સમાજનાં સત્કાર્યો કરનારી વ્યક્તિઓને વિશિષ્ટ સ્થાન-સન્માન મળતાં ત્યારે થોડી ઉમદા પરંપરાઓ પણ હતી
વિદેશમાં કે દેશમાં આપણે ભૂંડા ન દેખાઈએ એ માટે એક હાથવગો બચાવ આપણી પાસે છે. ‘આપણું’ બંધારણ સહુને સમાન અધિકાર આપે છે, અને આપણી પહેલી પ્રતિબદ્ધતા આ બંધારણ માટે છે’ એવું વખતોવખત, જરૂર પ્રમાણે બોલાતું રહે છે. આમ છતાં ઘરઆંગણે બંધારણનું બંધન આ દેશના નિવાસીઓને કેટલું સ્વીકાર્ય છે, અને એને કેવોક આદર મળે છે, એ બહુ જાહેર કરવા જેવું નથી.
કર્ણાટકના કોલાર જિલ્લાની એક શાળામાં મધ્યાહ્ન ભોજનયોજના અંતર્ગત રસોઈ માટે એક દલિત મહિલા રાધામ્માને રોકવામાં આવી. આ હકીકતને પગલે છોકરાંઓએ રાંધેલી ચીજોને ખાવાનો વિરોધ કર્યો. સ્પષ્ટ છે કે બાળકોનાં ચિત્તમાં આ ભેદભાવનાં બીજ વડીલોએ, કે અન્ય શિક્ષકો, કે પછી ગામ લોકોએ વાવ્યાં. અખબારી અહેવાલને પહલે શિક્ષણતંત્ર જાગ્યું અને કાર્યરત થયું. જ્ઞાતિભેદની આ ઘટનાનાં માઠાં પરિણામ આવે એ પહેલાં સંબંધિત અગ્રેસરોની યોગ્ય દરમિયાનગીરી પછી છોકરાંઓએ મધ્યાહ્નન ભોજનને સ્વીકાર્યું અને બહિષ્કારનો અન્યાય અટકાવી શકાયો.
શાળામાં વર્ગભેદને પ્રોત્સાહન આપવાનો અપરાધ હજી સુધી બેરોકટોક આચરવામાં આવે છે એ બાબતથી આશ્ચર્ય થવું જોઈએ, છતાં થતું નથી. પોતે કઈ જ્ઞાતિના છે એ દેખાડવા કાંડે અમુક તમુક રંગના દોરા બાંધવા, શાળાના પૂજા અથવા પ્રાર્થના જેવા કાર્યક્રમોમાંથી દલિત વર્ગનાં બાળકોને બાકાત રાખવાં, કેટલાક ખાસ પ્રસંગો વખતે એમને સામેલ ન કરવાં ઇત્યાદિ ઘટનાઓ આ વિશાળ દેશને ખૂણેખાંચરે બનતી રહે છે, અને ઘણીવાર તો એ નોંધાતી પણ નથી. ભેદભાવની ઘટનાનાં કેન્દ્રો જ્યારે નિશાળ ખાતે હોય ત્યારે ચોંકવું જોઈએ. મોટેરાંઓની સંકુચિત મનોદશા અને પ્રતિષ્ઠા કે મોભાવિષયક વાહિયાત ખ્યાલો ઉછરતાં બાળકોને લેશ પણ ન અડે એટલું સ્વચ્છ વાતાવરણ હજી સુધી તો આ સમાજમાં સર્જાયું નથી. પુરાવાઓ મળતા રહે છે, એમાંનો એક તે કર્ણાટકના ગામે રાધામ્માનું રસોડું. જે વિચાર બાળકોના મનમાં પ્રવેશી ન શકે એને એમના પર લાદવા માટે, ઠોકી બેસાડવા માટે, જવાબદાર લોકોને અટકાવવા માટે છે આપણી પાસે કશી કાયદાકીય વ્યવસ્થા? વર્ગભેદનો સડેલો કચરો બાળકોનાં ચિત્તમાં ઠાંસી દેવાનું હીન કૃત્ય કરનારને આપણે કઈ શિક્ષા કરીશું? સામે બેસાડીને બંધારણે આપેલા સમાન અધિકારની માહિતી આપીશું?
એક અન્ય ઘટના તો આથીયે ભયાનક છે. તમિલનાડુનાં મહિલા ડીએસપી વિષ્ણુિપ્રયાને ભાગે ગોકુલરાજ નામના દલિત યુવકની હત્યાની તપાસનું કામ આવ્યું. ગોકુલરાજની હત્યાને આત્મહત્યામાં ખપાવી દીધેલી, પણ પ્રાથમિક તપાસમાં જ સાફ થઈ ગયેલું કે આ ખૂનનો કિસ્સો હતો. પોસ્ટમોર્ટમના અહેવાલે પણ આ હકીકતને સમર્થન આપ્યું. એક તો દલિતવર્ગની મહિલા ને વળી પોલિસ અધિકારી. વિષ્ણુિપ્રયાની કનડગતમાં કશું બાકી ન રહ્યું. ઉપરથી વકરેલા જાતિવાદના રાજકારણે પણ આ ઘટનામાં વરવો ભાગ ભજવ્યો. વિષ્ણુિપ્રયાના પરિવારની રજૂઆત મુજબ એ મજબૂત ઇચ્છાશક્તિ ધરાવતી સ્ત્રી હતી, ત્રાસીને મોત વહાલું કરે એ એના સ્વભાવમાં નહીં. છતાં એ સાચું કે એ ફાંસો ખાઈને મરી ગઈ. આ પણ આત્મહત્યા કે કશીક મેલી રમત, તપાસમાં જે બહાર આવે તે, અને એયે વળી તપાસ સરખી, એટલે કે તટસ્થ થાય તો.
વિદ્યાર્થીકાળથી જ સમાનતાનાં મૂલ્યો દૃઢ થવા જોઈએ. કોઈ એક સમયે, જ્યારે સમાજનાં સત્કાર્યો કરનારી વ્યક્તિઓને વિશિષ્ટ સ્થાન અને સન્માન મળતાં ત્યારે થોડી ઉમદા પરંપરાઓ પણ હતી. ઉદાહરણ તરીકે વિનોબાજીની ભૂદાનયાત્રા વખતે એ જ્યાં રોકાણ કરતાં ત્યાંની શાળાઓનાં વિદ્યાર્થીઓની સભામાં એ વિદ્યાર્થીઓ પાસે વ્રત લેવડાવતા. કોઈ દુરાગ્રહ નહીં, દબાણ નહીં, માત્ર સદ્દવર્તન અને માનવીય ગુણોને પ્રેરી શકે એવાં વ્રત. સરળતાથી આચરણમાં મૂકી શકાય તેવાં. એ વ્રત યાદીમાં એક ‘ભેદભાવરહિત મન કર્મ અને વાણીને જાળવવાનું’ પણ હતું. યાદ છે ત્યાં સુધી વિદ્યાર્થીઓ હોંશેહોંશે વ્રત લેતાં, અને એનો મહિમા કરતાં. વિનોબાજી સામે વ્રત ગ્રહણ કર્યું હોય, એમણે માથે હાથ મૂકીને વ્રત લેવડાવ્યું હોય તો એને જીવનભર સાચવવાનું વિદ્યાર્થીઓના કોરા અને દૂષણમુક્ત મનમાં આલેખાઈ જાય એમાં નવાઈ નહીં. એ દિવસોમાં આવું બધું થતું, થઈ શકતું, શિક્ષણ સાથે સંકળાયેલાં લોકો આવા ઉત્તમ વિચારો પણ આવતા. સદાચારની આવી સામાન્ય બાબતો જીવનમાં વણાઈ જાય તો આસપાસની માઠી અસરો વ્યક્તિને લેશ પણ પલટી શકતી નથી. સજાગ રહેવું એને માટે સહજ બની જાય છે, શ્વાસ લેવા જેટલું સહજ.
શિક્ષિત વ્યક્તિઓને પણ આપણે ન્યાતજાતમાં ભારે ભરોસો રાખતી જોઈ છે. આપણા અનેક ગમા અણગમા અને નિરીક્ષણો જ્ઞાતિ અધારિત નથી હોતા? આ પ્રકારની વૃત્તિ સર્વથા છોડવાનું અથવા એનાથી સંપૂર્ણપણે મુક્ત રહેવાનું બહુ ઓછાને ફાવે છે. ક્યારેક ભેદભાવયુક્ત અભિગમ સૂક્ષ્મ અને નિર્દોષ રીતે, સાવ અજાણતાંમાં જ પ્રગટ થઈ જાય છે. કોઈ મહાનુભાવ જ્ઞાતિબંધુ કે જ્ઞાતિભાગિની છે, એમ જાહેર કરતી વખતે અવાજમાં પારખતાં મુશ્કેલી પડે એવો અહંકાર પેસી જાય છે. આ બારીક અહંકાર ચડતી ઊતરતી પાયરીની આપણી સમજ સાથે સીધો સંબંધ ધરાવે છે, ભલે એ કબૂલ કરવામાં આપણને આપણું કદ બે ઈંચ ઘટી જતું લાગે!
શોષણ અને અત્યાચારના ચક્રમાંથી બહાર આવવા માટે જ્ઞાતિવાદનાં વલણો મૂળસોતાં ખેંચવા પડે. આ પ્રયાસો પ્રાથમિક શિક્ષણ, પરિવારના વાતાવરણથી અને સામાજિક નેતૃત્વથી થઈ જ શકે, પણ એને માટે સમય અને ધીરજ જોઈએ. મૂલ્યનિષ્ઠ વ્યક્તિઓ જોઈએ, પ્રયત્નો ઠરે એવું સાનુકુળ વાતાવરણ જોઈએ. આમાનું કશુંયે આપણા ભંડોળમાં ન હોય તો કાયદાનો કડક અમલ-બંધારણ મુજબ એ એકમાત્ર ઉપાય. હૃદયપરિવર્તન કરવાની આપણી તાકાત નથી, યા હોમ કરીને પડે એવાં ભેખધારી વ્યક્તિત્વો ઓછાં છે એટલે કાયદાના શાસન પર જ આધાર રાખવો પડે. પરંતુ દલિતો માટે આ પણ સહેલું નથી. એમનો આર્થિક અને સામાજિક બહિષ્કાર થાય ત્યારે જીવન દુષ્કર બની જાય છે. જ્ઞાતિપ્રથા અને વર્ગભેદની દારુણ અવદશામાંથી બહાર આવવા માટે શિક્ષણ અને કાયદાએ ભેગાં થવું જોઈએ. પોલીસતંત્રને માત્ર ઉપર ઉપરથી નહીં, પાયાથી અને ઊંડાણપૂર્વક સંવેદનશીલ બનાવવું જોઈએ. દલિતવર્ગ કે લઘુમતિ સમુદાય એનાથી ડરીને અવળો ભાગે એવી સ્થિતિને બદલે એ વિશ્વાસપૂર્વક એની પાસે જઈ શકે એમ બનવું જોઈએ. શિક્ષણ સાથે સંકળાયેલાં, વર્ગભેદ અને જાતિભેદ સદંતર ભૂલી શકેલાં તમામને સંવેદનશીલતાની સઘન તાલીમ આપવા માટે પ્રોત્સાહિત કરવાં જોઈએ. પલટો ત્વરિત નથી આવવા, ભેદભાવના જડત્વને નાથવામાં સમય, શ્રમ અને ઇચ્છાશક્તિની જરૂર પડવાની. એ સાથે સવર્ણો માટેનો અકારણ અણગમો પણ નકારવો પડશે. ઉજળિયાત એ શોષકનો પર્યાય નથી. એને પણ પોતાનો જન્મ પસંદગીથી નથી મળ્યો. અને ઝેર તો ઝેર જ છે, એ જે વર્ગનું હોય એ ઝેરનાં વાવેતર અટકાવવાં જ પડે, તાકીદે પોતપોતાની રીતે.
સૌજન્ય : ‘પ્રેરક સ્મૃિત’, “દિવ્ય ભાસ્કર”, 20 નવેમ્બર 2015