શિક્ષણની નવી પોલિસી 2020થી લાગુ થઈ છે, પણ તે શિક્ષકો વગર લાગુ થવાની હોય તેમ ગુજરાત સરકાર સક્રિય છે. સૂત્રોમાં તો સરકાર ‘ભણે ગુજરાત’, ‘વાંચે ગુજરાત’ ‘પ્રવેશોત્સવ’ જેવાં ઘણા ખેલ પાડે છે, પણ અમલમાં બહુ ઓછું મુકાય છે. દેખાડાથી જ શિક્ષણની પોલિસી લાગુ થઈ જવાની હોય તેમ શિક્ષણની મૂળભૂત જરૂરિયાત તરફ સરકાર ભારે ઉદાસીન છે. ગુણવત્તા સભર શિક્ષણ તરફ સરકારનું ધ્યાન જ નથી. બીજા કોઈ પર સરકાર બહુ ભરોસો ન કરે, પણ નીતિ આયોગના રિપોર્ટે ગુજરાતનાં વર્તમાન શિક્ષણનું જે ચિત્ર આપ્યું છે, તેમાં વરવી વાસ્તવિકતા આંખો ઉઘાડનારી છે. 2018માં ફ્રન્ટ રનર તરીકે ઓળખાયેલું ગુજરાત છેક 18માં ક્રમે ધકેલાયું છે. ફ્રન્ટ રનર તરીકે ઓળખાતું ગુજરાત પર્ફોર્મર સ્ટેટ બન્યું છે. હાઇ પરફોર્મિંગ સ્ટેટમાંથી 2024માં ગુજરાત પર્ફોર્મર સ્ટેટ બન્યું છે, તેનું સરકાર ગૌરવ લે તો નવાઈ નહીં. ટૂંકમાં, 6 જ વર્ષમાં શિક્ષણમાં ગુજરાતની અધોગતિ થઈ છે.
ગુજરાતનો ડ્રોપ આઉટ રેશિયો અને વિદ્યાર્થીઓ દીઠ શિક્ષકોની સંખ્યામાં કેન્દ્ર આગળ છે, તેનાં મૂળમાં મોંઘું શિક્ષણ જવાબદાર છે. ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો 17.9 ટકા છે, જે દેશના 12.6 ટકા ડ્રોપ આઉટ રેશિયોથી 5 ટકા વધારે છે. ધોરણ 11 અને 12માં રાજ્યના 48.2 ટકા વિદ્યાર્થીઓ જ પ્રવેશ મેળવે છે, જ્યારે દેશમાં એ ટકાવારી 57.6 ટકાની છે. કોલેજમાં ગુજરાતનાં 24 વિદ્યાર્થી પ્રવેશ મેળવે છે, જ્યારે દેશમાં એ સંખ્યા 28.4ની છે. દેશમાં 18 વિદ્યાર્થીએ 1 શિક્ષક છે, જ્યારે ગુજરાતમાં એ એવરેજ 29 વિદ્યાર્થીએ 1 શિક્ષકની છે. આ આંકડા વિપક્ષે આપેલ નથી, તે નીતિ આયોગના છે, એટલે રાજકારણ પ્રેરિત આ વિગતો છે એમ માનીને સરકાર તેની ઉપેક્ષા કરી શકે નહીં. ગુજરાત મોડેલની પૂરેપૂરી પથારી ફરી ગઈ છે. ગુજરાત શિક્ષણક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે, એવું કહેવાય છે, પણ ખરેખર તો તે મરણફાળ ભરી રહ્યું હોય એવું વધારે લાગે છે. વિદેશના વિદ્યાર્થીઓ ક્વોલિટી એજ્યુકેશન માટે ગુજરાત આવી રહ્યા છે, એવી વાતોમાં પણ હવે બહુ કસ રહ્યો નથી. નીતિ આયોગના સસ્ટેનેબલ ડેવલપમેંટ ગોલ (SDG) ઇન્ડિયા ઇંડેક્સ 2023-2024ના રિપોર્ટે ગુજરાતને ઉઘાડું કરી મૂક્યું છે. ગુજરાતમાં જન્મતાં બાળકો પૈકી 11 ટકા એવાં છે જે સ્કૂલનું મોઢું જોવા જ નથી પામતાં. સરકાર જ શિક્ષણનું ખાનગીકરણ કરવાના મતની હોય તો એ વેપાર કરશે કે બીજું કૈં? લોકોના ટેક્સથી ચાલતું શિક્ષણ, છતાં સરકાર શિક્ષણની જવાબદારી ઉપાડવા નથી માંગતી. સરકાર ખાનગી નથી, મંત્રીઓ ખાનગી નથી, ધારાસભ્યો ખાનગી નથી, તે સરકારી છે, પણ શિક્ષણ ખાનગી કરીને સરકાર પ્રજાનો દ્રોહ કરી રહી છે.
એમ લાગે છે કે સરકારને શિક્ષણના સિઝનલ ધંધામાં વિશેષ રસ છે. ઓલિમ્પિક ચાલે છે એટલે શિક્ષણ સમિતિને પણ ઓલિમ્પિકથી ઓછું તો કૈં સૂઝતું જ નથી. ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન થાય છે. શિક્ષણ સમિતિ, સુરતે પણ સ્પોર્ટ્સ ટ્રેક, સ્પોર્ટ્સ શૂઝ આપવાનું નક્કી કર્યું છે. એને માટે 21 કરોડનાં ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એમ કરીને સમિતિ ખેલકૂદ એથ્લેટિક સ્પર્ધા માટે વિદ્યાર્થીઓને સુવિધા આપવા માંગે છે, પણ સમિતિ પાસે 325 સ્કૂલો વચ્ચે 50 મેદાન છે ને તેમાંના તાલીમ માટે ઓછા જ લાયક છે. 50 પી.ટી. શિક્ષકો છે, જેમાંના કેટલાક નિવૃત્ત થવામાં છે. 25 વર્ષમાં નવા પી.ટી. ટીચર્સની ભરતી થઈ નથી. જે છે તે વ્યાયામને બદલે અન્ય વિષયો ભણાવે છે. હવે ઓલિમ્પિક ફીવર ચડ્યો છે, એટલે કરાર આધારિત નવી નિમણૂકો થશે. આ બધું કામચલાઉ ધોરણે ચાલે છે. એમાં જીવ નથી. આમાંના મોટે ભાગના એમ જ માને છે કે સ્પોર્ટ્સ વેર કે સ્પોર્ટ્સ શૂઝ પહેરવા માત્રથી જ ખેલ પ્રતિભા ઝળકી ઊઠે છે. આ બધાંમાં છૂપો રસ, કયા મળતિયાઓને સ્પોર્ટ્સ વેર કે સ્પોર્ટ્સ શૂઝના સપ્લાયનો લાભ મળે છે એ પણ લાગતા વળગતાઓ લેતા હોય છે. શિક્ષણ સમિતિનું બજેટ 965 કરોડનું છે, પણ હજારથી વધુ શિક્ષકોની ખોટ પૂરવાની તેની ત્રેવડ નથી ને વિદ્યા સહાયકો કે જ્ઞાન સહાયકોની નિમણૂકો કરીને આંગળાં ચાટીને સરકાર પેટ ભરે છે. જેને જેન્યુઇન રસ કહીએ છીએ તે આખા તંત્રમાં અપવાદરૂપે જ હોય તો હોય.
એક સાથે બધો જ દાટ શિક્ષણમાં વાળવો એવું ગુજરાત સરકારે નક્કી કર્યું હોય તેમ બધી જ અરાજકતા શિક્ષણમાં એક સાથે જોવા મળે છે. જરા જેટલી પણ પરવા પ્રજાની ન કરવાની હોય તેમ શૈક્ષણિક પાસાંઓ બાબતે સરકાર ઉદાસીન છે. બધું બંધ કરવાની રીતે જ સરકાર ઉલાળિયો કરવા બેઠી છે. વિદ્યાર્થીઓ નથી મળતા એ બહાના હેઠળ 38,000 સ્કૂલોમાંથી 5,612 સ્કૂલોને તાળાં મારીને સરકાર બેઠી છે. એને લીધે ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહે એમ છે. સરકારી સ્કૂલો બંધ થાય છે એ પ્રમાણમાં ખાનગી સ્કૂલો બંધ થતી નથી, બલકે, તે વધુ ખૂલે છે. જો વિદ્યાર્થીઓ ન મળતા હોય તો ખાનગી સ્કૂલો કેમ ખૂલે છે એનો ખુલાસો થવો જોઈએ. સરકારીમાં ઓછી ફી છતાં એ સ્કૂલો બંધ થાય છે અને ખાનગીમાં વધુ ફી છતાં સ્કૂલો ખૂલે છે એનું કોઈને જ આશ્ચર્ય નથી.
32,000 શિક્ષકોની ભરતી થતી નથી ને જ્ઞાન સહાયકોથી કામ એટલે કાઢવામાં આવે છે, કારણ તેમને નિવૃત્તિનાં પેન્શન વગેરે લાભો આપવા ન પડે. શિક્ષણ ખાતાનાં મંત્રીઓ, અધિકારીઓ પેન્શન લેવાના છે, પણ શિક્ષકોને એ લાભ આપતા સરકાર હાથ તંગ રાખે એ બરાબર નથી. સરકારી સ્કૂલોમાં ઓછી ફી હોવાથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે, એમને શિક્ષકો વગર ભણાવવાની વાત કરવી એ મોટું શૈક્ષણિક પાપ છે. આદિવાસી વિસ્તારની પૂર્વ પટ્ટીમાં 353 સ્કૂલો એક જ શિક્ષકથી ચાલે છે. રાજ્યમાં 1,657 સ્કૂલો એવી છે જે એક જ શિક્ષકથી ચાલે છે. શિક્ષકોને મામલે જ કંજૂસી થાય છે, એવું નથી, સ્કૂલો, વર્ગખંડોને મામલે પણ સરકાર દરિદ્રી છે. 38 હજાર ખંડોની ઘટ છે. 341 શાળાઓ એવી છે જેને માત્ર એક જ વર્ગ છે. 14,652 શાળાઓ એવી છે જેનાં એક જ ખંડમાં એકથી વધુ ધોરણો ચાલે છે. ગુજરાતભરની 3,353 સ્કૂલોમાં 10,698 ઓરડા જર્જરિત છે. રાજ્યની 31 ટકા સરકારી સ્કૂલોમાં પીવાનાં પાણીની વ્યવસ્થા નથી. કાયમી નોકરીની આશામાં ટેટ-ટાટ પાસ કરનાર 50,000 ઉમેદવારો જ્ઞાન સહાયકની નોકરી કરવા લાચાર છે. આ રીતે સરકાર પોતે જ ઉમેદવારોનું આર્થિક શોષણ કરી રહી છે. આ બધી વિગતો જોતાં ક્યાં ય એવું લાગતું નથી કે સરકાર, સરકારી શિક્ષણને મામલે ગંભીર છે.
શિક્ષણ ખાતું જો સરકારે પોતાને હસ્તક રાખ્યું જ છે, તો એક પણ તબક્કે કલેરિટી કેમ નથી તે નથી સમજાતું. સ્કૂલો ખોલી છે તો, તે સારી સ્થિતિમાં સક્રિય હોય એટલું જોવામાં સરકારને શી તકલીફ નડે છે? જો વિદ્યાર્થીઓને ભણાવવા જ હોય તો શિક્ષકો પૂરતા રાખવામાં કરકસર કેમ છે? વર્ગખંડો હોય ને ભણાવવા જ વાપરવાના હોય તો તે વ્યવસ્થિત હોય એટલું ઓછામાં ઓછું તો જોવાયને ! એક શિક્ષક એકથી વધુ વર્ગો સંભાળે કે એક જ ઓરડામાં આખી સ્કૂલ ચાલતી હોય એવું કરવામાં શિક્ષણની કઈ વિશેષ સેવા થાય છે? છતે શિક્ષકે, શિક્ષકોનો દુકાળ સર્જવામાં સરકાર શું વધુ પ્રાપ્ત કરી શકે એમ છે? કોઈ ખાનગી સ્કૂલ આટલી બેદરકારીથી કોઈ સંચાલક ચલાવશે તો તે સરકાર ચલાવે એમ છે? જો નહીં, તો જાણી જોઈને સરકાર શિક્ષણની અવદશા શું કામ નોતરે છે? આ એવી કઈ સિદ્ધિ છે જેને માટે સરકાર આટલી મહેનત કરે છે?
આ ગમે એટલી ઉદારતાથી જોવાય તો પણ શિક્ષણના હિતમાં નથી તે સરકારે સમજી લેવાનું રહે. આટલો અણઘડ કારભાર આટલાં વર્ષની કોઈ પણ સરકારમાં ક્યારે ય જોવા મળ્યો નથી તે સખેદ નોંધ્યે જ છૂટકો છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 ઑગસ્ટ 2024