જન્મની સાથે જડી આવેલા ઘર “પ્રકાશ”ની બાજુમાં આવેલા મામીના બંગલે ગોપાલ મહારાજ અને ઘરઘાટી ભીમજીભાઈના પ્રેમભર્યા હાથે ઓવર ઇટિંગ કર્યા પછી, કૂતરાઓનું વિરામસ્થળ તે તસ્વીરમાં દેખાતી ઘરની બારીઓ, જે આઈસ-પાઈસ રમતાં છૂપાવાની અમારી બાળમંડળીની એંશીના દાયકાની જગ્યા.
આખો દિવસ ખાઈ પીને પડ્યા રહેતા કૂતરાઓને જોઈ ઘરના નોકર રણવીરને કૂતરાઓની ભારે ઈર્ષા થતી. સવારના અમારા ઘરનું બધું કામ પતાવીને દસ વાગે રણુ (રણવીર) ગુજરાત કૉલેજ પાસે હૉટલ કનકમાં પહોંચી જતો. સાંજે છ વાગે હૉટલ કનકની નોકરીમાંથી છૂટીને સાત વાગતામાં તો ચોઈસ રેસ્ટોરન્ટની નોકરીમાં હાજર. તે છેક રાતના બાર –સાડાબાર સુધી ચાલે એની રોટલાની દોડાદોડ. થાકીને લોથ રણવીર ઓટલા માટે ઘરે પાછો ફરે ત્યારે તેના ગાદલાંમાં ત્રીજી ચોથી પેઢીનાં કૂતરાં આળોટતાં હોય. બિચારો અડધી રાત્રે ગુસ્સો પણ કોની પર કાઢે?
ચોઈસમાં આવતાં ઘણાં કૉલેજિયનોની વર્તણૂકથી અકળાઈને તે ક્યારેક તેમને કૂતરાની ઉપમા પણ આપી બેસતો, તો ક્યારેક હાથમાં સાવરણી રમાડતો રમાડતો બબડતો બિલ ચૂકવ્યા વગર કાર દોડાવતા લોકો પાછળ તો કૂતરાની જેમ પડવું પડે. મચ્છરને મારતી વખતે પણ તેની જીભે મજાનાં સુવાક્યો રમતા હોય ! રણવીરના એક અવલોકન પ્રમાણે આ પ્રકાશભાઈને જ્યારે પણ કોઈ મળવા આવે છે (પપ્પા મોટે ભાગે સવારના મિત્રો સાથે ઘરના ઓટલે જ બેઠક માંડતા) ત્યારે અચૂક લાલ કૂતરું બારીની તેની કાયમી બેઠક છોડીને ઓટલે આવીને ગોઠવાઈ જાય છે અને ધ્યાનથી બધી વાતો સાંભળે છે. બહુ હોશિયાર થશે.
નવરા દેખાતા કૂતરાઓ ધીરે ધીરે પ્રગતિ કરી બિલાડીની પેઠે બારીમાથી અંદર આવવાની કળા શીખી ગયેલા. ઉનાળાની ગરમીથી બચવા કેટલાંક કૂતરાંઓ ક્યારામાં ખાડા ખોદીને સંતોષ મેળવે તો કેટલાંક ઠંડકની શોધમાં છાના–માના દાદરો ચઢી ઉપરના રૂમમાં છૂપાઈ જાય.
એક વખત દીકરી અમૃતા ભાંખોડિયા ભરતી–ભરતી બરાબર દાદરાની વચ્ચોવચ આવેલા પગથિયે પહોંચી તે જ વખતે બપોર આખી ઉપરના રૂમમાં છૂપાઈને બેઠેલું કૂતરું પગથિયાં કૂદતું –કૂદતું નીચે આવી રહ્યું હતું, બરાબર મધ્યના પગથિયે બંને સામસામા. રસોડામાંથી કામ કરતાં–કરતાં મારી નજર ત્યાં પડી, કંઈક ખ્યાલ આવે તે પહેલાં જ પેલી સમજુ બકરીઓની જેમ દીકરીએ અને કૂતરાએ બંનેએ પોતપોતાનો રસ્તો કરી લીધો હતો. કૂતરું ચૂપચાપ સીડી ઊતરીને પાછળના દરવાજેથી બહાર જતું રહ્યું અને દીકરી ઘૂંટણીયે ઘૂંટણીયે દાદરો ચઢી ગયેલી.
1995માં બહેન ઋતા અમેરિકા સ્થાયી થઈ ત્યારે ઈમેલ, ફેક્સ જેવા શબ્દોથી પરિચિત લોકો ઘણા ઓછા. 1-2 મિત્રોને મોઢે ગૌરવપૂર્વક સાંભળેલું કે તે ઈમેલ ઓપરેટરની નોકરી કરે છે. મિનિટના 110 રૂપિયાના આઇ.એસ.ડી. કોલનો એ જમાનો. ઈમેલ આવતાં-જતાં પણ સહેજે સાત-આઠ કલાક થતાં તે વર્ષોમાં. લોકલ ફોન વખતે અચૂક પોતાની હાજરી પૂરાવતાં કૂતરાઓની એસ.ટી.ડી. – આઈ.એસ.ડી. કોલ વખતે સક્રિયતા વિશેષ હોય. આ કૂતરાઓ ઋતા જ્યારે અમદાવાદ આવે ત્યારે તેને ઘરમાં પેસવા જ ના દે. ટી.વી.માં અગત્યના સમાચાર કે સિરિયલના સંવાદ વખતે ચૂપ રહે તે કૂતરાં જ શાના કહેવાય? પોલિટિકલ ડિબેટ વખતે મને પણ સાંભળોનો તેમનો અભિગમ અવશ્ય જોવા મળે. શિયાળામાં તાર પર સૂક્વેલાં કપડાં ખેંચી કાઢી તેમાથી હૂંફ શોધતા હોય. એક-બે વખત કૂતરાં પકડવાની ગાડી પણ આવી હતી, તે જ કૂતરાઓ બે-ચાર દિવસમાં ગલી શોધતાં પિયર પાછા ફરેલાં.
સૌજન્ય : રીતિબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર