માણસ આજે (૩)
આ પહેલાના લેખમાં મેં કહ્યું હતું કે અનુ-માનવવાદને સમજવા માટે એની તુલના માનવવાદ સાથે પણ કરવી જોઈએ.
એ સંદર્ભમાં, Toni Ruuska અને Pasi Heikkurinen-એ આપેલા બીજા કોઠા અનુસાર, કહી શકાય કે મનુષ્ય અન્ય જીવો કરતાં નિરપવાદપણે ચડિયાતો છે એ માન્યતાને વિવિધ પ્રકારે (ડિફરન્ટ વૅરિયન્ટ્સ અનુસાર) સમજી શકાય છે.
ઑન્ટોલૉજિ – સત્ વિદ્યા : આ વૅરિયન્ટ અનુસાર, એમ કહેવાશે કે અન્ય જીવોનો આધાર મનુષ્યો છે. જો માણસનું અસ્તિત્વ ન હોત તો અન્ય જીવોનું પણ ન હોત. આ વાત સત્-વિદ્યાએ આપેલા, એક-સમાવિતા (ઑન્ટોલૉજિકલ ઍક્સક્લુસિવિટી) વિચારને અધીન છે, જે સૂચવે છે કે ખરું અસ્તિત્વ ધરાવનાર માત્ર મનુષ્ય જ છે.
ઍપિસ્ટીમોલૉજિ – જ્ઞાનમીમાંસા : આ વૅરિયન્ટ અનુસાર, એમ કહેવાશે કે વિશ્વનું મૂલ્યાંકન કરવાનું સામર્થ્ય તેમ જ નિર્ણયો કરવાની ક્ષમતા માત્ર મનુષ્યો અથવા કેટલાક મનુષ્યો જ ધરાવે છે. આ વાત, જ્ઞાનમીમાંસાએ આપેલા, જ્ઞાનઅભિમાન (ઍપિસ્ટીમિક સુપિરિયોરિટી) વિચારને અધીન છે, જે સૂચવે છે કે જ્ઞાનનું ઉચ્ચ સ્તર અને સમજદારી મનુષ્યો જ ધરાવે છે, નહીં કે અન્ય જીવો.
મૉરલ – નીતિમત્તા : આ વૅરિયન્ટ અનુસાર, એમ કહેવાશે કે માત્ર માણસો અથવા કેટલાક માણસો જ નૈતિક મૂલ્યો ધરાવે છે.
એજેન્શ્યલ – કર્તૃપરક : આ વૅરિયન્ટ અનુસાર, એમ કહેવાશે કે પૃથ્વી પર માત્ર માનવજાતિ જ કર્તૃત્વબુદ્ધિ ધરાવે છે. માત્ર મનુષ્યો જ અથવા કેટલાક મનુષ્યો જ કાર્યક્ષમતા કે પસંદગીઓ કરવાની ક્ષમતા ધરાવે છે. આ વાત, કર્તૃપરક એક-સમાવિતા (એજેન્ટિક ઍક્સક્લુસિવિટી) વિચારને અધીન છે, જે એમ સૂચવે છે કે મનુષ્યો જ કર્તધર્તા છે, અન્ય જીવો ક્ષમતા વિનાના છે.
સ્પાસિયલ –સ્થળપરક : આ વૅરિયન્ટ અનુસાર, એમ કહેવાશે કે પૃથ્વીસ્થળ માત્રમનુષ્યો માટે છે. એક-સમાવિતા, સર્વોપરિતા, અને સાધનત્વ જેવા વિચારો પર આધારિત છે, જે સૂચવે છે કે પોતાના હેતુઓ સિદ્ધ કરવા માટે પૃથ્વીના ભોગવટાનો અધિકાર મનુષ્યોનો છે, બીજા જીવો મનુષ્યોના હેતુઓની સિદ્ધિનાં માત્રઉપકરણો કે સાધનો છે.
(ક્રમશ:)
(02Oct24:USA)
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
માણસ આજે (૪)
અનુ-માનવવાદ, હાઇબ્રિડિટી અને સાયબોર્ગ કલ્ચર મનુષ્યત્વના પરમ્પરાગત ખયાલોને પડકારે છે, અને ટૅક્નોલોજિના આ યુગમાં મનુષ્યની શી અવસ્થા હશે, એ સમજવા માટેની નવ્ય રીતો પ્રસ્તુત કરે છે.
એ સંદર્ભમાં, હાઇબ્રિડિટી અને સાયબોર્ગ કલ્ચર, બન્ને વિભાવનાઓ અતિ મહત્ત્વની છે.
એ સૂચવે છે કે મનુષ્યનું મનુષ્યત્વ બદલાઇ રહ્યું છે. દર્શાવે છે કે મનુષ્યો અને મશીનો વચ્ચેની સીમાઓનો, પ્રકૃતિ અને ટૅક્નોલૉજિ વચ્ચેની સીમાઓનો, જાણીતા પરિચયો અને એનાં નવ્ય સ્વરૂપો વચ્ચેની સીમાઓનો લોપ થઇ રહ્યો છે.
આમ તો બન્ને વિભાવનાઓ એકબીજા સાથે સંકળાયેલી છે. પણ હાઇબ્રિડિટીને સાયબોર્ગ કલ્ચર માટે જવાબદાર ગણવામાં આવે છે. બન્નેને સમજી લઇએ :
હાઇબ્રિડિટી —
એટલે, ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ, જાતિઓ કે વંશીય પરમ્પરાઓનું સંમિશ્રણ, એ જાતની વર્ણસંકરતા.
વિવિધ મૂળતત્ત્વો – ઍલિમૅન્ટ્સ – કે ગુણોથી સંયોજાયેલા વસ્તુપદાર્થની અવસ્થાને પણ હાઇબ્રિડિટી કહેવાય.
સંસ્કૃતિઓ વિશેનાં અધ્યયનોમાં બે કે વધુ સંસ્કૃતિઓના મિશ્રણ-વિચારમાં હાઇબ્રિડિટી જોવાય છે : જેમ કે, ભારતમાં મુખ્યત્વે હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિઓ સંમિશ્રિત છે, જેને મલ્ટિકલ્ચરિઝમ કહેવાય છે.
ટ્રાન્સજેન્ડરિઝમમાં પણ હાઇબ્રિડિટી જોવાય છે : લિન્ગભેદ ધરાવતી વ્યક્તિઓનાં જૂથો સમાજનો જ સંવિભાગ ગણાવા જોઈએ. જેમ કે, ભારતમાં તેમ સર્વત્ર LGBT વ્યક્તિઓ છે અને તેમનાં જૂથો છે, જેને ભારતીય કે તે તે સમાજનો હિસ્સો કહેવાય.
ટ્રાન્સનેશનાલિઝમમાં પણ હાઇબ્રિડિટી જોવાય છે : રાષ્ટ્રીય સીમાઓ વચ્ચે વિભિન્ન પ્રજાઓ પોતપોતાની સંસ્કૃતિઓની રખેવાળી કરતાં કરતાં જીવતી હોય છે. સ્વદેશ છોડવાની ફરજ પડી હોય એ ખરા ડાયસ્પોરા લોકો, સ્વેચ્છાએ સ્વદેશ છોડી વિદેશે વસેલા લોકો, ઇમ્મિગ્રાન્ટ્સ અને નેટિવ્ઝ, સૌ વચ્ચે એક ખાસ સ્વરૂપની ઇન્ટરકનેક્ટેડનેસ પ્રગટી હોય છે.
સાયબોર્ગ કલ્ચર —
એક સાંસ્કૃતિક મૂવમૅન્ટ છે. એમાં સૂચવાય છે કે મનુષ્યો કશી જુદી કે વ્યાવર્તક હસ્તીઓ નથી, તેઓ અન્ય જીવો તેમ જ ટૅક્નોલૉજિ સાથે સંકળાયેલા છે. સાયબોર્ગ કલ્ચર હાઇબ્રિડિટીનો જ આવિષ્કાર ગણાય, કેમ કે એ મનુષ્યો અને મશીન-તત્ત્વોના સંમિશ્રણની વાત માડે છે, એટલું જ નહીં, સૂચવે છે કે ભવિષ્યમાં માણસ અને મશીનને જુદાં પાડી શકાશે નહીં. આ મૂવમૅન્ટમાં જીવન્ત મનુષ્ય અને નિર્જીવ મશીન ભેગાં થવાથી સરજાતી પરિસ્થિઓનું નિરીક્ષણ અને પરીક્ષણ હાથ ધરાય છે. એમાં કુદરતી અને કૃત્રિમ બુદ્ધિ વચ્ચેની સીમાઓને પણ લક્ષમાં લેવાય છે.
અનુ-માનવવાદમાં પરમ્પરાગત માનવવાદની સમીક્ષા થતી હોય છે. પરન્તુ, ખાસ તો એ કે ટૅક્નોલૉજિની મદદથી માનવીય મર્યાદાઓને કેવી રીતે વટી જવાય, તેનો વિચાર થાય છે. અનુ-માનવવાદ એ દર્શાવે છે કે મનુષ્ય વિશેનો પરમ્પરાગત ખયાલ કાલગ્રસ્ત છે. સત – બીઇન્ગ – અને ચેતનાનાં નવાં સ્વરૂપો તેમ જ માણસોના જાણીતા પરિચયો કે ઓળખોને સ્થાને તેમનાં નવ્ય રૂપો પ્રગટી રહ્યાં છે. એ રૂપોના પ્રકારો છે, ટ્રાન્સહ્યુમનિસ્ટ, પોસ્ટ-હ્યુમેનિસ્ટ, હાઇબ્રિડ, કે ડિજિટલ.
ડિજિટલ આઇડેન્ટિટીની રક્ષા કરનાર સુરક્ષક —
હાલ, ડિજિટલ આઈડેન્ટિટીઝના પ્રકારને સમજીએ એટલું પૂરતું છે. ડિજિટલ ટૅક્નોલૉજિને કારણે તેમ જ ઑનલાઇન ક્રિયાપ્રતિક્રિયાથી એ રૂપો પ્રગટે છે. એ રૂપો વ્યક્તિની શારીરિક ઓળખથી તદ્દન જુદાં હોય છે. એટલું જ નહીં, સંભવ છે કે તેમાં બીજી વ્યક્તિઓ, અવતારો, કે ઑનલાઇન કૉમ્યુનિટીઝ સંડોવાયાં હોય.
જેમ કે, જાણીતું છે કે મારી ઓળખ કે મારો પરિચય એટલે મારી વ્યક્તિમત્તા, દેખાવ, મારો ધર્મ કે મેં સ્વીકારેલાં જીવનમૂલ્યો. પણ મારી ડિજિટલ આઇડેન્ટિટી એટલે ઑનલાઇન ઉપલબ્ધ મારો પર્સનલ ડેટા – નામ, સરનામું, જન્મતારીખ. પછી, જે છે તે હું જ છું એ ઓળખની ખાતરી – વૅરિફિકેશન. પછી, ઑથેન્ટિફિકેશ, એટલે કે એ ખાતરી હું જે સાધનથી કરાવીશ તે અને તેની પ્રક્રિયા.
ડિજિટલ આઈડેન્ટિટીની રક્ષા કરનારા સુરક્ષકો પણ હવે ઉપલબ્ધ છે.
(ક્રમશ:)
(3Oct24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર