ગાંધીનો વિચારવારસો,
અનસૂયાબહેનની સેવાપરાયણતા
અને બહેનોની કર્મણ્યતાથી
‘સેવા’ પચાસ વર્ષનો સુવર્ણ પડાવ પાર કરીને
૫૧માં વર્ષમાં પ્રવેશી ચૂકી છે.
પાંચ દાયકાની આ મજલ-દડમજલને
કેવી રીતે જોઈશું, ભલા?!
અફઘાનિસ્તાન અને આફ્રિકાના દેશો સુધી
વિસ્તરેલી પૂર્ણ રોજગાર આપતી શાખાઓ થકી કે
ગુજરાત અને દેશનાં અંતરિયાળ ગામડાં સુધી
ઝમેલાં મહિલાઓના સંપૂર્ણ સ્વાશ્રય થકી?
વિશ્વભરના સૌથી મોટા કહેવાતા
શ્રમિક-મહિલાઓનાં સંગઠન થકી કે
સંગઠનની પેલે પાર, માંહોમાંહે હંમેશ રહેતાં
સદ્દભાવ અને સંવાદના અવકાશ થકી?
‘ઓર્ગેનાઇઝેશન મોડેલ’, ‘ઇકોનોમિક ટુલ્સ’ને
‘ઍક્શન ઓરિએન્ટેડ રિસર્ચ’ જેવા
અક્કલને ચકરાવે ચડાવે એવા
એકવીસમી સદીના વિશિષ્ટ શબ્દસમૂહો થકી કે
વીસમી સદીની ગામડાંની નિશાળમાં ભણેલી
ને 'ગાંધીની શાળા'માં ગણેલી
બહેનોની કોઠાસૂઝ થકી?
જિજ્ઞાસા ઘણી છે;
પ્રશ્નો ય છે પૂછવા જેવા કેટલાક,
પણ જવાબ આ બધાનો એક જ છે :
_"એકડે એક, ગાંધીની રાખો ટેક_
_મારી બહેનો, સ્વરાજ લેવું સહેલ છે…"_
ગુજરાતની ગરબીમાં આ ગરબો છો ભૂલાયો
પણ ‘સેવા’ની બહેનોનાં કામમાં હજુ આ ગુંજી રહ્યો છે.
સ્વને ‘સેવા’ના પ્રતિનિધિથી વિશેષ કાંઈ ન ગણાવતાં
અને જ્યાં જ્યાં મહત્ત્વપૂર્ણ વિચાર, સિદ્ધિ કે ઉપલબ્ધિનો ઉલ્લેખ થાય
ત્યાં ત્યાં અચૂક ‘સેવા’ની બહેનોનાં જ નામ આગળ ધરતાં
ઇલા ર. ભટ્ટ સાથેની મુલાકાતના અંશો,
‘નિરીક્ષક’ના પાને ને ‘ઓપિનિયન’ની દિવાલે
મુકવાનો ખ્યાલ તો છે.
જોઈએ … કેવા સ્વરૂપે અવતરે છે!
મળીએ છીએ, આવતા અંકે
૧ મે – ગુજરાત રાજ્ય સ્થાપના દિન ને
આંતરરાષ્ટ્રીય શ્રમિક દિને.
૧૨ એપ્રિલ ૨૦૨૨; 'સેવા' સ્થાપના દિન
e.mail : ketanrupera@gmail.com