શ્રીકાન્ત શાહના અવસાનના સમાચાર જાણીને મારાં રૂંવાં ખડાં થઈ ગયાં. મને બહુ જ ગમતા મારા થોડા મિત્રોમાંના એક હતા. એમના વાર્તાસંગ્રહ ‘એક હતો – હું’-ના લોકાર્પણ સમારોહમાં મેં એમની વાર્તાઓ વિશે વક્તવ્ય કરેલું ત્યારનો એ આખો પ્રસંગ યાદ આવી ગયો. ૧૯૭૬માં એમની નવલકથા ‘અસ્તી’ પ્રગટી અને ૧૯૭૧માં મેં એને વિશે લખ્યું – જે મારા ‘ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો’ સમીક્ષા-ગ્રન્થમાં સંઘરાયું છે. એ વક્તવ્યમાં કહેલી કેટલીક વાતો પુન:પ્રકાશિત કરીને હું એમને શ્રદ્ધાંજલિ આપું છું.
મારાથી મોટા છતાં હું એમને ‘તું’-કારી શકતો. એટલું મોટું અને એટલું ખુલ્લું એમનું દિલ હતું. તેમ છતાં, શ્રીકાન્ત શાહ મારા માટે એક માણસ હતો છે અને હશે. એ એવો માણસ જેને માણસની વાતમાં, માણસની જ વાતમાં, રસ. આ બાબતનો લેખકના શીલ પરત્વે – રાઈટરલિ કૅરેક્ટર પરત્વે – ખૂબ મહિમા છે. સાહિત્યનું લેખન માણસ માટે હોય છે એ ખરું, પણ તે માણસે લખેલું હોવું જોઈએ. આપણે ત્યાં કે ગમે ત્યાં સમાજસુધારક વ્યક્તિ સાહિત્ય લખે, સભ્યતાનું હિત ચિન્તવનારો અધ્યાપક લખે, ધર્મ અને સંસ્કૃિતનો પક્ષકાર લખે, કે રાજકાજની તરફદારી કે સિફારસ કરનારો કોઈ સરકારી લેખક લખે, ત્યારે સાહિત્ય બનાવટ બની જાય છે – એક અસત્ પ્રવૃત્તિ. ત્યારે સાહિત્ય અમસ્તુ કાલયાપન બની રહે છે. ‘એક હતો – હું’-ની વાર્તાઓ; એ પહેલાં ‘અસ્તી’ અને ‘ત્રીજો માણસ’ નવલકથાઓ, ‘એક શ્રીકાન્ત શાહ’ ‘એક માણસનું નગર’ અને ‘અન્યથા’ કાવ્યસંગ્રહોમાં કાવ્યો, અને આઠ-નવ સંગ્રહો ભરીને નાટકો શ્રીકાન્તે માણસ થઈને, માણસ હોઇને લખ્યાં છે. પોતાનાં સર્જનોમાં સતત એ માણસને શોધે છે અને નિરૂપે છે. અને એમ કરીને માણસપણાનો તાગ મેળવવા કરે છે. જાણે શ્રીકાન્ત શાહ માણસવાદી લેખક છે.
એમને માણસવાદી કહેવાનો અર્થ એ કે માણસને તેઓ જેવો હોય તેવો બતાવે છે : એ જે કંઇ જીવે છે તે બતાવે છે. શ્રીકાન્તને સમાજ કે પ્રજાને સુધારવાના અભરખા નથી. તેથી પોતાનાં પાત્રોને તેઓ સંસ્કૃતિ સભ્યતા ધરમકરમ વગેરેના વાઘા ચડાવીને રજૂ નથી કરતા. એ પાત્રો ગુજરાતી હિન્દુ મધ્યમવર્ગીય કે શ્રીમન્ત હોઈ શકે છે. પરન્તુ એ આવરણોની નીચે, એ બધાં શું છે ને એમનાં જીવન કેટલાં તો નિ:સામાન્ય છે તેની આપણને તાબડતોબ જાણ થઈ જાય છે. આવરણ નીચેના માણસને ઓળખી પાડવો, એ ઓળખને વાચક ઓળખતો થઈ જાય એવો કલા-કીમિયો કરવો, તે શ્રીકાન્તનો લેખન-કીમિયો છે.
એ ઓળખ કઈ? મૂળે તો અસ્તિત્વગૂંચની ઓળખ. અલબત્ત, એમના નાયકો સંવેદનપટુ અને વિચારવન્ત હોય છે, બૌદ્ધિક લાગે – ઇન્ટેલૅક્ચ્યુઅલ; પણ બીજી જ પળે ઇડિયટ પણ લાગે. કેમ કે એઓ એ ગૂંચમાં ફસાયાં હોય. પાત્રો પૂરાંશૂરાં પણ કમજોર, વીક, વિનીત, રાંક, મીક. મનુષ્યસહજ જીવન જીવતાં એ પાત્રોથી વાચકને કરુણ રમૂજ મળે છે, પણ તુર્ત જ અનુકમ્પા થાય છે.
એક વાર્તા છે, ‘કન્વેયર બેલ્ટ પરનો માણસ’. ૧૮ પાનની આ રચના નટવરલાલની જીવનકહાણી છે. જીવનમાં એણે પોતે જ તાકેલા સ્વ-ના રૂપાન્તરણની, પોતે જ ઊભા કરેલા મહા પરિવર્તનની કશા છે. એક દુ:ખદ-સુખદ ઊથલપાથલની વારતા.
નટવરલાલની જિન્દગી સામાન્ય કોલાહલોથી ખીચોખીચ ભરેલી જિન્દગી છે. સામાન્ય દિવસ, સામાન્ય બપોર, સામાન્ય રાત. એવા નટવરલાલના દેહને લેખકે અ-સામાન્ય દર્શાવ્યો છે : એમનો દેહ સામાન્યથી ૩ ફીટ ઊંચો છે. એને ત્રણ આંખો છે. હાથપગમાં ૫-ને બદલે ૭-૭ આંગળીઓ છે. કપાળ કહી શકાય એવો પ્રદેશ છે જ નહીં, કેમ કે આંખની પીળા રંગની ભમ્મરથી જ માથાના વાળ શરૂ થાય છે.
હવે, આવા નટવરલાલને છેલ્લા કેટલાક દિવસથી જુદું થવા માંડ્યું છે. એમ કે પોતે જે જિવન જીવે છે એ બરાબર નથી. એટલે, જીવનમાં અનેક બાબતો અપનાવવાનો, જુદી જુદી સંખ્યાબંધ વસ્તુઓ કરવાનો, નિર્ણ લે છે. નિર્ણય અનુસાર તેઓશ્રીએ શું શું કરવા માંડ્યું તેની વાત લેખકે વિસ્તારથી કરી છે. ‘૩-૩ ભૂંડી ગાળ બોલવા માંડ્યા’-થી માંડીને ‘સવારના ઊઠી ફરવા જવું, પ્રાણાયામ કરવા, નાકથી પાણી પીવું, અને મૉઢેથી ૩ ગ્લાસ … નરણે કોઠે … પાણી ગટગટાવવાનું શરૂ કર્યું’ – ત્યાં લગીની ઓછામાં ઓછી ૭૭ ક્રિયાઓ અને બાબતોની લેખકે લાંબી યાદી આપી છે. છેવટે, નટવરલાલ બિલકુલ બીજાઓ જેવા બની જાય છે. એથી એમને ખાસ આનન્દ નથી થતો. ઊલટું થાય છે – આત્મભાન જાગે છે : હું નટવરલાલ નથી રહ્યો, સમૂહમાંનો બની ગયો છું. તો હવે શું કરવું? જાતને ફરીથી તૈયાર કરવા લાગ્યા : સમૂહને ભૂલી જાઓ ! એમાનાં કોઈ એક જેવા બની જાઓ ! અનુકૂળ આવે એવા કોઇ એક માફકસરનાને ખૉલી કાઢો – રમણીકલાલ કે રમાકાન્ત જેવાને. નટવરલાલને યોગ્ય નીવડે એવા માણસનાં ૩૦ જેટલાં લક્ષણોની પણ આ માણસવાદી લેખકે યાદી આપી છે. છતાં કોઈ મળતું નથી. છેલ્લે એક દિવસ નટવરલાલને નટવરલાલ જેવો જ એક મળી જાય છે — જેને હોય છે ૨ આંખ, હાથપગમાં ૫-૫ આંગળીઓ, કપાળ ખરું, સામાન્ય ઊંચાઈ, અને પગ જેવા પગ …
શ્રીકાન્ત શાહની આ વાર્તાસૃષ્ટિ ઉપરાન્તની નાટ્ય અને કાવ્યસૃષ્ટિઓ વિ-લક્ષણ છે. અનોખી સંવેદનપટુતા ધરાવતી વ્યક્તિ જ એનું વાચન-ભાવન અને મૂલ્યાંકન કરી શકશે. શ્રીકાન્તની એ સર્જકતા અનેક સર્જકો માતે પ્રેરણ બની શકે એવું સામર્થ્ય ધરાવે છે, ભલે એ સામર્થ્ય સાધકબાધકચર્ચાને અધીન હોય. ગુજરાતી ભાષા-સાહિત્ય વળી એવા સર્જકજન વગરનું થયું. પ્રભુ સદ્ગતના આત્માને શાન્તિ અર્પો.
= = =
(23 જાન્યુઆરી 2020; India)