ગુલામમોહમ્મદ શેખ એ એક એવું વ્યક્તિત્વ છે, જે બે માધ્યમમાં કાર્ય કરે છે, જે ચિત્રકલા અને સાહિત્ય. એક ચિત્રકાર તરીકે એઓ જેટલા જાણીતા છે, તેટલા જ તેઓ એક કવિ અને નિબંધકાર તરીકે પણ વાચકોમાં જાણીતા છે. એમનાં કાવ્યસંગ્રહો ‘અથવા’ અને ‘અથવા અને’ ગુજરાતીમાં એક સીમાચિહ્ન સમો સંગ્રહ છે. ગુલામમોહમ્મદ શેખ મુખ્યત્વે એક ચિત્રકાર છે. પણ એમના વડોદરા નિવાસ દરમિયાન તેઓ સુરેશ જોષીના પરિચયમાં આવ્યા અને સાહિત્યના રંગે રંગાયા. એમના સંસર્ગે ભોગીભાઈ ગાંધીનો પરિચય થયો. અને શેખના હાથમાં ફક્ત ઇશિતા જ હતી તે કલમ પણ ઉમેરાઈ. ગુજરાતી ભાષાનો આ એક અત્યંત સુભગ સંયોગ આમ સર્જાયો. એમનું આરંભિક લેખન અલબત્ત, ચિત્રકલાથી શરૂ થયું. એ સમયને યાદ કરતાં શેખસાહેબ લખે છે, “ભોગીભાઈએ એમના નવા સામયિક ‘માનવ’(જે પછી ‘વિશ્વમાનવ’ થયું)માં સુરેશભાઈને કવિતાનો આસ્વાદ લખવા નોતર્યા, ત્યારે મને ય દશ્યકળા વિશે લખવા નોતર્યા ત્યારે મને ય દૃશ્યકલા વિષે લખવા કહ્યું.” (પૃ.૨) આમ, ગુજરાતને એક ચિત્રકાર મળ્યાની સાથે એક લેખક પણ મળ્યા. પછી જે યાત્રા શરૂ થઈ, તેનું પરિણામ એ ‘નીરખે તે નજર’.
‘નીરખે તે નજર’ એ સંચય ચિત્રકાર ગુલામમોહમ્મદ શેખે એમના ચિત્રકલાના ભાવનમાં જે નીરખ્યું તેનો આલેખ આપે છે. ૧૯૫૫થી લેખનની જે શરૂઆત એમણે કરી એ દરમિયાન લખાયેલા લેખોને આ સંચયમાં સમાવવામાં આવ્યા છે. કુલ ત્રેવીસ સચિત્ર લેખોમાં અગિયાર લેખો એમણે જોયેલાં અને માણેલાં ચિત્રોનાં ભાવન અંગે છે, પાંચ લેખો એમણે અન્યો સાથે મળીને અનુવાદ કર્યા તે છે, એક લેખ એમનો જ લખેલો પણ ફ્રેન્ચ ફિલ્મ દિગ્દર્શક ગોદાર્દ વિષે છે (ફિલ્મ પણ દૃશ્યકળા તો ખરીજને), પાંચ લેખો વિવિધ કલાકારો અને લેખકો સાથે એમણે કરેલા સંવાદના રૂપમાં છે અને છેલ્લો લેખ એમના એક ચિત્રની સર્જનયાત્રા વિષે છે.
જેમ ચિત્રનો હેતુ પામવાનો પ્રયત્ન કરતાં આપણે ઘણી વાર સર્જનપ્રક્રિયાના ભાગીદાર થઈ જઈએ છીએ, એમ આ સંચયને વાંચતાં તેમાંના આસ્વાદના વાચકો પણ ભાગીદાર થઈ જાય છે. લેખક જે ચિત્રાત્મકતાથી રજૂઆત કરે છે, તે ભાવકનાં ચક્ષુઓમાં ઊભરી આવે છે. તેમાં પણ વાચક જો એ વ્યક્તિને જાણતો હોય કે જોયા હોય, તો તો એ નજરોનજર તરવા લાગે. જેમ કે ભૂપેન ખખ્ખર, સુનિલ કોઠારી અને પ્રદ્યુમ્ન તન્ના વિષે વાંચતાં તેઓ જ આંખ સામે તરવરવા લાગે છે. તેવું જ વર્ણન મકબૂલ ફિદા હુસેનનું પણ, ‘ઊંચું, લાંબું, ચીનાઓ જેને સદ્ગૃહસ્થની ઉપમા આપે છે, તેવું વાંસ જેવું શરીર, કાળી દાઢીમાં એટલા જ ધોળા વાળ, ઓછાબોલી જીભ અને ઝાઝું કહે તેવી આંખો.’ (પૃ. ૨૦૭) આમ, ચિત્રકાર કોઈનું પોટ્રેઇટ જેમ કૅનવાસ પર દોરે છે, તેમ શબ્દો કાગળ પર ઊતરી આવ્યા છે.
‘ભેરુ’માં ભૂપેન ખખ્ખર વિષે પ્રત્યેક વાચકને તેમની નજર સમક્ષ ભૂપેનને તેઓ તાદૃશ કરી આપે છે. ‘સ્વભાવે શરમાળ, જાડાં ચશ્માંને કારણે થોડો ભોટ લાગ્યો હતો.’ (પૃ.૨૩૫) મિત્રોના વિષે તો લખે તેના કુટુંબ વિષે પણ લખે એટલે ભૂપેન ખખ્ખરનાં માનો પણ પરિચય થાય. શેખસાહેબ લખે છે, ‘મા મહાલક્ષ્મી જબરાં. આખું ઘર એમની આંગળીએ. એમની ધાકે સોપો પડે પણ ભૂપેનની સાખે મને એમનું વહાલ મળ્યું. (માતૃપ્રેમનો પરચો એ બે ભાઈબંધોની માએ બેવડો કરી દીધો.) : એ ય ખૂબ પ્રેમથી પીરસી જમાડે. રસોઈમાં એટલાં પાવરધાં કે આંગળાં કરડી જઈએ. હું આવવાનો હોઉં તો ભાવતાં રસાદાર આખાં રીંગણ અચૂક બનાવે (વરસો લગીનો એ શિરસ્તો).’ (પૃ.૨૩૫) પણ માનો પ્રેમ જેમ વર્ણવે છે તેમ તેમના વિચારોને પણ જણાવે છે, ‘મોડા કે નહીં પરણવા પાછળ કોઈ ‘અપૂર્વ સુંદરી’ની તલાશ હોય, તો મા કહેતાં કેઃ બાયડી બધી સરખી, દીવો હોલવો, એટલે બધી હેમામાલિની! (પૃ.૨૩૬)
‘ઍક્સ્પ્રેશનિષ્ટ’ અને તક્નિકી પ્રવાહોથી કંટાળીને નવી દિશામાં જવાના ગડમથલ વિશે લખે છે : ‘લઘુચિત્રકળાએ અમને ઝીણું ચીતરતા કર્યા તેથી કળાવર્ગના મિત્રો મૂંઝાયેલા. કેટલાકને એમાં ‘આધુનિક’ની તિલાંજલિ દેખાઈ. સ્થળ-સમયનાં બંધનોથી મુક્ત વિષય-વસ્તુ અને આકૃતિઓને બદલે અમે જિવાતા જીવન અને સ્થાનિક પરિવેશનું ચિત્રણ કરતા થયા તે એમને ‘ઇસ્ટ્રેટિવ’ લાગ્યું. શરૂઆતના ગાળે અમારે મન મનુષ્યાકૃતિ અને પરિવેશની પુનઃ શોધ મુખ્ય ઉદ્દેશો હતા અને ચિત્રભાષા ઘડવામાં લઘુચિત્રો કામે લાગ્યાં-લગાડ્યાં.’ (પૃ. ૨૪૬) આમ, તેઓ આધુનિકતાના રંગે રંગાયા બાદ પણ ફરી ભારતીયતા તરફ વળે છે. એમના લખાણમાં પણ અનેક પૌરાણિક સંદર્ભો મળે છે. ગુલામમોહમ્મદ શેખની સર્જન-પ્રક્રિયા જાણવા માટે એમનો ‘વિધાનપરિષદ (ભોપાલ) : પ્રવેશદ્વારનું ચિત્ર’ (પૃ. ૩૪૩) વાંચવો રહ્યો.
ગુલામમોહમ્મદ શેખની આસ્વાદકશૈલીનું ઉદાહરણ જોઈએ. ‘ઝાઁ-લુક ગોદાર્’ લેખમાં લખે છે, ‘આ બધી ઇમેજ-કલ્પનો દ્વારા જાણે ગોદાર્ ચકમકનો પથ્થર જુદા-જુદા પદાર્થો સાથે ઘસવાનો પ્રયત્ન કરતો જણાય છે. ક્યાં ય સાચો પથ્થર એ જાણીજોઈને મૂકે છે, તો ક્યાંક બે પથ્થરની વચ્ચે આડખીલી મૂકીને ચકમક નહીં ઝરવાની વ્યર્થતા બતાવવામાં પણ એ રાચે છે છતાં, અકસ્માત અને અર્થહીનતા આપણા જીવનને પડછાયા જેવાં વળગી રહ્યાં છે, તેની ભયાનકતા પણ એ બતાવે છે. આખરે તો આપણે તક અને તકદીરની વચ્ચે સદાકાળ ઝૂલી રહ્યા હોઈએ છીએ, તેનું ભાન કરાવે છે. પણ જો આપણે એણે રજૂ કરેલ ચિત્રને આખરી ફેંસલા તરીકે ગણી લઈએ, તો આપણી મૂર્ખાઈ પર ગોદાર્ક્રૂર પણે હસી ઊઠે છે. એના આ હાસ્યને રોકવું કે ઉપેક્ષવું પણ મુશ્કેલ છે. અને એ ખ્યાલ આવતાં જ ગોદાર્નાં ચિત્રોમાંથી પ્રગટતી ભીષણતાનો અનુભવ થાય છે. ચિત્ર પૂરું થયે સાચાખોટાનો ભેદ ભૂલી જવો પડે છે. માત્ર, ગોદાર્ને અભિનંદવા સિવાય આપણે કશું કરી શકતા નથી.’ (પૃ. ૩૦૦) કોઈ ફિલ્મદિગ્દર્શકની કૃતિ પર આવો સુંદર આસ્વાદ ગુજરાતીમાં અન્ય કોઈએ કરાવ્યો નથી.
રમણ સોનીના એક પ્રશ્નના ઉત્તરમાં સુરેશ જોષી વિશે ગુલામમોહમ્મદ શેખ લખે છે, ‘સુરેશ જોષીને સર્વાંગી સાહિત્ય હંમેશાં અભિપ્રેત રહ્યું : સંપાદનમાં કે સ્વલેખનમાં સર્જન-વિવેચનના વાડા ભૂંસવા એ પ્રવૃત્ત રહ્યા. કળા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજદર્શનના પણ એ નવોન્મેષને નવાજતા રહ્યા.’ સાહિત્ય-સામયિક’ પ્રત્યેના એમનોે અનુરાગ જાણીતો છે : સામયિક વગર એ જાણે એકલા પડી જતા : સામયિકો જ જાણે એમનો સંસાર-પરિવાર હતાં. એમનો મને સ્પર્શતો ગુણ એ કે એ હંમેશાં પ્રવૃત્ત રહેતા. લેખકોને પત્રો, લેખોની પસંદગી, પ્રકાશકો સાથેની માથાકૂટમાં ખૂબ સમય જતો હશે, પણ એનો ભાગ્યે જ ઉલ્લેખ કરતા; વાત માત્ર કૃતિની, એની ગુણવત્તાની, એમાં રહેલા નવોન્મેેષની. આજે એવું ઓછું દેખાય છે. એ તો લગભગ સાહિત્ય શ્વસતા અને સામયિકો દ્વારા સાહિત્યિક સમુદાય સાથે દૂર નજીકનો દોર બાંધી રાખતા.’ (પૃ. ૩૩૨) – ‘આજે વાતાવરણ બદલાયું છે અને નવાં, સારાં સામયિકો નીકળ્યાં છે, પણ એમનાં સર્વાંગી (હોલિસ્ટિક) દર્શનની ખોટ સાલે છે.’ (પૃ. ૩૩૩)
ગુજરાતીમાં લખાતાં કળાવિષયક લખાણોના સંદર્ભમાં એમનું નિરીક્ષણ પણ નોંધનીય છે, શેખ લખે છે, ‘આપણે ત્યાં કળા વિષે મૌલિક લખાણો ભાગ્યે જ લખાય છે, તેથી સંપાદનમાં અનુવાદ પર આધાર રાખવો પડતો. અનુવાદ સહજ થતા નથી, તેથી સમસ્યાઓ વધે છે. મૂળ તો કળામાધ્યમની પરિચિતતા ઓછી અને લખાણો યાંત્રિક ઢબનાં એટલે ઘણુંબધું ટૂંકમાં કે મઠારીને જ મૂકવું પડે. ઉપરાંત આવું-આવું વાચનારવર્ગ નહિવત્ સાહિત્યકારો ય અન્ય કળાઓ વિશેષ તો દૃશ્યકળા વિશેનાં લખાણો જોતા નથી, તેથી પ્રયત્ન અવકાશમાં તાકેલા તીર જેવો પ્રશ્નાર્થસૂચક બની રહે. સુરેશભાઈએ હવા જગવેલી, તેથી સાહિત્યમાં સળવળાટ થયા ને નવી પેઢી નવું સાહિત્ય પિછાણતી થઈ. ચિત્ર પણ આંખની સાથે કાને જોવાની ય ટેવ પડે તો કળા વિશેનાં લખાણોમાં ‘કંઈક લક્ષ્ય સધાય’ (પૃ.૩૩૫) તો અન્ય એક પ્રશ્નના ઉત્તરમાં કહે છે, ‘પ્રકાશનો પાછળના ઉત્સાહમાં કળાકાર-વર્તુળોમાં વ્યાપેલી ચર્ચાવિચારણાની હવા જ જવાબદાર હતી પણ ગુજરાતમાં એવી હવા જામી નહીં તે સખેદ નોંધવું ઘટે કળાશિક્ષણ દ્વારા પણ ગુજરાતીમાં કળા પર લખનારા નહિવત્ નીકળ્યા. સાહિત્યકારો કળા તરફ બહુ વળ્યા નહીં અને દૃષ્ટિ કેળવી નહીં તે પણ દુઃખદ લાગે અને નિરાશા પણ થાય, આજે ય ગુજરાતીમાં કળા પર સ્વતંત્ર રીતે વિચારો રજૂ કરવાનો ઉપક્રમ ભૂમિકાના અભાવે ઉદ્ભવે નહીં. ગુજરાતીને કળા વિશેના વાચક અને લેખકની, ખરે તો કળારસિકની ખોટ છે.’ (પૃ. ૩૩૭)
સમગ્ર સંચયમાં શેખસાહેબની ભાષા અત્યંત પ્રવાહી અને અદ્ભુત છે. બોલચાલનો રણકો ધરાવતી હોવાથી પુસ્તક વાંચતાં હોઈએ તેવું નહીં પણ ખુદ શેખસાહેબને સાંભળતાં હોઈએ તેવું લાગે. પ્રસ્તુત સંચયમાં અનેક કલર અને મોનોક્રમ ચિત્રો અને ફોટોગ્રાફ્સને સામેલ કરવામાં આવ્યાં છે, જે પુસ્તકને શોભાવે છે અને અધિકૃતતાને વધારે છે. ગુજરાતીમાં આ પ્રકારનું કળાવિષયક [પુસ્તક : નીરખે તે નજર, લે. ગુલામમોમમ્મદ શેખ પ્રકાશક : સંવાદ પ્રકાશન (વડોદરા) અને ક્ષિતિજ સંશોધનન પ્રકાશન કેન્દ્ર (મુંબઈ) પૃ. ૮ + ૩૭૬, કાચું પૂઠું રૂ. ૫૦૦] પ્રથમ જ પુસ્તક છે, જેને આવકારતાં આનંદ થાય છે. ફક્ત કળારસિકોને જ નહીં, અન્ય સૌએ પણ અત્યંત વાંચવા જેવા આ પુસ્તક ‘નીરખે તે નજર’ને માટે પદ્મશ્રી ગુલામમોહમ્મદ શેખ અભિનંદનના અધિકારી છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2017; પૃ. 17-18