એક જ પથના હતા મુસાફર, તમે ગયા ડાબા-જમણા;
સીધે રસ્તે અમે લૂંટાણા, તમે પ્રધાન બન્યા હમણાં.
નવી સદીનું નવતર દેખો, રાવણ-શા પૂજનીય બન્યા;
ગાર-માટીનાં પૂતળાં પણ જનગણમનને માન્ય થયાં.
ઝાઝા ગરજ્યાં લાઉડસ્પીકર, દેવા ઈશ્વરના સંદેશ;
એટલે જ ઈશ્વરથી છેટો સરક્યો તારો-મારો દેશ!
આશ્રમ-દેવસ્થાનો બાંધ્યાં, નવયુગનાં એ રજવાડાં;
કોમી ઉશ્કેરાટ ઠાલવે એ સઘળાં ગાડેગાડાં!
આણી-બાણી તગડા થાતા, થાતો દૂબળો શેરી-જન;
મોબાઇલ ને ટીવી સસ્તાં થાતાં અતિ મોંઘાં જ ટફન!
(સમશેર બહાદુર સિંહની એક ગઝલથી પ્રેરિત)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2020; પૃ. 09