માણસ જેટલો ઍક્ચ્યુઆલિટીમાં જીવતો હતો એટલો હવે વર્ચ્યુઆલિટીમાં જીવે છે. રાત્રે ઊંઘ આવે એટલે એ ન છૂટકે પોતાના ફોનને પડતો મૂકે છે, જો કે રીચાર્જિન્ગમાં મૂકવાનું ભૂલતો નથી. કેટલાકને થાય છે કે વારતહેવારે FB પર જાતભાતના ફોટા મુકાય છે, તે અતિશય છે. માનવતાવાદીઓ એને સામાન્ય માણસનું સુખ કહે છે, એમને માનવ માનવ વચ્ચે ભાઇચારાનો, માણસાઇનો, સેતુ બંધાતો લાગે છે. તેઓ એમ કહે છે કે એના ફોટા એ મૂકે, જોનારાઓને સારું લાગે, એ એમનો નાનો આનન્દ છે, એમાં તમે શું કામ સૂગાવ છો. ફોટા મૂકનારાઓ એને મણિબેન કે પોપટલાલ કહીને જૂનવાણીમાં ખપાવે છે.
મને મિત્રો પ્રેમવશ ‘ગુડ મૉર્નિન્ગ’ મોકલે છે, ત્યારે અમેરિકામાં અમારે રાત હોય છે, ‘ગુડ નાઈટ’ મોકલે છે, ત્યારે અમારે સવાર હોય છે. તેમછતાં, મને એ શિષ્ટમાન્ય નિર્દોષ વિનિમયમાં શિસ્ત સાચવવાની ટેવ છે, એેટલે, અવારનવાર હું એઓને ‘હૅવા નાઇસ ડે’ લખું જ છું. મારો ભાવ પૂછનાર હરેકને હું પ્રતિભાવ પણ આપું જ છું. પણ કેટલાક તો વ્હૉટ્સઍપ પર કાવ્યો મોકલે, અભિપ્રાય પણ માગે, મૅસેન્જરમાં ય કૉપી-પેસ્ટ કરે, શું કરવાનું? મારા મૌન સામે, ક્રોધમુખી-ઇમોજી મોકલે, અપશબ્દ લખે, શું કરવાનું?
કહે છે, ફેસબુક પર ગંદી ગાળો લખનારા, યુવતીઓને સૅક્સી ચેષ્ટાઓનાં રીલ્સ મોકલવાના બનાવો પણ બનતા હોય છે. ટ્રૉલિયાઓના ત્રાસનો તો પાર જ નથી.
આનો કશો ઇલાજ નથી, સિવાય કે તમે સહન કરી લો. પણ ટૅક્નોલૉજિ એમ સૂચવે છે કે વિવેક વાપરો, અમે વ્યવસ્થા રાખી છે : એને અન્ફ્રૅન્ડ કરી દો. ભાવ-પ્રતિભાવ કે લાઇક પણ ન કરો, ઇમોજી પ્રયોજો, એ પણ ન કરો, બ્લૅન્ક છોડી દો.
અલબત્ત, ફેસબુકમાં, ‘ફેસબુક’સ કૉમ્યુનિટી સ્ટાન્ડર્ડ્સ’-ની જોગવાઇ છે. એમની AI-પાવર્ડ સિસ્ટમ હેટ-સ્પીચના કે ભ્રષ્ટ ભાષા-પ્રયોગના વીડિયોઝ કે ગંદી ટૅક્સ્ટને પણ સ્કૅન કરી શકે છે. ફેસબુકના હ્યુમન મૉડરેટર્સ પણ એ કામ કરી શકે છે. જો કે એ બધી સહાય માટે માણસે રીપોર્ટ કરવો પડે, જે ભાગ્યે જ કોઈ કરે છે.
સોશ્યલ મીડિયાના સદુપયોગ વિશે, બૌદ્ધિક ચર્ચાઓ વિશે, આપણે જાગ્રત નથી. બાકી, હિન્દીમાં My Hindi Forum કે અંગ્રેજીમાં Academia.edu, ResearchGate, Reddit, Stack Exchange, Quora કે ગુજરાતીમાં ‘અપના અડ્ડા’, શક્તિસિંહ પરમાર દ્વારા ચલાવાતું ‘ફિલ્લમ’, વિપુલ કલ્યાણીનું ‘ઓપિનિયન’, ‘બાબુ સુથાર’સ પોસ્ટ્સ’, ‘તુષાર રમણ ઓઝા’સ પોસ્ટ’ ‘દ્રુપદ અસ્તિત્વદર્શન’ કે ‘રસુવાર્તાવર્તુળ’-ના ‘પ્રશ્નોત્તર’ જેવાં પ્લૅટફૉર્મ્સ મુક્ત અભિવ્યક્તિનાં, રોકટોક વિનાની મૉકળી ચર્ચાનાં, પક્ષ-પ્રતિપક્ષની રીતે વિમર્શ-પરામર્શનાં ઝડપી અને અતિપારદર્શક સ્થાનો છે.
ત્યાં જમણેરી અને ડાબેરી બન્ને પોતાને સમજાયેલાં સત્ય રજૂ કરી શકે છે. ત્યાં ટ્રૉલિયાઓને ફાવટ ન આવે, અતાર્કિકો ઉઘાડા પડી જાય. ત્યાં માત્ર લાઇક્સવાળાનું કે વાહ વાહ-વાળાઓનું કામ નહીં, પણ હું તો એમને જ કહું કે ત્યાં જોડાવ અને નાના-મોટા કે ખરા-ખોટા પણ પ્રતિભાવ લખો. અને અધ્યાપકોને કે વિદ્યાર્થીઓને મારે શું કામ કહેવું જોઈએ? તેઓ તો જ્ઞાનની શોધ સાથે જોડાયેલા જ છે ને …
+ +
હરારી કહે છે, વાસ્તવિકતાની રજૂઆતમાં હકીકતોની ઉપેક્ષા કરવામાં આવે છે, કેટલીક હકીકતોને વિકૃત કરવામાં આવે છે. ઉપરાન્ત, રજૂઆતમાં ચૉક્કસાઈ બાબતે પણ તેઓ જુદું જ કહેવા માગે છે :
બોર્હેસ —
કહે છે કે આપણે વિશ્વને તન્તોતન્ત રજૂ કરવા માગીએ, પૂરેપૂરી ચૉક્કસાઇથી, તો ચૉકક્સાઇ માટેનો આપણો એ પુરુષાર્થ આપણને વન-ટુ-વન સ્કેલમાં ખૅંચી જશે; એટલે કે, એ માટે આપણે વિશ્વ અને તેની રજૂઆતને સરખેસરખાં કદમાપનાં રાખવાં જોઈશે. વાતના સમર્થનમાં હરારી હોર્હે લુઇસ બોર્હેસ[Jorge Luis Borges]ની ૧૯૪૭-માં પ્રકાશિત વાર્તા “An Exactitude in Science”-નું સ્મરણ કરે છે :
વાર્તામાં, એક કાલ્પનિક સામ્રાજ્ય હોય છે. એની સરહદોના વધુ ને વધુ ચૉક્કસ નક્શા બનાવવાનો ઉદ્યમ શરૂ થાય છે, છેવટે સામ્રાજ્યના માપનો, વન-ટુ-વન સ્કેલનો, પરિપૂર્ણ નક્શો તૈયાર થાય છે, નક્શો એટલો બધો મોટો થયો હોય છે જાણે કે એમાં આખું સામ્રાજ્ય પથરાઈ ગયું. સામ્રાજ્ય = નક્શો, એવી મહત્ત્વાકાંક્ષી રજૂઆતના પ્રોજેક્ટ પાછળ એટલાં બધાં સંસાધનોનો ઉપયોગ થયેલો, કે અન્તે સામ્રાજ્ય તૂટી પડ્યું. પરિણામે, બન્યું એવું કે નક્શો પણ ફાટીતૂટીને વેરવિખેર થઈ ગયો.
વાર્તાનો સાર આપતાં હરારી કહે છે કે અન્તિમ સ્વરૂપનો નક્શો પણ એ જ કહે છે કે પોતે વાસ્તવિકતાની રજૂઆત છે જ નહીં. અને તેથી, વાસ્તવ = સત્ય પણ કદી યે હશે જ નહીં.
રજૂઆત-વાસ્તવિકતા-સત્ય વિશેના પોતાના એ મન્તવ્ય સંદર્ભે હરારી એમ સૂચવે છે કે વર્ચ્યુઅલ રીયાલિટી સત્યના ખયાલને જ ખાઈ જશે. એ માટે એમણે ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગના ‘મૅટાવર્સ’-નો નિર્દેશ કર્યો છે :
મૅટાવર્સ —
મૅટાવર્સ એક વર્ચ્યુઅલ યુનિવર્સ છે. વિશ્વને એ હોર્હે લુઇસ બોર્હેસના વન-ટુ-વન સ્કેલની રીતે રજૂ કરવા નથી માગતું, પણ એ આપણા ખરેખરા વિશ્વમાં એક ઉમેરણ બનીને એને રીપ્લેસ કરવા માગે છે. એ બુએનો ઍરિસ કે સૉલ્ટ લેક સિટીની રૅપ્લિકા – અનુકૃતિ – નથી, એ તો, કેટલાક નિયમ અનુસાર અવનવા લૅન્ડસ્કૅપ્સ સહિતની નૂતન વર્ચ્યુઅલ કૉમ્યુનિટીઝ ઊભી કરવા આપણને નિમન્ત્રણ આપે છે. હરારી ઉમેરે છે કે ૨૦૨૪-નું મૅટાવર્સ અવાસ્તવિક અને અતિશયિત આશા કે આકાંક્ષા દીસે છે – overblown pipe dream.
પરન્તુ આવનારા બે દાયકામાં લાખો-કરોડો લોકો એ વર્ચ્યુઅલ વાસ્તવિકતામાં ઘણુંબધું જીવવા માટે ત્યાં માઇગ્રેટ કરી જશે, જોડે પોતાની સામાજિક અને વ્યાવસાયિક પ્રવૃત્તિઓ પણ લઈ જશે. અણુઓથી નહીં પણ બીટ્સથી રચાયેલા એ પર્યાવરણમાં બને કે લોકો ત્યાં સમ્બન્ધો બાંધવા જાય, જઈને જોબ કરે, ભાવાત્મક અપ્સ ઍન્ડ ડાઉન્સ પણ અનુભવે. બોર્હેસના વાર્તાસંગત શબ્દો વાપરીને હરારી કહે છે કે સંભવ છે કે દૂરના કોઇ રણમાં તૂટીફૂટી પુરાણી વાસ્તવિકતાના ટુકડા પડી રહ્યા હશે, (પેલા મૅપના હતા એવા) પણ જતન કરીને એને બચાવી લેવાનું મુશ્કેલ છે.
હરારી વાતને વિચારોત્તેજક બનાવવા હમેશાં અતિશયોક્તિ કરતા હોય છે, પણ હું આગવું ફિલ્ટર – ગળણી – વાપરીને અલ્પોક્તિ-સમ સમજણ મેળવી લઉં છું.
બને કે આપણા અનેક ફેસબુક-વાસીઓને ‘મૅટાવર્સ’-ની જાણ ન હોય. જાણ થશે તો પણ તેઓ ત્યાં રહેવા નહીં જાય. ગુજરાતી પોતાના સ્વાર્થને બરાબર ઓળખતો હોય છે. વર્ચ્યુઅલમાંથી ઍક્ચ્યુઅલમાં જવાની પૂરી મથામણ કરી લેતો હોય છે. એવા એક જણનો મને તાજેતરમાં અનુભવ થયો :
મારું ‘સુમન’ નામ સ્ત્રીઓનું પણ હોઈ શકે છે. બને છે એવું કે એથી લલચાઈને કોઈ ઍફબીફ્રૅન્ડ, કદાચ યુવક, મારી જોડે મૅસેજિન્ગ શરૂ કરે છે : કેમ છો? શું ચાલે છે? હું અમદાવાદથી છું, તમે ક્યાં છો? : હું પણ અમદાવાદનો છું : હું એને સંતોષ થાય એવા જવાબો લખું છું, પણ હું મુદ્દા પર નથી આવતો, એટલે એ આગળ વધે છે : તમે સિન્ગલ છો? : હું સાચો જવાબ આપું છું, હા : એ લખે છે, ઇન્ટરેસ્ટિન્ગ : હું લખું છું, યસ ઇટિઝ. એ એકદમ આગળ વધી જાય છે : તમારું કોઇ અફલાતુન પિક્ચર અપલોડ કરો ને : હું હવે જૂઠું લખું છું : એ તો નથી : ઓ કે, આપણે ફેસ ટુ ફેસ થઇ શકીએ? : હું લખું છું, અફકોર્સ. એ પૂછે છે, કઈ જગ્યાએ. હું કહું છું નૉર્થ્રટ્રેઇલ પાર્કમાં : અમદાવાદમાં એ પાર્ક ક્યાં આવેલો છે? લોકેશન મોકલશો? : હું મૌન સેવું છું. એ પ્રશ્નાર્થનું ઇમોજી મોકલે છે, બીજી વાર મોકલે છે. ઉત્તરમાં હું એને મારા પ્રોફાઇલનો અભ્યાસ કરવા કહું છું. એનો ફુગ્ગો ફૂટી જાય છે.
= = =
(24Oct24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર