૧૧ સપ્ટેમ્બર – વિનોબા જન્મદિવસ નિમિત્તે

વિનોબાજી
હું એક જુદી જ દુનિયાનો માણસ છું. મારી દુનિયા નિરાળી છે. મારો દાવો છે કે મારી પાસે પ્રેમ છે. એ પ્રેમનો અનુભવ હું સતત લઈ રહ્યો છું. મારી પાસે મત નથી, મારી પાસે વિચાર છે. વિચારોનું આદાન-પ્રદાન થાય છે. એને ચાર દીવાલ નથી હોતી, એ બંધાયેલા નથી હોતા. સજ્જનો સાથે વિચાર-વિમર્શ કરીને એમના વિચાર લઈ શકાય છે અને આપણા વિચારો એમને આપી શકાય છે. આમ, વિચારોનો વિકાસ થતો રહે છે. એનો અનુભવ મને નિરંતર થાય છે. તેથી હું કોઈ વાદી નથી. કોઈ પણ મને પોતાનો વિચાર સમજાવી દે અને કોઈ પણ મારો વિચાર તપાસી લે. પ્રેમ અને વિચારમાં જે શક્તિ છે, એ બીજા કશાયમાં નથી. કોઈ સંસ્થામાં નથી, સરકારમાં નથી, કોઈ જાતના વાદમાં નથી, શાસ્ત્રમાં નથી, શસ્ત્રમાં નથી. મારું માનવું છે કે શક્તિ પ્રેમ અને વિચારમાં જ છે. માટે પાક્કા મતોની અપેક્ષા મારી પાસે ન રાખશો, વિચારોની અપેક્ષા રાખજો. હું પળેપળે બદલાતી વ્યક્તિ છું. કોઈ પણ મારા પર આક્રમણ કરી પોતાનો વિચાર સમજાવી મને પોતાનો ગુલામ બનાવી શકે છે. પરંતુ વિચાર સમજાવ્યા વગર જ કોઈ પ્રયત્ન કરશે તો લાખ પ્રયાસ છતાં કોઈની ય સત્તા મારા ઉપર ચાલશે નહીં.
હું કેવળ વ્યક્તિ છું. મારા કપાળે કોઈ પ્રકારનું લેબલ લાગેલું નથી. હું કોઈ સંસ્થાનો નથી. રાજનૈતિક પક્ષોનો મને સ્પર્શ નથી. રચનાત્મક સંસ્થાઓ સાથે મારો પ્રેમસંબંધ છે. હું બ્રાહ્મણ તરીકે જન્મ્યો અને શિખા કાપીને બ્રાહ્મણનું મૂળિયું જ ઉખાડી નાખ્યું. કોઈ મને હિંદુ કહે છે, પણ મેં સાત-સાત વાર કુરાન-બાઇબલનું પારાયણ કર્યું છે. એટલે કે મારું હિંદુત્વ ધોવાઈ જ ગયું. મારી વાતો લોકોને ગમે છે, કારણ કે મારાં કાર્યોનાં મૂળમાં કરુણા છે, પ્રેમ છે અને વિચાર છે. હું એટલો ભરોસાહીન માણસ છું કે આજે હું એક મત વ્યકત કરીશ અને કાલે મને બીજો મત યોગ્ય લાગે તો તેને વ્યક્ત કરવામાં થોથવાઈશ નહીં. કાલનો હું બીજો હતો, આજનો હું બીજો છું. હું પ્રતિક્ષણ ભિન્ન ચિંતન કરું છું. હું સતત બદલાતો જ આવ્યો છું.
દેશમાં અનેક વિચાર-પ્રવાહ કામ કરી રહ્યા છે. મને એક બારીક નિરીક્ષણ કરવાની તક મળ્યા કરે છે, કારણ કે હું જનતાના સીધા સંપર્કમાં રહું છું. જ્યાં સુધી મને લાગેવળગે છે ત્યાં સુધી એનું પરિણામ એ આવે છે કે હું ખૂબ જ વધારે તટસ્થ બની રહ્યો છું અને મને સમન્વયનું સતત ભાન રહે છે. મારો કોઈનીયે સાથે વાદ નથી. કોઈનો અમસ્તો જ વિરોધ કરું એ મારા લોહીમાં નથી. બલ્કે, મારી સ્થિતિ તુકારામે કહ્યા જેવી છે – ‘વિરોધનું વચન મારાથી સહન થતું નથી.’
હું ‘સુપ્રીમ સિમેન્ટિંગ ફેક્ટર’ છું, કારણ કે હું કોઈ પક્ષમાં નથી. પરંતુ આ તો મારું ‘નેગેટીવ’ વર્ણન થઈ ગયું. મારું ‘પોઝિટીવ’ વર્ણન તો એ છે કે બધા પક્ષોમાં જે સજ્જન છે, તેમના ઉપર મને પ્રેમ છે. તેથી હું પોતાને ‘સુપ્રીમ ફેક્ટર’ માનું છું. આ મારું વ્યક્તિગત વર્ણન નથી. જે શખ્સ એવું કામ ઉઠાવે છે, જેના થકી હૃદય-પરિવર્તનની પ્રક્રિયાથી ક્રાંતિ થશે, એ એક દેશને માટે નહીં, બલ્કે બધા દેશોને માટે ‘સિમેન્ટિંગ ફેક્ટર’ થશે.
મેં લુઈ પાશ્ચરની એક તસ્વીર જોઈ હતી. તેની નીચે એક વાક્ય લખ્યું હતું – “હું તારો ધર્મ શું છે એ નથી જાણવા માગતો. તારા વિચારો શું છે તે પણ જાણવા નથી ઇચ્છતો. માત્ર એટલું જાણવા ચાહું છું કે તારું દુ:ખ શું છે. તેને દૂર કરવામાં મદદ કરવા ચાહું છું.” આવું કામ કરનાર મનુષ્યની ફરજ અદા કરે છે. મારો આવો જ પ્રયાસ છે.
મારી એ જ ભાવના રહે છે કે સૌ મારા છે અને હું સૌનો છું. મારા દિલમાં એવી વાત નથી કે અમુકને હું વધારે પ્રેમ કરું અને અમુકને ઓછો. મુહંમદ પૈગંબરના જીવનમાં એક વાત આવે છે. અબુબક્ર વિષે મુહંમદ સાહેબ કહે છે કે ‘હું તેના ઉપર સૌ કરતાં વધારે પ્યાર કરી શકું છું, જો એક શખ્સ ઉપર બીજા શખ્સ કરતાં વધારે પ્યાર કરવાની મનાઈ ન હોય તો.’ એટલે કે ખુદા તરફથી એની મનાઈ છે કે એક ઉપર બીજા કરતાં વધુ પ્યાર કરીએ. આવી મનાઈ ન હોત તો અબુબક્ર ઉપર વધારે પ્રેમ કરત. આ જ મારા દિલની વાત છે. એટલે કે પ્રેમ કરવામાં હું વેરો આંતરો નથી રાખી શકતો.
હું ગુરુત્વનો સ્વીકાર નથી કરી શકતો ! ‘એકબીજાની સહાયતા કરીએ, સૌ મળીને સુપંથ ઉપર ચાલીએ’ – આ મારી વૃત્તિ છે. આમ હોવાથી ગુરુત્વની કલ્પના મને ઠીક લાગતી નથી. હું ગુરુના મહત્ત્વને માનું છું. ગુરુ એવા હોઈ શકે છે કે જે માત્ર સ્પર્શથી, દર્શનથી, વાણીમાત્રથી, એટલું જ નહીં પણ કેવળ સંકલ્પમાત્રથી શિષ્યનો ઉદ્ધાર કરી શકે છે. એવા પૂર્ણાત્મા ગુરુ હોઈ શકે છે. આમ છતાં હું આને કલ્પનામાં માનું છું. વાસ્તવમાં આવા કોઈ ગુરુને હું જાણતો નથી. ‘ગુરુ’, આ બે અક્ષરો માટે મને અત્યંત આદર છે. પરંતુ એ બે અક્ષરો જ છે. આ બે અક્ષર હું કોઈ પણ વ્યક્તિ માટે લાગુ ન કરી શક્યો. અને કોઈ એ મારા પર લાગુ કરે, તો મારાથી સહન જ નથી થતું.
જ્ઞાનની એક ચિનગારીની દાહક શક્તિની સામે વિશ્વની તમામ અડચણો ખાક થવી જ જોઈએ. આ વિશ્વાસના આધાર ઉપર નિરંતર જ્ઞાનોપાસના કરવામાં અને દૃષ્ટ જ્ઞાનનો પ્રસાર કરવામાં મારું આજ સુધીનું જીવન ખર્ચાયું છે. જો બે-ચાર જીવનને પણ તેનો સ્પર્શ થઈ જાય, તો મારું ધ્યેય સાકાર થઈ શકશે.
હું જે કોઈ પગલું માંડું છું તેના ઊંડાણમાં ઊતરીને મૂળ સુધી પહોંચ્યા વગર નથી રહેતો. મેં જિંદગીનાં ત્રીસ વર્ષ એકાંત ચિંતનમાં ગાળ્યાં છે. તેમાં જ જે સેવા થઈ શકી એ હું નિરંતર કરતો રહ્યો. પરંતુ મારું જીવન નિરંતર ચિંતનશીલ રહ્યું, જો કે હું એને સેવામય બનાવવા ચાહતો હતો. સમાજમાં જે પરિવર્તન લાવવું જોઈએ, એનાં મૂળિયાંની છાનબીન માટેનું એ ચિંતન હતું. પાયાના વિચારોમાં હવે નિશ્ચિંત છું. કોઈ પણ સમસ્યા મને ડરાવતી નથી. કોઈ પણ સમસ્યા, પછી ભલે એ ગમે તેટલી મોટી કેમ ન હોય, મારી સામે નાનકડી બનીને આવે છે. હું તેનાથી મોટો બની જાઉં છું. કોયડો ગમે તેટલો મોટો હોય, છતાં એ માનવીય છે, તો માનવીય બુદ્ધિથી ઉકેલી શકાય છે. તેથી મારી શ્રદ્ધા ડગી નથી જતી. એ દીવાલની જેમ ટટ્ટાર રહે છે, અથવા પડી જાય છે.
ચાહે મેં આશ્રમોમાં રહીને કામ કર્યું હોય કે બહાર રહીને, મારી સામે મુખ્ય કલ્પના એ જ રહી છે કે આપણી સામાજિક કે વ્યક્તિગત બધા પ્રકારની મુશ્કેલીઓનું નિરસન અહિંસાથી શી રીતે થાય તેની ખોજ કરું. આ જ મારું મુખ્ય કામ છે. અને તે માટે હું તેલંગાણા ગયો હતો. જો એ હું ટાળત તો એનો અર્થ એ જ થાત કે મેં અહિંસા અને શાંતિસેનાનું કામ કરવાની લીધેલી મારી પ્રતિજ્ઞા જ તોડી નાખી. સ્વરાજપ્રાપ્તિ પછી તરત જ જે ઘટનાઓ આ દેશમાં ઘટી, એણે અહિંસાની આશાને ઘસારો પહોંચાડ્યો હતો. ખૂબ વધારે હિંસાની તાકાતો હિંદુસ્તાનમાં ઊભરી આવી હતી. તેથી ગાંધીજીના ગયા પછી હું એ ખોજમાં હતો કે અહિંસાની સામૂહિક પ્રતિષ્ઠા શી રીતે થાય.
મારું માનસિક વલણ મહાવીરની પદ્ધતિ તરફ વધારે છે. પરંતુ મારું જે કામ ચાલ્યું, એ બુદ્ધ ભગવાનની ઢબે ચાલ્યું. આમ તો બંનેમાં કોઈ વિરોધ નથી. મહાવીરની રીત એ હતી કે કોઈ પ્રશ્ન હાથમાં લેવો છે, કોઈ વિચાર ફેલાવવો છે, એવી એમની દૃષ્ટિ નહોતી. એ જ્યાં જતા, વ્યક્તિઓ સાથે વાત કરતા, સામેવાળાનો વિચાર સમજી લેતા અને તેને જીવનમાં સમાધાન થાય એવો રસ્તો બતાવતા. જેની જે ગ્રંથ ઉપર શ્રદ્ધા હોય, એ ગ્રંથને આધારે સમજાવતા અને વળી કોઈની કોઈ પણ ગ્રંથ પર શ્રદ્ધા ન હોય તો ગ્રંથનો આધાર લીધા વગર જ સમજાવતા. આ રીતે અહિંસાનો મૂળમૂત વિચાર મધ્યસ્થ દૃષ્ટિ રાખીને સમજાવતા. બુદ્ધ ભગવાને અહિંસાનો વિચાર પ્રસારિત કરવા માટે સામાજિક સમસ્યાઓ હાથમાં લીધી.
કોઈ આલંબન લેવું કે ન લેવું એ જુદી વાત છે. પરંતુ એ આલંબનનો અર્થ સ્થૂળ થઈ જાય અને જે સૂક્ષ્મ વસ્તુના પ્રકાશ માટે એ હોય, તે જ ગૌણ થઈ જાય, આલંબન જ ચડી બેસે, જે વિચાર માટે એ લેવાયું છે એ વિચાર જ ઢંકાઈ જાય, તો ખતરો પેદા થઈ જાય છે. આલંબન ન લેવાથી વિચાર વિખરાઈ જાય છે. સદ્ભાવના અવ્યક્ત રૂપે પ્રસરે છે, પરંતુ વિચાર અવ્યક્ત રૂપમાં ઘનાકાર નથી થતો – સાધારણ લોકોને એનું આકર્ષણ નથી રહેતું. આમ, આલંબન લેવામાં એક ખતરો છે અને આલંબન ન લેવામાં બીજો ખતરો છે. આલંબન લેવામાં એક ગુણ છે અને આલંબન ન લેવામાં બીજો ગુણ છે.
મેં ભૂમિ-સમસ્યાનું આલંબન જરૂર લીધું, પરંતુ સામ્યયોગનો, કરુણાનો વિચાર સમજાવવો એ જ મારી મૂળભૂત દૃષ્ટિ છે. આલંબન લેવામાં મેં બુદ્ધિનું પરિપાલન કર્યું, પણ મારું મન સતત આલંબનથી પર થઈ વિચારે છે અને વારે વારે થયા કરે છે કે હું મારા મૂળ સ્વરૂપમાં રહું. આમ છતાં આલંબન છોડતો નથી. આ રીતે મારી રીતમાં બંને રીતોનો સમન્વય છે.
મારો એક ગુણ છે, જેને દોષ પણ ગણી શકાય. હું કોઈ વ્યક્તિને આગ્રહથી કોઈ આદેશ નથી આપતો. તેનાથી કામમાં ક્યારેક મોડું થાય છે. પણ થાય છે ત્યારે બરાબર થાય છે, બગડતું નથી. એટલું જ નહીં, હું જે કંઈ કરું છું તેનું દબાણ પણ કોઈ ઉપર આવે તેમ નથી ઇચ્છતો. મારી પાસે અનેક શ્રેષ્ઠ વિચાર છે, પરંતુ તેમાં સૌથી શ્રેષ્ઠ વિચાર એ જ છે કે મારા વિચારનું કોઈના પર આક્રમણ ન થાઓ. એટલે વિચાર પસંદ ન પડે છતાં કોઈ માની લે છે, તો મને દુ:ખ થશે. પણ વિચાર પસંદ પડી ગયા છતાં જો કોઈ તેને આચરણમાં નથી ઉતારતો તો હું આશા રાખું છું કે આજ નહીં તો કાલે અવશ્ય ઉતારશે.
મારા પર પરમેશ્વરની મોટી કૃપા છે કે ગેરસમજને કારણે લોકો તરફથી થોપવામાં આવેલા આક્ષેપો વગેરેની કોઈ અસર મારા ચિત્ત પર નથી થતી. ઈશ્વર જેમ નચાવે તેમ નાચું છું. કામ મારું નથી, તેનું છે. એ મને ઘુમાવી રહ્યો છે, તેથી ઘૂમી રહ્યો છું. હું આથી વધારે પ્રચારની ચિંતા નથી કરતો. પ્રકાશના પ્રચારની જેમ જ વિચારનો પ્રચાર આકાશમાંથી થાય છે. એમ બને કે પ્રકાશ-પ્રચારને ભલે આસમાન રોકી પાડે, પરંતુ વિચારના પ્રચારને એ પણ રોકી ન શકે. તેથી વિચાર ઉપર મારી શ્રદ્ધા છે, અને હું નિર્ભય થઈને કામ કરું છું.
હું પુણ્યની નહીં, સેવાની મહેચ્છા ધરાવું છું. હું માત્ર સેવા જ ઝંખું છું. અને એ સેવા પણ મારા નામે જમા ન થાય એવું ઇચ્છું છું, કારણ કે એ સહજપ્રાપ્ત સેવા છે. વળી વર્તમાન પરિસ્થિતિ અને કાળને અનુકૂળ છે. મતલબ કે, એ કાળનો તકાદો છે અને કાળ જ મારી પાસે એ કરાવી રહ્યો છે. આ જ એનું સ્વરૂપ છે. એનું શ્રેય મને નહીં મળે. કોઈ એક તણખલું ગંગોત્રીની ગંગામાં પડ્યું અને પંદરસો માઈલ તણાઈને સાગરમાં પહોંચી ગયું, તો એ તણખલાને તરવાનું શ્રેય નહીં મળે. કારણ કે એ તો પ્રવાહમાં તણાતું ગયું. જો એ પ્રવાહની વિરોધી દિશામાં ચાર હાથ જેટલું પણ તરતું ગયું હોત, તો એટલા ચાર હાથ તરવાનું શ્રેય એને મળત. પરંતુ પંદરસો માઈલ વહેવા છતાં તરવાનો યશ એને ન મળ્યો. આવી જ રીતે, મેં જે સેવા ઉઠાવી છે તે પ્રવાહથી ઊલટી દિશામાં હોત અને એવી સેવા મારા હાથે થોડી પણ થાત, તો પણ એનું શ્રેય મને મળત. પરંતુ હું જે કરી રહ્યો છું, તે પ્રવાહની દિશામાં છે, કાળનો એ તકાદો છે, એટલે એ મારા નામે નહીં ચઢે.
મને એવું ક્યારે ય નથી લાગ્યું કે હું જે ઉદ્દેશ્ય લઈને નીકળ્યો છું, તેની પૂર્તિ કરવાની પૂરી જવાબદારી મારા ઉપર જ છે. આની પૂરી જવાબદારી આપણા બધાં ઉપર છે. આ ભગવાનનું કામ છે. મને દૃઢ વિશ્વાસ છે કે આ થઈને જ રહેશે. સત્યનો વિરોધ કોઈ ન કરી શકે. સત્ય ગ્રહણ કરવામાં સમય લાગી શકે છે. પણ સત્યને ટાળી નથી શકાતું. સત્યનો વિરોધ કરનારી શક્તિ સંસારમાં ટકી નથી શકતી, તેથી હું નિ:સંશય અને નિર્ભય થઈને મારા વિચારો જનતા સામે રજૂ કરું છું અને રાત્રે ભગવાનના ખોળામાં નિ:સ્વપ્ન નિદ્રા લીધા કરું છું. પુનર્જન્મની જેમ બીજો દિવસ ઊગે છે અને હું મારા કામમાં લાગી જાઉં છું.
હું ઘણી વાર વિનોદમાં કહું છું કે મારું મોં અરીસામાં જોવાનો મને ખાસ મોકો મળતો નથી. એની જરૂર પણ નથી. પરંતુ સામે જે ભાતભાતના ચહેરા છે, તે બધા વૈવિધ્યથી શોભતો હું જ મને જોઈ રહ્યો છું. મારી યાત્રામાં મને આ બાબતમાં એકધારો અનુભવ થતો રહ્યો છે. જે પ્રદેશોમાં લોકો મારી ભાષા સમજતા નહોતા, જ્યાં મારાં ભાષણોના ભાતભાતના અનુવાદો સાંભળવા પડતા હતા, ત્યાં પણ મને આત્મ-સાક્ષાત્કારનો જ અનુભવ થયો; એનું પ્રમાણ આ જ હતું કે લોકોને પણ આવું જ લાગ્યું. હું જ્યાં જ્યાં ગયો, દરેક ઠેકાણે લોકોએ મને બીજા પ્રદેશનો ક્યારે ય ન માન્યો. ઊલટું, મને તો એવો જ અનુભવ થયો કે મહારાષ્ટ્રના લોકો મને જેટલી આત્મીયતાપૂર્વક ચાહે છે તેટલી જ આત્મીયતા-પૂર્વક બધા પ્રદેશોના લોકો મને ચાહે છે.
મારી સામે લોકો બેઠેલા હોય છે તે કોઈ માણસોની મૂર્તિ છે એવું હું નથી માનતો. બલ્કે મને લાગે છે કે જે રામજી મારા અંતરમાં રહે છે તે મારા માટે આટઆટલાં વિવિધ રૂપ ધારણ કરીને સામે બેઠા છે. મારા નાનપણનું સંભારણું છે. રામનવમીના દિવસે મારી મા બપોરે બાર વાગ્યે ‘રામજીનો જન્મ થઈ રહ્યો છે’ એવા ખ્યાલ સાથે ધ્યાન ધરવા બેસી જતી. ત્યારે એની આંખોમાંથી આંસુની ધારા વહેતી. હું ક્યારેક રમૂજમાં પૂછતો – “આજે રામજીનો જન્મ કેવી રીતે થયો ? ક્યાંય દેખા તા તો નથી.” એ કહેતી, “બેટા દેખાશે, તને પણ દેખાશે.” આજે મને કહેવામાં ભારે ખુશી થાય છે કે એના આશીર્વાદે હું સગી આંખે રામજીને જોઈ રહ્યો છું. રામનવમીના દિવસે તો જોઉં જ છું. ઉપરાંત ઘણી વાર જોઉં છું. ભાગ્યે જ કોઈ દિવસ એવો ખાલી જતો હશે, જ્યારે એ ન દેખાતા હોય. યાત્રામાં તો રામજીનાં દર્શન મારી આંખો સામે રોજ કરું છું.
મારી આ ભૂદાનયાત્રા ચાલી શકે એવી કોઈ તાકાત હું મારી અંદર જોતો નથી. હું ઈશ્વર સિવાય બીજા કોઈ વાતાવરણમાં રહેતો નથી. મારામાં એટલી શક્તિ નહોતી કે આખા દેશમાં ભમીને હું લાખો એકર જમીન માગું અને લોકો મને એ આપે. મારી પાસે ન કોઈ સંસ્થા છે, ન કોઈ અધિકાર. પરમેશ્વરે મને ઈશારો કર્યો એટલે હું ચાલી નીકળ્યો. મારું શરીર પણ એટલું મજબૂત નથી. ભગવાનના ઈશારે જ હું નીકળી પડ્યો છું અને ચાલી રહ્યો છું. સાથોસાથ નાચી પણ રહ્યો છું. નહીંતર મારામાં એટલી શક્તિ ક્યાં છે જ તે !
મારું મન હરહંમેશ સ્થળ-કાળ વગેરેનું ચિંતન કરે છે. મારા મન પર સ્થળ કાળનો પ્રભાવ પડે છે. ભગવાનની એટલી કૃપા છે કે મારા મન પર સારી અસર જ થાય છે. કોઈ પણ નિમિત્તે મને ભગવાન યાદ આવી જાય છે. પંઢરપુરના મંદિરમાં ગયો તો ત્યાં પથ્થરની વિઠ્ઠલમૂર્તિ જોઈ. પરંતુ મારી આંખને પથ્થર દેખાતો જ નહોતો. મને ત્યાં સાક્ષાત્ ભગવદ્ રૂપ દેખાયું. એ તો એક નિમિત્ત હતું. બાકી અંદરથી તો મને પૂરો ભરોસો છે કે સર્વત્ર આ જ દર્શન છે. દુનિયામાં બીજું કોઈ દર્શન છે જ નહીં. આ મારો પૂર્ણ વિશ્વાસ છે.
દુનિયામાં એવું કોઈ પ્રાણી નથી જેના માટે મારા મનમાં પ્રેમ ન હોય. એ વાત મારું હૈયું જાણે છે. માણસનો તો કોઈ પ્રશ્ન જ નથી. પ્રેમ એટલે દ્વેષનો અભાવ જ નહીં, પ્રત્યક્ષ પ્રેમનો જ અનુભવ કરું છું. કેટલાકના તો ચહેરા જોઈને મારે મારાં આંસુ ખાળવાં પડે છે. જ્યારે એ બોલે છે ત્યારે મને ભગવાનનાં દર્શન થાય છે, એનો ચહેરો બદલાઈ જાય છે ત્યારે પણ મને ભગવાનનો જ ભાસ થાય છે અને ફરી પાછાં આંસુને રોકવાં પડે છે.
સૌજન્ય : “ભૂમિપુત્ર” : 16 સપ્ટેમ્બર 2024; પૃ. 01-03