાણી ટકતું નથી. બત્રીસલક્ષણાનું બલિદાન અપાય, તો પાણી ટકે. માયાનું બલિદાન અપાય છે. રાજાએ માયાને શહીદ થતાં પહેલાં વરદાન માંગવાનું કહ્યું, ત્યારે એણે દલિતોને નગરવસવાટ, વહીવંચે ચઢાવવા, પૂજાના સ્થળે પ્રવેશ માટેની માગણી કરી. રાજા, પ્રજાની વચ્ચેના મનુસ્મૃિતગ્રસ્ત વર્ણાશ્રમવાદ, એની રાજનીતિ નાટક-દૃશ્યોમાં છે. ત્રિલોચનદેવ, મુંજાલ મહેતા વગેરેને માહિતી મળેલી કે માયો શાસ્ત્રો વાંચે છે. નારીમુક્તિમાં માને છે. હવે જો આને સીધેસીધો ઉડાવી દેવાય – તો સઘળા શ્રમિકોમાં રાજતરફી તિરસ્કાર ફેલાય. તેથી ‘બત્રીસલક્ષણો’ બનાવીને બલિદાન લઈ લેવાય છે. દલિત-અસ્મિતા માટે મથેલ ગુજરાતી તરીકે બારમી સદીના એ મેઘમાયાને આજે ય યાદ કરાય છે. નાટ્યભાષા અહીં રસપ્રદ છે. વિશેષ કોઈ નાટ્યપ્રયુક્તિનો લાભ લીધો નથી.
‘ઉકે’ડે ચળવળ’ દલિતો માટેની જમીન માટેની લેખકે, તેમના વડીલો તેમ જ મિત્રોએ કરેલી લડતનો વિગતવાર અહેવાલ છે. સરકારી કાયદાઓ તો લઘુમતી માટે બનતા, પરંતુ એનો લાભ નહીં લેવાતો. શિક્ષિત દલિતોએ કાયદાઓનો અભ્યાસ કરી, અધિકારોની માંગણી શરૂ કરી. ભણેલા-અભણ ભેળાં થયાં. લખાપટ્ટીનો પ્રલંબ ઇતિહાસ અહીં છે. કાયદેસરનું માગતા ય સહન કરવું પડે છે. જો કે અંતે વિજયી બની. ઉકરડા પરની જમીન પર આજે રાંકના રતન જેવા માણસો વસે છે. આવાં લખાણોના કારણે આપણને સહજ એમ થાય કે શંકરભાઈએ આત્મકથા લખવી જોઈએ. આમ પણ દલિત લેખકો પાસેથી આત્મકથાઓ ઓછી મળી છે. જેમ શંકરભાઈની વાર્તાઓમાં પ્રતિરોધ છે તેમ આવાં લખાણોમાં વાસ્તવિક અને ઐતિહાસિક પ્રતિરોધની વિગતો છે. બીજું, આવાં લખાણોના આધારે એમ કહેવું જોઈએ કે શંકરભાઈએ ‘પેન્ટર’ નહીં પણ ‘પેન્થર’ ઉપનામ રાખ્યું હોત તો સારું થાત.
‘રોળ્યાં રૂખીઓને લીલુડા માંડવે’માં લેખકે એક લોકકથા રજૂ કરી છે. પીલુદરા ગામમાં રૂખીઓનું, દલિતોનું રાજ હતું. એક નાગરકન્યા પીલુદરા સ્ટેટના પાટવીકુંવર પર મોહિત થઈ. ગોરબાપાએ લગ્નની આનાકાની કરી, પણ દીકરીને ન સ્વીકારી. પછી લગ્નનો પ્રપંચ રચી, મોટા રજવાડાની મદદથી હથિયાર વગરની જાનને વાઢી નાંખી. આ નર-નારીસંહારમાં ય વર્ણદ્વેષ ભરપુર જોઈ શકાય છે. ઇતિહાસના હાંસિયામાં ધકેલાઈ ગયેલ આવા પ્રસંગો શંકરભાઈ પેન્ટર વીણીવીણીને લાવ્યા છે. બોલચાલની રસિકતાથી પ્રસંગકથન થયું છે. એકંદરે ‘ઉજળિયાત’ (૨૦૧૪) સંગ્રહમાં શંકર પેન્ટરનો ગદ્યલેખકનો મહાવરો એમની કવિતાની જેમ જ કલા અને સામાજિક નિસબતને ભેગા રાખવા મથે છે. એમને હાર્દિક શુભેચ્છાઓ આપીને એમના ગદ્યલેખનનું સ્વાગત કરું છું.
દલિતસંગ્રહનું નામ ‘ઉજળિયાત’ છે, એ વિરોધ પણ મહત્ત્વનો છે. ઉજળિયાતો દલિતોની પીડાથી માહિતગાર નથી. આંબેડકર, જ્યોતિબા ફૂલેનાં લખાણો આજે પણ કહેવાતો બૌદ્ધિક વાંચતો નથી ! એવાં સૈદ્ધાંતિક લખાણોના પરિચયમાં ન મુકાતા માણસો આવી વાર્તાઓથી દલિતસમસ્યાઓથી વાકેફ થશે. હવે જાગૃતિ આવી હોવાથી થયેલ પ્રતિરોધ પણ અહીં નોંધાયો છે. દલિતોની રિબામણી, રોતલવેડાંમાંથી ગુજરાતી દલિતવાર્તા પ્રતિરોધનો સ્વર પ્રગટાવતી થઈ છે, એની પ્રતીતિ આવી વાર્તાઓ આપે છે.
e.mail : mehtabharat@yahoo.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2014, પૃ. 13 – 14