એક્ટિવિસ્ટ ઉમર ખાલિદે (37), નવી દિલ્હીમાં લોકશાહી ઢબે / શાંતિપૂર્ણ રીતે વડા પ્રધાન મોદીની વિભાજનકારી રાજનીતિનો વિરોધ કર્યો હતો.
વડા પ્રધાન મોદીએ, ભારતમાં રહેતા હોય અને પાડોશી દેશોમાં અત્યાચાર ભોગ બનેલ હિંદુઓ, શીખો, બૌદ્ધો, જૈનો, પારસીઓ અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકતા આપવાનો કાયદો પસાર કર્યો, પછી મુસ્લિમોમાં વિરોધ ફાટી નીકળ્યો હતો. કેમ કે તેમાં મુસ્લિમોને સ્પષ્ટપણે બાકાત રાખવામાં આવ્યા હતા.
દિલ્હીના શાહીન બાગમાં હજારો મહિલાઓએ મહિનાઓ સુધી ધરણા કર્યા. દિલ્હીના સૌથી ઠંડા શિયાળાનો સામનો કરીને, બાળકો સાથે, તેઓ એકઠા થયાં હતાં. નાગરિકતા કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન, ઉમર ખાલિદે મહિલાઓને કહ્યું હતું કે “અમે આ લડાઈ અમારા દેશની શેરીઓમાં સ્મિત સાથે અને અહિંસક રીતે લડીશું. આ ગાંધીને પ્રેમ કરતા લોકોનો મેળાવડો છે !”
ત્યાં સુધી વિરોધ શાંતિપૂર્ણ રહ્યો હતો. પરંતુ ગોડસેવાદી-જમણેરી જૂથો અને મોદીજીની પાર્ટીના નેતાઓએ પ્રદર્શનકારીઓ વિશે ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા તેથી 2020ની શરૂઆતમાં દિલ્હીમાં વ્યાપક હિંસા ફાટી નીકળી. આ પહેલાં મોદીજીના મિનિસ્ટરે કહ્યું હતું કે “વિરોધીઓને / દેશદ્રોહીઓને ગોળી મારો !”
ઉમર ખાલિદ સામે દિલ્હી પોલીસનો શું આરોપ છે? તેમણે દિલ્હીમાં રમખાણો ભડકાવ્યા ! આ રમખાણોમાં 50થી વધુ લોકોના મોત થયાં, તેમાં મોટા ભાગના પીડિતો મુસ્લિમ હતા; જેઓ હિંદુ ટોળાંના હાથે મૃત્યુ પામ્યા હતા.
સવાલ એ છે કે શું ઉમર ખાલિદે મુસ્લિમોની હત્યા કરવા હિન્દુ ટોળાઓને ઉશ્કેર્યા હતા? સરકાર / પોલીસને આ પ્રશ્ન ન સમજાય પણ અદાલતને પણ આ પ્રશ્ન સમજાતો નહીં હોય?
ઉમર ખાલિદની જામીન અરજી નીચલી અદાલતોમાં ત્રણ વખત નકારી કાઢવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતમાં તેમની જામીનની સુનાવણી ઓછામાં ઓછી એક ડઝન વખત સ્થગિત કરવામાં આવી છે.
આશ્ચર્યની બાબત એ છે કે રમખાણોમાં મોત થયાં તેમાં મુસ્લિમોની બહુમતી હોવા છતાં, રાજ્યનો ક્રોધ મુસ્લિમો સામે ઉતર્યો ! પોલીસે યુવાન મુસ્લિમોને કેસોમાં ફસાવી દીધા. પણ પોલીસે જેમણે હિંસાનું આહવાન કરીને કહેલ કે ‘ગોળી મારો’ તેને સ્પર્શ પણ ન કર્યો ! શાંતિપૂર્ણ આંદોલન કરે તે જેલમાં અને હિંસાની ઉશ્કેરણી કરે તે મહેલમાં !
સવાલ એ છે કે શું ઉમર ખાલિદે કોઈની હત્યા કરી હતી? કોઈની પર બળાત્કાર કર્યો હતો? બેન્કોના કરોડો રૂપિયા ખાઈ ગયો હતો? દેશદ્રોહી પ્રવૃત્તિ કરી હતી? ના, બિલકુલ નહીં. એણે સત્ય ઉચ્ચાર્યું હતું અને સરકારને અરીસો બતાવ્યો હતો; એ જ એનો ગુનો ! એટલે તો UAPA-Unlawful Activities (Prevention) Act હેઠળ તે ટ્રાયલ વિના ચાર વર્ષથી જેલમાં છે !
[સૌજન્ય : Suhasini Raj, New York Times, 22 ઓક્ટોબર 2024]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર