· હું મૂડની રાહ જોતી નથી. મૂડની રાહ જુઓ તો કંઈ થાય નહીં. મગજને ખબર હોવી જોઈએ કે એણે જમીન પર રહેવાનું છે.
· એક વાર “શું” સમજાઈ જાય તો “કેવી રીતે” હંમેશાં એને અનુસરે છે. પણ આપણે “શુંને સ્વીકારવા ને એનો સામનો કરવા તૈયાર નથી હોતા, પછી “કેવી રીતે”નો બહાના તરીકે ઉપયોગ કરીએ છીએ.
· એ લગ્ન સારાં નીવડે છે જે વ્યક્તિઓ, સંબંધો અને અભિવ્યક્તિમાં પરિવર્તન અને વિકાસને પૂરતો અવકાશ આપતાં હોય.
· સેવા સુંદર બાબત છે, પણ ત્યારે જ જ્યારે એ પૂરા મનથી અને સ્વતંત્ર બુદ્ધિપૂર્વક થતી હોય.
· ટ્રુથ ઈઝ ઑલ્વેઝ એક્સાઈટિંગ. સ્પીક ઈટ, ધેન. લાઈફ ઈઝ ડલ વિધાઉટ ઈટ.
— પર્લ બક
(જન્મ – 26 જૂન 1892)
1929માં, એક અમેરિકન સ્ત્રી, તેના ચીનના ઘરેથી, તેની અત્યંત નબળી દીકરીને ન્યૂ જર્સી ઈન્સ્ટિટ્યૂટમાં દાખલ કરવા આવી. આમ તેમથી ઉધાર લઈ ફીની રકમ તેણે ભેગી કરી હતી. વિયોગ દુ:ખદાયક હતો. પાછા આવ્યા પછી લાગતું, ઘર જાણે સન્નાટામાં ડૂબી ગયું છે. તેણે નક્કી કરી લીધું, ‘સમય આવી ગયો છે – હું લખીશ.’ તેણે લખ્યું અને એવું લખ્યું કે તેને માત્ર પુલિત્ઝર જ નહીં, નોબેલ ઈનામ પણ મળ્યું.
કોણ હતી આ લેખિકા ? તેણે એક ભારતીય ફિલ્મની પટકથા લખી હતી એમ કોઈ કહે તો માનવામાં આવે ખરું ? યાદ કરો 1965ની ફિલ્મ ‘ગાઈડ’ – તેના ‘ન સુખ હૈ, ન દુ:ખ હૈ, ન દીન હૈ, ન દુનિયા, ન ઈન્સાન, ન ભગવાન – સિર્ફ મૈં હૂં, મૈં હૂં; મૈં હૂં, સિર્ફ મૈં …’ આ સંવાદ સાથે અનેક સ્મૃતિઓ તાજી થયા વગર રહે નહીં, ખરું ને? ‘ગાઈડ’ની અમેરિકન આવૃત્તિ પણ બની હતી, જેનું દિગ્દર્શન પોલિશ-અમેરિકન ફિલ્મસર્જક ટેડ ડેનિયલેવસ્કીએ કર્યું હતું. એની પટકથા આ લેખિકાએ લખી હતી.
આ વિશ્વવિખ્યાત અમેરિકન લેખિકાનું નામ પર્લ બક. એમની સિદ્ધિઓ, એમની જિંદગી, એમની કારકિર્દીમાં ભરપૂરતા છે, અનોખાપણું છે, રોમાંચ છે. આજે એમના વિશે થોડી વાતો કરીશું કેમ કે આજથી 130 વર્ષ પહેલાં, 1892ની 26મી જૂને એમનો જન્મ થયો હતો.
પર્લ બક રસપ્રદ સમયમાં અને રસપ્રદ સ્થળોમાં જીવ્યાં. જન્મ તો વર્જિનિયામાં, પણ માતાપિતા ચીનના ઝેનઝિંગમાં મિશનરી હોવાને કારણે પર્લનો ઉછેર ચીની રિવાજો વચ્ચે ને ચીની આયા પાસે થયો. ચીનની સંસ્કૃતિ અને ચીનનું ગ્રામજીવન તેના અસ્તિત્વમાં વણાતાં ગયાં. અંગ્રેજી પહેલાં એ ચીની ભાષા શીખી. પુખ્ત વયે પણ એ ચીની ભાષામાં વિચારતી.
પિતાના મિશનરી તરીકેના કામને લીધે ચોરો, ભિખારીઓ, રોગીઓ, વ્યસનીઓ અને કુદરતી આફતોથી પીડાયેલાઓને નજીકથી જોયા. પરીકથાઓમાં આવતું હોય એવું, કંઈક કરુણતા અને કરુણાથી વીંટાયેલું એમનું બાળપણ હતું. એની પહેલાં જન્મેલાં બાળકો મરડો, કોલેરા, મલેરિયા વગેરેથી મૃત્યુ પામેલાં. ઘરની પાછળના બગીચામાં માટી ખોદતી પર્લને ઘણીવાર નાનકડાં હાડકાં મળી આવતાં.
પિતા એબ્સાલોમ સિડેન્સ્ટ્રિકર શહીદ મિજાજના મિશનરી હતા. આત્માઓનો ઉદ્ધાર કરવાની એમની ઊર્જા એટલી પ્રબળ હતી કે લોકોના ફિટકાર કે પથ્થરમારાની પરવા કર્યા વિના ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતા રહેતા. માનું મન પીડા અને ગુસ્સાની ધાર પર લટકતું. ઘરમાં પૈસાની તાણ રહેતી અને પતિને આવી ક્ષુલ્લક વાતમાં રસ પડતો નહીં. જેમ એ માનતો કે ચીનના ગામડિયા લોકો ‘માણસ’ નથી, તેમ એ એમ પણ માનતો કે સ્ત્રીઓને આત્મા હોતો નથી. આ બધા વચ્ચે ઉછરતી પર્લ, ચાર્લ્સ ડિકિન્સની નવલકથાઓનો આશ્રય લેતી. એંગ્લો-સેક્સન વિશ્વ સાથે આમ એનું જોડાણ બંધાયું અને મજબૂત થતું ગયું. 10 વર્ષની ઉંમરે એણે નક્કી કરી લીધું હતું, ‘હું નવલકથાઓ લખીશ.’ ચીની મહાકાવ્યો અને પશ્ચિમી માપદંડો આ સોનેરી વાળ અને ભૂરી આંખોવાળી છોકરીને ઘડતાં હતાં.
16ની ઉંમરે એ અમેરિકા ભણવા ગઈ અને વર્જિનિયાની વિમેન્સ કૉલેજમાં દાખલ થઈ. વાળ ઓળવાની એશિયન શૈલીથી માંડી પીઠ પરથી લબડતા જેકેટ સુધીની તેની દરેક ચીજ મજાકને પાત્ર બનતી. ભણવા કરતાં સ્વયંસેવક તરીકે નિવૃત્ત વેશ્યાઓને ભણાવવામાં એને રાહત મળતી.
1917માં એ ચીન પાછી ફરી. અમેરિકન એગ્રીકલ્ચરલ ઈકોનોમિસ્ટ જહોન લોસિંગ બક સાથે તેનાં લગ્ન થયાં. પતિ સાથે એ ચીનના અંતરિયાળ વિસ્તારોમાં ફરી. ત્યાંના લોકોએ શ્વેત સ્ત્રી પહેલીવાર જોઈ હતી. તેઓ ટોળે વળતાં. તેના કમરામાં ડોકાં કાઢતાં. આ અનુભવોએ જ ‘ધ ગૂડ અર્થ’ની પશ્ચાદભૂમિકા આપી.
1927માં ચીનમાં આંતરવિગ્રહ ફાટી નીકળ્યો એ પહેલા પર્લ બકે એક નવલકથા લખી નાખી હતી. કૉમ્યુનિસ્ટોએ એમના ઘર પર છાપો માર્યો એની દસ મિનિટ પહેલાં જ પર્લ એ ઘર છોડી નીકળી ગયેલાં. નવલકથાની પ્રત અન્ય ચીજો સાથે બળી ગઈ. અમેરિકાના એક યુદ્ધજહાજમાં તેઓ જાપાન ચાલ્યાં ગયાં. એક વર્ષ બાદ પાછા ચીન આવી શક્યાં.
‘ધ ગૂડ અર્થ’ અમેરિકામાં પ્રગટ થઈ, પણ ચીનમાં એના પર પ્રતિબંધ મુકાયો. અમેરિકાએ પર્લ બક પર કોમ્યુનિસ્ટ હોવાનો આરોપ મૂક્યો ને કૉમ્યુનિસ્ટ ચીને તેને ઈમ્પિરિયાલિસ્ટ ઠરાવી. ‘ટાઈમ’ મેગેઝીને એનો બહિષ્કાર કર્યો. ચીને તેના પાછા આવવા પર રોક લગાવી. પર્લે આ બધાનો સામનો કેવી રીતે કર્યો હશે? એ કહે છે, ‘જે યાદ રાખવા જેવું ન હોય એ ભૂલી જવાની ટેવ મેં પાડી છે.’
1932માં ‘ધ ગૂડ અર્થ’ને ‘પુલિત્ઝર પ્રાઇઝ’ એનાયત થયું. આ નવલકથામાં વાંગલંગ નામના ચીની ખેડૂતના જીવનનું આલેખન છે. ધરતીની મમતાના કારણે એ અને એની માયાળુ પત્ની અનેક વર્ષો સુધી સંઘર્ષ તથા કષ્ટ વેઠતાં રહે છે અને પછી શ્રીમંત બને છે. એમાં ચીનની કઠોર અને કપરી વાસ્તવિકતાઓનું સચોટ નિરુપણ હતું. ચીનને એની રહસ્યમયતા માટે રસપ્રદ માનનાર અમેરિકા માટે આ દૃષ્ટિકોણ નવો હતો. ‘ધ ગૂડ અર્થ’ ત્રણ નવલકથાઓની શ્રેણીમાંની પ્રથમ નવલકથા છે. તેનો ગુજરાતીમાં અનુવાદ ‘ધરતી’ નામે 1937માં નીરુભાઈ દેસાઈએ કર્યો છે.
શ્રેણીની બીજી નવલકથા ‘સન્સ’ 1933માં અને ત્રીજી નવલકથા ‘હાઉસ ડિવાઇડેડ’ 1935માં પ્રસિદ્ધ થઈ. 1938માં પર્લ બક નોબેલ પ્રાઇઝનાં વિજેતા બન્યાં. ચીનનાં લોકજીવનને સહાનુભૂતિપૂર્વક વર્ણવતાં એમનાં પુસ્તકોએ એમને ઘણો મોટો યશ અપાવ્યો. એશિયા અને પશ્ચિમની પ્રજાઓ એકમેકને વધારે સારી રીતે સમજી શકે એ પ્રકારનો અનુરોધ તથા એને પ્રેરતું આલેખન એમની કૃતિઓમાં મહદંશે જોવા મળે છે. 1935માં બકનાં લગ્ન તૂટ્યાં. એ જ વર્ષે તે એના પ્રકાશક રિચાર્ડ જૉન વૉલ્શના પ્રેમમાં પડી એને પરણી ગઈ.
1930માં પ્રગટ થયેલી પ્રથમ નવલકથા ‘ઈસ્ટ વિન્ડ ઍન્ડ વેસ્ટ વિન્ડ’થી માંડીને પર્લ બકે અન્ય 82 પુસ્તકો, સેંકડો નવલિકાઓ, નિબંધો અને માતાપિતાનાં જીવનચરિત્રો લખ્યાં છે. એમનાં લખાણોમાં સ્ત્રીઓના અધિકારોથી માંડી એશિયાની પરંપરાઓ, બાળકોને દત્તક લેવાં, મિશનરી કામ, યુદ્ધ અને હિંસા જેવા વિષયો છે. દૂર પૂર્વના પ્રદેશની ભૂમિકામાં છવાયેલી એમની અન્ય કૃતિઓ ‘ડ્રૅગન સીડ’ (1942), ‘ઇમ્પીરિયલ વુમન’ (1956) અને ‘લિવિંગ રીડ’ (1963) છે જ્યારે અમેરિકન પાર્શ્વભૂમિકામાં એમણે ‘જૉન સેજિઝ’ના નામે કેટલીક નવલકથાઓ લખી છે. આત્મકથનાત્મક સાહિત્યકૃતિઓમાં 1954માં પ્રસિદ્ધ થયેલી ‘માય સેવરલ વલ્ડર્ઝ’ અને 1964માં ‘એ બ્રિજ ફૉર પાસિંગ’ ગણનાત્મક સ્થાન ધરાવે છે.
તેના જીવનચરિત્રમાં વર્ણવાયું છે તેમ પર્લ બકને પોતાનું વજનદાર અને કંઈક વિષમય એવું ‘બેગેજ’ હતું, પણ એને ‘અનપેક’ કરવાનું તેણે વાચકોને સોંપી દીધેલું છે. ઉદ્ધત પતિ અને એની વાર્તાઓમાં આવતી વૈવાહિક બળાત્કારની ઘટનાઓ વચ્ચેનાં ટપકાં જોડવાં મુશ્કેલ નથી. બકનો રંગભેદ અને પિતૃસત્તાકતા પ્રત્યેનો વિદ્રોહ, કઠોર મિશનરી પિતા સામેના વિરોધની જ અભિવ્યક્તિ હતો. પોતાની અંદર ચાલેલા અજ્ઞાન અને વહેમો સામેના જંગે જ તેને બે એકબીજાને સમજી ન શકે તેવી સંસ્કૃતિઓ વચ્ચેનો પુલ બનવાની પ્રેરણા આપી હતી. જીવનનાં છેલ્લાં થોડાં વર્ષોમાં તેઓ અમેરિકામાં સ્ત્રીમુક્તિ અને રંગભેદમુક્ત દત્તક એજન્સીમાં ઘણાં સક્રિય હતાં.
‘હું મૂડની રાહ જોતી નથી.’ પર્લ બક કહેતાં, ‘મૂડની રાહ જુઓ તો કંઈ થાય નહીં. મગજને ખબર હોવી જોઈએ કે એણે જમીન પર રહેવાનું છે.’ ‘એક વાર “શું” સમજાઈ જાય તો “કેવી રીતે” હંમેશાં એને અનુસરે છે. પણ આપણે “શું”ને સ્વીકારવા ને એનો સામનો કરવા તૈયાર નથી હોતા, પછી “કેવી રીતે”નો બહાના તરીકે ઉપયોગ કરીએ છીએ.’ ‘એ લગ્ન સારાં નીવડે છે જે વ્યક્તિઓ, સંબંધો અને અભિવ્યક્તિમાં પરિવર્તન અને વિકાસને પૂરતો અવકાશ આપતાં હોય.’ ‘સેવા સુંદર બાબત છે, પણ ત્યારે જ જ્યારે એ પૂરા મનથી અને સ્વતંત્ર બુદ્ધિથી થતી હોય.’
ઘણું બધું સુંદર કહ્યું છે પર્લ બકે, પણ મને જે સૌથી વધુ ગમ્યું તે આ : ‘ટ્રુથ ઈઝ ઑલ્વેઝ એક્સાઈટિંગ. સ્પીક ઈટ, ધેન. લાઈફ ઈઝ ડલ વિધાઉટ ઈટ.’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 26 જૂન 2022