સ્વ. જીવરામ જોશીએ ‘મિયાં ફૂસકી’નું અમર પાત્ર સર્જીને ગુજરાતી કિશોર કિશોરીઓને ખુશ ખુશાલ કરી દીધા હતા. સૌને જાણ છે તેમ, એ મિયાં હળવા સ્વભાવના, થોડાક અદકપાંસળી મિજાજના અને ડરપોક હતા.
અહીં એમની વાતો વાંચવા મળવાની છે, એમ માની ખુશ ખુશાલ ન થઈ જતા! અહીં તો મડદાં ઊંચકવાનો, એમને અવલ મંઝિલ પહેલાંના થાનકે પહોંચાડવાનો ‘શોખ’ ધરાવતા અને બહાદુર ‘અયુબ મિયાં’ વિશે ચપટીક જાણ કરાવવાની છે !

અયુબ મિયાં
અયુબ અહમદ કર્ણાટક રાજ્યના મૈસૂર શહેરનો વતની છે. એ ત્યાં ‘બોડી મિયાં’ તરીકે જાણીતો છે. પણ આપણે શબ્દોની ભેળસેળ નહીં કરીએ, અને એને ‘મડદા મિયાં’ તરીકે ઓળખીશું. અયુબ દસ વર્ષનો હતો ત્યારે એ નિશાળમાંથી ગાવલી મારીને મસ્જિદની બહાર બેસતા ભિખારીઓ સાથે સંગત કરવા લાગ્યો. એના અબ્બા અને કાકાને આ વાતની જાણ થઈ ત્યારે એને ધોલધપાટ કરવા લાગ્યા. પણ અયુબ તો કહેતો જ રહ્યો કે, એ ગરીબ લોકોને એની જરૂર છે. થોડાક દિવસ આમ ચાલ્યું, પણ અયુબ તો એની માન્યતા પર અટલ જ રહ્યો. ત્યારે ‘અયુબ જૂદી જ ખોપરી છે’ – એનો ખ્યાલ અબ્બાને આવી ગયો. ત્યાર પછી તેમણે અયુબને ટોકવાનું બંધ કરી દીધું. થોડોક મોટો થયો ત્યારે અબ્બાને મદદ કરવા અયુબે મજૂરી કરવાનું શરૂ કર્યું. પણ એમાંથી થતી આવકનો મોટો ભાગ તે ગરીબો અને દલિતો માટે ખર્ચી નાંખતો.
તેણે મિત્રને વિનંતી કરી કે, લાશને નજીકની હોસ્પિટલમાં લઈ જઈએ. તેનો મિત્ર પણ દયાભાવવાળો હતો, એટલે તે કબૂલ થયો. સહી ન શકાય તેવી દુર્ગંધ મારતી હોવા છતાં બન્નેએ ચાદરમાં લાશને લપેટી, હોસ્પિટલના મડદાં વિભાગને સુપ્રત કરી. ત્યાં હાજર રહેલા પોલિસ ઓફિસરે આ જુવાનિયાઓને આ સત્કાર્ય માટે શાબાશી આપી અને સરકારી રાહે આવી સેવા આપનાર વ્યક્તિઓને આપવા પાત્ર થતી રકમ પણ આપી દીધી.
પણ ઘેર પહોંચતાં તો અયુબની ધોલાઈ જ થઈ ગઈ. બધાંએ એને ટોક્યો કે, લાશનો ધર્મ જાણ્યા વિના એની અંતિમ ક્રિયા વિશે અયુબને શી ખબર પડે. અને એ જવાબદારી તો મરનારનાં સગાં સંબંધી કે મિત્રોની છે. એ જમાનામાં જેને ઘેર મરણ થયું હોય, ત્યાં એક મહિના સુધી નજીકના સંબંધીઓ સિવાય કોઈ મળવા પણ જતું ન હતું. કદાચ મરનારનું ભૂત એમને વળગી જાય!
ઘરમાંથી એના સત્કાર્ય વિશે કોઈ સહકાર કે પ્રશંસા નહીં મળે, તેની અયુબને ખાતરી થતાં, તે ઘર છોડીને ભાગી ગયો અને બન્ગલરુમાં રહેવા લાગ્યો. સદ્દભાગ્યે તેને પાણી સ્વચ્છ કરવાના એક પ્લાન્ટમાં નોકરી મળી ગઈ. એના કામથી માલિક એટલો બધો ખુશ થઈ ગયો કે, તેણે શનિ– રવિ બન્ગલરુમાં ફરવા હરવા રકમ આપી. સૌ કરે તેમ અયુબ પણ બન્ગલરુના વિખ્યાત ‘લાલ બાગ’માં સૌથી પહેલાં પહોંચી ગયો. ત્યાં ફરતાં ફરતાં એક ઝાડી પાસે લોકોનું ટોળું ભેગું થયેલું તેણે જોયું. બધાંની વચ્ચે ઘુસી જઈને અયુબે નજર માંડી, તો તેના સદ્દનસીબે(!) એક મડદું ત્યાં પડેલું તેને દેખાયું. તેનો સંવેદનશીલ આત્મા કકળી ઊઠ્યો.
‘આનાં પણ કોઈ સગાં સંબંધી હશે. કેવી મજબૂરી હશે કે, અંતિમ વેળાએ તેને કોઈનો સાથ ન મળ્યો?’
કોઈની મદદ લઈ, શબને બગીચાની બહાર લઈ ગયો, અને એક રીક્ષાવાળાને કાલાવાલા કરી પોલિસ સ્ટેશને એ લાશને પહોંચાડી દીધી. પોલિસે ફરીથી તેના સત્કાર્ય માટે તેને શાબાશી તેમ જ ઈનામ આપ્યાં.
હવે અયુબને ખાતરી થઈ ગઈ કે, તે કાંઈ ખોટું કામ કરતો ન હતો. તેને હિમ્મત આવી અને પ્લાન્ટના માલિકની રજા લઈ વતન પાછો ફર્યો.
ઘેર પહોંચ્યો ત્યારે તો તેના હરખનો પાર ન રહ્યો. છાપાંમાં ફોટા સાથે આ સમાચાર પ્રસિદ્ધ થયા હતા. ઘરનાં બધાંએ તેનું હરખથી સ્વાગત કર્યું.
હવે અયુબને એના જીવન કાર્ય વિશે કોઈ જ શંકા ન રહી. તેની પાસે બન્ગલરુમાં ભેગી કરેલી ૧૦,૦૦૦ ₹ ની માતબર રકમ પણ હતી જ ને? થોડીક લોન તેણે લીધી અને તેના મિત્રની જૂની થઈ ગયેલી એમ્બેસેડર કાર તેણે ખરીદી લીધી.
તે દિવસથી અયુબ અહમદ ‘મડદાં મિયાં’ તરીકે આખા મૈસુરમાં વિખ્યાત બની ગયો. અલ્લા મિયાંની મહેર કે, એના સત્કાર્યની સુવાસે તેને જીવન સંગિની પણ મળી ગઈ. તે પણ અયુબના ઉમદા સ્વભાવ અને કોઈને પણ મદદ કરવાની વૃત્તિનો આદર કરતી હતી. સીવણ કામની તેની આવકમાંથી તે પણ અયુબને આ કામ માટે મદદ કરવા લાગી.
આજની તારીખમાં બન્નેને બે વ્હાલસોયી દીકરીઓ પણ છે, અને આખું કુટુમ્બ આ ‘પાક’ કામ માટે ગૌરવની લાગણી ધરાવે છે. અત્યાર સુધીમાં આ ‘મડદાં મિયાં’એ એક હજારથી વધારે મડદાંઓને સદ્દગતિ આપી છે.
હવે તો ફેસબુક પર પણ અયુબ કામગરો બની ગયો છે. મળેલ મડદાંના ફોટા પાડી ફેસબુક પર મુકે છે. અમુક કિસ્સાઓમાં સગાં વહાલાંને ખબર પડતાં, લાશનો કબજો લેવા આવી જાય છે. અને સાથે સાથે આ ખુદાના ફરિશ્તાનો આભાર માની સારી એવી રકમની બક્ષિસ પણ આપી જાય છે. પણ મોટા ભાગે તો સરકાર તરફથી મળતી ૧૦૦ ₹ ની મામૂલી બક્ષિસ જ. ઘણી વખત તો લાશને દફનાવવાનો કે અગ્નિસંસ્કાર કરવાનો ખર્ચ પણ અયુબ જાતે જ ભોગવે છે.
એક વખત એને એક જ દિવસમાં ચાર લાશ મળી હતી, અને તેમને યોગ્ય સ્થાને પહોંચાડવા બહુ જ તકલીફ પડી હતી. અયુબની ઉમેદ છે – એક એમ્બ્યુલન્સ ખરીદવાની – જેથી એવા સંજોગોને પણ પહોંચી વળાય! મૈસુરના પોલિસ કમિશ્નર સુબ્રહ્મણ્યેશ્વર રાવ કહે છે, “અમને અયુબના આ ખાનદાન કામ માટે ગર્વ છે.”
આપણે પણ ‘મડદાં મિયાં’ને સલામી બક્ષીએ.
સંદર્ભ –
http://bangaloremirror.indiatimes.com/news/india/call-him-body-miyan/articleshow/57114223.cms
http://www.thebetterindia.com/89922/ayub-ahmed-body-miyan-mysuru/
e.mail : surpad2017@gmail.com