દેશભરમાં અસંખ્ય ગરીબ શ્રમિકોનાં ધાડેધાડાં વતન પાછા ફરવાં અનેક કષ્ટ વેઠી પગપાળાં જ હાઇવે પર કૂચ કરી રહ્યાં હોવાનાં દૃશ્યો ટી.વી. સ્ક્રિન પર દેખાઈ રહ્યાં છે. રાફડામાંથી જેમ અચાનક ઉધઈ બહાર નીકળે તેમ શહેરોની ફાંટમાંથી આ હજારો શ્રમિકોનાં ટોળાં બહાર ઉભરાઈ આવ્યાં છે. આપણી સરકારી કાયદાપાલક એજન્સીઓ આ શ્રમિકો સાથે પેસ્ટ કન્ટ્રોલ એજન્ટ જેવો જ દુર્વ્યવહાર કરી તેમની વિપદામાં વધારો કરી રહી છે. કદાચ કરોડોની સંખ્યામાં બહાર નીકળેલા આ શ્રમિકો આપણાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ કામ કરતા માઇગ્રન્ટ (સ્થળાંતરિત) કામદારો છે. એલેક્ઝાન્ડર સોલ્ઝેનિત્સિનની જુદો ચીલો ચાતરનારી ‘ધ ગુલાગ આર્કિપેલાગો’ થકી ‘ગુલાગ’ શબ્દ જાણીતો બન્યો છે. ગુલાગ એટલે જેમાં બળજબરીથી શ્રમિકોને રાખવામાં આવ્યા હોય એવા લેબર કેમ્પ. અત્યારે હાઇવે પર ચાલતા નીકળેલા આ માઇગ્રન્ટ શ્રમિકો જાણે ગુલાગના એ શ્રમિકોની જેમ જ હડધૂત થઇ રહ્યા છે. કેટલાક કેસોમાં તો તેમની વિપદા લગભગ પેલા વેઠિયા મજૂરો જેવી જ છે. હાલની મહામારી સમયે આ શ્રમિકો સાથે થઇ રહેલો ગેરવર્તાવ આપણો દેશ જાણે કે લોકશાહી પ્રજાસત્તાક નહીં, પરંતુ ‘ગુલાગ પ્રજાસત્તાક’ હોય તેવું લાગે છે. આપણે શહેરમાં જે એશોઆરામ ભોગવીએ છીએ તેનાં દરેક પાસાં પાછળ શ્રમિકોની આકરી અને બહુ જ સસ્તી મજૂરીનો પરસેવો રેડાયેલો છે.
આપણા એક વિશાળ ઉપખંડની સાઇઝના દેશમાં સર્વત્ર ઔદ્યોગિક કામદારો કે ખેતમજૂરો તરીકે આવા લાખો મજૂરો કામ કરે છે. કામની શોધમાં પોતાનું વતન છોડીને નીકળતા આ શ્રમિકોને મોટી ડેમ સાઇટ કે ઇન્ફ્રાસ્ટ્રચર પ્રોજેક્ટની સાઇટ ખાતે કૉન્ટ્રાક્ટર દ્વારા ટ્રકોમાં ભરી ભરીને લાવવામાં આવે છે. તેમને રોજેરોજના ખર્ચ પૂરતા પૈસા અપાય છે. નક્કી થયેલી રકમમાંથી બાકીનો મોટો ભાગ તત્કાળ ચૂકવાતો નથી. સાઇટ પર કામ ચાલે ત્યાં સુધી તે કોન્ટ્રાક્ટર પાસે જ જમા રહે છે. છ મહિના કે એક વર્ષ સુધી સાઇટ ચાલે, તો ત્યાં સુધી તેમના હાથમાં આ રકમ આવતી નથી. આવી સાઇટ પર છાશવારે થતા અકસ્માતોમાં અનેક શ્રમિકો મોતને ભેટે છે. તેમને ભાગે તો આ રકમ ક્યારે ય આવતી નથી. તે સિવાય તેમની જિંદગીનો કોઈ હિસાબ રાખતું નથી. આવી ભારે કફોડી હાલતમાં રહેતા શ્રમિકો પર અચાનક લૉક ડાઉનની વીજળી પડી હતી. આપણા લોકપ્રિય વડાપ્રધાને અચાનક કોઈ નોટિસ વિના લૉક ડાઉન જાહેર કરીને એક લક્ષ્મણરેખા આંકી દીધી. તેની બીજી સવારથી તમામ શહેરોના આ લાખો માઇગ્રન્ટ કામદારો ઘરવિહોણા બની ગયા. રાતોરાત તેમણે ભિખારીઓની જેમ ભોજન માટે લાઇનોમાં ઊભા રહી જવું પડ્યું.
1990ના દાયકામાં બંધારણની કલમ 19 અને 21ને સ્પર્શતી જાહેર હિતની એક અરજીના સંદર્ભમાં જસ્ટિસ અઝીઝ અહમદીએ બહુ દૂરોગામી અને ક્રાંતિકારી આદેશો આપ્યા હતા. જસ્ટિસ અહમદી બાદમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિવૃત્ત થયા હતા. તેમના એ આદેશોનો અમલ કરાવવા કોર્ટ કમિશનર તરીકે મારી નિયુક્તિ થઇ હતી. દક્ષિણ ગુજરાતની સાત સહકારી ખાંડ મંડળીઓનાં મેગા સાઇઝનાં શેરડીનાં ખેતરોમાં આશરે સવા લાખ જેટલા માઇગ્રન્ટ શ્રમિકો કામ કરતા હતા. તે શેરડી વાઢવા માટે ઓજાર તરીકે કોયતાનો ઉપયોગ કરતા હતા તેના પરથી તેમને કોયતા તરીકે જ ઓળખવામાં આવતા હતા. આ ખેતરોમાં તેમની પાસેથી કામ લેતી વખતે ઇન્ટર સ્ટેટ માઇગ્રન્ટ વર્કર્સ એક્ટ, 1979ની દરેક કલમનો ભગ થઇ રહ્યો હતો. મારી ફરજ લઘુતમ વેતન ધોરણોનો અમલ કરાવવા ઉપરાંત તે કાયદા પ્રમાણેના તેમના મૂળભૂત અધિકારોના જતનને સુનિશ્ચિત કરવાની હતી. તેમના નોકરીદાતા એટલે કે સહકારી ખાંડ મંડળીઓએ આ કોયતાઓને તેમનાં કામ કરવાનાં સ્થળે પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવાનું હતું. મેં પૂછપરછ કરી ત્યારે મને મોટા ભાગના શ્રમિકો તરફથી એકસરખો જવાબ મળ્યો હતો કે ‘અમે જે પીએ છીએ તેને જ ચોખ્ખું પીવાલાયક પાણી ગણી લેવામાં આવે છે’. પડોશી મહારાષ્ટ્રમાંથી હજારો પરિવારો કોયતા તરીકે કામ કરવા સ્થળાંતર કરીને આવ્યાં હતાં અને ખેતરોમાં તેમનાં બાળકોને જંગલી જનાવરો ફાડી ખાય તેવા અનેક બનાવો બનતા હતા.
માઇગ્રન્ટ કામદારો, તે પછી ઇંટોના ભઠ્ઠામાં કામ કરતા હોય કે પછી શહેરોમાં રહીને બાંધકામ સાઇટ્સ પર મજૂરી કરતા હોય કે પછી ગામડાંમાં ખેતરોમાં કે ડેમ જેવી કોઇ મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાઇટ પર કામ કરતા કામદારો હોય, તે તમામની સામાજિક-આર્થિક પરિસ્થિતિમાં મને ભાગ્યે જ કોઇ ફરક જણાયો છે. ગુજરાતમાં ઇંટોના ભઠ્ઠા અંગે થયેલી જાહેર હિતની અન્ય એક અરજીમાં કોર્ટ કમિશનર તરીકે હું તેમની કામ કરવાની સ્થિતિ અને શ્રમ કાયદાઓના અમલ અંગે તપાસ કરી રહ્યો હતો. મેં ગુજરાતમાં ઇંટના ભઠ્ઠા પર કામ કરી રહેલા મૂળ ઉત્તર પ્રદેશના એક જાટવ પરિવારને ત્યાં સર્વે કર્યો, તો જણાયું હતું કે માંડ 80 ચોરસ ફૂટના કાચા ઝૂપડામાં છ લોકો રહેતા હતા. તેમની પાસે બે-ચાર વાસણ અને ફાટેલી સાડીને બાદ કરતાં કોઈ ચીજવસ્તુ ન હતી. શું તેમની પાસે આટલું જ છે? તેવા સવાલના જવાબમાં એક બોલકી તરુણીએ કહ્યું હતું, ‘સાહેબ, અમે તો માણસનાં રૂપમાં જાનવરો છીએ’. જાનવર કહેવાનો તેનો મતલબ તે સમાજથી કેટલાં અળગાં હતાં તે દર્શાવવાનો પણ હતો.
હાલનું શાસક જોડાણ બહુ ઝીણવટપૂર્વકનાં આયોજન સાથે ધાર્મિક પદયાત્રાઓ યોજવામાં માહેર છે. તે આ પદયાત્રા દરમિયાન હાઇવે પર કેટલી ય ખાવાપીવાની ચીજો, પીવાનું પાણી, વિરામ સ્થળો અને પોલીસ એસ્કોર્ટ સહિતની સુવિધાઓ ગોઠવે જ છે. તો શું સરકાર લૉક ડાઉન જાહેર કરતાં પહેલાં આ માઇગ્રન્ટ કામદારો સાથે ગુનેગારો જેવું વર્તન કરવાને બદલે તે તેમના ઘરે સ્વમાનભેર પાછા ફરી શકે તેનું આયોજન અને વ્યવસ્થા ન ગોઠવી શકી હોત? કોઇએ વિચાર્યું જ નહીં કે આશ્રય સ્થળોમાં આડેધડ ખડકવામાં આવનારા આ કામદારોને તેમના કોઇ વાંક વગર પણ ક્યાંકથી ચેપ લાગી શકે છે. આ વાઇરસ દુનિયા ખૂંદતા લોકો દ્વારા દેશમાં આયાત કરવામાં આવ્યો છે. એક પ્રજાલક્ષી સરકાર આ વિસ્થાપિતોને તેમનાં વતન પાછા ફરવા માટે પરિવહન સહિતની સગવડો ગોઠવી શકી હોત. જો તેવું થયું હોત તો માંડ 14 વર્ષની એક આદિવાસી માઇગ્રન્ટ કામદાર જમાલો મકદામીનું પોતાના ગામથી માંડ 11 કિલોમીટર દૂર અતિશય થાક અને ઇલેક્ટ્રોલાઇટ એટલે કે સાદા મીઠાંના અભાવે મોત ન નીપજ્યું હોત. જમાલો અને બીજા આદિવાસી કામદારો છત્તીસગઢથી છેક તેલંગણા મરચાંની લણણી કરવા ગયા હતા. અચાનક લૉક ડાઉન જાહેર થયું એટલે પરિવહનની કોઇ વ્યવસ્થા વિના તેઓ વતન પરત ફરવા માટે પગપાળા જ ચાલી નીકળ્યા હતા. આપણે ધાર્મિક યાત્રાઓ માટે તમામ સગવડો ઊભી કરીએ છીએ, પરંતુ આપણાં રાષ્ટ્રની સંપત્તિનું સર્જન કરનારાઓ માટે નહીં અને તેમને સાદા મીઠાની ઉણપથી મરવા છોડી દઇએ છીએ. આપણું ગુલાગ પ્રજાસત્તાક મધ્ય યુગના યુરોપના અંધકાર યુગની યાદ અપાવી રહ્યું છે. કોઈને સવાલ થાય કે શું આપણો નવજાગરણનો કાળ આવશે ખરો?
શું તેમને અને તેમના પરિવારને બંધારણની કલમ 21 હેઠળ જીવવાના મૂળભૂત અધિકારની ગેરંટી નથી મળી કે તેમને આ રીતે આશ્રય સ્થાનોમાં ગુનેગારોની જેમ કેદ કરી રાખવામાં આવી રહ્યાં છે? શું પરિવાર સાથે રહેવું એ માનવ અધિકારનો ભાગ નથી, એવો સવાલ આપણે ઉઠાવશું? તેમને અમાનવીય સ્થિતિમાં કેદ કરીને રાખવામાં આવ્યાં છે, તેથી બંધારણની કલમ 19 હેઠળ અપાયેલા મૂળભૂત અધિકારની હાંસી ઊડી છે. આ અધિકાર હેઠળ તેઓ ભારતના કોઇ પણ ભાગમાં રહેવા અને ભારતભરમાં ક્યાં ય પણ અવરજવર માટે સ્વતંત્ર છે. એ સાચું કે સરકારે મહામારી જેવા સંજોગોમાં નિયંત્રણો લાદવાં પડે, પરંતુ કોઈ તૈયારી કે વિચાર વિના આવું પગલું ભરાય ખરું? શું તેમને આશ્રયસ્થાનોમાં ટેસ્ટિંગ કરીને નેગેટિવ જણાય તો વતન પાછા મોકલવાની વ્યવસ્થા ના થવી જોઇએ? જમાલોનું પોસ્ટમોર્ટમ કરાતાં ખબર પડી કે તે કોવિડ-19 નેગેટિવ હતી, પરંતુ સામાન્ય મીઠાની ઉણપના કારણે તેનું મોત નીપજ્યું હતું.
જો રાજસ્થાનના કોટાથી દસ હજાર વિદ્યાર્થીઓને બસમાં યુ.પી. લઇ જઇ શકાતા હોય, તો સરકાર વિસ્થાપિત કામદારોને પણ લઘુતમ સગવડો સાથે તબક્કાવાર તેમના મૂળ વતન પાછા મોકલવાની વ્યવસ્થા કરી જ શકે તેમ હતી. જો તેવું થયું હોત તો લૉક ડાઉન બાદ માંદી પડેલી ઇકોનૉમીમાં તત્કાળ પ્રાણ પુરવા તેમને પાછા બોલાવવાનું પણ વધારે સરળ બન્યું હોત. હવે આ કામદારોને પાછા બોલાવવાનું કેટલું અઘરું સાબિત થવાનું છે તેની સહેજે કલ્પના કરી શકાય. શું વિદ્યાર્થીઓ માટે બસોની વ્યવસ્થા ગોઠવવાનું અને આ કામદારોને એવી કોઈ સગવડ નહીં આપવાનું સરકારનું પગલું વર્ગભેદ અને વર્ગસંઘર્ષની સાબિતી નથી આપતું? શું તે બંધારણની કલમ 14 હેઠળ અપાયેલા સમાનતાના અધિકારનો ભંગ નથી?
મહામારીને કારણે ફસાયેલા માઇગ્રન્ટ શ્રમિકોને એકબાજુ સામાજિક આભડછેટ અને બીજી તરફ સોશિયલ ડિસ્ટન્સિંગ એમ બંને બાજુએથી માર વેઠવો પડી રહ્યો છે. આપણે આ શ્રમિકોને તેમની ઝૂંપડાંની વસાહતોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની સુફિયાણી સલાહો આપીએ તે કેટલું મૂર્ખાઈ ભરેલું છે. ટી.વી. ચેનલો પર આરોગ્ય નિષ્ણાતો રોગપ્રતિકારક શક્તિ વધારવાનાં ફીફાં ખાંડે છે પરંતુ લૉક ડાઉનમાં અપાતાં નજીવાં રાશન કે માત્ર 500 રૂપિયાની સહાયથી આ શ્રમિકો કેવી રીતે રોગપ્રતિકારક શક્તિ જાળવી શકે તે એક સવાલ છે. આ મહામારી કોઈ વર્ગ વચ્ચે ભેદ કરતી નથી. તે પણ માણસો છે. આપણને તેમનાથી અને તેમને આપણાથી ચેપ લાગી શકે છે. આપણું સમગ્ર સામાજિક આર્થિક માળખું આ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કેટલા સમય માટે ટકી શકશે?
જ્યાં મોટી સંખ્યામાં શ્રમિકો રહે છે તેવા ધારાવી જેવા વિસ્તારમાં કોવિડ-19ના કેસો વધી રહ્યાનો કકળાટ આપણે કરીએ છીએ, પરંતુ શું આપણે સાબરમતી રિવરફ્રન્ટ કે વારાણસીના ઘાટને યુરોપિયન શૈલીથી સૌંદર્યમંડિત કરતી કે પછી નવી દિલ્હીમાં રૂપિયા વીસ કરોડના ખર્ચે સેન્ટ્રલ વિસ્ટાની મંજૂરી આપનારા આપણા નેતાઓને ક્યારે ય સવાલ કર્યા છે ખરા? શું આપણે આપણા નેતાઓને આ શ્રમિકો સાથે માનવીય વ્યવહાર કરવા અને ધારાવી જેવા સ્લમ વિસ્તારો નાબૂદ કરવાની ફરજ ન પાડી શકીએ? પરંતુ તેવા સવાલ ઉઠાવવાને બદલે આપણે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના ચાળા પેશ કરવાની તક આપવા માટે, જંગી ખર્ચે મેગા ઇવેન્ટ યોજવા બદલ આ નેતાઓની પ્રશંસા કરીએ છીએ. એ ઇવેન્ટ જેમાં આપણી ગરીબીની શરમને ઢાંકવા માટે દિવાલો ખડી કરી દેવામાં આવી હતી આ ઇવેન્ટ પછી ટ્રમ્પ આપણી પાસેથી કરોડો ડોલરના શસ્ત્ર સોદા ગજવે લઇ રવાના થયા હતા.
જો આપણે ગુલાગ પ્રજાસત્તાકને છોડીને ખરા અર્થમાં લોકશાહી પ્રજાસત્તાક અપનાવવા માગતા હોઈએ તો ગુલાગ પ્રજાસત્તાક કેવી રીતે પેદા થયું તેનો અભ્યાસ કરાવવો જોઇએ. આપણને આઝાદીકાળથી જ એવું સમજાવાયું છે કે ઉચ્ચ વર્ગના અને ઉચ્ચ જ્ઞાતિઓના લોકો જ આપણા ભાગ્યવિધાતા છે. સ્વતંત્રતા આંદોલનમાં આપવામાં આવેલાં લોકશાહી સુધારાનાં તમામ વચનોને આ લોકોએ નિષ્ફળ બનાવી દીધાં. લાખો માઇગ્રન્ટ શ્રમિકો વાસ્તવમાં અધૂરા રહી ગયેલા જમીનસુધારાની નીપજ છે. તે ખેતીથી વિખૂટા પડી ગયા કારણ કે વેપારધંધાની શરતો એવી રીતે નક્કી થઇ કે કૃષિમાંથી પેદા થતી ઊપજનો મોટો હિસ્સો ઉદ્યોગોને મળી જાય. પછાત વર્ગોને અધિકારોથી વંચિત રખાયા અને લઘુમતીઓ પર દમનના કોરડા વિંઝાયા, તેમાંથી પણ આ શ્રમિકો પેદા થયા છે. આ સમયગાળામાં સર્જાયેલી રાજકીય ભ્રષ્ટાચારની ધારાઓ હવે મોટી નદીઓમાં ફેરવાઇ ગઇ છે. ઉચ્ચ વર્ગ અને જાતિના લોકો આ રાજકીય ભ્રષ્ટાચારની સિસ્ટમને પોષી રહ્યા છે અને તેમના આશ્રિતો હવે વધુ બોલકા અને આક્રમક બનીને, ઉઘાડેછોગ મોબ લિંન્ચિંગનું સમર્થન કરી રહ્યા છે. આપણે ગુલાગ પ્રજાસત્તાકમાંથી ખરા અર્થમાંથી લોકશાહી પ્રજાસત્તાક રાષ્ટ્રમાં પરિવર્તત થવું હોય તો વર્તમાન સામાજિક આર્થિક માળખાંને તોડીફોડી નાખવું જોઈએ અને લોકશાહી સુધારા હાથ ધરવા જોઈએ. તેની શરૂઆત જમીનસુધારાથી થવી જોઈએ. કૃષિ તથા ઉદ્યોગો વચ્ચે થતા વેપારની શરતોને કૃષિની તરફેણમાં ફેરવવી જોઇએ. છેક 1960થી સોરાષ્ટ્ર જમીનસુધારા કાયદા હેઠળ પછાત વર્ગના લોકોને આપવાની થતી જમીન હજુ પણ તેમને વાસ્તવમાં ફાળવવામાં આવી નથી. તેને અડધી સદી કરતાં વધુ સમય પસાર થઇ ચૂક્યો છે અને આ જમીન લાખો એકરોમાં થવા જાય છે.
(સિનિયર ધારાશાસ્ત્રી, ગુજરાત હાઇકોર્ટ)
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 11 મે 2020