ગાંધીનેહરુપટેલ પછી જે.પી.-લોહિયાએ કેળવેલી ભોંય પર આજની છાત્રયુવા પેઢી હવે ગાંધી, આંબેડકર અને ભગતસિંહની હોઈ શકતી એકંદરમતીએ હુલસે છે

પ્રકાશ ન. શાહ
આપણે ત્યાં સામાન્યપણે બાર વરસના ગાળાને તપ કહેવાનો ચાલ છે. વિદુષી કંગના રણૌતના જ્ઞાનગંભીર અવગાહન અને અવલોકન અનુસાર મોદી ભા.જ.પ.ની દિલ્હી પ્રતિષ્ઠા સાથે 2014માં આપણે સ્વતંત્ર થયા છીએ. હવે એનાં બારે વર્ષે શું અનુભવાય છે વારુ.કથિત સ્વતંત્રતાનાં ઝાંવાં અને ઝાંઝવાંને વીંધતી છાત્રયુવા શક્તિએ જંતરમંતરના જગન અને જશન સાથે નવી આશા જગવી છે. કદાચ, એ આ તપગાળાને આભારી છે. સ્વાભાવિક જ એનો મરમ ને માયનો પામવા સારુ આપણે રામ માધવથી માંડીને બી.જે.પી. આઇ.ટી. સેલના અમિત માલવીય (મધુ કિશ્વરના શબ્દોમાં પોર્ન પૅડલર), નિશિકાંત દુબે અને કંગના રણૌત સરખી પ્રતિભાઓને લાંઘીને બીજે કશેક જવું પડશે.
આ બીજે કશેક તે ક્યાં અને શું .બીજે ક્યાં વળી, ગાંધી પાસે સ્તો. એમણે થોરોને ગુજરાતીમાં ઉતાર્યો, આફ્રિકા બેઠે બેઠે, શતાધિક વર્ષ થઇ ગયાં એ વાતને. એમણે આપેલ સાર પ્રમાણે થોરો કહે છે કે પહેલાં આપણે “મરદ” છીએ, અને પછી “રૈયત”. જૂનું ગુજરાતી જરી સમુંનમું કરીને વાંચીએ તો પહેલપ્રથમ તો આપણે નાગરિક છીએ, અને પછી રૈયત એટલે કે ચૂંટાયેલ અગર બિનચુંટાયેલ સરકાર તળે સબ્જેક્ટ લોક. કમાલ તો કરી’તી મહાપંડિત રાહુલ સાંકૃત્યાયને જ્યારે એમણે કહ્યું કે હું પ્રજાતંત્ર જેવા પ્રયોગને બદલે જનતંત્ર જેવો પ્રયોગ પસંદ કરું છું; કેમ કે આ લોકશાહી એ લોકે જનમવાની નહિ પણ લોકે ખુદ સરકારને જણવાની શાહી છે. જંતરમંતરની સ્વાતિક્ષણે જે મોતી પાક્યું જુલાઈ ઊતરતે તે આ હતું અને છે: સોફિસ્ટ્રી, ડેમેગોગીથી માંડીને – અને હમણેના ગાળામાં તો મતાંકન અને સીમાંકનની તદબીરથી ને અન્યથા નાગરિકને ધરાર રૈયત બનાવવાનો ઉદ્યમ ચાલે છે અને એમાં કોઈ ફૅક્ટરી એકટને અવકાશ નથી. હર સુબહશામ તેરા નામ ઓર કામ તમામ એ પેલું જાથુકી હિંદુમુસ્લિમવાળું ક્યાં મૂવું, દઈ જાણે !
આ જેન ઝી બાટલી માંહેલા જીન પેઠે ક્યાંથી પ્રગટ થયો, સત્તા વિમાસે છે. ભલા ભાઈ, ઔરસ કહો કે અનૌરસ – તમારું જ સંતાન છે એ. પૌગણ્ડ ને પુખ્ત વરસો તમે તો જેમાં અફીણની કટકી હોય એવું ખાસ તરેહનું અવલેહ અગર બાલામૃત લઈને ઉછર્યા અને 1992 પછીનાં વર્ષોમાં ને 2014થી શરૂ થયેલ ખાસંખાસ સંવત સાથે તમારાં સંતાનો સમાજમાં વયપ્રાપ્ત મુકામશોધમાં પડ્યાં ત્યારે પેલી સોફિસ્ટ્રી અને ડેમેગોગી પાસે ન કોઈ અવેજ, ન કોઈ ઉગાર. એમની મૂંઝવણ અને મથામણ બધી બચાડી માથાપછાડ. અને રાજ ? હવે નિરુત્તર ,પણ જોરજુલમનો પરવાનો છે, એ કંઈ ઓછું છે? એક રીતે જુઓ તો ખુલ્લા આકાશ તળે અને મા ધરતીને ખોળે જે વિસ્ફોટ ખુલ્લાણમાં આવ્યો તે.
આપણા ઘરપરિવારની ડ્રોઈંગરૂમ બેઠકોમાં અગાઉની બાલામૃત પેઢી અને નવ્ય કૉલેજિયન પેઢી વચ્ચેની મનોવૈજ્ઞાનિક તાણમાંથી – અને એમાંથી સંઘસ્થાનો પર ઉછરેલ આગલી પેઢીનાં સંતાનો પણ સર્વથા બાકાત નથી અગર આજે ઉપર ટપકે તેમ ન જણાતું હોય તો પણ આગળ ચાલતાં એ બાકાત રહી શકવાનાં નથી.
લાલબાલપાલ, ગાંધીનેહરુપટેલ એ ત્રિપુટીઓનું સ્થાન હવે કદાચ ગાંધી આંબેડકર ભગતસિંહે લીધું છે. નવાઈ લાગે પણ આ સંક્રાંતિ જે.પી.-લોહિયાએ કેળવેલી ભોંયને આભારી છે. અલબત્ત આ એક વચગાળાનું અવલોકન છે, પણ થોડાં વરસ પર ગુજરાતના પાટીદાર આંદોલનમાં જે રીતે સરદારથી માંડી ખાસ તો ભગતસિંહ જેવાં નામો ઉછળ્યાં હતાં એવું ને એટલું વણવિચાર્યું એ અલબત્ત નથી તે નથી.
સત્તા-પ્રતિષ્ઠાન રાષ્ટ્રજીવનની આ જંતરમંતર ક્ષણે કેવળ કિંકર્તવ્યમૂઢ વરતાયું છે. દમન એ કોઈ પણ હાકેમને તરત સૂઝતો રસ્તો છે. એમાં નાકામ રહી મંત્રીને પડતા મૂક્યા ત્યારે બહાદુરીપૂર્વક મકર દ્વારે ફૂલેકું ચઢાવ્યું. રાજીનામાનો પત્ર તો લગારે પશ્ચાત્તાપ વગરનું જાહેરનામું જાણે. બદલીબહાદુર પડમાં પધાર્યા એ વળી બળાત્કારીના પોંખણે પાવન. થોડાં વરસ પર જે.એન.યુ. ફતેહ કર્યા પછી માંહ્યરામાં કન્યા પેઠે મસમોટી તોપ પધરાવી હતી તે સાંભરે છે ને?
બુધવારે ઢળતી બપોરે આ લખી રહ્યો છું ત્યારે જંતરમંતરનો પરચો જોઉં છું કે બે તૃતીયાંશ બહુમતીનો દાવ પાછો પડ્યો છે … આગે આગે ગોરખ જાગે!
29 જુલાઈ 2026
prakash.nireekshak@gmail.com
![]()

