માન્ચેસ્ટરના મારા સાડા ત્રણ દાયકાના રહેવાસ દરમ્યાન, મેં ઘણું મેળવ્યું. પારાવાર પ્રવૃત્તિઓમાંથી ખોબલા ભરીને આનંદ મેળવ્યો અને જીવનને સંતૃપ્ત કરે તેવા અનેક અનુભવો મેળવીને સમૃદ્ધ થઇ. એ શહેરના પાદરને છેલ્લી વખત છોડતાં પહેલાં ત્યાંના કેટલાક યાદગાર સ્થળોની મુલાકાત લીધી. ખાસ કરીને માન્ચેસ્ટરના પોતને મજબૂત અને વિશિષ્ટ સ્વરૂપ આપવામાં મહિલાઓનો શો ફાળો રહ્યો, તે વિષે તપાસ-સંશોધન કરતાં કેટલીક હસ્તીઓ વિષે સામાન્ય માહિતી હતી તેને આધારે જે તે સ્થળોની યાત્રા કરી તેમના પ્રતિ ઋણ અદા કરવાનું નક્કી કર્યું, જેના પરિપાક રૂપે આ લખાણ વાચકો સમક્ષ આવે છે.
ઔદ્યોગિક ક્રાંતિનાં મંડાણ માન્ચેસ્ટરમાં થયાનું માનવામાં આવે છે. એક માર્કેટ ટાઉનથી માંડીને કોટાનોપોલીસની યાત્રાની એ કથા છે. Steam power to Women power − એ મહિલાઓના અધિકારોની ગાથા છે. ઉદ્યોગોનો વિકાસ, મશીનોનો ઉપયોગ અને ઉત્પાદનનો ઊંચો આંક એ જ એક ધ્યેય હતું ઉદ્યોગપતિઓનું, કારીગરોનું, અર્થકારણીઓનું અને રાજકારણીઓનું પણ. આથી જ તો પહેલો એસિડ વરસાદ પણ અહીં માન્ચેસ્ટરમાં પડયાનું નોંધાયું છે. આમ તો સ્ત્રીઓ ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં પણ હંમેશ કામ કરતી આવી છે. ઘરમાં અને ઘરની બહાર પણ. ઊન અને કાપડનાં કાંતણનું કામ મોટેભાગે સ્ત્રીઓ જ કરતી, તો વણાટ કામ પુરુષો કરતા. 18મી સદીને અંતે ઔદ્યોગિક ક્રાંતિ થઇ. મજબૂત શરીર અને મન વાળી સ્ત્રીઓ માટે ઘરની બહાર કામ કરવાની તકો ઊભી થઇ અને તેમની દુનિયા બદલાઈ. ઔદ્યોગિક ક્રાંતિને પગલે રચાયેલ પ્રગતિશીલ માહોલમાં સ્ત્રીઓ સામૂહિક સ્થળોએ કામ કરવા લાગી. તેઓ મજૂરી અને વહીવટી કામ કરવા લાગી, છતાં ઓવરસિયર અને ઉપરી અધિકારી તો હજુ પણ પુરુષો હતા. સ્વભાવ મુજબ સ્ત્રીઓ એક બીજાં સાથે વાતો કરતી અને એમ માહિતી તેમ જ સમાચારોનો પ્રસાર થતો અને તેમનાં વલણોમાં પરિવર્તન આવવાં લાગ્યાં. કેટલીક સ્વતંત્રતા મળી હોવા છતાં, બહેનો જીવનના અનેક મોરચે ડગલે ‘ને પગલે અન્યાય સહન કરતી રહી કેમ કે તેમના અવાજને સત્તાધારીઓ સુધી પહોંચાડે તેવા રાજકીય અધિકારો નહોતા મળ્યા. આ દેશના નાગરિક તરીકેના આ મૂળભૂત અધિકારો માટે ઝઝૂમનાર સ્ત્રીઓની જીવન કાર્યની વાત કરીશ.
એલિઝાબેથ ગાસ્કલ:
નવલકથા અને ટૂંકી વાર્તાઓનાં લેખિકા તરીકે પ્રસિદ્ધિ પામેલ એલિઝાબેથ (ઈ.સ. 1810-1865) એક દિલચસ્પ વ્યક્તિત્વ ધરાવનાર સન્નારી હતાં. તેમની નવલકથાઓ વિક્ટોરિયન સમયના સમાજના જુદા જુદા સ્તરના લોકોનાં જીવનની ઝાંખી કરાવતી, ખાસ કરીને ગરીબ પ્રજાની કઠણાઈઓનું આબેહૂબ વર્ણન કરતી, જેથી સાહિત્યકારો તેમ જ સમાજશાસ્ત્રીઓ તથા ઇતિહાસવિદોને એ રચનાઓ ખૂબ રસપ્રદ લગતી. ‘મેરી બાર્ટન’, ‘ધ લાઈફ ઓફ શાર્લોટ બ્રોન્ટે,’ ‘ક્રાનફર્ડ’ ‘નોર્થ એન્ડ સાઉથ’, અને ‘વાઇવ્સ એન્ડ ડોટર્સ’ સહુથી વધુ લોકપ્રિય નવલકથા બનેલી.
એલિઝાબેથનાં માતાનું અવસાન થતાં ઈ.સ. 1850થી 1865 દરમ્યાન તેઓ માસીને ઘેર નટ્સફર્ડમાં (ગ્રેટર માન્ચેસ્ટર) ઉછર્યાં. આ નાનકડું ગામડું તેમની ‘ક્રાનફર્ડ’ નવકથામાં સ્થાન પામ્યું અને અમર થઇ ગયું. પ્રાથમિક શિક્ષા પૂરી કર્યા બાદ, તેઓ સ્ટ્રેટફર્ડ અપોનની એવનબેંક શિક્ષણ સંસ્થામાં તે સમયે કન્યાઓને મળતા પારંપરિક વિષયો જેવા કે આર્ટસ, ક્લાસિક્સ, સુશોભન અને શિષ્ટાચાર જેવા વિષયોનું શિક્ષણ પામ્યાં. તેમની માસીએ આપેલ સાહિત્ય કૃતિઓ અને પિતાએ અભ્યાસ તથા લેખનમાં આપેલ પ્રોત્સાહનને કારણે તેઓ એ ક્ષેત્રમાં આગળ વધ્યાં. 1832માં એલિઝાબેથનાં લગ્ન તેમનાથી ઉંમરમાં 24 વર્ષ મોટા એવા વિલિયમ ગાસ્કલ સાથે થયાં કે જેઓ માન્ચેસ્ટરના ક્રોસ સ્ટ્રીટ ખાતે આવેલ યૂનિટેરિયન ચર્ચમાં મિનિસ્ટર હતા. તેઓ પોતે એક નોન કનફોર્મીસ્ટ અને મિલમાલિક હતા. માન્ચેસ્ટરનું ઔદ્યોગિક ક્રાંતિથી અસર પામેલ જનજીવન એલિઝાબેથનાં લખાણ પર ઘેરી અસર કરી ગયું અને તેઓ એ વિષયને મધ્યમાં રાખીને લખવા લાગ્યાં.
અંગત જીવનમાં એલિઝાબેથને મોટો આઘાત સહન કરવાનો આવ્યો. તેમનું પહેલું સંતાન મૃત અવસ્થામાં જન્મ્યું અને બીજો પુત્ર બાળ વયે મૃત્યુ પામ્યો. એના આઘાતની ફલશ્રુતિ રૂપે આપણને ગાસ્કલની પહેલી નવલ ‘મેરી બાર્ટન’ મળી. ત્યાર બાદની નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓનાં વેંચાણની આવકમાંથી આ દંપતીએ માન્ચેસ્ટરના પ્લીમથ ગ્રોવ વિસ્તારમાં મકાન ખરીદ્યું. અહીં એ વાતનું ધ્યાન રહે કે એક મહિલા – પત્નીની મુખ્ય આવકમાંથી કુટુંબની મિલ્કત ખરીદવામાં આવેલી, અને તે જમાનો હતો રાણી વિક્ટોરિયાના રાજનો. જો કે એલિઝાબેથની Ruth નામની લઘુ નવલે સમાજમાં વંટોળ જગાવ્યો, કેમ કે તે એક અપરિણીત માતાની વાર્તા છે. તેથી 1853માં તે બાળી નાખવામાં આવી, એટલું જ નહીં, કોઈ મેળાવડા કે જાહેર કાર્યક્રમોમાં એલિઝાબેથ પાસે કોઈ બેસતું પણ નહીં તેવો તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો.
સાહિત્ય પ્રવૃત્તિઓના સંદર્ભે એલિઝાબેથ બેલ્જિયમ અને જર્મની ગયાં. જર્મન સાહિત્યનો તેમના પર ઘણો પ્રભાવ પડ્યો, પરંતુ એવો જ બીજો અસરકારક પ્રભાવ આદમ સ્મિથના ‘સોશિયલ પોલિટિક્સ’નો પડ્યો, જેને કારણે ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે સમાજના સાંસ્કૃિતક અને ઘરેલુ જીવન પર પડતી માઠી અસરો તેઓ વધુ ઝીણવટથી સમજી શક્યાં. ‘મેરી બાર્ટન’ને થોમસ કાર્લાઈલ અને મારિયા એજવર્થ જેવાંનું સમર્થન મળ્યું, કેમ કે તેમાં માન્ચેસ્ટરની ગીચ વસ્તીવાળી ઝૂંપડપટ્ટીઓ કે જેનાથી હજુ ઘણા વાચકો અપરિચિત હતા, તેનું તાદ્રશ્ય અને જીવંત વર્ણન હતું.
વિલિયમ અને એલિઝાબેથ નિસ્વાર્થ સેવાનું કામ કરતાં એટલે ગરીબોની મુશ્કેલીઓ અને વ્યથાનો તેમને સીધો પરિચય હતો. આથી જ તો ગરીબીમાં સબડતા જનસમૂહ માટેની તેમની ઊંડી સહાનુભૂતિ પ્રત્યક્ષ થતી હતી, તો વળી એ નવલમાં ઉપયોગમાં લેવાયેલી વર્ણનાત્મક વાક્ય રચના, જૅઈન ઓસ્ટીનને બાદ કરતાં, અન્ય લેખકોને મહાત કરે તેવી હતી. 1850માં ગાસ્કલ પરિવાર ફરી 84 પ્લીમથ ગ્રોવ આવી વસ્યો, જ્યાં એલિઝાબેથે પોતાની બાકીની નવલકથાઓ લખી. પતિ વિલિયમ ગાસ્કલ લોક કલ્યાણનાં કાર્યોમાં રત રહેતા. તેઓ પોતાના અભ્યાસખંડમાં ગરીબોને ભાણવતા. ગાસ્કલના મિત્ર વર્તુળમાં સમાજ સુધારકો, કવિઓ અને ચાર્લ્સ ડિકિન્સ તથા જ્હોન રસ્કિન જેવા લેખકોનો સમાવેશ થતો, જેઓ તેમની મુલાકાતે આવતા.
જગ વિખ્યાત કંડકટર Charles Halle એમના ઘરની બાજુમાં રહેતા, અને એલિઝાબેથની પુત્રીને પિયાનો શીખવતા, એટલું જ નહીં તેમના નિકટનાં મિત્ર શાર્લોટ બ્રોન્ટે એમને ઘેર રહેલાં. નોંધનીય બાબત એ છે કે પોતપોતાના ક્ષેત્રમાં આટલી સફળતા મળી અને વિવિધ ક્ષેત્રનાં મહાન સ્ત્રી-પુરુષોના સહવાસનું બહુમાન મળ્યું હોવા છતાં, આ દંપતી સાદું અને મહેનતુ જીવન જીવતાં. ઘેર શાક અને ફળો વાવતાં તથા ગાય અને મરઘી ઉછેરતાં. આવાં સફળ લેખિકા 1865માં હૃદયરોગના હુમલાનો શિકાર બન્યાં અને તેમના જીવનનો અંત આવ્યો. 1913 સુધી પ્લીમથ ગ્રોવનું તેમનું નિવાસસ્થાન ગાસ્કલ પરિવારના કબજામાં રહ્યું, અને ત્યાર બાદ ખાલી રહ્યું અને સાવ કંગાલ હાલતમાં પડ્યું રહ્યું. સદ્નસીબે માન્ચેસ્ટર યુનિવર્સિટીએ 1969માં તેનો કબ્જો સંભાળ્યો અને 2004માં માન્ચેસ્ટર હિસ્ટોરિક બિલ્ડીંગ ટ્રસ્ટ દ્વારા ફન્ડ એકઠું કરી તેનો પુનરુદ્ધાર કરવામાં આવ્યો. હવે એ નિવાસસ્થાન આમ જનતા માટે ખુલ્લું મુકાયું છે.
આ ઉપરાંત વેસ્ટમિન્સ્ટર એબેના Poet’s Cornerમાં એલિઝાબેથ ગાસ્કલનું એક સ્મૃિતચિહ્ન 2010માં મુકવામાં આવ્યું. ચેરીટેબલ કાર્ય કરનાર અને પ્રજાના જીવનને ઊંચે ઉઠાવવા મથનાર મહિલાનાં કાર્યના ઋણસ્વીકાર તરીકે માન્ચેસ્ટર સીટી કાઉન્સિલે એલિઝાબેથ ગાસ્કલના નામનો એક એવોર્ડ આપવાનું ઠરાવ્યું છે.
એલિઝાબેથ ગાસ્કલને આજે પણ શા કારણે આટલા આદર સાથે યાદ કરવામાં આવે છે? તેમનાં લખાણો વિક્ટોરિયન યુગનાં ધારાધોરણોની સીમામાં જ રહેલાં, પરંતુ તેમની કથાઓ તત્કાલીન સમાજનાં વલણોની ટીકા કરતી જણાય છે. તેમનાં શરૂ શરૂનાં સાહિત્ય સર્જનો મિડલેન્ડના ફેક્ટરી કામદારોના જીવન પર કેન્દ્રિત થયેલાં. તેઓ સામાન્ય રીતે કથાની અટપટી ગૂંથણી અને વાસ્તવિક સ્ત્રી પાત્રોની પસંદગી દ્વારા સમાજ જીવનમાં સ્ત્રીઓના પ્રદાન પર ભાર મૂકતાં. બીજી એક બાબત એલિઝાબેથ ગાસ્કલને વિશેષતા પ્રદાન કરે તેવી એ છે કે યૂનિટેરિયનિઝમ તેમાં શ્રદ્ધા ધરાવનારાઓને તમામ ધર્મોના હાર્દને સમજવા અને પરસ્પરના ધર્મો પ્રત્યે સહિષ્ણુતા દાખવવા અનુરોધ કરે છે અને જો કે એલિઝાબેથ ગાસ્કલે પોતાના ખ્યાલોને ગોપિત રાખવા પ્રયાસ જરૂર કરેલો, પરંતુ તેમની સાહિત્યકૃતિઓમાં આ મૂલ્યો અચૂક પ્રગટ થયેલાં અનુભવાય છે.
એમલીન પેંકહર્સ્ટ: (ઈ.સ.1858 – 1928)
દુનિયામાં સમયાંતરે કેટલીક એવી હસ્તીઓ પેદા થતી હોય જેનો જોટો જડવો મુશ્કેલ હોય છે. એમલીન પેંકહર્સ્ટ એમાંનાં એક હતાં તે નિ:શંક છે. તેમનો જન્મ 15 જુલાઈ 1858 મોસ સાઈડ માન્ચેસ્ટર ખાતે અને મૃત્યુ 14 જૂન 1928. આ સાત દાયકાની મઝલ દરમ્યાન તેમણે બ્રિટનને શું શું આપ્યું એ જોઈએ તો દંગ થઇ જવાય. એમલીનના જન્મ બાદ તેમનો પરિવાર માન્ચેસ્ટર નજીક સાલફર્ડ રહેવા લાગ્યો જ્યાં એક નાનો ધંધો શરૂ કરવા ઉપરાંત તેમના પિતા સાલફર્ડની સીટી કાઉન્સિલમાં સક્રિય સેવા આપતા અને થિયેટરના માલિક હોવા ઉપરાંત શેક્સપિયરનાં નાટકોમાં અભિનય પણ કરતા, જેની પ્રેરણા લઈને એમલીને પોતાની રાજકીય અને સામાજિક ચળવળોને આકાર આપેલો તેમ કહી શકાય.
આમ માતા-પિતા રાજકારણમાં રસ ધરાવતાં હોવાથી પુત્રી પણ માત્ર 14 વર્ષની વયે સ્ત્રીઓ માટે મતાધિકારની ચળવળમાં જોડાયાં અને એ રીતે બ્રિટનનાં રાજકીય કર્મશીલ તથા મતાધિકાર માટેની ચળવળના નેતા તરીકે માન મેળવ્યું. સફરજિસ્ટ લીડિયા બેકરનો એમલીન પર રાજકારણીય બાબતોમાં ઘણો પ્રભાવ હતો. તેમનાં જેવાં અનેકોના પ્રયત્નોને પરિણામે બ્રિટનની મહિલાઓને મતાધિકાર સાંપડ્યો. આથી જ તો 1999માં Time દ્વારા તેમને વીસમી સદીના સહુથી વધુ મહત્ત્વનાં 100 લોકોમાં સ્થાન આપવામાં આવ્યું.
21 વર્ષની વયે એક બેરિસ્ટર રિચર્ડ પેંકહર્સ્ટ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં, બંનેની ઉંમરમાં 24 વર્ષનો તફાવત હતો. દસ વર્ષમાં તેમણે પાંચ સંતાનોને જન્મ આપ્યો. પતિ મહિલાઓ માટેના મતાધિકારની તરફેણ કરવા માટે જાણીતા હતા અને તેમના પ્રોત્સાહનથી એમલીન વિમેન્સ ફ્રેન્ચાઈઝ લીગ સાથે સંલગ્ન થઈને કામ કરવા લાગ્યાં. અહીં એક વાત નોંધવી રહી કે જ્યારે એ લીગ પડી ભાંગી, ત્યારે લેબર પાર્ટીના સ્થાપક કિએર હાર્ડી સાથે મૈત્રી હોવા છતાં એક મહિલા હોવાને કારણે એમલીન ઈન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટીમાં જોડાઈ ન શક્યાં. મહિલાઓને સમાન મતાધિકાર મળે તે માટેની ચળવળનું માન્ચેસ્ટર મુખ્ય કેન્દ્ર હતું. 19મી સદીમાં રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક ક્ષેત્રે ઉદાર અને ક્રાંતિકારી વિચારો ધરાવતા લોકોનું એ મથક હતું. 1819માં સામાન્ય પ્રજાને જાહેર મુદ્દાઓ પર પોતાનો મત આપવાની સ્વતંત્રતા આ દેશમાં નહોતી.
એમલીને પતિના અવસાન બાદ 1903માં વિમેન્સ સોશ્યલ એન્ડ પોલિટિકલ યુનિયનની સ્થાપના કરી. તેમની મોટી દીકરી ક્રિસ્ટાબેલ માતાને પગલે ચાલી, તે ખૂબ ખમતીધર વ્યક્તિત્વ ધરાવતી. તેણે કાયદાનો અભ્યાસ કરેલો, પરંતુ પ્રેક્ટિસ કરવાની મંજૂરી નહોતી કેમ કે તે એક સ્ત્રી હતી. તેઓ બંને મા-દીકરી કામદાર વર્ગ સાથે ભળતાં અને તેમને માટે કામ કરવા મથતાં. 1832માં પુરુષોને મતાધિકાર મળ્યો અને સ્ત્રીઓ માટે મતાધિકારની માંગણી કરવા પહેલી મિટિંગ 1868માં Free Trade Hall-માન્ચેસ્ટર ખાતે મળી, જેમાં લીડિયા બેકરે અને રિચર્ડ પેંકહર્સ્ટે સંબોધન કરેલ. બ્રિટનના પુઅર લૉના ગાર્ડિયન તરીકેની કામગીરી બજાવતાં માન્ચેસ્ટરના વર્કહાઉસ કે જ્યાં ગરીબોને સખ્ત મજૂરી કરાવીને અત્યંત ભૂંડી હાલતમાં રાખવામાં આવતા હતા, એ નજરોનજર જોઈને એમલીનને ઘણો આઘાત લાગેલો. મહિલાઓને સમાન મતાધિકાર મળે તે માટે મિટિંગો યોજવી, ભાષણો કરવાં, સભા-સરઘસ દ્વારા પોતાની માંગણી રજૂ કરવી જેવાં તમામ શાંતિ ભર્યા માર્ગ લેવાં છતાં સ્ત્રીઓને માંગેલ અધિકારો ન મળ્યા તેથી deeds not words – એટલે કે માત્ર ઠાલા શબ્દો નહીં, ઠોસ કર્મ દ્વારા પોતાના હેતુ સિદ્ધ કરોની નીતિ એમલીન અને તેના સંગઠને અપનાવી. વિમેન્સ સોશ્યલ એન્ડ પોલિટિકલ યુનિયનનાં સભ્યોએ બારી તોડવી, પોલીસ ઓફિસરો પર વાર કરવા, મિલ્કતને નુકસાન પહોંચાડવું અને નાનાં શસ્ત્રોનો ઉપયોગ કરીને હિંસક માર્ગ લઈને સરકારને હંફાવી દીધેલી. આવા સીધાં પગલાંઓ લેવા બદલ એ મહિલાઓને જેલ જવું પડતું, એટલું જ નહીં, પણ ત્યાં સારી સગવડો મેળવવા કેટલાંક ભૂખ હડતાળ પર પણ ઉતરેલાં.
જ્યારથી એમલીનની પુત્રી ક્રિસ્ટાબેલે એ સંગઠનનું સૂકાન સાંભળ્યું ત્યારથી સરકાર સાથે અથડામણો વધી. વિમેન્સ સોશ્યલ એન્ડ પોલિટિકલ યુનિયને નાનાં શસ્ત્રોનો ઉપયોગ કર્યો એટલે વધુ નરમ દળના સંગઠનો પેંકહર્સ્ટ કુટુંબની વિરુદ્ધમાં જાહેરમાં વિધાનો કરવા લાગ્યાં. 1913માં એમલીનની દીકરી અડેલા અને સિલ્વિયા સહિત મહત્ત્વનાં અન્ય સભ્યોએ WSPU છોડી દીધું. અડેલાને તેની માતાએ 20 પાઉન્ડ અને એક ઓળખ પાત્ર આપીને ઓસ્ટ્રેલિયા મોકલી દીધી, જે કદી પાછી ન આવી અને બીજી પુત્રી સિલ્વિયા સોશ્યલિસ્ટ બની ગઈ. WSPUએ પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન જર્મની સામે બ્રિટનને ટેકો આપવા સ્ત્રીઓ માટે મતાધિકારની પોતાની લડત મુલતવી રાખી, એટલું જ નહીં પણ સ્ત્રીઓને લશ્કરને લાગતા ઉદ્યોગ-ધંધામાં અને પુરુષોને લડાઈમાં જોડાવા ભલામણ પણ કરી.
છેવટ 1918માં જ્યારે યુદ્ધનો અંત આવ્યો, ત્યારે 21 વર્ષથી ઉપરની ઉંમરના પુરુષો અને 30 વર્ષથી ઉપરની ઉંમરની સ્ત્રીઓને મતાધિકાર આપવામાં આવ્યો. થોડાં વર્ષો બાદ એમલીને WSPUને વિમેન્સ પાર્ટીમાં બદલી નાખી, જે જાહેર જીવનમાં સ્ત્રીઓને સમાન હક્ક મળે તે માટે પ્રયત્ન કરવાનાં કાર્યમાં સક્રિય બની. એમિલીન પોતાના જીવનનાં પાછલાં વર્ષોમાં બોલ્શેવિક વિચારધારાના પ્રસારની બુરી અસરથી ચિંતિત થઇ કન્ઝર્વેટિવ પાર્ટીમાં જોડાયાં. 1927માં એ પાર્ટીમાંથી ચૂંટણીના ઉમેદવાર પણ બન્યાં. વિધિની વક્રતા તો જુઓ, 14 જૂન 1928માં એમલીનનું અવસાન થયું અને 2 જુલાઈ 1928માં સ્ત્રીઓને 21 વર્ષની વયે મતાધિકાર પ્રાપ્ત થયો. જે અધિકારની પ્રાપ્તિ માટે આટલો સંઘર્ષ વેઠ્યો તેની ફલશ્રુતિ જોવા તેઓ હયાત નહોતાં.
અવસાનનાં બે વર્ષ બાદ તેમનું બાવલું લંડનના વિક્ટોરિયા ટાવર ગાર્ડનમાં મુકવામાં આવ્યું અને એ રીતે આ વિલક્ષણ નારીની સ્મૃિત કાયમ રહી. આ દંપતીના મહેમાનોનાં નામની યાદીમાં અમેરિકાના ગુલામી નાબૂદીના પ્રખર આગેવાન વિલિયમ લોઇડ ગૅરીસન, દાદાભાઈ નવરોજજી, એની બેસન્ટ અને ફ્રેન્ચ એનાર્કીસ્ટ લુઇ મિચલનો સમાવેશ થતો. આ એ મહિલા હતી જેને 1914માં પોલીસે બકિંગહામ પેલેસની બહાર ધરપકડ કરી, કેમ કે તેઓ જ્યોર્જ પંચમને એક વિનંતી પત્ર આપવા માંગતા હતાં. તો બીજી બાજુ બ્રિટનના વડાપ્રધાને એમલીન અને તેમની પાર્ટીની પ્રશંસા કરતાં કહેલું, “તેઓએ બોલ્શેવીસ્ટસ અને પેસિફીસ્ટ વિચારધારા સામે ઘણી કુશળતા, મક્કમ નિર્ધાર અને હિંમતથી લડાઈ આપી.”
14 જૂન, 1928 આ 69 વર્ષીય એમલીનનો સ્વર્ગવાસ થયો. ઇતિહાસ તેમને “એક રાજકીય અને સામાજિક ન્યાય તથા સ્ત્રીઓ માટે મતાધિકારના હક્ક માટે લડત આપનાર વીસમી સદીની શરૂઆતની એક મહાન વ્યક્તિ.” એ રીતે યાદ કરશે. જો કે એમના આક્રમક વલણ અને સીધાં પગલાંઓની યોગ્યતા વિષે વિવાદ થતો અને હજુ પણ કેટલાંકને મતે તેમને મળેલ માન વિષે મતભેદ પ્રવર્તે છે. 1987માં માન્ચેસ્ટરનું તેમનું એક નિવાસસ્થાન પેંકહર્સ્ટ સેન્ટર મ્યુિઝયમ ખુલ્લું મુકાયું. 2002માં બી.બી.સી.ના પોલ[મતદાન]માં બ્રિટનની 100 મહાન હસ્તીઓમાં એમલીનને 27મું માનભર્યું સ્થાન મળેલું. એટલું જ નહીં, જાન્યુઆરી 2016માં પ્રજામતને માન આપીને એમલીનની પ્રતિમાનું 2019માં માન્ચેસ્ટરમાં અનાવરણ થશે એવો નિર્ણય લેવામાં આવ્યો. રાણી વિક્ટોરિયા બાદ તેઓ સહુ પ્રથમ મહિલા હશે જેમને આ બહુમાન મળશે, જે દેશના સમગ્ર મહિલા જગત માટે ગૌરવ પ્રદ છે.
આ બે અપ્રતિમ પ્રતિભા ધરાવનાર મહિલાઓ ઉપરાંત અનેક સ્ત્રીઓએ મહિલા જાગૃતિ, તેમને માટેના રાજકીય અને સામાજિક અધિકારો માટે નોંધપાત્ર પ્રદાન કર્યું છે, જેમની તમામ વિગતો નોંધવી શક્ય નથી, પરંતુ અહીં કેટલાકનો નામોલ્લેખ ઉચિત થશે.
તેમાંનાં એક, તે Elizabeth Wolstenholme Elmy એલિઝાબેથ વોલ્સ્ટનહોમ: (1833-1914). પોતે ધનવાન કુટુંબમાં જન્મેલ. કન્યા શિક્ષણ માટે આગ્રહ સેવતાં અને કન્યાઓ માટે પ્રાથમિક શિક્ષણ આપતી એક શાળા શરૂ કરેલી. પહેલાં એમ મનાતું કે પુરુષોને સેક્સુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ થાય તો એ સ્ત્રીઓનો દોષ હોય, તેથી બધી સ્ત્રીઓ પર શંકા કરીને પકડતા, સરકારી હોસ્પિટલમાં ચેપનો ભોગ બનેલ સ્ત્રીઓને પૂરી મૂકતાં અને તેને એ સિફિલિસ રોગથી મુક્ત કરવા મરક્યુરી અપાતું. આવા અન્યાયનો સામનો કરવા સ્ત્રીઓ રાજકારણી મંતવ્યો ધરાવતી થઇ અને તે માટે સખત પગલાં ભરતી થઇ. એલિઝાબેથ વોલ્સ્ટનહોમ અન્ય સ્ત્રીઓ અને સાથીઓના સહકારથી Contegious disease act કાયદો ઘડાવવામાં સફળ થયાં અને સરકારે ઉપર વર્ણવ્યો તેવો સ્ત્રી વિરોધી કાયદો પાછો ખેંચવો પડ્યો.
Con Markiewicz કોન માર્કવિઝ: કોન સ્ફરજેટ હોવા છતાં પ્રથમ મહિલા એમ. પી અને પ્રથમ મહિલા પ્રધાન બન્યાં. તો Hannah Mitchell હાના મિચલ: (1872-1956) પણ સ્ફરજેટની ચળવળમાં શામેલ થયેલ અને કહેતાં કે અમ મહિલાઓનો એક હાથ પીઠ પાછળ બાંધેલો હોય છે તેથી અમારા અધિકારોની માંગણી કે રક્ષા કરવાનું ઘણું મુશ્કેલ હોય છે. સ્ત્રીઓની જાહેર જીવન તેમ જ રાજકારણમાં પ્રવેશવાની આગેકૂચ રોકી રોકાય તેમ નહોતી. Ellen Wilkinson એલન વિલ્કિન્સન: (1891-1947) પ્રથમ શિક્ષણ મંત્રીબન્યાં. તેમણે શાળાએ જતાં બાળકોને વિના મૂલ્ય દૂધ આપવાની યોજના ઘડી. તો Marie Stopes (1880-1958) સ્કોટલેન્ડની પુત્રી, જેઓ પ્રથમ મહિલા લેક્ચરર હોવાનું માન મેળવી શક્યાં એટલું જ નહીં પણ ફેમિલી પ્લાનિંગનો પાયો નાખનાર પણ તેઓ જ હતાં. તેમણે ગર્ભનિરોધ માટે જાતીય બાબતોના શિક્ષણ વિષયક પુસ્તક લખ્યું જે ચર્ચ અને સરકારે ટીકાપાત્ર ગણ્યું, પણ હજારો લોકોએ વાંચેલું.
હજુ બે-ત્રણ આગેવાન મહિલાઓનો ઉલ્લેખ કરી લઉં, Elizabeth Raffald (1733-1781). સૌ પ્રથમ domestic goddess તરીકે જાણીતાં થયેલાં. તેઓ એક ગામડામાં જન્મેલાં અને હાઉસ કીપર તરીકે આજીવિકા રળતાં, પરંતુ એક ગાર્ડનરને પરણ્યાં તેથી તેમણે નોકરી ગુમાવી. પતિની સંભાળ રાખવી એ તેમની નવી નોકરી બની. એક પબ્લિકન તરીકે સફળ રહ્યાં. તેમણે સર્વન્ટ્સ ડોમેસ્ટિક એજન્સી શરૂ કરી. જે એ જમાનામાં એક ઘણું પ્રગતિશીલ પગલું ગણાય. તેઓએ પહેલો સ્ટ્રીટ મેપ તૈયાર કર્યો – A to Z. તો વળી Good Cook અને English house keeper 1763માં લખ્યું. તેમણે પહેલી વેડિંગ કૅઇક બનાવી હોવાનું મનાય છે. એલિઝાબેથને કુલ 13 પ્રેગ્નન્સી રહી, જેમાંથી માત્ર ત્રણ પુત્રીઓ બચવા પામી એ તે સમયના સ્વાસ્થ્ય અને બાળમરણની સ્થિતિનો ખ્યાલ આપે છે.
સ્ત્રીઓ માટેના મતાધિકારની ચળવળમાં અગ્રીમ સ્થાન ધરાવનાર Lydia Baker (1823-1890) હતાં. તેઓ માન્ચેસ્ટરના પરા ચેડરટનમાં એક મિલ માલિકને ઘેર જન્મેલાં. તે જમાનામાં પણ સારું એવું શિક્ષણ મેળવી શક્યાં અને બોટનિસ્ટની ઉપાધિ મેળવી. તેમણે દરેક માતા-પિતાએ પોતાના દીકરાઓને પણ ઘરકામ કરવાની તાલીમ આપવી જોઈએ, એવી વાત કરેલી જે એ સમયમાં ક્રાંતિકારી વિચાર હતો. તેઓ ચાર્લ્સ ડાર્વિન સાથે પણ વાર્તાલાપ કરતાં. આમ વિપરીત કૌટુંબિક અને સામાજિક સંયોગોનો સામનો કર્યા બાદ આવી અણનમ સ્ત્રીઓ સર્વને વંદનને પાત્ર છે.
આપણે ગઈ સદીની અગ્રગણ્ય મહિલાઓ અને તેમની સિદ્ધિ જોઈ, તો આધુનિક યુગની પણ શુક્રતારક સમી બહેનો માન્ચેસ્ટરને ઉજળું બનાવી રહી છે, તે કેમ ભુલાય? નાન્સી રુથવેલ 2010માં, યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરનાં પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર બન્યાં. જોઆન બેકવેલ (મીડિયા) અને Anna Ford – ગ્રેનાડા, બી.બી.સી. એન્ડ TV એ.એમ.માં પોતાની સેવાઓ દ્વારા નોર્થવેસ્ટનું ગૌરવ વધારી રહ્યાં છે.
આવી અનોખી મહિલા પ્રતિભાઓનો ઝરો અહીં સુકાઈ નહીં જાય તેવી મને શ્રદ્ધા છે.
e.mail : 71abuch@gmail.com