
વિરાગ સૂતરિયા
1969ની પહેલી ઑક્ટોબરે દિલ્હીના પાલમ હવાઇમથક પર તત્કાલિન વડા પ્રધાન ઇન્દિરા ગાંધી, જયપ્રકાશ નારાયણ અને બીજા આગેવાનો એક મહાનુભવનું સ્વાગત કરવા ઊભાં હતાં. ગાંધીજીના જન્મશતાબ્દી વર્ષમાં વિશેષ આમંત્રિત આ મહાનુભાવ વિશ્વની કોઇ મહાસત્તાના પ્રમુખ, યુનાઇટેડ નેશન્સના મહામંત્રી કે કોઇ કોઇ મોટા દેશના વડા પ્રધાન નહોતા. મહેમાનનું વિમાન આવે છે ત્યારે તેમાંથી સાડા છ ફૂટ ઊંચી કાયા ધરાવતી અને ગામડિયા જેવો દેખાવ ધરાવતી વ્યક્તિ હાથમાં માત્ર એક પોટલી લઇને ઊતરે છે. પોટલીમાં માત્ર એક જોડી કપડાં, શાલ અને શેતરંજી લઇને આવનાર વ્યક્તિ બીજું કોઇ નહીં, પણ સરહદના ગાંધી તરીકે જાણીતા ખાન અબ્દુલ ગફારખાન હતા.
પઠાણો વિશેની આપણામાંથી મોટાભાગનાની સમજ ફિલ્મો અને મીડિયાથી સર્જાયેલી છે. “યારી હૈં ઇમાન, મેરા યાર, મેરી જિંદગી …” જેવાં ગીતો કે ફિલ્મોમાં ચોકીદાર કે અન્ય પાત્રો દ્વારા નેકદિલ, બહાદુર જેવા ગુણો ધરાવતા કે પેઢી દર પેઢી બદલો લેવા માટે ઝઝૂમતા અને બદલો લઇને જંપતા પઠાણો કે ટાગોરની ‘કાબૂલીવાલા’થી એક સંવેદનશીલ બાપ – સંવેદનશીલ વ્યક્તિ તરીકે ઉપસેલી પઠાણોની છાપ આપણા મનમાં છે. ઊંચા-વિશાળ પર્વતો અને ઊંડી ખીણો ધરાવતો આ પ્રદેશ વિશ્વમાં ભૂ-રાજનૈતીક દૃષ્ટિએ વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે.
આઝાદી પહેલાં વાયવ્ય પ્રાંત તરીકે જાણીતા, નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવીન્સમાં પેશાવરથી 24 માઇલ દૂર ચારસદ્દા તાલુકાના ‘ઉતમાનજઇ’ ગામના ધનવાન જાગીરદાર બહેરામખાનને ઘેર જન્મેલા બાદશાહખાન એક એવા પ્રદેશમાં અને કોમમાં જન્મ્યા હતા કે, જ્યાં અંગ્રેજોએ દરેકને માતૃભાષામાં શિક્ષણ મળે એવી શાળાઓ ચાલુ કરી હતી, પણ ‘પઠાણો’ માટે પરાઇ ભાષા અને નામમાત્રની શાળાઓ એ અંગ્રેજોની નીતિ હતી. ભૌગોલિક અને સામાજિક દૃષ્ટિએ હાંસિયામાં રહેલ આ કોમની બહાદુરી જ અંગ્રેજોને ઘણી ખટકતી હતી. એના લીધે તેઓમાં અંદરો અંદરના ઝઘડા અને શિક્ષણથી દૂર રહે તો એ અંગ્રેજોના સકંજામાં રહે એવી એમની નીતિ હતી.

