સવાલ ચૂંટણી પંચના વજૂદનો
આપણી લોકશાહીની મુખ્ય વહીવટી સંસ્થાઓ જો પોતાનો વ્યવહાર સ્વાયત્તપણે ન કરી શકવાની હોય તો એટલા પ્રમાણમાં લોકશાહી બેમતલબ અને રસકસ વિનાની બની રહે તે દેખીતું છે. એ.ડી.આર. સરખી સ્વતંત્ર નાગરિક મંડળી આ દિશામાં તકેદારીની દૃષ્ટિએ મહત્ત્વનું કામ કરી રહી છે.
લાગે છે, આવતી કાલનો દિવસ, 15મી માર્ચને શુક્રવાર આવું આવું લોકસભા ચૂંટણી પરત્વે નોંધપાત્ર બની રહેશે. બને કે નવાજૂનીની અપેક્ષા નકરું છમકલું બનીને ય રહી જાય. પણ આપણા લોકશાસનની વહીવટી સંસ્થાઓનું વજૂદ જે રીતે ઉત્તરોત્તર ઘટતું હોવાનો વાસ્તવિક ભય તોળાય છે એની વચ્ચે ભલે એક નાનકડી પણ ‘રુક જાવ’ સંભાવના આવતીકાલ સાથે ટૂંકા ને લાંબા ગાળાની રીતે સંકળાયેલી છે.
રહો, વાતમાં ઝાઝું મોણ નાખ્યા વગર સીધો વિગતમુદ્દા પર આવું. સર્વોચ્ચ અદાલતની આદેશાત્મક સૂચનાને પગલે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ખાસી આનાકાની અને આંબે આવશે મહોર શૈલીએ છેક ત્રીસમી જૂનની મુદ્દત માગી હતી. ઇલેકટોરલ બોન્ડને લગતી આ વિગતો, ભલે સરકાર ને સત્તાપક્ષ 2019ની ચૂંટણીમાં ચુકાવી ગયા, હમણાં તો બહાર આવવી જ જોઈએ તે મુજબ સર્વોચ્ચ અદાલતે 12મી માર્ચની તારીખ આપી હતી. તેને બદલે જૂનના વાયદાનો ઉઘાડો અર્થ એ જ થાય કે તમે એક ઓર ચૂંટણીમાં તમારો નાણાંસ્રોત રાજકીય સાર્વભૌમ કહેતાં જનતાથી ઓઝલ રાખવા ઇચ્છો છો. હવે, જ્યારે સર્વોચ્ચ અદાલતે એસ.બી.આઈ.ની (અલબત્ત, સરકાર પ્રેરિત) મુદ્દતમાંગમાં અદાલતી તિરસ્કારની કારવાઈ રૂપે ત્રીજી આંખની ભાષામાં વાત કરી એટલે એસ.બી.આઈ. પાસે કોઈ વિકલ્પ રહેતો નથી. આદેશ પ્રમાણે આ વિગતો ઇલેક્શન કમિશન પાસે પહોંચી ગઈ છે અને પંચના સ્રોત પ્રમાણે ‘એ ડિજિટલ ફોર્મમાં છે એટલે તરત 15મી માર્ચે આપવામાં વાંધો ન આવવો જોઈએ.’
સરકાર અને કહ્યાગરી એસ.બી.આઈ.નો એક કોઠો તો માનો કે ભેદી શકાવામાં છે, પણ ઇલેક્શન કમિશનની સ્વતંત્ર કાર્યભૂમિકાને બેરોકટોક ગ્રહણ લાગી શકે એવો ય ભય તોળાઈ રહ્યો છે. હાલ એક માત્ર વડા ચૂંટણી કમિશનર રાજીવ કુમાર જ કાર્યરત છે. એમના બે સાથી કમિશનરોની જગ્યા ખાલી છે. ફેબ્રુઆરીમાં અનુપચંદ્ર પાંડેય નિવૃત્ત થયા, અને ગયે અઠવાડિયે અરુણ ગોયલનું ઓચિંતું રાજીનામું આવી પડ્યું. હવે ડિસેમ્બર 2023ના કાયદા પ્રમાણે વડા પ્રધાન, માન્ય વિપક્ષના (અગર તો એના અભાવમાં ગૃહમાંના સૌથી મોટા પક્ષના) નેતા તેમ જ વડા પ્રધાન સૂચવે તે એક કેબિનેટ સાથીએ બાકી બે કમિશનરો માટે નિર્ણય લેવાનો રહે. દેખીતી રીતે જ, આ જોગવાઈમાં કોઈ સ્વતંત્ર અભિગમની ગુંજાશ નથી રહેતી, કેમ કે ત્રણ સભ્યો પૈકી બેની સરકારી બહુમતી ચોખ્ખી છે.
સદ્દભાગ્યે, જેની રજૂઆતથી ઇલેક્ટોરલ બોન્ડનો મુદ્દો બહાર આવ્યો તે એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ – એ.ડી.આર. આ મોરચે પણ સક્રિય છે. જેવો ડિસેમ્બર 2023નો કાયદો આવ્યો કે એણે સર્વોચ્ચ અદાલતમાં ધા નાખી હતી, અને અદાલતે એને એપ્રિલની તારીખ પણ આપી હતી. પણ ઇલેક્શન કમિશનમાં ત્યારે નહીં એવા જે સંજોગો આજે છે એ જોતાં એપ્રિલની જૂની મુદ્દત એસ.બી.આઈ.એ તીસમી જૂનની જે માંગ કરી હતી એના જેવી જ બની રહે ને !
એ.ડી.આરે. આ મુદ્દો ઉઠાવ્યો અને એની તાકીદ ગ્રાહ્ય રાખી સર્વોચ્ચ અદાલતે એપ્રિલને બદલે ચાલુ અઠવાડિયે જ, આવતીકાલે 15મી માર્ચે આ સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું છે. વસ્તુતઃ એ.ડી.આર.ની વિગત રજૂઆત ધીરજથી સમજવા જેવી છે. ડિસેમ્બર 2023માં જે કાયદો આવ્યો તે સર્વોચ્ચ અદાલતે માર્ચમાં એક સંદર્ભમાં આપેલા ચુકાદાને અન્વયે હતો. ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે ચોક્કસ કાનૂની જોગવાઈ જરૂરી છે અને એમના કાર્યમાં સ્વતંત્રતા જળવાઈ રહે એવી તટસ્થ નિયુક્તિ પદ્ધતિની એમાં કાળજી લેવી જોઈએ. મતલબ, નિમણૂકનો અધિકાર સુવાંગ સરકાર હસ્તક ન જોઈએ – જેમ કે, વડા પ્રધાન, વિપક્ષ નેતા ઉપરાંત ત્રીજા સભ્ય દેશના વડા ન્યાયમૂર્તિ હોવા જોઈએ. એટલે પરબારી સરકારી નિયુક્તિની સંભાવના ટાળી શકાય. સ્વાભાવિક જ, સર્વોચ્ચ અદાલતની ભૂમિકા તટસ્થ ને સ્વતંત્ર ચૂંટણી કમિશનને અનુલક્ષીને હતી. આ સાફ વાત પછી પણ સરકારે ડિસેમ્બરમાં કરેલો કાયદો કેવળ ને કેવળ એક તરફી છે. જાન્યુઆરીમાં જ એ.ડી.આરે. એને પડકાર્યો હતો, અને હવે હાથ ધરાઈ રહેલ છે.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 13 માર્ચ 2024