Opinion Magazine
Number of visits: 10047099
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—352

દીપક મહેતા|Opinion - Opinion|1 August 2026

મુંબઈનાં વાહનોમાં ‘ફક્ત બાનુઓ માટે’ની અગવડ-સગવડ

૧૯૯૨ના મે મહિનાની પાંચમી તારીખ. એ દિવસે મુંબઈમાં જે બન્યું તેવું અગાઉ મુંબઈમાં જ નહિ, આખા દેશમાં જ નહિ, આખી દુનિયામાં ક્યાં ય બન્યું નહોતું. અને એ બન્યું હતું આપણા ચર્ચગેટ સ્ટેશન પર! સ્ટેશનના એક નંબરના પ્લેટફોર્મ પર ગલગોટાના હાર-તોરાથી શણગારેલી એક લોકલ ટ્રેન ઊભી હતી. વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર ત્યાં હાજર હતા. તેમને હાથે ઉદ્ઘાટન વિધિ થયા પછી તરત પ્લેટફોર્મ પર ઊભેલી સંખ્યાબંધ સ્ત્રીઓ આનંદની ચીચીયારીઓ સાથે ટ્રેનના ડબ્બાઓમાં ચડી હતી. અને સિગ્નલ લીલી થતાં વેંત એ ટ્રેન ઊપડી ત્યારે એક નાનકડો ઇતિહાસ રચાયો. કારણ એ હતી આખી દુનિયાની પહેલવહેલી ‘લેડીઝ સ્પેશિયલ ટ્રેન.’ (વેસ્ટર્ન રેલવેની સત્તાવાર વેબ સાઈટ પર આમ જણાવાયું છે.) 

ગેટ વે ઓફ ઇન્ડિયા બંધાયા પહેલાંના પાલવા બંદરે વિક્ટોરિયાઓ

અલબત્ત, અગાઉ ઘણાં વરસથી મુંબઈની લોકલ ટ્રેનોમાં મહિલા મુસાફરો માટે અલગ ડબ્બાની વ્યવસ્થા તો હતી જ, સેકંડ ક્લાસ અને ફર્સ્ટ ક્લાસ, બંનેમાં. હકીકતમાં, બી.બી.સી.આઈ. રેલવેએ ૧૮૬૭ના એપ્રિલની ૧૨મી તારીખે પહેલવહેલી લોકલ ટ્રેન દોડાવી તેમાં પણ સ્ત્રીઓ માટે અલગ બેઠકોની (અલગ ડબ્બાની નહિ) વ્યવસ્થા હતી. તેવી જ રીતે સિગરેટ-બીડી પીનારાઓ માટે પણ અલગ બેઠકો રાખી હતી. અને એ જ બી.બી.સી.આઈ.ની વારસદાર વેસ્ટર્ન રેલવેએ દુનિયાની પહેલવહેલી ‘લેડીઝ સ્પેશિયલ ટ્રેન’ દોડાવી. 

ઘોડાથી ચાલતી ટ્રામ – ફક્ત બાનુઓ માટેની બેઠકોની શરૂઆત

દરેક જમાનામાં દેશના બીજા ભાગો કરતાં મુંબઈ થોડું આગળ, થોડું અલગ તો રહ્યું જ છે. ૧૮૫૩માં શરૂ થયેલ બોરીબંદર અને ઠાણે વચ્ચેની લોકલ ટ્રેન એ મુંબઈનું પહેલવહેલું ‘પબ્લિક ટ્રાંસપોર્ટ’નું સાધન. તે પહેલાં હતાં પાલખી, બળદ વડે ખેંચાતા રેંકડા, અને વિક્ટોરિયા. મોટા અને ધનવાન ઘરનાં બૈરાં(એ વખતનો સામાન્ય ચલણમાંનો શબ્દ)ને જ પાલાખીનો ઉપયોગ કરવાનું પોસાય. પણ ગમે તેવી ગરમી હોય તો ય બાઈ માણસથી પાલખીનો એક્કે પડદો ખુલ્લો તો ન જ રખાય. બધા પડદા બંધ. રેંકડામાં કે વિક્ટોરિયામાં એકલી સ્ત્રી ભાગ્યે જ મુસાફરી કરે. ઘરનો કોઈને કોઈ પુરુષ સાથે હોવો જ જોઈએ. અને જો પતિ-પત્ની સાથે જતાં હોય તો રેંકડા કે વિક્ટોરિયાની એક સીટ પર સાથે ન બેસી શકે. બંનેએ સામસામી સીટ પર અલગ બેસવું પડે! અને વિક્ટોરિયાનું છાપરું ખુલ્લું ન રખાય, બંધ જ રાખવું પડે. અરે! ‘સુધરેલા’ ગણાતા પારસી સમાજની સ્ત્રીઓ પણ જાહેરમાં કોઈ પણ જાતનાં પગરખાં પહેરી ન શકતી. તેણે તો અડવાણે પગે જ ચાલવું પડે. અલબત્ત, આ બધા નિયમો સમાજના ઉપલા વર્ગોની સ્ત્રીઓને લાગુ પડતા. અને એવી સ્ત્રીઓને ઘર બહાર નીકળવાના પ્રસંગો જ બહુ ઓછા. મહેનતકશ સ્ત્રીઓ – માછણો, શાકભાજી, દાતણ કે બીજી રોજિંદા વપરાશની વસ્તુઓ વેચતી સ્ત્રીઓ તો મોટે ભાગે એકલી જ પગપાળા આવતી-જતી.

૧૮૧૫માં સ્થપાયેલી ‘ધ બોમ્બે એજ્યુકેશન સોસાયટી’એ ૧૮૧૮માં એક ગર્લ્સ સ્કૂલ પણ શરૂ કરી હતી, પણ તેમાં એક પણ ‘દેશી’ છોકરી ભણતી નહોતી. તે અંગે સોસાયટીના ત્રીજા વાર્ષિક અહેવાલમાં કહ્યું છે કે હિંદુઓમાં છોકરીઓને ભણાવવાનો ચાલ નથી તેથી આ સ્કૂલમાં એક પણ ‘દેશી’ છોકરી ભણતી નથી. પછી ધીમે ધીમે છોકરીઓ ભણતી થઈ. પણ ત્રણ-ચાર ધોરણ કરતાં આગળ ભાગ્યે જ કોઈ છોકરીને ભણવા મોકલતા. કેમ? કારણ સમાજમાં એવો વહેમ ફેલાવવામાં આવેલો કે છોકરી વધુ ભણે તો વહેલી વિધવા થાય! ૧૮૫૭માં શરૂ થયેલી યુનિવર્સિટી ઓફ બોમ્બેમાં પણ પહેલવહેલી સ્ત્રી ગ્રેજ્યુએટ થઈ તે છેક ૧૮૮૮માં. એમનું નામ કોર્નેલિયા સોરાબજી. કારણ? યુનિવર્સિટી ઓફ બોમ્બેની સ્થાપના કરતા કાયદામાં બધે જ student માટે ‘he’ શબ્દ વપરાયો હતો એટલે વર્ષો સુધી છોકરીઓ મેટ્રિકની પરીક્ષામાં બેસી જ શકતી નહોતી!

દુનિયાની પહેલી ‘લેડીઝ સ્પેશિયલ’ ટ્રેન

પણ એ પહેલાં મુંબઈમાં એક નાનકડી ક્રાંતિ થઈ. ૧૮૭૪ના મે મહિનાનો નવમો દિવસ. એ દિવસે મુંબઈ શહેરમાં પહેલી વાર ‘રોડ ટ્રાન્સપોર્ટ’ની શરૂઆત થઈ. કઈ રીતે? ઘોડાથી ચાલતી ટ્રામ દ્વારા. આ સેવા શરૂ કરી હતી એક ખાનગી કંપનીએ, જેનું નામ હતું બોમ્બે ટ્રામ-વે કંપની. શરૂઆત બે રૂટથી થઈ : એક, કોલાબાથી પાયધૂની વાયા ક્રાફર્ડ માર્કેટ, અને બીજો, બોરી બંદરથી પાયધુની. એક ટ્રામને બે ઘોડા ખેંચે. આ ટ્રામમાં મહિલાઓ માટે અનામત સીટ નહોતી. પણ સાધારણ રીતે સ્ત્રીઓ આગળની બે સીટ પર બેસતી. જો કોઈ પુરુષ મુસાફર બેઠો હોય એ સીટ પર, અને કોઈ સ્ત્રી ટ્રામમાં ચડે, તો કંડક્ટર પેલા પુરુષ મુસાફરને ઇશારાથી ઊઠવા સૂચવે. આ ઘોડાની ટ્રામ આજે તો સાવ ભૂલાઈ ગઈ છે, થોડા જૂના ફોટામાં ફક્ત જોવા મળે. પણ તેણે એક બહુ મોટા સામાજિક પરિવર્તનની શરૂઆત કરી : તમે ટ્રામમાં બેઠા હો, અને બાજુની ખાલી સીટ પર આવીને કોણ બેસશે એ કાંઈ કહેવાય નહિ. અને એ મુસાફર ગમે તે જાતિ કે જમાતનો હોય, તમે તેને બેસવાની ‘ના’ તો ન જ પાડી શકો. એટલે કે આ ટ્રામ દ્વારા જાહેર રસ્તાઓ પર ન્યાતજાત, છૂત-અછૂતના ભેદ દૂર થવાની શરૂઆત થઈ. એવી જ રીતે ‘પબ્લિક પ્લેસ’માં પુરુષો સાથે સ્ત્રીઓનો પણ સમાવેશ થયો. ભલે અલગ સીટ પર, પણ પુરુષો સાથે એક જ વાહનમાં તે મુસાફરી કરતી થઈ. જો કે, આમ જુઓ તો ૧૮૫૩માં GIP રેલવેની લોકલ ટ્રેન શરૂ થઈ ત્યારથી મુસાફર-મુસાફર વચ્ચેના ભેદભાવ કાનૂની દૃષ્ટિએ દૂર થવા લાગ્યા હતા. પણ એ વખતે નોકરિયાત સ્ત્રીઓ તો લગભગ હતી જ નહિ. એટલે લોકલ ટ્રેનમાં એકલી સ્ત્રી પ્રવાસી ભાગ્યે જ જોવા મળે. જ્યારે ટ્રામની મુસાફરી તો ટૂંકા અંતરની પણ કરી શકાય. વળી ટ્રામના રૂટ નાની-મોટી બજારોને સાંકળતા થતાં હટાણું કરવા જતી સ્ત્રીઓ પણ ટ્રામની મુસાફરી કરતી થઈ. વળી આ વાહન હતું સૌથી સસ્તું : ગમે ત્યાંથી ગમે ત્યાં જાવ, ટિકિટ એક આનો (આજના છ પૈસા). અને હા, કલાકના પાંચ માઈલની ઝડપે ચાલતી આ ટ્રામ એ વખતે હતી સૌથી વધુ ઝડપી વાહન!

પછી ઊગ્યો ૧૯૦૭ના મે મહિનાનો સાતમો દિવસ. BEST કંપનીએ શરૂઆત કરી ઇલેક્ટ્રિક ટ્રામની. તેનો પહેલો રૂટ હતો કોલાબાથી દાદર. જો કે, ૧૯૦૮ના મે મહિનાની ૧૬મી તારીખ સુધી સાથોસાથ ઘોડા-ટ્રામ પણ ચાલતી રહી. પછી ઘોડા-ટ્રામ ગઈ અને રહી ફક્ત ઇલેક્ટ્રિક ટ્રામ. તેમાં પહેલેથી જ આગળની ચાર સીટ સ્ત્રીઓ માટે અલગ રખાઈ અને એ બેઠકો પર For Ladies only એવી સૂચના લખાતી. સાધારણ રીતે સિંગલ ડેકર ટ્રામનો પાછલો દરવાજો ચડવા માટે, અને આગલો ઊતરવા માટે વપરાતો. પણ સ્ત્રીઓ આગલે દરવાજેથી ચડી-ઊતરી શકતી. વખત જતાં ચારને બદલે છ સીટ સ્ત્રીઓ માટે અનામત રખાઈ. 

BESTની લેડીઝ સ્પેશિયલ બસ, તેજસ્વિની

૧૯૨૬માં BEST કંપનીએ મુંબઈમાં બસ સેવા શરૂ કરી ત્યારે પહેલેથી જ ચાર સીટ મહિલા મુસાફરો માટે અલગ રાખી. પણ પછી વધુ ને વધુ છોકરીઓ ભણવા માટે સ્કૂલ-કોલેજ જવા લાગી, નોકરી કે પોતાનો નાનોમોટો કામધંધો કરતી સ્ત્રીઓની સંખ્યા પણ સતત વધતી ચાલી. ત્યારે ફ્લોરા ફાઉન્ટન, ચર્ચગેટ, ક્રાફર્ડ માર્કેટ, દાદર જેવાં સ્થળો પરનાં બસ સ્ટેન્ડ પર સ્ત્રીઓ માટે અલગ લાઈન રાખવાનું શરૂ થયું. પણ તેને કારણે સગવડ ઓછી અને ટંટા-ઝગડા વધારે, એટલે પછી લોકલ ટ્રેનની જેમ આખેઆખી બસ Ladies સ્પેશીઅલ દોડાવવાનું નક્કી થયું. આ માટેની ૩૭ બસોને અલગ પાડવા માટે તેમને ભગવા રંગે રંગવામાં આવી અને તેના પર બહુ મોટા અક્ષરે ‘તેજસ્વિની’ લખવામાં આવ્યું. સ્ત્રીઓ માટેની આ અલગ બસ સેવા ૨૦૦૭ના ડિસેમ્બરની ૨૮મી તારીખથી શરૂ થઈ. એ પછી એનો વિસ્તાર વધતો રહ્યો છે.

અને છેલ્લે આવી મુંબઈ મેટ્રો. તેમાં બંને છેડા પર અડધો-અડધો ડબ્બો મહિલાઓ માટે અનામત રખાય છે. એ ડબ્બામાં જો કોઈ પુરુષ પ્રવાસ કરતો પકડાય તો તેને ૫૦૦ રૂપિયાનો દંડ થઈ શકે છે. આ ઉપરાંત બાકીના ડબ્બાઓમાં પણ સ્ત્રીઓ અને સિનિયર સિટીઝન્સ માટે અનામત બેઠકો રખાઈ છે.

હા, હવે લગભગ બધાં જાહેર વાહનોમાં સ્ત્રીઓ માટે બેસવાની અલગ વ્યવસ્થા થઈ ગઈ છે. પણ લોકલ ટ્રેનમાં લેડીઝ ડબ્બામાં રોજે રોજ એક જ ટ્રેનમાં મુસાફરી કરતી સ્ત્રીઓની વાત તો અનોખી જ છે. રોજ સાથે બેસીને મુસાફરી કરવાની એટલે લગભગ સૌ એકબીજાને ઓળખે. ઘરનાં અને ઓફિસનાં સુખદુખની વાતો થતી જાય તેની સાથે સાંજે ઘરે જઈને રાંધવાનું શાક સમારાતું જાય. ઘરે ગણપતિની પધરામણી થઈ હોય તો બધાંને પ્રસાદ વહેંચાય. એકબીજાને નાની મોટી પૈસાની મદદ પણ થાય. જો કે ક્યારેક વાત વિફરે તો પહેલાં બોલાચાલી અને પછી મારામારી સુધી પણ વાત પહોંચે. પણ બે-ત્રણ દિવસ પછી એ બધું ભૂલાઈ જાય અને બધા હસીમજાક કરવા લાગે. અનેક હાડમારીમાં જીવતી મુંબઈની વર્કિંગ વુમન સુખ અને દુ:ખ બંને વહેંચી જાણે છે. અહીં મુંબઈના જીવનની વશેકાઈ જોવા મળે છે તો ક્યારેક પામરતા પણ જોવા મળે. અલબત્ત, હવે જેમ જેમ ભીડ વધતી જાય છે તેમ તેમ મુસાફરોએ માત્ર શરીર સંકોચીને જ બેસવું પડતું નથી. તેમનાં મન પણ સાથોસાથ સંકોચાતાં જાય છે. 

પણ આપણે ગમગીનીથી આજની વાત પૂરી નથી કરવી. એક જમાનામાં લોકલ ટ્રેનનાં સ્ટેશનોનાં પ્લેટફોર્મ પર થોડે થોડે અંતરે મુસાફરોને બેસવા માટે બાંકડા રહેતા. (આજે તો હવે પ્લેટફોર્મ પર વધુ મુસાફરો ઊભા રહી શકે એ હેતુથી તેમાંના ઘણાખરા બાંકડા અલોપ થઈ ગયા છે.) તેમાંના કેટલાક બાંકડા પર ભૂરા બેકગ્રાઉન્ડ પર સફેદ અક્ષરે લખેલાં નાનાં બોર્ડ જોવા મળતાં : ‘ફક્ત બાનુઓ માટે’, ‘फक्त स्त्रियां करिता’, ‘For Ladies only’. ગુજરાતી ભાષાના અપૂર્વ અને અનન્ય હાસ્યકાર જ્યોતીન્દ્ર દવે એક વાર ગ્રાન્ટ રોડ સ્ટેશન પરના આવા એક બાંકડા પર બેઠા હતા. એવામાં કોઈ ઓળખીતા ત્યાં આવ્યા અને તેમણે પૂછ્યું: ‘જ્યોતીન્દ્રભાઈ! કેમ અહીં બેઠા છો?’ ‘ટ્રેનની રાહ જોઉં છું.’ ‘એ તો બરાબર. પણ જરા પાછળ જુઓ. બાંકડા પર બોર્ડ લગાડ્યું છે: ફક્ત બાનુઓ માટે.’ એક ક્ષણના ય વિલંબ વગર જ્યોતીન્દ્રભાઈએ જવાબ આપ્યો: ‘હું પણ ફક્ત બાનુઓ માટે જ છું’.

મુંબઈનાં બાનુઓ વિશેની વધુ વાતો હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX 

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 01 ઓગસ્ટ 2026

Loading

1 August 2026 Vipool Kalyani
← ‘મેં શબ્દને ખોલીને જોયું, મળ્યું મૌન’

Search by

Opinion

  • ‘મેં શબ્દને ખોલીને જોયું, મળ્યું મૌન’
  • વાદળ
  • जेनजी सुनो ! 
  • ડ્રોપ, બ્રેક કે ગૅપ યરનો અર્થ સમય બગાડવો એવો નથી 
  • ઝેન-જી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved