ઓ.ટી.ટી. પ્લેટફોર્મ એમ એક્સ પ્લેયર પર ‘નામ થા કન્હૈયાલાલ’ નામની એક ડોક્યુમેન્ટરી રિલીઝ થઇ છે. તમે આજના જમાનાના કોઈ સિનેમાપ્રેમીને પૂછો કે અભિનેતા કન્હૈયાલાલ સાંભળ્યું છે? તો શકય છે કે દસમાંથી નવ લોકો વળતો સવાલ કરે કે એ વળી કોણ? તમે જો તેમને મહેબૂબ ખાન સર્જિત નરગીસની ‘મધર ઇન્ડિયા’ના દુષ્ટ વ્યાજખોર સુખીલાલાની યાદ અપાવો, તો શક્ય છે કે તેમને કન્હૈયાલાલ યાદ આવી જાય.
લગભગ 50 વર્ષ સુધી, દિલીપ કુમાર, દેવ આનંદ, અશોક કુમાર, મનોજ કુમાર, સુનીલ દત્ત, રાજેન્દ્ર કુમાર, રાજેશ ખન્ના, ધર્મેન્દ્ર, જીતેન્દ્ર, અમિતાભ બચ્ચન જેવા ટોપ સ્ટાર્સ સાથે કામ કરનારા કન્હૈયાલાલનું નામ એવા કલાકારોમાં સામેલ છે, જેમણે તેમના પરફોર્મન્સથી સિનેમા પ્રેમીઓને પ્રભાવિત તો ખૂબ કર્યા હતા, પણ કમનસીબે બહુ ઝડપથી ગુમનામીની ખીણમાં ખોવાઈ ગયા. નિર્દેશક પવન કુમારે આવા કન્હૈયાલાલને પાછા બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે. ડોક્યુમેન્ટરીમાં, અમિતાભ બચ્ચન, નસીરુદ્દીન શાહ, બોમન ઈરાની, બોની કપૂર, જાવેદ અખ્તર, રણધીર કપૂર, સલીમ ખાન, અનુપમ ખેર, જોની લીવર, પંકજ ત્રિપાઠી, બિરબલ, પેન્ટલ જેવા કલાકારોએ પોતપોતાની રીતે કન્હૈયાલાલને યાદ કર્યા છે.
કોણ હતા કન્હૈયાલાલ? આખું નામ કન્હૈયાલાલ ચતુર્વેદી. જન્મ 1910માં વારાણસી. તેમના પિતા, પંડિત ભૈરોદત્ત ચૌબે ત્યાં સનાતન ધર્મ નાટક સમાજ નામની નાટક મંડળી ચલાવતા હતા. એ મંડળી અલગ-અલગ શહેરોમાં નાટકો લઈને જતી હતી. 9 વર્ષના કન્હૈયાલાલને એમાં મજા પડી અને ભણવા-બણવાનું છોડીને પિતા સાથે જોડાઈ ગયા. એમનો મૂળ શોખ લખવાનો હતો (અને એટલે જ મુંબઈના હિન્દી ફિલ્મ જગતમાં આવ્યા હતા), પણ પિતાનું અવસાન થયું એટલે નાટક મંડળી જાતે ચલાવાનું શરૂ કર્યું.
તેમના મોટા ભાઈ પંડિત સંકટપ્રસાદ ત્યાં સુધીમાં મુંબઈ સ્થાયી થયા હતા અને મૂંગી ફિલ્મોમાં કામ કરતા થયા હતા. વારાણસીમાં નાટક મંડળીનો શક્કરવાર વળતો નહતો, એટલે મોટાભાઈ અને માના કહેવાથી કન્હૈયાલાલ મુંબઈ આવ્યા. મુંબઈમાં એ અભિનય કરવા આવ્યા નહોતા. તેમણે વિચાર્યું હતું કે મુંબઈમાં નાટકો-ફિલ્મો લખીને પૈસા કમાઈશું. ડોક્યુમેન્ટરીમાં તો એવો ઈશારો છે કે મોટાભાઈ ક્યાં ગયા છે તે શોધવા માટે માએ કન્હૈયાલાલને મુંબઈ મોકલ્યા હતા અને તેઓ ખુદ મુંબઈના થઇને રહી ગયા.
ફિલ્મોમાં તેમની શરૂઆતને લઈને બે-ત્રણ વાતો છે. એક વાત પ્રમાણે, અરદેશર ઈરાની, ચીમનલાલ દેસાઈ અને અંબાલાલ પટેલની સાગર મૂવીટોન ફિલ્મ કંપનીની ફિલ્મ ‘સાગર કા શેર’(1937)માં એક્સ્ટ્રા કલાકાર તરીકે પહેલીવાર કામ કર્યું હતું. એ ફિલ્મમાં મહેબૂબ ખાનની પણ એક નાનકડી ભૂમિકા હતી. પાછળથી મહેબૂબ ખાન કન્હૈયાલાલને ‘સુપરસ્ટાર વિલેન’ બનાવી દેવાના હતા. સાગર મૂવીટોનમાં તેમના ભાઈની ભલામણથી કન્હૈયાલાલને કામ મળ્યું હતું અને મહેનતાણામાં ૩૫ રૂપિયા મળતા હતા.
કંપનીની બીજી એક ફિલ્મ, આપણા લેખક કનૈયાલાલ મુન્શીની વાર્તા આધારિત ‘ઝૂલ બદન’ (1938) હતી. એમાં ફિલ્મના હિરો મોતીલાલ(દિલીપ કુમારની ‘દેવદાસ’માં ચુન્ની બાબુની ભૂમિકા માટે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો)ના પિતાની ભૂમિકા કરતો કલાકાર શુટિંગમાં ન આવ્યો એટલે મોતીલાલે સ્ટુડીઓમાં ‘રખડતા’ કન્હૈયાલાલને કહ્યું કે તું કેમેરા સામે ઊભો થઇ જા. મોતીલાલ કન્હૈયાલાલ કરતાં 11 દિવસ મોટા હતા અને 28 વર્ષના કન્હૈયાલાલે એ ફિલ્મમાં તેમના પિતાની ભૂમિકા કરી હતી! એ જ વર્ષે ‘ગ્રામોફોન સિંગર’ નામની બીજી એક ફિલ્મ આવી, જેમાં સુરેન્દ્ર નામનો હિરો હતો. એમાં પણ કન્હૈયાલાલની નાનકડી ભૂમિકા હતી.
1939માં, કંપનીની ત્રીજી ફિલ્મ ‘સાધના’ આવી. તેમાં (કાજોલની નાની) શોભના સમર્થ અને બિબો (ઇશરત સુલતાન, જે પાછળથી પાકિસ્તાનમાં જઈને એક્ટિંગ કરતી હતી) જેવી મોટી સ્ટાર હતી. એમાં, ચીમનલાલ દેસાઈએ કન્હૈયાલાલ પાસે સંવાદો લખાવ્યા હતા, પણ તેમને સંવાદો બોલતાં સાંભળીને દેસાઈએ ફિલ્મના હિરો પ્રેમ અદિબ(ગાંધીજીએ જોયેલી એક માત્ર ફિલ્મ ‘રામ રાજ્ય’માં એ રામ બન્યો હતો)ના દાદાની ભૂમિકા માટે કન્હૈયાલાલને ઊભા કરી દીધા. ફિલ્મ સફળ નીવડી.
આ ત્રણે ફિલ્મોમાં તેમની નોંધ લેવાઈ હતી, પણ જવાનજોધ કન્હૈયાલાલ હવે ‘ડોસા’ની ભૂમિકામાં બંધાઈ ગયા હતા. વર્ષો પછી એક ઇન્ટરવ્યૂમાં મજાક કરતાં કહ્યું હતું, “સાધનામાં તેમને પિતાને બદલે દાદાની ભૂમિકા કરવાનું પ્રમોશન મળ્યું હતું.”
એમાં બાકી હતું તે મહેબૂબ ખાને પૂરું કર્યું. પાછળથી બ્લોકબસ્ટર ફિલ્મો આપનારા મૂળ ગુજરાતી મહેબૂબ ખાને કન્હૈયાલાલમાં એક દુષ્ટ વિલેન જોયો હતો. 1939માં આવેલી તેમની ફિલ્મ “એક હી રસ્તા”માં તેમણે પહેલીવાર કન્હૈયાલાલને બાંકે નામના એક દલાલની ભૂમિકામાં લીધા હતા, જે ફિલ્મની હિરોઈન માલાનું અપહરણ કરીને એક ધનવાનને વેચી દે છે.
એ જ વર્ષે, સાગર મૂવીટોનનું શટર પડી ગયું. એના પાર્ટનર ચીમનલાલ દેસાઈએ નેશનલ સ્ટુડિયોના યુસુફ ફઝાભાઈ સાથે હાથ મિલાવ્યા. આ નેશનલ સ્ટુડિયોના સહકારથી મહેબૂબ ખાને 1940માં ‘ઔરત’ ફિલ્મ બનાવી હતી. તેમાં વ્યાજખોર સુખીલાલાની ભૂમિકામાં તેમણે કન્હૈયાલાલને લીધા હતા. 17 વર્ષ પછી, 1957માં મહેબૂબ ખાને હિન્દી સિનેમાની સૌથી મોટી હિટ ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ બનાવી હતી, તે આ ‘ઔરત’ની જ રીમેક હતી. તેમાં ઉર્દૂ નાટકોમાંથી આવેલી સરદાર અખ્તરે (જેની સાથે મહેબૂબ ખાને લગ્ન કર્યા હતાં) રાધાની ભૂમિકા કરી હતી, રામુની ભૂમિકા સુરેન્દ્રએ કરી હતી અને બીરજુની ભૂમિકા યાકુબે કરી હતી. ‘મધર ઇન્ડિયા’માં આ ભૂમિકાઓ અનુક્રમે નરગીસ, રાજેન્દ્ર કુમાર અને સુનીલ દત્તે કરી હતી.
‘મધર ઇન્ડિયા’માં મહેબૂબ ખાને ‘ઔરત’નો સ્કેલ મોટો કરી નાખ્યો હતો. વાર્તા, તેની ટ્રીટમેન્ટ, કલાકારો, લોકેશન્સ અને સિનેમેટોગ્રાફીની દૃષ્ટિએ ‘તોતિંગ’ (લાર્જર ધેન લાઈફ) ફિલ્મો બનાવાની પરંપરામાં ‘મધર ઇન્ડિયા’ લાઈનમાં પહેલી ઉભેલી ફિલ્મ છે.
કન્હૈયાલાલની અભિનય ક્ષમતાનો જ એ પુરાવો હતો કે મહેબૂબ ખાને ‘ઔરત’ના બધા એક્ટર્સમાંથી માત્ર કન્હૈયાલાલને ‘મધર ઇન્ડિયા’માં રિપીટ કર્યા હતા. ગરીબીમાં ભૂખ્યાં છોકરાંને મોટા કરતી અને ગામના દુષ્ટ વ્યાજખોરને વશ થયા વગર સુહાગની રક્ષા કરતી નરગીસ માટે ‘મધર ઇન્ડિયા’ માઈલ સ્ટોન સાબિત થઇ, તેમ કન્હૈયાલાલ માટે પહેલાં ‘ઔરત’ અને પછી ‘મધર ઇન્ડિયા’ ટર્નિંગ પોઈન્ટ બની ગઈ. એ જમાનામાં, જ્યારે જૂની ફિલ્મોની રીમેક બનતી ન હતી ત્યારે, મહેબૂબ ખાને આવું દુ:સાહસ પહેલીવાર કર્યું એટલું જ નહીં, તેના વિલેનને પણ એ જ ભૂમિકામાં લીધો.
આનું સંપૂર્ણ શ્રેય કન્હૈયાલાલને જાય છે. એ જમાનાના નો-નોનસેન્સ ફિલ્મ વિશ્લેષક બાબુરાવ પટેલે ‘ઔરત’ ફિલ્મમાં કન્હૈયાલાલના અભિનય માટે લખ્યું હતું કે, “વ્યાજખોર સુખીલાલાની ભૂમિકામાં દર્શકોમાં ઘૃણા પેદા કરવામાં કન્હૈયાલાલ સફળ રહ્યા છે.”
કન્હૈયાલાલે એમાં એવી જાન રેડી દીધી હતી કે મહેબૂબ ખાને ‘મધર ઇન્ડિયા’માં તેમને એ જ ભૂમિકામાં રિપીટ કર્યા અને કન્હૈયાલાલે પણ તેનો ફાયદો ઉઠાવીને સુખીલાલામાં ‘ચાર ચાંદ’ લગાવી દીધા. જેમ ગબ્બર સિંહ માટે ‘શોલે’ અને અમરીશ પૂરી માટે ‘મિસ્ટર ઇન્ડિયા’ કેરિયર-બેસ્ટ સાબિત થઇ હતી, તેવી રીતે કન્હૈયાલાલ માટે ‘મધર ઇન્ડિયા’ એક ઇતિહાસ સર્જી ગઈ. એ પછી જે પણ ફિલ્મો તેમને મળી, તે સૌમાં તેમને એક યા બીજી રીતે સુખીલાલા જેવી જ દુષ્ટતા બતાવાની હતી. એમની એ સફળતા જ તેમના માટે ગાળાનો ફંદો બની ગઈ. ફિલ્મ સર્જકો તેમને બીજી કોઈ ભૂમિકામાં જોવા તૈયાર જ ન હતા, એવો સુખીલાલાનો પ્રભાવ હતો.
એ પછી, 1967માં મનોજકુમારની ‘ઉપકાર’માં લાલા ધનીરામ, 1967માં દિલીપ કુમારની ‘રામ ઔર શ્યામ’માં મુનિમજી અને 1965માં મનોજ કુમારની ‘હિમાલય કી ગોદ મેં’માં ઘોઘર બાબાની ભૂમિકામાં કન્હૈયાલાલને દર્શકોએ બહુ વધાવ્યા હતા. 1981માં, સંજીવ કુમાર, શબાના, મિથુન ચક્રવર્તી, રાજ બબ્બર અને નસરુદ્દીન શાહની ‘હમ પાંચ’ ફિલ્મમાં તેમણે લાલા નયનસુખ પ્રસાદની ભૂમિકામાં ‘સુખીલાલા’ જેવી મીઠી દુષ્ટતાનો પરચો બતાવ્યો હતો.
‘હમ પાંચ’ના શુટિંગવેળા જ તેઓ ગંભીર રીતે જખ્મી થયા હતા. લાંબો સમય સુધી પથારીવશ રહ્યા પછી એ ઊભા તો થઇ શક્યા હતા પણ એ જખ્મ જીવલેણ સાબિત થયો. એક વર્ષ પછી, 14 ઓગસ્ટ 1981ના રોજ કન્હૈયાલાલ દુનિયા છોડી ગયા.
તેમના પરની ડોક્યુમેન્ટરીમાં તેમને અનુલક્ષીને એક ગીત પણ બનાવામાં આવ્યું છે; પહન કે ધોતી કુર્તે કા જામા … સુખીલાલાથી લઈને બીજા તમામ પાત્રોમાં, કન્હૈયાલાલ તેમની ટ્રેડમાર્ક ધોતી અને કુર્તામાં દર્શકોને કાયમ માટે યાદ રહી ગયા છે. 1972માં, રાજેશ ખન્ના-મુમતાઝની ફિલ્મ ‘દુશ્મન’માં ગામના દુષ્ટ વેપારી દુર્ગા પ્રસાદની ભૂમિકા કરી હતી. તેમાં તેમનો એક સંવાદ બહુ મશહૂર થયો હતો; કર ભલા તો હો ભલા. સંવાદ સાધારણ હતો પણ કન્હૈયાલાલ તેને જે રીતે બોલતા હતા એટલે લોકોના મનમાં જડાઈ ગયો હતો. અસલ જીવનમાં પણ એ ભલા માણસ જ હતા. કદાચ એટલે જ જલદી ભુલાઈ ગયા.
પ્રગટ : ‘સુપરહિટ’ કોલમ, “સંદેશ”, 18 જાન્યુઆરી 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર