કૃષ્ણના વ્યક્તિત્વમાં જીવનની સમગ્રતાની પૂર્ણ સ્વીકૃતિ છે. પ્રેમ હોય કે દુષ્ટતા, કૃષ્ણ કશાથી ભાગતા નથી. વિષ ઓકતા કાલીનાગને પરાજિત કરી કૃષ્ણ તેની ફેણ પર નાચ્યા છે. પ્રપંચો અને યુદ્ધોથી તેમની કરુણા ખરડાતી નથી. બંધનો વચ્ચે પણ તેઓ મુક્ત છે. તેમની ખેવનામાં અનાસક્તિ અને નિસબતમાં અ–લિપ્તતા છે. એથી જ તેઓ અંશાવતાર નથી, પૂર્ણાવતાર છે
ભારતના તેત્રીસ કરોડ દેવતાઓમાં કૃષ્ણનું સ્થાન અનન્ય છે. બાલકૃષ્ણથી માંડી યોગેશ્વર કૃષ્ણ સુધીના તેમનાં વિધવિધ રૂપો માણસનાં પ્રેમ, બુદ્ધિ, સર્જનશીલતા, જીવનપ્રેમ અને શ્રદ્ધાને જુદી જુદી રીતે અપીલ કરે છે; પોતાના ક્ષેત્ર અને સંજોગોને સમજવા અને તેનાથી ઉપર ઊઠવા પ્રેરે છે. છતાં એક તબક્કે અનુભવાય છે કે કૃષ્ણની ભક્તિ સરળ છે, કૃષ્ણને ચાહવા સહેલા છે, કૃષ્ણને સમર્પિત થવામાં મુશ્કેલી નથી – પણ કૃષ્ણને સમજવા મુશ્કેલ છે.
ઓશોના પુસ્તક ‘ક્રિષ્ના : ધ મેન એન્ડ હિઝ ફિલોસોફી’માંથી પસાર થઈએ ત્યારે આવા વિચાર આવ્યા વિના ન રહે. કૃષ્ણ એટલે જીવનનો પૂર્ણ સ્વીકાર. કૃષ્ણ શાંતિના એવા પૂજારી છે જે અશાંતિની વચ્ચે, યુદ્ધની વચ્ચે પણ શાંતિમાં રહી શકે છે. પ્રેમ આપે છે, પામે છે પણ બાંધતા-બંધાતા નથી. સંબંધોનાં આટાપાટા વચ્ચે અલિપ્ત અને નિર્મળ રહે છે. તેઓ સંવેદનશીલ છે, છતાં અનાસક્ત છે. કાળનાં બળોએ તેમણે ઘેર્યા છે, પણ તેમની જ્યોત દુષ્ટતા અને ક્રૂરતાના વાવાઝોડા વચ્ચે પણ શાંત અને સ્થિર પ્રકાશે છે. ગીતાના કૃષ્ણ પોતે યુદ્ધમાં ભાગ નથી લેવાના એ નક્કી છે, પણ અર્જુનને યુદ્ધ કરવાનું કહે છે – ‘યુદ્ધ કર, પણ સમર્પિત ભાવથી લડ. તું નિમિત્ત છે એ ભૂલ્યા વિના લડ.’ સમર્પણ શબ્દ ખૂબ ઊંડો છે. સમર્પણ પૂર્ણ જાગૃત અવસ્થામાં અને અહંકારના પૂર્ણ વિસર્જન સાથે જ થઈ શકે. કૃષ્ણને આ સમર્પણ અભિપ્રેત છે. એથી જ એ કહે છે ‘સમર્પિત થા’ ત્યારે એ શબ્દ એક જુદા પ્રકાશ સાથે મનમાં ઊઘડે છે.
અર્જુન દલીલ કરે છે. ફરીફરીને, નવી નવી રીતે દલીલ કરે છે. એક વાર કહે છે, ‘સ્વજનોને કેવી રીતે મારું?’ પછી કહે છે, ‘આ બધા નિર્દોષ લોકોને કઈ રીતે હણી શકું?’ વળી કહે છે, ‘રાજ્ય માટે આટલી બધી હિંસા?’ અને છેલ્લે ‘આના કરતાં તો સંન્યાસ લઈ જંગલમાં ચાલ્યા જવું સારું.’ દલીલો ખોટી નથી. પણ કૃષ્ણ બેધડક કહે છે, ‘આ બધો બકવાસ છોડ. તને એમ છે કે બધું તું નક્કી કરે છે? તું તો નિમિત્ત છે. ઈશ્વરને જે કરવું છે તેનું તું માધ્યમ છે. તેને તારા દ્વારા યોદ્ધા થવું હોય તો એમ ન કરવા દેનારો તું કોણ છે?…’
ઓશો કહે છે, ‘કૃષ્ણ સાધક નથી, સિદ્ધ છે. સિદ્ધ અવસ્થાના શિખર પરથી એમણે પોતાના માટે જે કહ્યું છે તેમાં કોઈને દર્પ દેખાય. પણ એમ નથી. ખરું જોતાં તેઓ જ્યારે ‘હું’ શબ્દ વાપરે છે ત્યારે ‘હું’નો અર્થ બદલાઈ જાય છે. આપણો ‘હું’ એટલે શરીરમાં કેદ થયેલી ને શરીર સુધી માંડ ચાલતી સત્તા. પણ કૃષ્ણનો ‘હું’ પોતાનામાં આખું બ્રહ્માંડ છે. એટલે જ તેઓ અર્જુનને બિલકુલ સંકોચ વગર કહી શકે છે કે ‘સર્વ ધર્માન્ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ’ બધું છોડીને મારા શરણે આવ. જો એ ‘હું’ મારાતમારાવાળો ‘હું’ હોત તો ન એમનાથી ન આવું કહેવાત, ન અર્જુન પર એની અસર થાત. અર્જુન તો પ્રતિભાશાળી હતો, મહાયોદ્ધા હતો. એ સામું કહેત, ‘ભાઈ, હું કયા દુ:ખે તારા કે કોઈના શરણે જાઉં?’ પણ એ તો કહે છે, ‘કરિષ્યે વચનં તવ: – તમે જે કહેશો તે કરીશ.’ આ જાદુ થયું, કારણ કે કૃષ્ણનો ‘હું’ અહંકારના હુંકારથી સર્વથા મુક્ત છે. તેઓ જ્યારે કહે છે કે ‘મામેકં શરણં વ્રજ’ ‘મારા શરણમાં આવ.’ એનો અર્થ થાય છે, ‘પૂર્ણને, શાશ્વતને, બ્રહ્માંડની અસીમ ઊર્જાને સમર્પિત થા.’
ઈશ્વરના અન્ય અવતારો પણ અહંકારથી સર્વથા મુક્ત છે, પણ આ મુક્તિ એમને કઠોર અને લાંબી સાધના પછી મળી છે. એમના ભક્તોને એ મળવાનો સંભવ ઘણો ઓછો છે, કેમ કે આ મુક્તિ એમના માર્ગના છેડે આવેલી છે. ત્યાં સુધી એમના ભક્તો પહોંચે કે નહીં એ મોટો સવાલ છે. કૃષ્ણમાં અહંકારમુક્તિ સૌથી પહેલા આવે છે. કૃષ્ણ સાથે ચાલવું હોય તો અહમ્નું મહત્માં વિગલન કરવું પડે. જો એમાં નિષ્ફળ ગયા તો કૃષ્ણ સાથે જઈ શકાય નહીં.
ઓશો કહે છે, કૃષ્ણને હજાર રીતે વર્ણવી શકાય. પણ તેઓ એ દરેક વર્ણનથી પર છે. ઓશો કૃષ્ણને ફિલોસોફિકલ સ્તરે વર્ણવે છે. કૃષ્ણ ઐતિહાસિક છે કે નહીં એની ચર્ચામાં ઓશો સમય બગાડતા નથી. ‘એનાથી શો ફરક પડે છે? જ્યારે જન્મ્યા હોય કે ન પણ જન્મ્યા હોય, કૃષ્ણ શાશ્વત અને દરેક સમય અને પરિસ્થિતિમા સત્ય છે.’ ઓશોના મતે કૃષ્ણ જીવનનો ઉત્સવ માણનાર છે. એમની બંસરી જીવનના લયનું પ્રતીક છે. કૃષ્ણ નગ્નતા અને વસ્ત્રો એટલે કે મૂળ તત્ત્વ અને આવરણો બંનેને સાથે જુએ છે. કહે છે, કોઈને નહીં, પોતાને અનુસરો. કર્મ અને કર્તવ્યનાં રહસ્યો સમજો. અનાસક્તિનો અર્થ અસંવેદનશીલતા નથી અને જેને જીતવું નથી, અંતે એ એકલો જ જીતે છે.
જગતના બધા ધર્મો અને બધા ઈશ્વર ગંભીર છે, કૃષ્ણ આનંદ અને પ્રેમનો આવિષ્કાર છે. ઓશોએ કહ્યું છે, ‘તુમ અગર ખુશ રહોગે તો તુમ્હારે ભીતર કા પરમાત્મા ભી ખુશ રહેગા. તુમ અગર દુ:ખી રહોગે તો તુમ્હારે ભીતર કા પરમાત્મા ભી દુ:ખી રહેગા. તુમ અગર ભયભીત રહોગે તો તુમ્હારે ભીતર કા પરમાત્મા ભી ભયભીત રહેગા. ઈસી લિયે મૈં કહતા હૂં કિ હર ક્ષણ, હર હાલ મેં ખુશ રહો ક્યોં કિ તુમ્હારે ભીતર કા પરમાત્મા ભી યહી ચાહતા હૈ.’
ઓશો કહે છે, કૃષ્ણ થયા છે ભલે અતીતમાં, પણ તેઓ છે ભવિષ્યના. વર્તમાન તેની તમામ સિદ્ધિઓ અને તંત્રજ્ઞાન સાથે પણ કૃષ્ણને પૂરા સમજી શક્યો નથી. કારણ કૃષ્ણ એકમાત્ર એવા વ્યક્તિ છે જે ધર્મની પરમ ઉચ્ચતા અને પરમ ઊંડાણ હોવા છતાં ગંભીર, ઉદાસ, દુ:ખી નથી. તેઓ હસ્યા છે, નાચ્યા છે. તેમણે પ્રેમ કર્યો છે. તેમનું જીવન ‘ચરિત્ર’ નથી, ‘લીલા’ છે. આપણા દુ:ખવાદી ધર્મો અને દુ:ખપ્રેમી મન દુ:ખનું એક માહાત્મ્ય સ્થાપીને એમાં રાચે છે. ધર્મોએ જીવનને સ્વીકાર્ય અને અસ્વીકાર્ય એમ બે ભાગમાં વહેંચી નાખ્યું છે. પસંદ કરી લેવા તત્પર માણસને શુભ જોઈએ છે, અશુભ નહીં. સ્વર્ગ મેળવવું છે, નર્ક નહીં. શાંતિ પ્રાપ્ત કરવી છે, સંઘર્ષથી બચવું છે. પ્રેમ સ્વીકારવો છે, નફરત નહીં. સુખની હા છે, દુ:ખની ના. જીવનમાં પ્રકાશ જ રહેવો જોઈએ, અંધકાર નહીં. આવી પસંદગી શક્ય હોત તો દુનિયા આટલી વિષમતાઓથી ભરેલી ન હોત; શુભ, શાંત, પેમપૂર્ણ અને સ્વર્ગીય હોત. જીવનને બે ભાગમાં વહેંચીને એકનો સ્વીકાર અને બીજાનો ઈનકાર કરીએ છીએ દ્વૈત અને દ્વંદ્વ જન્મે છે. તેનાથી બચવા આપણે ધર્મોને શરણે જઈએ છીએ, પણ દ્વંદ્વ તો ત્યાં ય છે. એક તરફ છે કહેવાતા મહાત્માઓની કપટલીલા અને બીજી તરફ છે બાજુ કઠોર, નિષેધાત્મક દમન.
કૃષ્ણના વ્યક્તિત્વમાં જીવનની સમગ્રતાની પૂર્ણ સ્વીકૃતિ છે. પ્રેમ હોય કે દુષ્ટતા, કૃષ્ણ કશાથી ભાગતા નથી. વિષ ઓકતા કાલીનાગને પરાજિત કરી કૃષ્ણ તેની ફેણ પર નાચ્યા છે. પ્રપંચો અને યુદ્ધોથી તેમની કરુણા ખરડાતી નથી. બંધનો વચ્ચે પણ તેઓ મુક્ત છે. તેમની ખેવનામાં અનાસક્તિ અને નિસબતમાં અ-લિપ્તતા છે. એથી જ તેઓ અંશાવતાર નથી, પૂર્ણાવતાર છે.
વૃક્ષ જેમ ઊંચું, તેમ તેનાં મૂળ ઊંડાં. કૃષ્ણને સમજવા માટે અસ્તિત્વનાં વ્યાપ, ઊંચાઈ અને ગહનતા સુધી જવું પડે. જેટલી ને જેવી આપણી પહોંચ, તેટલી ને તેવી આપણી પ્રાપ્તિ.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 25 ઑગસ્ટ 2024