ખેત મજૂર જેવા અપમાનજનકને બદલે ખેત કામદાર કે કૃષિ શ્રમિક જેવો સન્માનજનક શબ્દ વાપરીએ કે તેથી આગળ વધીને જમીનવિહોણા ખેડૂત કહીએ પણ તેનાથી તેમની સ્થિતિમાં ઝાઝો ફેર પડતો નથી. આ પ્રકારના શબ્દપ્રયોગથી ના તો તેમના હાંડલામાં જરી મુઠ્ઠી ચોખા વધારે ઓરાય છે કે ના તો તેના કલાડે જારનો બટકુ રોટલો સેકાય છે. આઝાદીના અમૃત પર્વે દેશનો ખેત કામદાર અભાવો અને ગરીબીની દયનીય હાલતમાં જિંદગી બસર કરે છે તે વરવી વાસ્તવિકતા છે.
તાજેતરમાં પ્રકાશિત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની એન્યુઅલ હેન્ડબુક ઓફ સ્ટેટિસ્ટિક્સ ઓન ઇન્ડિયન સ્ટેટ્સમાં દેશના વીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની આર્થિક ગતિવિધિઓની આંકડાકીય માહિતી મળે છે. ગત નાણાંકીય વરસના આંકડા દર્શાવતી આ હાથપોથીમાં દેશના આર્થિક વિકાસ સાથે કામદારોને મળતી મજૂરીની વિગતો ચિંત્ય છે.
હેન્ડબુકમાં જણાવેલા આંકડાનો સ્રોત સરકારી અર્થાત કેન્દ્ર સરકારનું લેબર બ્યૂરો છે. એટલે સરકાર માટે તેને નકારવાનું શક્ય નથી. ૧૯૫૧માં દેશમાં ૨.૭૫ કરોડ, ૨૦૦૧માં ૧૦.૬૭ કરોડ અને ૨૦૧૧માં ૧૪.૪૩ કરોડ ખેત કામદારો હતા. કોઈ કારણ નથી કે આજે તેમાં ઘટાડો થયો હોય. કુલ ગ્રામીણ વસ્તીમાં ૧૯૫૧માં કૃષિ શ્રમિકો ૩૨.૬ ટકા હતા તે ૨૦૧૧માં વધીને ૪૬ ટકા થયા હતા. ૧૯૫૧થી ૨૦૧૧ના છ દાયકામાં દેશની ગ્રામીણ વસ્તીનો વૃદ્ધિ દર ૧.૮ ટકા હતો. પણ એ જ ગાળામાં કૃષિ શ્રમિકો ૨.૮ ટકાના દરે વધ્યા હતા. ખેડૂતો ઘટે અને ખેતમજૂરો વધે તેવો અદ્દભુત કૃષિ વિકાસ આપણે સાધ્યો છે.
દેશમાં આર્થિક સમૃદ્ધિ આવી છે પણ તે ખેત કામદારોને વણસ્પર્શી રહી છે. ગયા વરસે ટચુકડું રાજ્ય હરિયાણા માથાદીઠ આવકમાં દેશમાં મોખરે હતું. હરિયાણાની પ્રતિવ્યક્તિ વાર્ષિક આવક રૂ. ૨,૩૯,૫૩૫/- હતી. પરંતુ કૃષિ સમૃદ્ધ અને માથાદીઠ આવકમાં ટોચે હોવા છતાં હરિયાણાના કામદારોને તેનો લાભ મળ્યો નથી. માથાદીઠ આવકમાં મોખરો સાચવતું હરિયાણા મજૂરીના દરમાં મોખરે નથી. કેમ કે ત્યાં દૈનિક મજૂરી રૂ.૪૨૧/- છે.
ખેતકામદારોને સૌથી વધુ દૈનિક મજૂરી કેરળમાં મળે છે. ૨૦૨૧-૨૨માં ખેત મજૂરોના દૈનિક વેતનની રાષ્ટ્રીય સરેરાશ રૂ. ૩૨૩.૩૨ હતી. જ્યારે કેરળમાં ખેતકામદારોનો મજૂરી દર રોજનો રૂ. ૭૨૬.૮ હતો. નોંધપાત્ર બાબત એ છે કે દેશના ઘણા રાજ્યો કરતાં કેરળની માથાદીઠ આવક (વાર્ષિક રૂ. ૧,૯૪,૭૬૭/- ) ઓછી છે પણ કામદારોનું વેતન ઊંચું નક્કી થયું છે.
૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં ૬૮.૩૯ લાખ ખેતકામદારો હતા. સપ્ટેમ્બર-૨૨ અંતિત દેશમાં ખેતકામદારોની સરેરાશ મજૂરી દૈનિક રૂ. ૩૪૪ હતી. ત્યારે ગુજરાતમા રૂ.૨૪૪ હતી. એટલે કે રાષ્ટ્રીય સરેરાશ કરતાં સો રૂપિયા ઓછા મળતા હતા. આ સમયે કેરળમાં રૂ. ૭૫૯ અને મધ્ય પ્રદેશમાં રૂ. ૨૩૦ મજૂરી હતી. ૨૦૨૧-૨૨માં બીજા ક્રમની માથાદીઠ આવક (રૂ. ૨,૧૩, ૯૩૬) ધરાવતા વિકસિત રાજ્ય ગુજરાતમાં મજૂરીના નીચા દર નવાઈ પમાડે છે.
આર.બી.આઈ.ની હેન્ડબુકમાં જે વીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ગ્રામીણ વસ્તીની રોજની મજૂરીનું મૂલ્યાંકન છે, તેમાં અડધા રાજ્યોમાં રૂ. પાંચસો કરતાં ઓછો રોજ મળે છે. ઓડિશા, બિહાર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવા કથિત બીમારુ રાજ્યોની જેમ જ ખેતી અને ઉદ્યોગના ક્ષેત્રે વિકસિત ગણાતા ગુજરાત અને મહારાષ્ટ્ર પણ નીચા મજૂરી દરવાળા રાજ્યોમાં સમાવિષ્ટ છે.
ભૂમિહીન કૃષિ શ્રમિકોને આર્થિક રીતે વિકસિત રાજ્યોમાં પણ ઘણી ઓછી મજૂરી મળે છે તેનાં કારણો વિચારવાં જેવાં છે. ખેત કામદારોનો સમૂહ સંખ્યામાં ઘણો મોટો છે પરંતુ સંગઠિત નથી. તેથી ખેત માલિકો સાથેની તેમની સોદા શક્તિ સંગઠનના અભાવે નબળી છે. ભલે તેમને જમીનવિહોણા ખેડૂતો તરીકે નવાજાય પણ તેમનું જમીનવિહોણા હોવું તે જ તેમના દુ:ખનું મુખ્ય કારણ છે. તેઓ માટે રોજગારનું એક માત્ર સાધન ખેતમજૂરી છે અને તે ખેતમાલિકો પર નિર્ભર છે એટલે જો તેઓ મજૂરી વધુ માંગે તો રોજી ગુમાવવી પડે અને સરવાળે ભૂખે મરવું પડે.
અર્થશાસ્ત્રનો માંગ અને પુરવઠાનો નિયમ પણ ખેતમજૂરીના દર નક્કી કરતો હોય છે. પંજાબમાં ખેતીના કામો(માંગ)ની સરખામણીમાં ખેતીકામ કરવા માંગતા લોકો (પુરવઠો) ઓછો છે એટલે વાવણી અને લણણીની મોસમમાં ત્યાં કામચલાઉ ધોરણે પણ ખેતમજૂરીના ઊંચા દર હોય છે. પરંતુ બિહાર અને ઓડિશામાં ખેતીના કામોની તુલનાએ ખેતકામદારોનું પ્રમાણ અનેકગણું વધારે હોઈ ખેતીની સિઝનમાં પણ નીચા કે સામાન્ય દરે કામ કરવું પડે છે.
જેમની આવકનો અડધો કે તેથી વધુ હિસ્સો ખેતીનાં કામો પર આધારિત છે તેવા ખેત કામદારોના લમણે અલ્પ રોજગારી અને કાયમી બેરોજગારી લખાયેલી હોય છે. ખેતકામદારોમાં કેટલાક મોટા જમીનમાલિકોના કાયમી વેઠિયા હોય છે, તે થોડા આગોતરા નાણાં મેળવી કાયમી ગુલામી વેઠે છે. તે દેવા અને વેઠના કાયમી શિકાર બનેલા હોય છે. કેટલાક ખેત મજૂરો કામચલાઉ ધોરણે એટલે ખેતીની મોસમમાં ખેતમજૂરી કરે છે તો કેટલાક ભાગિયા તરીકે કામ કરે છે, પણ આ સૌના માટે ગરીબી અને અભાવો તો એક સરખા જ હોય છે.
કેરળના ખેતમજૂરોને સૌથી વધુ મજૂરી મળે છે તેનું કારણ ત્યાંની ડાબેરી ખેતકામદાર ચળવળો અને સંગઠનો છે. તેને કારણે કેરળની સરકાર અને સમાજ, બંને તેમનું શોષણ કરી શકતા નથી. આવું પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારો માટે પણ સાચુ છે.
દેશના આર્થિક સમૃદ્ધ રાજ્યો માટે જાણે ખેત મજૂરોની કોઈ વિસાત જ નથી. તે રાજ્યોની સરકારો જમીનમાલિકોની તરફદાર છે અને સમાજ સામંતી અને શોષક માનસિકતા ધરાવે છે. તેમણે આર્થિક સમૃદ્ધિ ખેતકામદારોના પરસેવાથી રળી છે.
ખેતકામદારોના શોષણ માટે સરકાર અને સમાજ બંને જવાબદાર છે. છેક ૧૯૪૮માં ભારત સરકારે લઘુતમ વેતન ધારો ઘડીને મજૂરીના દરો નક્કી કર્યા છે. પરંતુ તેનો અસરકારક અમલ અસંગઠિત ક્ષેત્રના મજૂરોની રોજી માટે થતો નથી. ખેતકામદારોને વૈકલ્પિક રોજગાર પૂરો પાડીને, જમીન સુધારાના કાયદાનો અમલ કરીને અને સરકારી પડતર જમીનોનું ભૂમિહીનોને વિતરણ કરીને પણ મજૂરીના નીચા દરનો ઉપાય શોધી શકાય. પરંતુ ખેતકામદારો જાણે કે સરકારોની પ્રાયારિટી જ નથી. કૃષિ સુધારા ને કૃષિ કલ્યાણની કોઈ પણ યોજનામાં સરકાર ખેતકામદારોને બાકાત રાખે છે. બિનકૃષિ કાર્યોમાં રોજગારનો અભાવ, શહેરોમાં સ્થળાંતર, ખેતીના કામોનું યાંત્રિકીકરણથી ઘટતો રોજગાર, જેવાં કારણોથી પણ તેમની રોજીના દર નીચા છે. દુનિયાના મહેનતકશમાં સમાવિષ્ટ ખેતિહર મજદૂરની સંગઠનશક્તિ જ શાયદ તેમના દુ:ખદર્દ ફેડી શકશે.
e.mail : maheriyachandu@gmail.com