Opinion Magazine
Number of visits: 10045957
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘મેં શબ્દને ખોલીને જોયું, મળ્યું મૌન’

સોનલ પરીખ|Opinion - Literature|1 August 2026

‘ગર્ભમાં રહેલા બાળકની બિડેલી આંખો માતાના ચહેરામાં ટમકે, મારા અસ્તિત્વમાં એમ કાવ્ય ચમકતું તમે જોયું છે?’ ઉમાશંકર જોશી એટલે કાવ્યની સૂક્ષ્મતા, સંવેદનશીલતા, ગહનતા અને વિસ્તારનું ઉચ્ચ શિખર. પણ એ માત્ર કવિ કે સાહિત્યસર્જક નહીં, બીજું પણ ઘણું ઘણું હતા. કહેતા, ‘પોતાના સમયમાં બનતા બનાવોમાંથી સર્જક ગેરહાજર રહી શકે નહીં.’ 

ઉમાશંકર જોશી

સાહિત્ય, રાજકારણ, વહીવટી કાર્યો અને જાહેર સેવાઓ આ બધું એક જ વ્યક્તિમાં હોય અને તે વ્યક્તિ એ દરેક ક્ષેત્રમાં ટોચ પર હોય એવું ભાગ્યે જ બને. 21 જુલાઈએ જેમની 115મી જન્મતિથિ છે તે ઉમાશંકર જોશી આવા દુર્લભ વ્યક્તિત્વોમાંના એક હતા. 

કોણ ઉમાશંકર? આવું કોઈ પૂછે નહીં, પણ પૂછે તો સામું માણસ કહે, ‘અરે, ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા વાળા.’ અને તરત પૂછનારના મગજમાં બત્તી થાય. ગીત મધુર છે, સુંદર છે, પણ એમાં એવું તે શું છે કે તે ઉમાશંકરનો પર્યાય બની ગયું છે? ચાલો, આપણે પહેલી બે પંક્તિ લઈને જ જોઈએ: 

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, 

જંગલની કુંજ કુંજ જોવી હતી; 

જોવા’તા કોતરો ને જોવી’તી કંદરા, 

રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી

ઈડર પંથકનું નાનું આદિવાસી ગામ બામણા એ ઉમાશંકર જોશીનું વતન. ત્યાં 1911માં એમનો જન્મ. હાઈસ્કૂલનાં વર્ષોથી જ ગામ તો છૂટ્યું, પણ અંતરમાં હંમેશાં જીવ્યું. મનનું પંખી વારે વારે જઈને બેસતું ડુંગરની ધારે, સરોવરની પાળે, ઝાડની ડાળે, કોતરોમાં, કંદરાઓમાં, વૃક્ષો-વનરાજીઓમાં. એટલે આ ગીત એક તો પ્રકૃતિ અને ગ્રામજીવન પ્રત્યેના પ્રેમનું છે. બીજું ભાષાનું સૌંદર્ય – ભ, જ, ર, ત આ બધાની પુનરુક્તિથી અને શબ્દોની યોગ્ય પસંદગીથી સુંદરતા અને લય બન્ને પ્રગટે છે. 

અને ત્રીજું, અર્થ. કવિને શું કરવું છે? ભમવું છે. ક્યાં? જગતમાં, જીવનમાં. કેવી રીતે? ભોમિયા વિના. પોતાની રીતે, સ્વતંત્રતાથી, નિર્બંધતાથી. ક્યાં? તો ડુંગરામાં. કેમ કે કવિને ઊંચાઈઓ સર કરવી છે. કઈ ઊંચાઈ? જાતની, જીવનની, જગતની.

શું જોવું છે? પહેલું તો જંગલની કુંજ કુંજ – એટલે કે સૌંદર્ય જોવું છે. બીજું, કોતરો ને કંદરા – માત્ર સુંદર નહીં, જે ભીષણ છે તે પણ જોવું છે, એ જોવા માટે નિર્ભય બનવું છે. અને રોતું ઝરણું શબ્દો દ્વારા કવિને અભિપ્રેત એ છે કે દેખીતાં દુ:ખો સુધી તો પહોંચવું જ છે, પણ ઝરણું, જે તાજગી, કલરવ ને પ્રસન્નતાનું પ્રતીક છે, એના હૃદયમાં પણ દુ:ખ છુપાયેલું હોઈ શકે, એ દુ:ખને જાણવું છે. રોતા ઝરણાની આંખ જેને લૂછવી હોય એની સંવેદનશીલતા કેટલી હોય, કલ્પના કરો. આ અનુભૂતિ અન્ય એક પંક્તિમાં કાવ્યત્વના સર્વોચ્ચ શિખરે પહોંચે છે: ‘ગર્ભમાં રહેલા બાળકની બિડેલી આંખો માતાના ચહેરામાં ટમકે, મારા અસ્તિત્વમાં એમ કાવ્ય ચમકતું તમે જોયું છે?’ ઉમાશંકર જોશી એટલે આ સૂક્ષ્મતા, આ સંવેદનશીલતા, આ ગહનતા, આ ઊંચાઈ, આ વિસ્તાર અને આ કાવ્યત્વ.

ગુજરાતી હોવાનો કવિને ગર્વ છે : ‘ગુજરાત મોરી મોરી રે’ માતૃભાષા પ્રત્યે સ્નેહાદર છે: ‘સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી’ પણ ગુજરાતની સીમાઓમાં કવિની ચેતના બંધાતી નથી. કહે છે, ‘એ તે કેવો ગુજરાતી, જે હો કેવળ ગુજરાતી, હિંદભૂમિના નામે જેની ઊછળે ન છાતી?’ ‘હું ગુર્જર ભારતવાસી’ પોતાને માટે તેઓ ‘ગુજરાતી ભાષામાં લખતો ભારતીય સાહિત્યકાર’ એવા શબ્દો વાપરતા. ભારતથી વિસ્તરીને એ ચેતના વિશ્વ સુધી પહોંચે છે, ‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી, માથે ધરું ધૂળ વસુંધરાની’ અને એ પછી એમની નજર તાકે છે બ્રહ્માંડને. 

‘બધો પી આકંઠ પ્રણય, ભુવનોને કહીશ હું, 

રહ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું’   

તેમના જીવન-કવનના પ્રેરણાસ્રોતો બે – ગુરુદેવ ટાગોર અને મહાત્મા ગાંધી. ટાગોર પાસેથી સૌંદર્યબોધ અને ગાંધી પાસેથી માનવજાત પ્રત્યેની નિસબત ઝીલીને એમનું હાડ બંધાયું છે. ગાંધીજીના એકમાત્ર કાવ્ય ‘હે નમ્રતા કે સમ્રાટ’નું ગુજરાતી ઉમાશંકરે કર્યું છે. ગાંધીજીના ત્રણે સત્યાગ્રહોમાં ઉમાશંકર સક્રિય હતા, જેલમાં પણ ગયા હતા. ગાંધીજીના જન્મદિને લખેલું, જે દિવસે કોઈના રસ્તા પરથી કાંકરા વીણીને દૂર કરો ત્યારે ‘તિથિ ન જોશો ટીપણે, ગાંધીજયંતી તે દિને.’ અને ગાંધીજીના મૃત્યુ પર, ‘અમે ન રડીએ, પિતા, મરણ આપનું પાવન; કલંકમય નિજ દૈન્યનું રડી રહ્યા જીવન’ 

સ્વતંત્રતા પછી પણ દેશકાર્યો પ્રત્યેની નિસબત એવી જ રહી. એમણે કહ્યું છે, ‘મારાં સર્જનની પાછળ મારો જાહેર જીવનનો અનુભવ છે.’ 1961માં પંડિત નહેરુએ આખા દેશમાંથી 150 લોકોને આમંત્રણ આપી નેશનલ ઈન્ટિગ્રેશન કૉન્ફરન્સ કરેલી, ઉમાશંકર એમાંના એક હતા. કટોકટી વખતે તેઓ રાજ્યસભાના સભ્ય હતા. વિચાર-વાણીના સ્વાતંત્ર્ય પર ઇંદિરા ગાંધીએ કાપ મૂક્યો ત્યારે ઉમાશંકરે રાજ્યસભામાંથી વ્યાખ્યાનો આપીને દેશનું ધ્યાન દોર્યું. ‘નિરીક્ષક’માં આગઝરતા અગ્રલેખો લખતા. નવનિર્માણ આંદોલનમાં પણ સક્રિય હતા. ઇંદિરા ગાંધીએ બોલાવીને પૂછ્યું કે તમારી સાથે કેટલા અધ્યાપકો છે?’ ત્યારે કહે, ‘મારી સાથે કોઈ નથી, હું સૌની સાથે છું.’ ‘ઇંદિરા ઈઝ ઇંડિયા’ એમ કહેવાતું એ સમયે કટોકટીનો વિરોધ કરી જેલમાં પણ ગયા. 

ઉમાશંકરને સાહિત્ય અકાદમીની ફેલોશીપ મળી ત્યારે એમને પૂછવામાં આવ્યું, ‘વ્હેર ઇઝ યોર સાઈટ?- તમે ક્યાં વસો છો?’ ત્યારે એમણે કહ્યું, ‘શબ્દમાં.’ પછી સમજાવ્યું, શબ્દને પશ્ચિમના સર્જકો ‘બડ ઓફ ફ્લેઇમ’ કહે છે. આપણે ત્યાં શબ્દને ‘જ્યોતિ’ કહ્યો છે. ‘વર્ડ ઈલ્યુમિનેટ્સ ધ વર્લ્ડ.’ શબ્દના પ્રકાશમાં આપણને દેખીતી દુનિયાનાં ગુપ્ત સત્યો, સૌંદર્યો ને રહસ્યો દેખાય છે. કવિ આ શબ્દ સાથે ક્રીડા કરે છે. શબ્દની શક્તિઓને, એની શક્યતાઓને ચકાસે છે. અવ્યક્ત છે તે વ્યક્ત કરે છે, નાશવંત છે તેને અ-વિનાશી, અ-મૃત બનાવે છે અને વાણી જ્યાં થંભી જાય એ મુકામને પણ જુએ છે. કહે છે, ‘મેં શબ્દને ખોલીને જોયું, મળ્યું મૌન.’ 

