હે કૃષ્ણ !
મારા ભાગ્યમાં ન હતો તું
પણ મારું ભાગ્ય તો તું જ હતો
મોટી હતી તારાથી
પણ કેટલી નાની રહી તારે માટે !
ગોકુળની ગલીઓમાં વહેતી રહી તારી સાથે
જળધારાની જેમ
તો ય મને તો એમ જ કે
તું મારો સખા છે
ને હું છું તારી સખી !
મને મૂર્ખને તો એ પણ ભાન નથી પડતું કે
કાલીયદમન તું કરે છે
ને હું તો તને કા’નો જ માનું છું
નથી સમજાતું કે આંગળીને ઈશારે મને
બોલાવતો તું
ટચલી આંગળીએ કેવી રીતે
ગોવર્ધન તોળી રહ્યો છે
ને તારી આંગળી નીચે
ઇન્દ્રવર્ષાથી ભયભીત પ્રજા
થરથરતી ઊભી છે …
યમુનાને કાંઠે તારી સાથે રાસ રમી ત્યારે પણ
મને તો એમ જ કે તું મારો છે
તારામાં એટલી તન્મય કે
મને એ તો દેખાતું જ નથી
કે તું અનેક ગોપીઓનો પણ છે
તારી વાંસળીના સૂરે હું જ તલ્લીન નથી થઈ
સકળ સૃષ્ટિ લીન થઈ છે
તેં મને નાદાન ને નિર્દોષ જ રાખી
કોઈ પરિચય જ ન હોય એમ
તું ઓદ્ધવની સાથે
નીકળી ગયો મથુરા
રથમાં
આટલી અજાણી કરી મને?
જતી વખતે જરા જોયું હોત
તો એ દૃષ્ટિને આધાર બનાવી જીવી ગઈ હોત
પણ તારે તો મને મૃત્યુ જીવવા છોડવી હતી
તે છોડી …
આ સૂનું વૃંદાવન
અંધારી યમુના
કોરી કદંબ ડાળ
મારે એકલીએ જ ઉછેરવાનાં હતાં
તે ઉછેર્યાં
હજી રહી ગયો છે ક્યાંક
મારામાં
એટલે સ્થિર જળમાં પણ હું
મને જોઈ શકતી નથી
મને જોવા જાઉં છું
ને તું દેખાય છે
ઘણું રડી છું
હવે તો આંસુ ય બનતાં નથી
વલોવાતાં રહે છે હૈયે
પણ પાંપણે આવતાં નથી
બહુ દિવસ થયા
હવે તો આવ
ક્યાં સુધી આમ પ્રતીક્ષા બનીને ઊભી રહીશ?
તું મને કદમ્બ તો નથી માની બેઠો ને !
હું કદમ્બ નથી
કદમ ડગમગે છે મારા
હું વૃક્ષ નથી
કે ખોડાઈ રહું એક જ સ્થળે
ક્યારેક તો આવીશ એ આશામાં
રોજ નિરાશ થાઉં છું
મોડે મોડે એટલું જાણી ચૂકી છું કે
એક વાર નીકળી ગયા પછી
તું કદી પાછો ફરતો નથી
મારું જવા દે
હું તો છું જ વિરહ!
પણ નંદ-જશોદાનું ય મન નથી થતું તને?
મેં તો માની લીધું છે કે
અનંત પ્રતીક્ષાના દોરમાં મારે
આંસુઓ પરોવતાં રહેવાનું છે
તે પરોવું છું
જાણું છું કે હું પૂરી થઈ જઈશ
પણ પ્રતીક્ષા પૂરી નહીં થાય …
પહેલાં તને જોઈને અટકળો કરતી હતી
હવે અટકળો કરીને તને જોઉૈ છું
કોઇકે કહ્યું કે તું દ્વારિકાધીશ થઇ ગયો છે
પણ મારું તો હૃદયરાજ્ય જ તું !
તારી બહાર મારી કોઈ સીમા જ નહીં
તો બીજું મને ખપે પણ શું?
જો કે, તું સામે નથી એટલે કોઈ કહે
તે પરથી ઉછરે છે મારામાં
ને એમ તને કુરુક્ષેત્રમાં જોઉં છું
કુટિલ તો હતો જ તું
ને ચતુર પણ !
પોતે શસ્ત્ર ધારણ ન કર્યાં
ને અર્જુનનું ગાંડીવ છૂટ્યું તો
તેને ગીતા ઉપદેશીને
શસ્ત્ર ઉઠાવવા કટિબદ્ધ કર્યો
વિશ્વરૂપ દર્શન કરાવીને
અનેકમાં એક અને એકમાં અનેક
સિદ્ધ થયો
પણ મારો એકમેવ તો તું જ !
મારું વિશ્વ જ તું !
વિશ્વરૂપ તું ન હોય
તો કોણ હોય?
તને ખબર છે કે તારી અનેકોમાં એક
અને એકમેવ હું જ છું?
કદાચ તારો સ્નેહ હું નથી
પણ મારો વ્રેહ તો તું જ છે
મારી જેમ જ છોડી દીધેલી વાંસળી
હવે તો વૃદ્ધ થવા આવી છે
એ ઝંખે છે તારો સ્પર્શ
પણ એને કેમ સમજાવું કે
સુદર્શન ધારણ કરનારી આંગળી
હવે વાંસ પર ઠરે એમ નથી
હવે વાંસળી વગાડવાનો નહીં
વાંસ પર સૂવાનો સમય છે
તને જોવાની ઈચ્છા છે
આવ
પણ એ માટે તારે મારાં
સ્વપ્નમાંથી બહાર આવવું પડશે
સ્વપ્નમાં તો બહુ ઉછેરી
હવે બે હાથોમાં ઉછેર
બહુ વાર નહીં લાગે
બાળકને ઉછેરવામાં વાર લાગે
પણ વૃદ્ધને ઉછેરવાનું સહેલું છે
તું પણ તો થાક્યો છે ને !
કારાવાસથી લઈને કુરુક્ષેત્ર સુધીમાં
કેટલું બધું કર્યું
પણ કશું પણ
તેં
તારે માટે ન કર્યું
ને તો ય ગાંધારીનો શાપ કમાયો તું
ને રહ્યો નિસ્પૃહી
અનાસક્તિનું મૂર્તિમંતરૂપ જ તું છે !
પણ
તું હોય કે ન હોય
કોઈ પણ કાળમાં યાદવાસ્થળી હશે
શ્રમિત, વ્યથિત આવ્યો છે
અશ્વત્થની નીચે
વિશ્રામ કરવા
પણ દેહ વિશ્રામ કેમ કરશે?
આ તો દેહોત્સર્ગની ઘડી છે
તું તો ન આવ્યો
પણ હું આવી છું
દર્શન દેવા
તારી દૃષ્ટિમાં એટલી સમાવી લે કે તારી બહાર ક્યાં ય રહું જ નહીં !
તું હું થઈ જા
ને હું તું થઈ જાઉં
એટલાં એક કે મૃત્યુ તને કે મને
અલગ
તારવી ન શકે
કોઈ
બેને એક મૃત્યુ મળે એવી
ઘટનાને
સાકાર થવા દઈએ …
આપણે કદાચ હવે
મંદિરોમાં જ સાથે થવાનું થશે
તો ભલે તેમ …
000
e.mail : ravindra21111946@gmail.com