અબ્દુલ ગફાર ખાન
આવા માહોલમાં બાદશાહખાને 17 વર્ષની વયે મેટ્રિકનો અભ્યાસ પૂરો કરી, અલીગઢ યુનિવર્સિટીમાં ચાર વર્ષનો અભ્યાસ કર્યો. આ અભ્યાસ દરમિયાન તેઓ ભારતીય આઝાદી આંદોલન અને રાષ્ટ્રીયતાના રંગે રંગાયા. 1913માં તેમણે મૌલાના હસનના આમંત્રણથી દેવબંદના આંતરરાષ્ટ્રીય મદ્રેસાની મુલાકાત લીધી. તેઓ પહેલેથી જ પોતાની જાતને રાષ્ટ્રસેવાના સંકલ્પથી બાંધી ચૂક્યા હતા. પણ માત્ર ત્રણ વર્ષના લગ્નજીવન બાદ, 1915માં, પત્નીના અવસાન પછી તેઓએ પોતાને લોકસેવામાં અર્પણ કરવાનો નિર્ણય કર્યો. તેમના આ નિર્ણયથી ખુશી પ્રગટ કરવા પઠાણોએ મસ્જિદમાં એકઠા થઇ એમનું સન્માન કર્યું અને પ્રેમથી ‘બાદશાહ’ જાહેર કર્યા, ત્યારથી તેઓ ‘બાદશાહખાન’ના આદરવાચક નામથી ઓળખાવા લાગ્યા, કોઇ પણ બાદશાહત – સલ્તનત સિવાયના લોકોના બાદશાહ.
અંગ્રેજો દ્વારા લાવવામાં આવેલા રૉલેટ એક્ટનો વિરોધ આખા દેશમાં થઇ રહ્યો હતો. એવી જ એક વિરોધસભા બાદશાહખાનના ગામ ‘ઉતમનજઇ’માં કરવામાં આવી. આ સભામાં એક લાખ લોકો ભેગા થયા હતા. બાદશાહખાને સભાને સંબોધી. આ તેમની પ્રથમ જાહેરસભા હતી. સભા બાદ તેમની ધરપકડ થઇ, છ મહિનાની કેદની સજા થઇ. બાદશાહખાન સાડાછ ફૂટ ઊંચા કદાવરબાંધાના હતા એમને પહેરાવવામાં આવતી બેડી નાની હોવાથી એમના હાથ પગમાંથી લોહી નીકળતું, આવી યાતનાસભર જેલ સાથે સભા કરવા બદલ ગામ પર એ વખતે રૂપિયા ત્રીસ હજારનો દંડ. આવી પરિસ્થિતિમાં રાષ્ટ્રીય રાજનીતિમાં વિધિવત પ્રવેશ કર્યો !
તેઓનું લક્ષ શિક્ષણનો વ્યાપ વધારવા શાળાઓ ચાલુ કરવાનું હતું, તેઓ સતત પ્રવાસ દ્વારા સમાજ સુધારાનાં કામો અને નવી શાળાઓ ચાલુ કરાવતા જતા હતા. તેમણે ‘અંજુમને-ઇસલાહ-અલ-અફઘાન’ નામની સંસ્થા સ્થાપી. અંગ્રેજ સરકારે એની સામે વાંધો લીધો, સમાજ ઉત્થાનનાં કામો બંધ કરવા તેઓ પર દબાણ લાવવામાં આવ્યું, પણ બાદશાહખાને મચક ન આપી એટલે ધરપકડ કરી, સારી ચાલચલગતના જામીન માગ્યા. બાદશાહખાને જામીન આપવાનો ઇન્કાર કરતાં ત્રણ વર્ષની જેલ થઇ. તેમને સામાજિક કાર્યો માટે પ્રવાસ બંધ કરવાની શરતે જેલમુક્તિની ઑફર કરવામાં આવી, પણ તેમણે ઇન્કાર કર્યો. આ જેલવાસ દરમિયાન જ એમનાં માતા સતત ‘મારો ગફારો ક્યાં છે? કેમ મને મળવા આવતો નથી? ક્યારે આવશે?’નું રટણ કરતાં દેહ છોડી ગયાં.
1928માં તેમણે પુશ્તૂ ભાષામાં રાષ્ટ્રીય સામાયિક ‘પશ્તૂન’ ચાલુ કર્યું. કૉંગ્રેસ અધિવેશન અને ખિલાફત ચળવળમાં ભાગ લેવા કલકત્તા ગયા અને ત્યાં તેઓ પ્રખ્યાત ‘અલીભાઇ’ઓને પણ મળ્યા. સરહદ વિસ્તાર ખિલાફત સમિતિ એમના અધ્યક્ષસ્થાને રચાઇ. સરહદ પ્રાંત યુવા લીગની સ્થાપના પણ કરી. એ યુવા લીગને સ્થાને આગળ જઇ તેમણે લાલડગલાવાળા ‘ખુદાઇ ખિદમતગાર’ સંગઠનની સ્થાપના કરી. આ સંગઠન દ્વારા તેમણે સરહદપ્રાંતમાં એક મોટું સામાજિક આંદોલન ઊભું કર્યું જે આપણા ઇતિહાસનું સુવર્ણપૃષ્ઠ છે.
1929માં લાહોર ખાતેના ઐતિહાસિક કૉંગ્રેસ અધિવેશનમાં તેઓ ગાંધીજી અને જવાહરલાલ નહેરુને મળ્યા. ગાંધીજીથી એટલા પ્રભાવિત થયા કે આજીવન એમના સૈનિક બની રહ્યા. આ અધિવેશનમાં તેઓ વિધિવત કૉંગ્રેસના સભ્યા બન્યા. લોકોએ તેમને ‘સરહદના ગાંધી’ કહી નવાજ્યા. 1934માં તેમને કૉંગ્રેસ પ્રમુખ બનવા માટે વિનંતી કરવામાં આવી તો તેનો જવાબ વાળતાં તેમણે કહ્યું, “હું તો આજન્મ સિપાહી રહ્યો છું અને જીવનના છેલ્લા શ્વાસ સુધી સિપાહી રહેવા માગુ છું.”
આઝાદી આંદોલન પૂરજોશમાં ચાલુ હતું, ખાન સાહેબનું પણ જેલમાં જવાનું, છૂટવાનું ચાલુ જ હતું. આઝાદી મળી ત્યાં સુધી જીવનનાં પંદર વર્ષ તેમણે જેલમાં વિતાવ્યાં. આઝાદી નજીક આવતી હતી દેશમાં વિભાજનનું વાતાવરણ જામતું જતું હતું, હવામાં નફરતનું ઝેર ફેલાતું જતું હતું. દેશના ભાગલા સ્વીકારવાનો નિર્ણય થઇ ચૂક્યો હતો. ભાગલાથી સૌથી વધુ વેઠનાર સમૂહમાં ‘ખુદાઇ ખિદમતગાર’ પણ હતા. એમને જેની સાથે જોડાવું નહોતું એ પાકિસ્તાન સાથે એમને જવું પડે એવી પરિસ્થિતિ પેદા થઇ હતી. આઝાદીના આંદોલનમાં ગાંધીજીના પગલે ચાલનાર આ સમુદાય ક્યાંયનો પણ ના રહ્યો, એવી વિકટ પરિસ્થિતિમાં મૂકાયો હતો. ભાગલાના કારણે પોતાની પરિસ્થિતિ વ્યક્ત કરતાં બાદશાહખાને કહ્યું કે, “Thrown to the wolves” (અમને વરુઓના હવાલે કરી દીધા.)
આઝાદી બાદ પાકિસ્સ્તાનમાં પણ બાદશાહખાનનો સંઘર્ષ ચાલુ રહ્યો. આઝાદી પછી તરત જ એમના મોટાભાઇ ડૉ. ખાનસાહેબના મુખ્ય મંત્રી પદ હેઠળ ચાલતા સરહદપ્રાંતના મંત્રીમંડળને બરતરફ કરી દેવામાં આવ્યું. સંવિધાનસભામાં એમણે પાકિસ્તાનના જ એક એકમ તરીકે ‘પખ્તુનિસ્તાન’ની માગણી કરી. ખુદાઇ ખિદમતગાર સંગઠન આખા દેશમાં વિસ્તારાશે અને એ મુસ્લિમ લીગમાં ભેળવવામાં નહીં આવે, એવા દૃઢ નિર્ણયને કારણે તેમ જ અન્ય મુદ્દાઓ પર પોતાની વાત આઝાદી આંદોલનના મિજાજથી મૂકતા રહેતા ખાનસાહેબ માટે આઝાદી માત્ર અંગ્રેજ શાસનથી જ હતી. નવા શાસકોનું તેમના પ્રત્યેનું વલણ પણ અંગ્રેજો જેવું જ હતું. નવા શાસકો તેમને પાકિસ્તાનની એકતા માટે ખતરનાક માનતા હતા અને એ જ કારણે સ્વતંત્રતા પછી પણ વારંવાર તેમની ધરપકડ થઇ અને કુલ 15 વર્ષ તેમણે પાકિસ્તાનની જેલોમાં વિતાવ્યાં. વધતી ઉંમર અને આરોગ્યના પ્રશ્નો સાથે સ્વતંત્ર દેશમાં આટલો લાંબો સમય જેલમાં વિતાવનાર તેઓ ભારતીય ઉપખંડની એક માત્ર વ્યક્તિ!!!
1969નું વર્ષ ગાંધી જન્મશતાબ્દી વર્ષ તરીકે જાણીતું છે. સાથેસાથે ગાંધીની જન્મભૂમિ એવા ગુજરાતમાં થયેલાં કોમી દંગલો માટે પણ. આ જ વર્ષે ઉજવણીમાં ભાગ લેવા આવેલા બાદશાહખાને ઠેર ઠેર ફરીને પ્રેમનો સંદેશો લોકોને આપ્યો હતો. દિલ્હી આવીને તરત જ તેઓએ 3-4-5 ઑક્ટોબરે કોમી રમખાણોની શાંતિ અર્થે ઉપવાસ કર્યા. ત્યારબાદ અમદાવાદ આવીને કોમીશાંતિના કામમાં લાગી ગયા હતા. સાબરમતી આશ્રમની મુલાકાત લઇ જૂનાં સ્મરણો તાજાં કર્યાં હતાં. ડીસા, પાલનપુરથી લઇ વડોદરા સુધી મોટરરસ્તે ફરી લોકોને શાંતિનો સંદેશો આપી જોડવાનું કામ કર્યું. તેમણે બિહારના સર્વોદય સંમેલનનો કાર્યક્રમ રદ્દ કરી ગુજરાતના શાંતિકાર્યને પ્રાથમિકતા આપી હતી. તેમણે આ પ્રવાસ દરમિયાન કહેલી વાતો, આપેલાં પ્રવચનો હ્રદયના ઊંડાણથી આવતાં હતાં એટલે લોકોના હ્રદયને સ્પર્શી જતાં હતાં. એમની અમી દૃષ્ટિ, પ્રેમ, કરુણા, આર્દ્રતામાં જાણે ગાંધીની ઝલક હતી … 1969ના કોમી હુતાશનના માહોલમાં ખાનસાહેબની હાજરી ‘ઝખ્મેરુઝ’ જેવું કામ કરી ગઇ હતી.
સતત ભાગદોડ, ઉંમરના કારણે આવતી માંદગી, આઝાદી પહેલાં અને પછી મળીને કુલ ત્રીસ વર્ષનો જેલવાસ, લોકસેવા માટેનો સતત શ્રમ વગેરેથી શરીર થાકતું જતું હતું, વારંવાર બિમારીઓમાં સપડાતું જતું હતું. 1987માં પક્ષાઘાતના હુમલા પછી સારવાર માટે તેમને ભારત લાવવામાં આવ્યા. દરમિયાન ભારતે તેના પ્યારા અને પનોતા પુત્રને ‘ભારતરત્ન’થી નવાજ્યા હતા. બે માસ સારવાર લઇ પાછા તેઓ પેશાવર ગયા. તબિયત સારી થતી નહોતી સતત કંઇને કંઇ મુશ્કેલીઓ આવતી જતી હતી. 1988ની નવમી જાન્યુઆરીએ ફરી તબિયત બગડી, તાવ આવ્યો ફેફસાંની તકલીફ ઊભી થઇ. અગિયાર દિવસના સંઘર્ષ બાદ 20મી જાન્યુઆરીએ તેમણે 98વર્ષની વયે દેહ છોડ્યો …. નશ્વર દેહ ભલે છોડ્યો. પણ તેમની પ્રેમ, કરુણા, શાંતિ, અહિંસાની ભાવનાથી સદાયે એમની સ્મૃતિ આપણને ભીંજવશે, કપરી સ્થિતિમાં માર્ગદર્શન કરશે.
e.mail : viragsutariya@gmail.com