સર્જક તરીકે ઉમાશંકર કવિ, નિબંધકાર, વિવેચક, સંશોધક, ચિંતક, નાટકકાર, નવલિકાકાર, નવલકથાકાર, અનુવાદક હતા. ‘વાસુકિ’ અને ‘શ્રવણ’ ઉપનામથી પણ લખતા. ‘સંસ્કૃતિ’ સામયિક 40 વર્ષ સુધી ચલાવ્યું, સ્વેચ્છાએ બંધ કર્યું. ‘બુદ્ધિપ્રકાશ’ના તંત્રી થયા. પુસ્તકોનાં સંપાદન કર્યાં. પદ્યનાટકો લખ્યાં. જે મોટા અવૉર્ડ્ઝ કહેવાય એ બધા મળ્યા. રણજિતરામ, જ્ઞાનપીઠ, નર્મદ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમી, સોવિયેત નહેરુ અવૉર્ડ પણ મળ્યો. 

આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ભાગ લેવા ઇંગ્લેન્ડ, જર્મની, જાપાન, અમેરિકા, રશિયા ને કોરિયા ગયા. યુરોપના ચૌદ દેશોમાં ફર્યા. હિમાલય તો એટલો પ્રિય કે ત્યાંથી પાછા ફરવાનું થાય ત્યારે ઘર છોડતા હોય એવું દુ:ખ અનુભવે. આ બધા વચ્ચે મોટી સંસ્થાઓમાં મોટા હોદ્દા શોભાવે ને વહીવટો કરે. બે યુનિવર્સિટીઓમાં કુલપતિ હતા. વહીવટી દક્ષતા એવી કે પ્રતિષ્ઠિત પદો સામેથી એમને ઑફર થતાં. સર્જન તો ચાલુ જ હોય – ‘મને લખવામાં વાર નથી લાગતી. મનમાં બધું તૈયાર થાય પછી જ કાગળ પર ઉતારું છું.’ ‘મારે કબૂલ કરવું જોઈએ કે જાહેર બાબતોમાં ન સંકળાયો હોત તો હું સર્જક બન્યો ન હોત. પોતાના સમયમાં બનતા બનાવોમાંથી સર્જક ગેરહાજર રહી શકે નહીં.’ પ્રેમ અને પ્રકૃતિથી લઈ સામાજિક પ્રશ્નો અને અણુયુદ્ધને એમની કલમ આવરી લે. 

સ્વભાવ એવો કે પ્રેમ પક્ષપાતમાં અને અણગમો પૂર્વગ્રહમાં ન પરિણમે તેની કાળજી રાખે. સૌમ્યતા પૂરી, પણ સત્ય સાથે બાંધછોડ કરવાની વાત આવે તો ગર્જી ઊઠે. જેવા કરકસરિયા તેવા જ ઉદાર. ટૉલ્સટૉયની 150મી જયંતી વખતે સામ્યવાદી રશિયામાં સ્વાતંત્ર્યના પક્ષમાં એવા આભિજાત્યથી બોલ્યા કે એમનું વ્યાખ્યાન શાસનનો સૂક્ષ્મ વિરોધ કરતું હોવા છતાં ત્યાંના અખબારો એ પ્રગટ કરી શક્યા. 

કેવો અપાર માનવપ્રેમ કે આવી પંક્તિ અવતરે, ‘પડે જે જે મારી નજર પર ચહેરા મનુજના, વિમાસું: સૌ જાણે પરિચિત ન હો કૈં ભવના’ અને તરત જ એ પરિઘ વિસ્તરે, ‘વિશાળે જગવિસ્તારે નથી એક માનવી, પશુ છે, પક્ષીઓ છે, વનોની છે વનસ્પતિ’ સૌંદર્ય એમની સર્જકતાની પહેલી શરત હતી: ‘સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.’ પણ સૌંદર્ય સત્ય અને શિવ વિનાનું ન ચાલે. આ ભાવને થોડો પણ સેવીએ એ જ એમનું સાચું તર્પણ. 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 19 જુલાઈ 2026

Loading

1 August 2026 Vipool Kalyani
← વાદળ

Search by

Opinion

  • વાદળ
  • जेनजी सुनो ! 
  • ડ્રોપ, બ્રેક કે ગૅપ યરનો અર્થ સમય બગાડવો એવો નથી 
  • ઝેન-જી
  • ઓળખવું

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved