કર્ણાટકની એક શૈક્ષણિક સંસ્થામાં કેટલીક વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને આવી તો તેને સંસ્થામાં પ્રવેશતાં રોકવામાં આવી. આ ઘટના અણધારી હતી, કારણ વિદ્યાર્થિનીઓ તો આમ જ પહેરતી આવી હતી ને ત્યારે અટકાવાઇ ન હતી, તો એકાએક શું થયું કે હિજાબનો વાંધો પડ્યો? એ પછી કર્ણાટક સરકારે હિજાબ પર એમ કહીને પ્રતિબંધ મૂકી દીધો કે ધાર્મિક પ્રતીક શૈક્ષણિક સંસ્થામાં ન ચાલે. વાત હાઇકોર્ટે ચડી છે ને સરકાર હવે કોર્ટમાં કહે છે કે હિજાબ ધાર્મિક પ્રતીક નથી કે પરંપરા નથી. જો, એ ધાર્મિક પ્રતીક નથી ને પ્રતિબંધ ધાર્મિક પ્રતીક પર જ હોય તો હિજાબ પહેરતાં કોઈને રોકવાનું જરૂરી ખરું? સરકાર કહે છે કે હિજાબ ધાર્મિક નથી, પણ નક્કી કરેલો યુનિફોર્મ વિદ્યાર્થિનીઓએ પહેરવો જોઈએ. એવો આગ્રહ સંસ્થાઓ રાખે એમાં કશું ખોટું નથી. વિદ્યાર્થિનીઓ યુનિફોર્મ પહેરતી હોય ને વર્ગમાં હિજાબ કાઢીને બાજુએ મૂકતી હોય તો હિજાબ પહેરવાનો વાંધો ન લઈ શકાય. એ પછી પણ વાંધો હોય તો કોઈનો રેઇનકોટ કે સ્વેટર પહેરીને પણ સંસ્થામાં પ્રવેશનો વાંધો લઈ શકાય, કારણ એ યુનિફોર્મ ઉપર પહેરાય છે. ઠંડીમાં સ્વેટર વગર કે વરસાદમાં રેઇનકોટ વગર વિદ્યાર્થીઓને રાખવાનું યોગ્ય ખરું? વિદ્યાર્થીને એમ કહેવાય કે સ્વેટર કાઢીને ક્લાસમાં બેસો? જો એ ન કહેવાય તો હિજાબ પહેરીને આવનારને પણ રોકી ન શકાય. આવા વિચિત્ર આગ્રહોથી શિક્ષણ સુધરતું નથી, પણ માનસ બગડે છે. સાચું તો એ છે કે હિજાબને ધાર્મિક પ્રતીક માની લેવામાં આવ્યું છે. વાંધો પણ એ જ કારણે છે. એ રીતે અન્ય ધર્મના પ્રતીકો પણ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશે જ છે તો તેનું શું કરીશું? શીખ વિદ્યાર્થી તેની પાઘડી પહેરે કે હિન્દુ પરિણીત વિદ્યાર્થિની મંગલસૂત્ર પહેરે કે સિંદૂર પૂરે કે ખ્રિસ્તી વિદ્યાર્થી ક્રોસ પહેરે કે કોઈ મુસ્લિમ વિદ્યાર્થી લાંબી દાઢી રાખે તેનો પણ વાંધો કોઈ લઈ શકે. એવો વાંધો લેવા જેવો ખરો? મુસ્લિમો શૈક્ષણિક સંસ્થાઓની નજીક રસ્તા પર નમાજ પઢે કે માઇક પરથી બાંગ પોકારે ને એવું બધા જ ધર્મના લોકો એક સાથે માઇક પરથી આરતી કે પ્રાર્થનાઓ કરે તો કેટલી શાંતિ રહે એ વિચારવાનું રહે.
કારણ રાજકીય જ હશે, પણ હિજાબનો મુદ્દો હવે નહીં અટકે તો અનેક શહેરો કોમી આગમાં હોમાય એવી પૂરી શક્યતાઓ છે. કર્ણાટકના શિવમોગામાં એક હત્યા તો થઈ છે ને પોલીસે મામલાને કાબૂ કરવા ફાયરિંગ પણ કર્યું છે. આ બધું લાંબું ચાલશે તો સિલકમાં લોહી જ રહેવાનું છે. એમાં બીજે પણ આગ ફેલાય તો એનું પરિણામ પણ લોહીમાં જ આવશે. કર્ણાટકનો પડઘો સુરતમાં પડ્યો પણ છે. હિજાબ ઇચ્છાથી પહેરીને કે કોઈના આગ્રહથી પહેરીને પી.પી. સવાણી સ્કૂલમાં વિદ્યાર્થિનીઓ પરીક્ષા આપવા આવી ને તેનો વિરોધ થયો. પોલીસે દખલ કરવી પડી. આ બધું નિર્દોષભાવે થતું લાગતું નથી, પણ એનાં પરિણામો તો નિર્દોષ જ ભોગવે છે. કોણ જાણે કેમ પણ કોઈને કોઈ બહાને નાની નાની વાતોને ચગાવીને લોહી વહેવડાવવાની સ્પર્ધામાં દેશ ઊતર્યો હોય એમ લાગે છે. કોઈ કામ જ ન રહ્યું હોય તેમ વિવાદો ઊભા કરવાનું ને એનો તમાશો જોવાનું જાણે કોઈ કાવતરું ચાલે છે ને એનો એક છેડો મતોનાં રાજકારણ તરફ નીકળે છે. આ સારું નથી. કમસેકમ લોહી રેડવાના આ પ્રયત્નો અટકાવીએ અને નિર્દોષોની જિંદગી બચાવીએ. એ કમનસીબી છે કે દૂર દૂર સુધી માણસાઈ ક્યાં ય દેખાતી નથી …
000
e.mail : ravindra21111946@gmail.com